5 ટુ 9નો ટ્રેન્ડ તમારા જીવનને સુધારી દેશે

12 March, 2025 06:53 AM IST  |  Mumbai | Kajal Rampariya

છેલ્લા કેટલાક સમયથી ઇન્ટરનેટ પર ચર્ચાતા આ ટ્રેન્ડ પાછળનો મુખ્ય હેતુ એટલો જ કે જૉબ પર જતાં પહેલાં સવારનો થોડો સમય સેલ્ફ-કૅર ઍક્ટિવિટી કરવામાં વિતાવશો તો હેલ્ધી, હૅપી અને સ્ટ્રેસ-ફ્રી લાઇફ જીવશો

પ્રતીકાત્મક તસવીર

‘રાતે વહેલા જે સૂવે, વહેલા ઊઠે વીર, બળ-બુદ્ધિ ને ધન વધે, સુખમાં રહે શરીર.’ આ કહેવત આપણને વહેલા સૂઈને સૂર્યોદય પહેલાં ઊઠવાના ફાયદાઓ ગણાવે છે. શાસ્ત્રોમાં વહેલા ઊઠવું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે સર્વોત્તમ ગણાવ્યું છે, પણ આપણે એને ફૉલો કરતા નથી. મોડી રાત સુધી ઉજાગરા કરવા, મન ફાવે ત્યારે પીત્ઝા-પાસ્તા જેવું જન્ક ફૂડ ખાવું, સાત કલાકથી ઓછી ઊંઘ લેવી જેવાં કારણોસર શરીર બીમારીનું ઘર બની જાય છે. અનિયમિત અને અનહેલ્ધી લાઇફસ્ટાઇલને લીધે અને સેલ્ફ-કૅર ન કરવાને લીધે ગંભીર બીમારીઓ થાય છે, તનાવ વધે છે, માનસિક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ ઊભી થાય છે, જીવન હેલ્ધી જીવી શકાતું નથી. લાઇફસ્ટાઇલને સુધારવા અને સ્વ પ્રત્યે થોડું વધુ ધ્યાન આપી શકાય એ હેતુથી વિદેશોમાં 5 ટુ 9નો ટ્રેન્ડ પ્રચલિત થઈ રહ્યો છે. નોકરી પર જતા પહેલાં થોડો સમય પોતાના માટે કાઢી શકાય એ હેતુથી શરૂ થયેલો ટ્રેન્ડ હવે ભારતમાં આવ્યો છે. આ ટ્રેન્ડ આપણા માટે કઈ રીતે ફાયદાકારક છે તથા એને અપનાવવા શું કરવું જોઈએ, કેવી ઍક્ટિવિટી કરવાથી લાઇફસ્ટાઇલને સરળતાથી હેલ્ધી બનાવી શકાય એ વિશે હેલ્થ અને વેલનેસ ઇન્ડસ્ટ્રીમાં ૪૫ વર્ષનો અનુભવ ધરાવતા વિખ્યાત લાઇફ કોચ અને હોલિસ્ટિક હેલ્થ એક્સપર્ટ ડૉ. મિકી મહેતા પાસેથી જાણીએ. તેઓ કૅન્સર, ઑલ્ઝાઇમર્સ અને પાર્કિન્સન્સ જેવી ગંભીર બીમારીઓ ધરાવતા લોકોને આયુર્વેદ, યોગ અને નૅચરોપથીની મદદથી સાજા કરે છે અને આ સાથે જીવનને હેલ્ધી અને હૅપી કેવી રીતે જીવવું તથા પર્સનલ અને પ્રોફેશનલ લાઇફમાં બૅલૅન્સ કઈ રીતે જાળવવું, સ્વ માટે શા માટે સમય કાઢવો જોઈએ એનું ગ્લોબલ લેવલ પર કાઉન્સેલિંગ અને થેરપી પણ આપે છે.

શું છે 5 ટુ 9નો ટ્રેન્ડ?

મેટ્રો સિટીમાં મોટા ભાગના નોકરિયાત લોકો 9 ટુ 5ની જૉબ કરતા હોય છે. સવારે નવ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધીની નોકરી કરીને ઘરે આવ્યા બાદ ઘરની જવાબદારી અને આગલા દિવસના ઑફિસ-વર્કનું ટેન્શન રહેતું હોય છે. નોકરીને કારણે ઘણા લોકો પર્સનલ અને પ્રોફેશનલ લાઇફને બૅલૅન્સ કરી શકતા નથી. પરિણામે લાઇફસ્ટાઇલને લગતા ડિસઑર્ડર્સ, સ્ટ્રેસ, મેન્ટલ હેલ્થ સંબંધિત સમસ્યાઓ, અનહેલ્ધી લાઇફસ્ટાઇલને લીધે શારીરિક સમસ્યાઓ, સંબંધો સચવાતા નથી જેવા અઢળક પ્રૉબ્લેમ્સ આવતા હોય છે અને એની અસર આપણી પ્રોડક્ટિવિટી અને ક્રીએટિવિટી પર થતી હોય છે. એના સૉલ્યુશન તરીકે સોશ્યલ મીડિયા પર 5 ટુ 9નો ટ્રન્ડ ચાલી રહ્યો છે. સિમ્પલ ભાષામાં કહીએ તો 5 ટુ 9 સવારે કામે જતાં પહેલાંનો સમય છે. આ ટ્રેન્ડ મુજબ જો જીવનમાં પ્રોડક્ટિવિટીને સુધારવી હોય તો 9 ટુ 5ની જૉબની શરૂઆત કરતાં પહેલાં સવારે 5 ટુ 9નો સમય તમારી જાત માટે આપવો જોઈએ. એમાં સવારના ચાર કલાક પોતાના માટે કાઢીને ધ્યાન, પ્રાણાયામ, યોગ, એક્સરસાઇઝ અને હેલ્ધી બ્રેકફાસ્ટ કરીને દિવસની શરૂઆત કરવી જોઈએ. આ  ટ્રેન્ડને અનુસરવામાં આવે તો એ વર્ક-લાઇફ બૅલૅન્સને જાળવવામાં જ નહીં પણ પર્સનલ લાઇફને વધુ સારી બનાવવા તથા ફિઝિકલી ફિટ રહેવામાં પણ એ મદદ કરે છે એવું સોશ્યલ મીડિયા ઇન્ફ્લુઅન્સર્સનું માનવું છે.

5 ટુ 9ના ફાયદાઓ

આપણા હિન્દુ ધર્મમાં બ્રાહ્મ મુહૂર્ત એટલે સવારે ચાર વાગ્યે ઊઠી જવું એને શ્રેષ્ઠ ગણવામાં આવ્યું છે. આ સમયે ઊઠનારી વ્યક્તિ પુષ્ટ, સ્વસ્થ, બળવાન અને સુખી બને છે. 5 ટુ 9નો ટ્રેન્ડ તો હમણાં આવ્યો છે, પણ આપણાં શાસ્ત્રોમાં વહેલા ઊઠવાના લાભ દર્શાવ્યા છે. એનાથી તન અને મન સ્વસ્થ રહે છે અને ઊર્જાનો સંચાર થાય છે, પણ હવે મેટ્રો સિટીમાં વેસ્ટર્ન કલ્ચરના નિયમો આવી ગયા છે. મોડી રાત્રે સૂવું અને સવારે મોડા ઊઠવાની આદત થઈ ગઈ છે. ટેક્નૉલૉજીનો વધુપડતો વપરાશ પણ શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની સાથે પ્રોડક્ટિવિટી પર નકારાત્મક પ્રભાવ કરે છે. તેથી 5 ટુ 9નો ટ્રેન્ડ આપણને ઘણા ફાયદાઓ આપે છે.

શારીરિક સ્વાસ્થ્યને સુધારે

સવારે ચારથી પાંચ વાગ્યાની વચ્ચે ઊઠવાથી શરીરમાં આખા દિવસ દરમિયાન સ્ફૂર્તિ જળવાઈ રહે છે. સવારે ઊઠ્યા બાદ હળવી સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ કરવાથી ફ્રેશ ફીલ થાય છે અને આખો દિવસ શરીર ઍક્ટિવ રહે છે. ઘરની બાજુમાં ગાર્ડન હોય તો ત્યાં ૧૫-૨૦ મિનિટ વૉકિંગ કે જૉગિંગ કરી શકાય. જિમ જવું પણ બેસ્ટ ઑપ્શન છે. જો એ ન ફાવે તો મેડિટેશન કે યોગ પણ કરી શકાય. જો એ પણ ન થઈ શકે તો દરરોજ ૧૦ મિનિટ ધ્યાન ધરવાથી પણ માઇન્ડને સારું ફીલ થશે. મૂડ સારો રહેશે તો આખો દિવસ ફ્રેશનેસ જળવાઈ રહેશે. એને કારણે શરીરમાંથી હૅપી હૉર્મોન્સ રિલીઝ થશે, જે મનને ખુશ રાખશે. મન ખુશ રહેશે તો તન પણ સારું રહેશે.

આપમેળે હેલ્ધી ડાયટની આદત થશે

વહેલા ઊઠવાથી અને થોડી શારીરિક પ્રવૃત્તિઓ કરવાથી ભૂખ લાગે છે. તેથી એ સમયે જો ચા-નાસ્તામાં બ્રેડ, બટર કે ટોસ્ટ હોય તો શરીરને ઊર્જા મળતી નથી. શરીરમાં ઊર્જા જળવાઈ રહે એ માટે પૌષ્ટિક આહાર ખાવાની જરૂર છે. ચા અને કૉફીને બદલે સવારે પ્રોટીન શેક કે સીઝનલ ફ્રૂટ ખાવાની આદત બનાવવી જોઈએ. બપોરે અને રાત્રે પણ ભોજનમાં કઠોળ, શાકભાજી અને રોટલી જેવો સાત્ત્વિક આહાર અપનાવવો જોઈએ. એનાથી પણ શરીરને ફાયદો થાય છે અને આ ટ્રેન્ડને અનુસરવું પણ સાર્થક થાય છે.

લાઇફ સ્ટ્રેસલેસ થશે

સવારે વહેલા ઊઠીને થોડો સમય સેલ્ફ-કૅર ઍક્ટિવિટી માટે કાઢવામાં આવે તો મી ટાઇમ નથી મળતો એવી ફરિયાદો નહીં રહે. પોતાના માટે થોડો સમય કાઢવાથી રિલેશનશિપમાં પણ વધુ પ્રૉબ્લેમ આવતો નથી. પોતાને ફાળવેલા સમયમાં રિલેશનને સાચવવા તથા વર્ક-લાઇફને કઈ રીતે મૅનેજ કરવાં એ વિશે વિચારવાનો અને સમસ્યાના સમાધાન માટેનો સમય મળી રહે છે. આ સમય ન મળે એટલે સંબંધો ગૂંચવાય છે અને પછી સ્ટ્રેસ વધે છે. પ્રોફેશનલ લાઇફમાં પણ બૅલૅન્સ રહેતું નથી, પરિણામે સ્ટ્રેસ વધે અને મેન્ટલ હેલ્થ સંબંધિત સમસ્યાઓ થાય છે. તેથી સવારે 5 ટુ 9નો સમય પોતાની જાત માટે ફાળવવામાં આવે તો સ્ટ્રેસ ઓછું થશે અને ફોકસ જળવાઈ રહેશે. આ સમયમાં તમે પોતાની લાઇફનું મૅનેજમેન્ટ કરી શકશો અને બનાવેલા ગોલ્સને અચીવ પણ કરી શકશો.

કેવી ઍક્ટિવિટીઝ થઈ શકે?

સવારે 5થી 9નો સમય સ્વ માટે કાઢવાનો વિચાર કરવો થોડો ડિફિકલ્ટ લાગે પણ એક વાર તમે શરૂ કરશો અને આદત પડી જશે તો એ તમારા માટે ફાયદાઓ જ આપશે. સવારે ઊઠવું એ એક પ્રકારની હીલિંગ પ્રોસેસ છે. તેથી સવારે ઊઠીને યોગ જ કરવા કે વૉક પર જવું કમ્પલ્સરી છે એવું નથી, આપણાં ગુજરાતી ઘરોમાં ગૃહિણીઓને વહેલા ઊઠીને આધ્યાત્મિક પ્રવૃત્તિ કરવી અને પરિવારના લોકો માટે હેલ્ધી ભોજન બનાવવું ગમતું હોય છે. ઘણી લેડીઝ સવારના લાફ્ટર ક્લબ કે ઝુમ્બા ક્લાસમાં જોડાતી હોય છે. આને પણ હેલ્ધી જ ગણવામાં આવે છે. સ્ત્રીઓ માટે 5 ટુ 9ના ટ્રેન્ડને અનુસરવું ઇમ્પૉસિબલ નથી. તે પોતાના પરિવાર અને કરીઅરને બહુ જ સારી રીતે બૅલૅન્સ કરી શકે છે. પુરુષો પણ આવું કરી શકે છે, પણ તેમણે થોડું સેન્સિબલી આ ટ્રેન્ડને ફૉલો કરવાની જરૂર છે. એવું નથી કે આ ટ્રેન્ડ ફક્ત નોકરિયાત વર્ગ માટે જ છે, એને કોઈ પણ વ્યક્તિ સહેલાઈથી ફૉલો કરી શકે છે.

જ્યારે આ ટ્રેન્ડની વાત થાય તો સૌથી પહેલાં લોકોને એવો સવાલ થાય કે ચાર કલાક પોતાના માટે કેમ ફાળવવા? અહીં આ ટ્રેન્ડનો મતલબ એ નથી કે તમે સવારના ચાર કલાક એકાંતવાસમાં રહો. એનો હેતુ એટલો છે કે એને અનુસરીને હેલ્ધી અને ઍક્ટિવ લાઇફસ્ટાઇલ જીવી શકાય. નિત્યક્રમ કરીને પરિવાર સાથે સમય વિતાવવો પણ એક ઍક્ટિવિટી છે. સવારે વહેલા ઊઠીને થોડો સમય પરિવાર સાથે ખુશીની ક્ષણો વિતાવવાથી માઇન્ડ શાંત રહે છે. તેથી આ ચાર કલાક દરમિયાન હેલ્ધી રૂટીનને ફૉલો કરવાની સાથે ગમતી પ્રવૃત્તિ પણ કરી શકાય. હજી એક અગત્યની વાત એ છે કે જરૂરી નથી કે ચાર કલાક જ ફાળવવા, મનને શાંતિ મળે તો બે કલાક પણ પૂરતા છે. રૂટીન લાઇફથી બ્રેક લઈને ફ્રેન્ડ્સ અથવા ફૅમિલી સાથે આઉટિંગ કરવું જોઈએ જેથી માઇન્ડ ફ્રેશ થાય અને સંબંધો વધુ ગાઢ બને.

બધા પર લાગુ થાય?
5 ટુ 9નો ટ્રેન્ડ બધા જ લોકો પર લાગુ થાય એ શક્ય નથી. એ એટલા માટે નથી કારણ કે બધાના પ્રોફેશન અલગ-અલગ હોવાથી તેમની વર્ક-લાઇફનો સમય જુદો હોય છે. 5 ટુ 9ના ટ્રેન્ડને અનુસરવો હોય તો રાત્રે ૧૦ વાગ્યે સૂઈ જવું જોઈએ. ૧૦ વાગ્યાથી સવારે ચાર વાગ્યાનો સમય નિદ્રા માટે આઇડિયલ માનવામાં આવે છે. એની પાછળનું વિજ્ઞાન એવું છે કે વહેલા ઊઠવાથી શરીરનું એનર્જી-લેવલ જળવાઈ રહે છે. આ ઉપરાંત કામમાં ફોકસ રહે છે, બ્લડપ્રેશર કન્ટ્રોલમાં રહે છે. ઘણા લોકોને લેટ નાઇટ સુધી જૉબ હોય છે અથવા કોઈ કારણોસર તેમને મોડી રાત સુધી જાગવું પડે છે તો એ લોકો સવારે પાંચ વાગ્યે ઊઠી ન શકે અને જો ઊઠે તો તેમની સ્લીપ-સાઇકલ ખોરવાઈ જાય. ઓછી ઊંઘને લીધે બીજી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થાય. તેથી ટૂંકમાં જે લોકો રાત્રે ૧૦ વાગ્યે નથી સૂઈ શકતા એ લોકો માટે આ ટ્રેન્ડને અનુસરવું ઇમ્પૉસિબલ છે, પણ બની શકે એટલું મનને શાંત અને પ્રફુલ્લિત રાખવું અને પૉઝિટિવ ઍટિટ્યુડ સાથે જ સમય પસાર કરવો એ પણ જીવનમાં સકારાત્મક પરિણામો આપી શકે છે.

health tips mental health life and style diet ayurveda yoga columnists gujarati mid-day mumbai