06 May, 2025 03:40 PM IST | Mumbai | Ruchita Shah
અશ્વગંધા
સદીઓથી ભારતીયોની ચિકિત્સા પદ્ધતિમાં રાજ કરી રહેલી કુદરતની અમૂલ્ય ભેટ સમી આ જડીબુટ્ટીની દુનિયાભરમાં ડિમાન્ડ સતત વધતી રહી છે. અમેરિકા, લંડન અને જર્મનીમાં સૌથી વધુ એક્સપોર્ટ થતી અશ્વગંધા શરીરને શક્તિ આપવાથી લઈને ઇમ્યુનિટી બૂસ્ટર, સોજા દૂર કરનારી, સ્ટ્રેસ, ઍન્ગ્ઝાયટી સાથે અનિદ્રાની સમસ્યા દૂર કરનારી, પાચન સંબંધિત રોગોમાં રાહત આપનારી, ડાયાબિટીઝ-હૃદયરોગમાં ઉપયોગી છે. કઈ રીતે આ આયુર્વેદિક હર્બનું સેવન કરવું અને એની ખાસિયતો શું છે એ જાણીએ આજે
આયુર્વેદના સાચા નિષ્ણાતો ક્યારેય કોઈ મૅજિક મેડિસિનના કન્સેપ્ટને પ્રમોટ નથી કરતા હોતા. આજકાલ સોશ્યલ મીડિયા પર ચમત્કારી પૌધા કે ચમત્કારી જડીબુટ્ટીના નામે વિવિધ પરંપરાગત દવાઓને પ્રમોટ કરવાનો ટ્રેન્ડ ચાલ્યો છે ત્યારે આયુર્વેદના નિષ્ણાતો સતત કહેતા રહે છે કે કોઈ દવા ચમત્કારી નથી હોતી. દરેક પ્રકારની જડીબુટ્ટીનો પ્રભાવ એની ગુણવત્તા, વ્યક્તિની પોતાની તાસીર અને શરીરમાં રહેલા રોગની અવસ્થા પર નિર્ભર કરે છે. કદાચ આ જ કારણ છે કે આયુર્વેદ સહિતના તમામ ટ્રેડિશનલ સાયન્સમાં વન ફૉર ઑલનો ફંડા નથી. એક જ રોગના ત્રણ રોગીઓની દવા જુદી-જુદી હોઈ શકે કારણ કે આયુર્વેદ રોગનાં લક્ષણો પર નહીં પરંતુ એનાં કારણો અને મૂળ પર કામ કરે છે અને એક જ રોગનાં જુદી-જુદી વ્યક્તિમાં કારણો જુદાં હોઈ શકે. આટલી પૂર્વભૂમિકા પછી પણ આજે આપણે જે જડીબુટ્ટીની વાત કરવાના છીએ એ તમને મૅજિક મેડિસિન જ લાગશે. એના ગુણો અને એની ખાસિયતો જાણીને તમે એના પ્રેમમાં પડી જાઓ અને એના નિયમિત સેવન માટે ઉત્સુક બનો એવી પૂરી સંભાવના છે. એ જડીબુટ્ટીનું નામ છે અશ્વગંધા. અશ્વ એટલે કે ઘોડા અને ગંધ એટલે કે અશ્વમાંથી આવતી ખાસ સ્મેલ. આ જડીબુટ્ટી ઘોડા જેવો પાવર આપવા સમર્થ છે જેનાં શાસ્ત્રીય પ્રમાણ સાથે હવે તો વૈજ્ઞાનિક પ્રમાણ પણ ઉપલબ્ધ છે.
શાસ્ત્રોમાં સ્થાન
અશ્વગંધાનું સેવન આપણે ત્યાં હજારો વર્ષથી થતું આવ્યું છે. કોવિડમાં ઇમ્યુનિટી બૂસ્ટર તરીકે અશ્વગંધાએ લોકોને ખૂબ લાભ આપ્યો હતો. આયુષ મંત્રાલયના નૅશનલ મેડિસિનલ પ્લાન્ટ બોર્ડના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર ડૉ. મહેશકુમાર દધિચ કહે છે, ‘વેદોમાં અશ્વગંધાનો ઉલ્લેખ આવે છે. ઋગ્વેદમાં અને અથર્વવેદમાં પણ અશ્વગંધાની અકસીરતાની વાતો છે. અશ્વગંધા આયુર્વેદની દૃષ્ટિએ રસાયન છે એટલે કે એવી વસ્તુ જે શરીરને પુષ્ટ કરનારી હોય. રોગ હોય તો દૂર કરે અને રોગ શરીરમાં ન હોય તો એને આવતો અટકાવે એ આ રસાયન જડીબુટ્ટીની ખાસિયત હોય છે. ચરક સંહિતાનો શ્લોક છે, ‘યથા જરા વ્યાધિ વિધ્વંસિ ભૈષજમ્ તદ્રસાયનમ્’ એટલે કે જે વૃદ્ધત્વ અને બીમારીનો નાશ કરે એવું ઔષધ એટલે રસાયન. અશ્વગંધામાં એ ક્વૉલિટી છે. એ વ્યક્તિને નીરોગી અને સદૈવ યુવાન રાખવાનું કામ કરે છે. જેમ વરસાદમાં બહાર નીકળો અને પાસે જો છત્રી હોય તો તમે પલળશો નહીં. અશ્વગંધા રોગની સામે છત્રીની જેમ તમારી રક્ષા કરે છે. કોવિડકાળમાં લાખો લોકોએ ઇમ્યુનિટી અને ઓવરઑલ હેલ્થને જાળવી રાખવા માટે અશ્વગંધાનું સેવન કર્યું હતું અને એનાથી તેમને મદદ મળી હતી એનાં પ્રમાણો પણ છે. ૨૦૨૨માં અમે જીવનને બહેતર બનાવતી દવા તરીકે અશ્વગંધાનું ભરપૂર પ્રમોશન કર્યું અને એના પ્રત્યે લોકજાગૃતિ લાવી. આજે એનું પરિણામ એ આવ્યું છે કે અશ્વગંધાની માગ એટલી વધી કે પાંચ-સાત વર્ષ પહેલાં જે દવા પચાસ રૂપિયે કિલો મળતી હતી એ અત્યારે ૩૫૦થી ૪૦૦ રૂપિયે કિલો મળે છે. વિદેશમાં પણ અશ્વગંધાની માગ વધી છે. આજે ભારત પાસેથી જર્મની, અમેરિકા, યુકેમાં અશ્વગંધાની સર્વાધિક એક્સપોર્ટ થાય છે. એની ખેતી કરનારા ખેડૂતોની સંખ્યા વધી છે. પ્રાયઃ આ નિરુપદ્રવી દવા છે. જો પ્રમાણ સાથે લેવાય તો એ ફાયદો જ કરશે. જોકે અહીં એ સમજી લેવું જોઈએ કે અશ્વગંધાના મૂળનો પાઉડર લેવાની વાત છે, અશ્વગંધાનાં પાન કે ડાળીનો દવા તરીકે ઉપયોગ બિલકુલ નથી થતો અને ન જ કરવો જોઈએ.’
વૈજ્ઞાનિક પ્રમાણ
ભારતીય ચિકિત્સા પદ્ધતિ હજારો વર્ષોથી ચાલી આવી છે અને એની અકસીરતા વિશે સમયની એરણ પર સતત કસોટી દ્વારા ચકાસાતી રહી છે. એ પછીયે એને સ્યુડો સાયન્સ કહીને એનું મહત્ત્વ ઓછું કરવાના બદપ્રયાસો થયા છે. જોકે હવે વિદેશીઓ દ્વારા થતા ખોટા પ્રચાર પર લગામ લાવવા અને વધુ સ્પષ્ટતા સાથે પુરાવાબદ્ધ રજૂઆત પણ થઈ છે. અશ્વગંધાના કેસમાં પણ એવું બની ચૂક્યું છે. બન્યું એવું કે ડેન્માર્કની ટેક્નિકલ યુનિવર્સિટી ઑફ ડેન્માર્ક દ્વારા ૨૦૨૦માં આધારે અશ્વગંધાની સાઇડ ઇફેક્ટનું પાયાવિહોણું રિસર્ચ થયું અને સાયન્ટિફિકલી વિથાનિયા સૉમ્નીફેરા તરીકે ઓળખાતી આ જડીબુટ્ટીની ઇમ્યુનિટી, થાઇરૉઇડ, સેક્સ હૉર્મોન અને લિવર પર અવળી અસર પડે છે એવું કહેવામાં આવ્યું. આ રિપોર્ટના આધારે ફિનલૅન્ડ, સ્વીડન જેવા યુરોપિયન યુનિયન દેશોમાં બૅન કરવામાં આવી. ઑસ્ટ્રેલિયા સુધ્ધાંએ આ જ દિશામાં ઍડ્વાઇઝરી પબ્લિશ કરીને એના પર રોક લગાવી. જોકે ૨૦૨૦ પહેલાં અને એ પછી પણ અશ્વગંધા પર સેંકડો રિસર્ચ થયાં હતાં. એમાં ક્યાંય અશ્વગંધાની સેફ્ટીને લગતાં પરિણામ મળ્યાં નહોતાં. વિશ્વના અગ્રણી રિસર્ચરોએ ભારત સરકારના આયુષ મંત્રાલય સાથે મળીને વધુ ઑથેન્ટિક પુરાવા મૂક્યા અને ડેન્માર્ક દ્વારા કહેવામાં આવેલી વાતમાં તથ્ય નથી એ વાત સાબિત કરી આપી. બાકાયદા અગ્રણી સાયન્ટિસ્ટોએ અશ્વગંધાની સેફ્ટી પર પદ્ધતિસર અને આગલા-પાછલા તમામ પુરાવા સાથેનો એક રિપોર્ટ પણ સબમિટ કર્યો. દુનિયાના વૈજ્ઞાનિકો માની ચૂક્યા છે કે અશ્વગંધા એક ટાઇમ ટેસ્ટેડ હર્બ છે. છેલ્લાં પાંચ વર્ષમાં એના પર થયેલા સંશોધનની સંખ્યા ડબલ થઈ છે એમ જણાવીને આગળ કહ્યું એમ અશ્વગંધાની કિંમત વધી છે, કારણ કે એની માગ વધી છે. આયુષ મંત્રાલય સાથે સંકળાયેલા આયુર્વેદના રિસર્ચર ડૉ. રમન કૌશિક કહે છે, ‘સાયન્ટિફિક જર્નલમાં ઑથેન્ટિસિટી માટે જેને અગ્રણી ગણાય છે એવા પબમેડનો ડેટાબેઝ કહે છે કે ૨૦૧૯માં અશ્વગંધા પર ૯૫ સંશોધનાત્મક પેપરનું લિસ્ટિંગ થયું હતું, જે આંકડો ૨૦૧૪માં ૨૦૧ પર પહોંચ્યો હતો. માર્ચ ૨૦૨૫ સુધીમાં આ રેપ્યુટેડ જર્નલમાં ૧૯૧૧ જેટલાં સંશોધનો પ્રકાશિત થઈ ચૂક્યાં છે. વૈજ્ઞાનિકોએ પોતાના સંશોધનમાં સાબિત કર્યું છે કે અશ્વગંધામાં કેટલાંક એવાં બાયોઍક્ટિવ તત્ત્વો છે જે ઍન્ટિ-ઇન્ફ્લેમૅટરી એટલે કે સોજાને અને સ્ટ્રેસને ઘટાડનારાં, શરીરમાં ઑક્સિડન્ટ્સને કારણે થતો ઘસારો અટકાવનારાં ઍન્ટિ-ઑક્સિડન્ટ્સ, ઇમ્યુનિટી વધારનારાં, શરીરની ઑક્સિજનને શોષવાની કૅપેસિટી વધારનારાં અને ઓવરઑલ શરીરને રિજુવિનેટ કરનારાં છે. લગભગ બારસો જેટલાં જુદા-જુદા રિસર્ચમાં પણ એ સાબિત થઈ ચૂક્યું છે કે અશ્વગંધા આપણી અંતઃસ્રાવી ગ્રંથિઓ, હૃદય અને એની ધમનીઓ, ચેતાતંત્ર પર હકારાત્મક અસર પાડે છે. લગભગ ૪૦૦ જેટલા લોકો પર થયેલો એક અભ્યાસ એ સાબિત થયું કે અશ્વગંધાનું સેવન ઊંઘની ગુણવત્તા વધારે છે. અનિદ્રાના દરદીઓ માટે એ ઉપયોગી છે. સ્ટ્રેસ અને ઍન્ગ્ઝાયટી ઘટાડીને અલર્ટનેસ વધારવામાં પણ એ કારગત છે એ પણ સાબિત થયેલી બાબત છે.’
સતત વધતી ડિમાન્ડ
માત્ર આયુર્વેદમાં જ નહીં પણ દરેક પરંપરાગત ઉપચાર પદ્ધતિમાં જુદા નામે અશ્વગંધાનો ઉલ્લેખ છે. જેમ કે યુનાનીમાં અસગંધ, સિદ્ધમાં અમ્મુકારા, હોમિયોપથીમાં વિથાનિયા સૉમ્નીફેરા અને સોવારિગ્પા નામની હિમાલયન ટ્રેડિશનલ ઉપચાર પદ્ધતિમાં એને બાદ્ઝીગંધા તરીકે ઓળખવામાં આવે છે. ડૉ. રમન કહે છે, ‘આપણા શરીરમાં જેટલા કોષો છે એને પોષણ આપવાનું કામ, એની સ્ટ્રેન્ગ્થ વધારવાનું કામ આયુર્વેદમાં રસાયન કૅટેગરીમાં આવતા પદાર્થોથી થતું હોય છે. શક્તિવર્ધક દવા તરીકે ખૂબ પૉપ્યુલર થયેલી ચીનની જિનસેંગની જેમ જ તમે અશ્વગંધાને ભારતીય જિનસેંગ કહી શકો. ન્યુરો-મસ્ક્યુલર ડિસીઝમાં અશ્વગંધાથી ખૂબ સારાં પરિણામ મળ્યાં છે. કોવિડ વખતે અમેરિકામાં વેચાયેલાં ટૉપ થ્રી હર્બ્સમાં અશ્વગંધાનું નામ હતું. આજે ઘણાબધા પ્રકારની દવાઓમાં, ન્યુટ્રાસ્યુટિકલ્સ એટલે કે ન્યુટ્રિશન્સ આપતાં સપ્લિમેન્ટ્સમાં અશ્વગંધાનું સત્ત્વ વપરાય છે. જર્મની, યુકે અને અમેરિકામાં અશ્વગંધાની સૌથી વધુ પ્રમાણમાં નિકાસ થાય છે. અશ્વગંધાની પણ અઢળક વરાઇટી છે અને હજી પણ વૈજ્ઞાનિકો એને વધુ પાવરફુલ બનાવવા માટે વિવિધ વરાઇટીઝ ડેવલપ કરી રહ્યા છે. તમે જ્યારે અશ્વગંધા ખરીદવા જાઓ ત્યારે એ GMP સર્ટિફાઇડ હોય એનું ધ્યાન રાખવું. એનાથી તમને ગુણવત્તાયુક્ત પ્રોડક્ટ મળશે અને એનું પરિણામ પણ આવશે.’
સત્ત્વ છે મૂળમાં
અશ્વગંધાનાં પાંદડાં કે એની ડાળી નહીં, માત્ર એનાં રૂટ્સ એટલે મૂળને સૂકવીને મળતો પાઉડર જ ઉપયોગી છે. પાંદડાં કે ડાળીની સાઇડ ઇફેક્ટ્સ પણ હોઈ શકે છે.
અશ્વગંધાના નિયમિત સેવનથી લાભ જ લાભ
અશ્વગંધા તમારી રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને ફેફસાંની ઑક્સિજનને કૅરી કરવાની કૅપેસિટીને પણ વધારે છે. ખેલકૂદ સાથે સંકળાયેલા લોકો માટે એ રીતે એ ઉપયોગી છે.
માનસિક રોગીઓમાં અશ્વગંધા
માઇન્ડને શાંત કરવાનું, રિલૅક્સ કરવાનું કામ કરે છે. સ્ટ્રેસ, ઍન્ગ્ઝાયટી દૂર કરે છે. ડિપ્રેશન, બાયપોલાર જેવા રોગોમાં પણ એ ઉપયોગી છે.
હૃદયરોગ, ડાયાબિટીઝ, પૅરૅલિસિસ જેવા રોગોમાં પણ અશ્વગંધા ઉપયોગી પરિણામ આપે છે.
સ્પર્મ-કાઉન્ટ વધારવામાં, શારીરિક ક્ષમતા વધારવાનું, વજનને સંતુલિત કરવાનું કામ અશ્વગંધાના પાઉડરથી થઈ શકે છે.
રિસર્ચરોએ સાબિત કર્યું છે કે અશ્વગંધા બૅલૅન્સિંગનું કામ કરે છે. શરીરમાં હીમોગ્લોબિન વધારે હોય તો પણ સારું નહીં અને ઓછું હોય તો પણ ખરાબ. અશ્વગંધાનું વૈદકીય સલાહ અંતર્ગત થતું સેવન હીમોગ્લોબિન વધારે હોય તો ઘટાડે અને ઘટેલું હોય તો વધારે.
અશ્વગંધાનું સેવન કેવી રીતે કરવું?
અશ્વગંધાની તાસીર ગરમ છે એટલે ગરમીમાં એનું સેવન ઓછું કરવું એમ જણાવીને આયુર્વેદ નિષ્ણાત ડૉ. મહેશકુમાર દધિચ કહે છે, ‘ત્રણથી છ ગ્રામ અશ્વગંધાનો પાઉડર સવારે ખાલી પેટ અને રાતે સૂતાં પહેલાં લઈ શકાય અને પછી એના પર દૂધ પીઓ તો એનું પરિણામ સારું આવશે. જોકે એક વાર તો કોઈ આયુર્વેદ નિષ્ણાતની સલાહ લેવી જ જોઈએ. તમારી તાસીર મુજબ એને લેવાની જુદી રીત પણ તમને મળી શકે છે.’