‌મેક્સિકન ચિલીની મજેદાર મિજબાની

23 June, 2022 02:46 PM IST  |  Mumbai | Sejal Patel

બાંદરાના લિન્કિંગ રોડની પાછળ મસ્ત તાપાસ સ્ટાઇલ રેસ્ટોરાં બિન્જમાં અમે હાબનેરો મરચાંની મજાની જયાફત માણી. આમ તો કૉકટેલ અને સ્મૉલ પ્લેટ્સ માટે આ જગ્યા જાણીતી છે, પણ અહીંની વાનગીઓ ઇન્ડિયન પૅલિટને પણ જલસો પાડે એમ છે

એડમામે ટ્રફલ ક્રૉકેટ

જ્યારે બે વીક પહેલાં આપણે લેટિન અમેરિકન સ્ટાઇલ કૅફે ડ્યુકોના ટાકોઝની વાત કરી હતી ત્યારે કેટલાક વાચકોએ અમને બાંદરામાં જ ખૂલેલા બાસ્ટિઅન ગ્રુપ દ્વારા શરૂ થયેલી બિન્જ રેસ્ટોરાંમાં પણ સરસ ટાકોઝ મળે છે એવો ફીડબૅક આપેલો. અમે એનું મેનુ તપાસ્યું તો ખબર પડી કે અહીં માત્ર ટાકોઝ જ નહીં, સ્પૅનિશ-મેક્સિકન મિજબાની થઈ શકે એવું છે. બાંદરાના ઑફ લિન્કિંગ રોડ પર આવેલી બિન્જ બાય બાસ્ટિઅન એ તાપાસ સ્ટાઇલ રેસ્ટોરાં છે. આ તાપાસ એટલે શું એમાં ટપ્પો ન પડે એ સ્વાભાવિક છે. તાપાસ શબ્દ સ્પૅનિશ ક્વિઝીનનો છે. એમાં ઘણીબધી નાની-નાની ડિશિસ હોય જે નાસ્તા કે સ્મૉલ તરીકે વપરાતી હોય એવી વાનગીઓ. મતલબ કે આપણે બપોરિયામાં કે ડિનરમાં જે નાસ્તા જેવી આઇટમો બનાવીને છીએ એવું. 
અમે એક ઢળતી સાંજે બિન્જ પહોંચ્યા ત્યારે સાંજના છ વાગ્યા હતા. આ રેસ્ટોરાં સવારે ચાલુ નથી હોતી. બે પ્રકારની સિટિંગ અરેન્જમેન્ટ છે. અંદર પણ બેસી શકાય, પરંતુ બહાર ઓપન ઍરમાં વધુ મજા છે. મસ્ત મક્રામેની છત્રીઓ બનાવેલી છે અને ઉપર આરપાર જોઈ શકાય એવી કાચની છત છે. એને કારણે વરસાદથી પ્રોટેક્શન પણ મળે અને જાણે વરસતા વરસાદની વચ્ચે બેઠા હો એવી ફીલ પણ આવે. આ રેસ્ટોરાંનું મેનુ ક્યુરેટ કર્યું છે મેક્સિકન શેફ વિક્ટર મૅન્યુઅલ મરગ્યુઆ મૅન્સિલાએ. નામ ભલે ભારેખમ હોય, શેફ વિક્ટર એટલા મળતાવડા છે કે અહીંના દરેક કસ્ટમરના ટેબલ પર જઈને તેમની પસંદ જાણીને તેમને શું ભાવશે એ રેકમન્ડ કરવામાં પણ એટલા જ ઉત્સાહી છે. મેનુમાં ઘણાં નામો જાણે આપણે પહેલી વાર વાંચતા હોય એવું લાગી શકે એવામાં જાણીતી વ્યક્તિની મદદ લેવી સેફ રહે. અમે પણ વેજિટેરિયન્સ માટે તેમનાં શું રેકમેન્ડેશન્સ છે એ શેફ વિક્ટરને પૂછીને જ આગળ વધ્યા અને પછી મિજબાની શરૂ થઈ એક પછી એક લિજ્જતદાર વાનગીઓની. 

સૌથી પહેલાં અમે અહીંની બહુ વખણાતી ડિશ એસ્કિટ ઑર્ડર કરીને શેફ સાથે ગોષ્ઠિ માંડી. બાસ્ટિઅન ગ્રૅન્ડ અને લાર્જર ધૅન લાઇફ મેનુ ધરાવે છે, જ્યારે બિન્જમાં જાઓ તો જાણે કોઈ પ્રાઇવેટ બંગલોમાં એકદમ ફ્રેન્ડ્લી વાતાવરણમાં પાર્ટી ચાલી રહી હોય એવું લાગે. લેટિન અમેરિકન ક્વિઝીનમાં પણ વધુ ફોકસ શાના પર છે એની વાત કરતાં શેફ વિક્ટર કહે છે, ‘અહીં મેઇનલી તમને મેક્સિકન, સ્પૅનિશ વાનગીઓ જોવા મળશે. દરેક ડિશમાં વપરાતાં સ્પાઇસિસમાં ખાસિયત છુપાયેલી છે. ઇન્ડિયન પૅલેટને પસંદ આવે એનું ધ્યાન રાખવા ઉપરાંત અમે વેજિટેરિયન ડિશિસને પણ ઇક્વલ મહત્ત્વ આપ્યું છે. મેનુમાં ૨૧ વેજ અને ૨૧ નૉન-વેજ ડિશિસ છે.’

એવામાં બે વાનગીઓ અમારી સામે સર્વ થઈ. એસ્કિટ્સ અને ગ્વાકામોલ. એસ્કિટ કૉર્નનું હૉટ સૅલડ છે. એમાં જાણે તમામ રસોનો સમન્વય થયેલો છે. એ સ્મોકી છે, સ્વીટ અને સ્પાઇસી પણ છે, ચીઝી અને ક્રીમી પણ છે અને ટૅન્ગી હોવા ઉપરાંત છેક છેલ્લે મસ્ત લેમન ટેસ્ટ રહી જાય એવું છે. યસ, કન્ફ્યુઝ થઈ જવાય એમ છેને! પણ જીભને જલસો પડી જશે એની ગૅરન્ટી. બીજી ડિશ ગ્વાકામોલ એ અવાકાડોમાંથી બનતું ડિપ છે. ગ્વાકામોલ તમે કોઈ પણ ગૉરમે રેસ્ટોરાંમાં મળી જ જશે, પણ અહીંના ગ્વાકામોલમાં કંઈક અલગ જ પ્રકારની ક્રીમીનેસ અને સ્પાઇસીનેસ જોવા મળી. આ ગ્વાકામોલ તમને કૉર્ન ચિપ્સ અને ચાર પ્રકારનાં અન્ય ડિપ્સ સાથે સર્વ કરવામાં આવે છે. ચારેય ડિપના ટેસ્ટ એકદમ હટકે અને જુદા છે. ચિપ્સ પર જે લાલ મરચું છાંટવામાં આવ્યું છે એમાં પાંચ પ્રકારનાં મેક્સિકન મરચાં અને લેમન છાંટવામાં આવ્યાં છે. એ ચિપને પહેલાં ગ્વાકામોલમાં ડિપ કરવાની અને પછી તમને મનગમતા સૉસમાં બોળીને ખાવાની. 

આગળ કહ્યું એમ તાપાસ સ્પૅનિશ નાસ્તા અને સ્મૉલ ડિશની સ્ટાઇલ છે. અહીં બધું જ તમને સ્મૉલ સર્વિંગ્સમાં મળશે, પણ એક સૅલડ છે જેનો બાઉલ જાયન્ટ સાઇઝનો છે. એ છે પોમેલો સૅલડ. પોમેલો આપણા ગ્રેપ ફ્રૂટ જેવું છે. એમાં મિક્સ્ડ લેટસ, કુકમ્બર, બીટરૂટ અને હાઇડ્રોપૉનિક અરાગુલા છે જેને સોય હની અને વિનેગરમાં મૅરિનેટ કરવામાં આવ્યાં છે. અહીં શેફ સાથે વાત કરતાં જાણવા મળ્યું કે સૉઇલમાં ઊગતી ભાજી અને હાઇડ્રોપૉનિક્સ એટલે કે પાણીમાં ઊગતી પાનવાળી ભાજીના સ્વાદ અને ક્રન્ચીનેસમાં પણ બહુ ફરક હોય છે. 

વરસાદની મોસમ હોય ત્યારે કંઈક સ્પાઇસી અને તળેલું ખાવાની ઇચ્છા જરૂર થાય. એ માટે અમે એડમામે ટ્રફલ ક્રૉકેટ ટ્રાય કર્યાં. એડમામે એટલે કે ગ્રીન સોયાબીનના દાણાનું મેયોનીઝ અને એમાં ટ્રફલની અત્યંત માઇલ્ડ ફ્લેવરનું સ્ટફિંગ હતું. એનું આઉટર કવર એટલું મસ્ત ક્રન્ચી છે કે એનો અવાજ તમારી બાજુવાળાને પણ અવાજ સંભળાશે! અને અંદરનું પૂરણ એટલું ક્રીમી અને સૉફ્ટ કે મોંમાં સ્વાદનો ફુવારો ઊડશે. 

મેક્સિકન ડિશની વાત હોય તો એમાં એનાં અલગ-અલગ પ્રકારનાં મરચાંનો કેવી રીતે ઉપયોગ થયો છે જોવાનું હોય અને એમાં શેફ વિક્ટરે સજેસ્ટ કરેલું અબાનેરો પનીર બાજી મારી જાય એવું છે. આમ તો આ ડિશ બનાવવામાં કોઈક તબક્કે ટકીલાનો ઉપયોગ થાય છે, પણ આલ્કોહૉલ ન લેતા હોવાથી રિક્વેસ્ટ કરીને એના વિનાની ડિશ ઑર્ડર કરી. અબાનેરો પેપરની સ્પાઇસીનેસ અને સ્મોકી પનીરનું કૉમ્બિનેશન ખૂબ જ મજાનું હતું. આ અબાનેરો પ્રકારનું મરચું એક સમયે વિશ્વનું સૌથી તીખું મરચું ગણાતું હતું. જોકે હવે એનો તીખાશનો સ્કેલ પાર કરી દે એવાં બીજાં મરચાં આવી ગયાં છે. આ અબાનેરો મરચાંની સ્પાઇસીનેસ દરેક જગ્યાએ લાઇમ સાથે વાપરવામાં આવી હતી જેને કારણે જીભ અને તાળવાંને મીઠી ચચરાટી થતી હતી. 

બધી જ સ્મૉલ ડિશિસ હોય અને કોઈકને ડિનરમાં હેવી ફૂડ લેવું હોય તો એ માટે પણ અહીં ઘણા ઑપ્શન છે. એ છે એન્ચિલાડાઝ. રોસ્ટેડ ટમેટાં, કાંદા, આલાપીનોની ગ્રેવીમાં મકાઈની ટૉર્ટિલાને સ્ટફ કરવામાં આવેલી. આ વાનગી ઇન્ડિયન ફૂડના રસિકોને પણ બહુ જ ભાવશે. 

સ્વીટ ડિશમાં આમ તો અઢળક ઑપ્શન્સ છે, પણ અમે અહીંનાં ખૂબ વખણાતાં સ્ટફ્ડ ડૉનટ્સ ટ્રાય કર્યાં. બિસ્કૉફ સૉસનું પૂરણ ભરેલાં મિનીએચર ડૉનટ્સની ઉપર અલગ-અલગ પ્રકારની ચૉકલેટ્સનું ડ્રેસિંગ હતું. સાથે ક્રન્ચી ચૉકલેટનાં પીસીસ પણ હતાં. આખેઆખું ડૉનટ મોંમાં મૂકો અને અંદરથી બિસ્કૉફ સૉસ બર્સ્ટ થાય એટલે તમે ક્યાંય સુધી સ્વાદ વાગોળી શકો.

મૉકટેલ મસ્તી

અહીં બહુ મોટું કૉકટેલનું મેનુ છે. કદાચ આલ્કોહૉલ વિનાનાં મૉકટેલ્સનું લિસ્ટ ઓછું લાગી શકે, પણ કેટલાંક મૉકટેલ્સ એવાં છે જેને તમે માઇનસ આલ્કોહૉલ બની શકે એમ છે કે નહીં એની રિક્વેસ્ટ કરી શકો. અમે આવાં ત્રણ મૉકટેલ ટ્રાય કર્યાં જેમાંથી એક પૅશન ફ્રૂટમાંથી બનેલું હતું ને બીજું પાઇનૅપલ ડિલાઇટ. બન્નેને સર્વ કરતી વખતે ગ્લાસ પર અડધી રિન્ગ પેપર-લેમન અને અડધી રિન્ગ રૉક સૉલ્ટમાં ડિપ કરેલી. એને કારણે ગ્લાસની દરેક કિનારીએથી તમને અલગ-અલગ સ્વાદવાળું ડ્રિન્ક માણવા મળે. એક રિન્ગ માય બેલ પેપર નામનું ડ્રિન્ક ટ્રાય કર્યું એમાં વાઇટ ડ્રિન્કમાં લાલ અને યલો બેલ પેપરની ફ્લેવર હતી. મરચાંની ફ્લેવરવાળું ડ્રિન્ક આજ દિન સુધી ક્યાંય ટ્રાય નથી કર્યું, પણ કરવું મસ્ટ છે.

life and style mumbai food sejal patel