ખબર છે તમને, પાપડ-ચૂરી ઓરિજિનલી મોગલાઈ આઇટમ છે?

29 July, 2021 05:29 PM IST  |  Mumbai | Sanjay Goradia

જેનો એક અર્થ એવો પણ થયો કે પાપડની શોધ પણ મોગલ-સામ્રાજ્યમાં થઈ હતી

લસ્સી જેવી ઘાટ્ટી છાશ એટલે કે કચ્છી બિયર અને સાથે પાપડ-ચૂરીનો ટેન્ગી ટેસ્ટ માણ્યા પછી મનમાં ચોક્કસ થાય કે આ જ લંચ કે ડિનર હોવું જોઈએ.

જો તમે વાંચ્યું હોય તો થોડા દિવસ પહેલાં સમાચાર આવ્યા હતા કે ૭૦ વર્ષથી ચાલતી ચોપાટીની બહુ પૉપ્યુલર એવી ક્રિસ્ટલ રેસ્ટોરાં બંધ થઈ જશે. ક્રિસ્ટલનો એમાં કોઈ વાંક નથી, મુદ્દો આખો જુદો છે. વિલ્સન કૉલેજની બાજુમાં આવેલી જે ક્રિસ્ટલ રેસ્ટોરાં છે એ બિલ્ડિંંગ સાવ ખખડધજ થઈ ગયું છે, ક્યારેય પણ પડી જાય એવું લાગે છે. ભાડૂતો અને મકાનમાલિકો વચ્ચેના ડિસ્પ્યુટને કારણે બિલ્ડિંગ રિપેર થયું જ નહીં. બિલ્ડિંગની આ હાલત જોઈને મ્હાડાએ નોટિસ આપી છે કે સૌએ બિલ્ડિંગ ખાલી કરવું પડશે. બધા ભાડૂતો આ ઑર્ડર સામે અપીલમાં ગયા છે. 
ક્રિસ્ટલમાં હું તો અનેક વખત જમ્યો છું, પણ બંધ થવાના આ સમાચાર આવ્યા પછી મને થયું કે ક્રિસ્ટલ બંધ થાય એ પહેલાં ત્યાં જઈને એનો રસાસ્વાદ તમારા સુધી પહોંચાડું. ક્રિસ્ટલની બધી વાનગીઓ સરસ, પણ એમ છતાં કહેવું પડે કે એની દાળ, ફુલકા રોટી અને ખીર લાજવાબ છે. સવારે હળવો નાસ્તો કરીને આપણે તો ઉપાડી આપણી ગાડી ફૂડ ડ્રાઇવ માટે, પણ ક્રિસ્ટલ પહોંચીને ખબર પડી કે અહીં તો માત્ર પાર્સલ જ ચાલુ છે. સૅન્ડવિચ કે વડાપાંઉ પાર્સલ લઈને ખાઈ શકાય, પણ રોટલી-દાળ-ભાત-શાક ગાડીમાં બેસીને ખાવું તો ફાવે નહીં એટલે ક્રિસ્ટલ જો ક્યાંય શિફ્ટ થાય તો એ સમયે એની ફૂડ ડ્રાઇવ કરવાનું નક્કી કરીને વિચાર્યું કે ચાલો કચ્છી બિયર અને પાપડ-ચૂરીનો આસ્વાદ માણીએ. 
તમે સમજી જ ગયા હશો કે કચ્છી બિયર એટલે છાશ. છાશને કચ્છી બિયર નામ આપવાનું કામ ભગત તારાચંદે કર્યું. ભગત તારાચંદની કોઈ પણ જગ્યાએ જઈને તમે કચ્છી બિયર માગો એટલે તમને છાશ જ મળે અને છાશ પણ કેવી, સાહેબ, સૉલ્ટેડ લસ્સી જ જોઈ લો. એટલી જ ઘાટી અને એવી જ ટેસ્ટી. ભગત તારાચંદે છાશને કચ્છી બિયર નામ આપ્યું એ પછી બીજી ઘણી રેસ્ટોરાંએ એની કૉપી કરવાનું શરૂ કરી દીધું.
૧૮૯પના વર્ષમાં ભગત તારાચંદની પહેલી રેસ્ટોરાં કરાચીમાં શરૂ થઈ અને મુંબઈમાં શરૂ થઈ ૭૦ના દસકામાં. ભગત તારાચંદની અનેક સિગ્નેચર વરાઇટીઝ છે, જેમાંથી એક છે, પાપડ-ચૂરી. કચ્છી બિયરની જેમ હવે તો પાપડ-ચૂરી પણ બીજે મળવા માંડી છે. આપણે જે ક્રિસ્ટલ રેસ્ટોરાંની વાતથી શરૂઆત કરી ત્યાં પણ પાપડ-ચૂરી મળે જ છે, પણ ભગતની પાપડ-ચૂરીની તોલે કોઈ ન આવે. હવે તો ત્યાં ખીચિયાની પણ પાપડ-ચૂરી મળે છે, પણ ઓરિજિનલ પાપડ-ચૂરી તો અડદના પાપડમાંથી જ બને.
પાપડનો ચૂરો કરી પછી એમાં બટર મિક્સ કરવામાં આવે અને પછી એમાં મસાલા, કોથમીર અને તળેલા કાંદા નાખીને તમને આપે. બહુ સરસ આઇટમ. પાપડ-ચૂરી એ ઓરિજિનલી મોગલાઈ આઇટમ છે. જમવામાં તળેલા કાંદા નાખવાની આ સ્ટાઇલ પણ મુસ્લિમોની છે. તળેલા કાંદાને એ લોકો બરિસ્તા કહે છે. તમે જો ઇજિપ્ત જાઓ તો ત્યાંની ૮૦ ટકા વરાઇટીમાં આ બરિસ્તા હોય જ હોય. કહો કે એ લોકો માટે આ બરિસ્તા એક અગત્યનું એક ઇન્ગ્રિમડિલયન્ટ છે. આપણે જેમ દાળ-શાક કે બીજી આઇટમ તૈયાર થઈ ગયા પછી એના પર કોથમીર ભભરાવીએ એવી રીતે એ લોકો બરિસ્તા એના પર ભભરાવે.
ભગત તારાચંદમાં ખાવા માટે તો તમે ઘણી વખત ગયા હશો, પણ જો ક્યારેક ભૂખ ન લાગી હોય અને હળવો નાસ્તો કરવાનું મન થયું હોય તો કચ્છી બિયર અને એની સાથે પાપડ-ચૂરીનો નાસ્તો કરવા જેવો છે. પેટને હળવાશ રહેશે અને જીભને સ્વાદ મળશે.

mumbai food Gujarati food indian food Sanjay Goradia columnists