આ‍ૅટિઝમ ધરાવતાં બાળકો પર જ નહીં, ગર્વ કરી લઇએ તેમનાં માતા-પિતા પર પણ

18 June, 2025 02:31 PM IST  |  Mumbai | Jigisha Jain

જેમને ઑટિઝમ છે એવાં સ્પેશ્યલ બાળકો પર ગર્વ કરીએ એ તો જરૂરી છે જ પરંતુ સાથે-સાથે આજે ગર્વ કરી લઈએ તેમના પેરન્ટ્સ પર.

પ્રતીકાત્મક તસવીર

આજે ઑટિઝમ પ્રાઇડ ડે છે. આ દિવસે જેમને ઑટિઝમ છે એવાં સ્પેશ્યલ બાળકો પર ગર્વ કરીએ એ તો જરૂરી છે જ પરંતુ સાથે-સાથે આજે ગર્વ કરી લઈએ તેમના પેરન્ટ્સ પર. પોતાના બાળકને ઑટિઝમ જેવો ડિસઑર્ડર છે એની જાણ થાય એ દિવસથી લઈને તે આત્મનિર્ભર બનવાનો પ્રયાસ કરે ત્યાં સુધી વચ્ચે આવતા ઘણા કઠિન પહાડો સર કરીને આ માતા-પિતા જે પ્રકારે પોતાની જર્ની ખેડે છે એ ઘણું જ પ્રેરણાદાયી છે

યુનાઇટેડ સ્ટેટ્સમાં હમણાં એક કપલને અરેસ્ટ કરવામાં આવ્યું હતું કારણ કે તેમણે પોતાની ઑટિસ્ટિક દીકરીની ખાવાની વિચિત્ર આદતોથી હેરાન થઈને તેને એટલો ઢોરમાર માર્યો કે તે મરી જ જાય. આ સાંભળીને કોઈ પણને અરેરાટી થઈ જાય કે પેરન્ટ્સ તરીકે આવી ક્રૂરતા હોય. તેમણે જે કર્યું એ ખોટું કર્યું એની ના નહીં પણ તેમણે જે કર્યું એમાં વિક્ટિમ ફક્ત બાળક નથી, કેટલાક અંશે તેનાં માતા-પિતા પણ છે. આ વાતને એક જુદી સંવેદનશીલતા સાથે સમજવી જરૂરી બને છે. આજના સમયમાં પેરન્ટિંગને એક અઘરું કામ માનવામાં આવે છે. ત્યારે જો તમારું બાળક એક સ્પેશ્યલ કિડ હોય તો પેરન્ટિંગની જર્ની દસગણી અઘરી બની જતી હોય છે. ઑટિઝમ એવી જ એક તકલીફ છે. એ એક ડેવલપમેન્ટલ ડિસીઝ છે જે કોઈ એક નહીં પરંતુ એકસાથે વધુ તકલીફો ધરાવતો ડિસઑર્ડર છે. ઑટિઝમ ધરાવતા બાળકને મુખ્ય તકલીફ કમ્યુનિકેશનમાં થાય છે જ્યાં તે પોતે વ્યવસ્થિત વાત નથી કરી શકતું, બીજાની વાત સમજીને પ્રત્યુત્તર નથી આપી શકતું, પોતાની લાગણીને વાચા નથી આપી શકતું, દ્વિઅર્થી વાક્યો-જોક્સ વગેરે સમજી નથી શકતું, બીજાની લાગણીઓનો જવાબ નથી આપી શકતું. આ સાંભળીને જ સમજી શકાય છે કે આ બાળકનો ઉછેર કેટલો અઘરો હોઈ શકે. બાળકની સાથે-સાથે એક પેરન્ટ તરીકે તમારે પણ કેટકેટલું શીખવું જરૂરી બને છે. મહત્ત્વનું એ છે કે અઢળક ત્યાગ કરીને, ધીરજ અને ખંત બન્નેને આત્મસાત્ કરીને ઑટિઝમ ધરાવતાં બાળકોના પેરન્ટ્સ સંપૂર્ણપણે તેમના બાળકને સમર્પિત જીવન જીવે છે. અગણિત પ્રયત્નો અને અઢળક પ્રેમ દ્વારા તેઓ આ જર્નીને સક્સેસફુલ બનાવે છે. આજે ઑટિઝમ પ્રાઇડ દિવસ છે. ઑટિઝમ ધરાવતી વ્યક્તિઓ પર આપણને ગર્વ થાય એની ના નહીં, પણ સમાજ તરીકે આપણે આ બાળકોનાં માતા-પિતાને પણ બિરદાવવાં જોઈએ. આજે મળીએ એવા કેટલાક પેરન્ટ્સને, જાણીએ તેમની પેરન્ટહુડની જર્ની વિશે.

આપણા બાળકને ઑટિઝમ છે એ વાતનો સ્વીકાર જેટલો જલદી કરશો એટલું સારું છે - હેતલ અને સમિત ગોસર

ગોરેગામમાં રહેતો ૧૬ વર્ષનો આદિ ગોસર, હેતલ અને સમિત ગોસરનું પહેલું અને એકમાત્ર સંતાન છે. જન્મ પછી તેના માઇલસ્ટોન ડીલે થવાને કારણે જ્યારે તેને ડૉક્ટર પાસે લઈ ગયા ત્યારે તેમણે ચિંતા જતાવી અને તેમને એક ચાઇલ્ડ સાઇકોલૉજિસ્ટને મળવાનું પણ કહ્યું. એ દિવસને યાદ કરીને હેતલ ગોસર કહે છે, ‘અમે ઑટિઝમનું નામ પણ સાંભળ્યું નહોતું. અમને કોઈ અંદાજ નહોતો કે આ કેવી તકલીફ છે. પણ એ લેડી અર્ચના શુક્લાએ અમને ખૂબ જ સરસ રીતે સમજાવ્યું. દરેક નાનામાં નાની બાબત તેણે અમને કહી અને અમને માનસિક રીતે સજ્જ કર્યાં. એ પહેલા દિવસથી જ અમે એ વાતને સરળતાથી સ્વીકારી શક્યાં કે હા, અમારા બાળકને ઑટિઝમ ડિસઑર્ડર છે, તે સ્પેશ્યલ બાળક છે. આ એક અતિ મહત્ત્વનો પડાવ છે. મોટા ભાગનાં માતા-પિતા સ્વીકારી જ નથી શકતાં કે તેમના બાળકને આવી કોઈ તકલીફ હોઈ શકે છે. મારા જ એક મિત્ર દંપતીની વાત કરું તો તેમના દીકરાને ઑટિઝમ છે એમ તેમને ખબર પડી એ પછી એ મમ્મી અડધી ગાંડી જ થઈ ગઈ અને એ પિતા અલ્કોહોલિક બની ગયા. તેઓ તેમના બાળકને એક પણ થેરપી જે ઑટિસ્ટિક બાળકો માટે અત્યંત જરૂરી છે એ અપાવવા લઈ જ નહોતાં જતાં, કારણ કે એ વાતનો સ્વીકાર જ તેઓ પોતાની અંદર લાવી શક્યાં નહીં. ઇલાજ માટે પહેલાં એ તો જરૂરી છે કે તમે સ્વીકારો કે તકલીફ છે. અમને પણ દુઃખ થયું જ હતું, પણ આ વાતનો અસ્વીકાર અમે ન કર્યો. માની લીધું અને પછી એના માટે જે જરૂરી છે એ પગલાં લીધાં.’

આદિ નાનપણમાં હાઇપરઍક્ટિવ હતો, ખૂબ રડતો, નજર નહોતો મેળવતો, તેની સ્પીચ બરાબર નહોતી, આ બધાં ચિહ્નોને કારણે શરૂઆતની જર્ની ખૂબ જ મુશ્કેલ રહી એમ સમજાવતાં સમિત ગોસર કહે છે, ‘જ્યારે તમને ખબર જ નથી કે આ રોગ શું છે ત્યારે દરેક દિવસ એક નવી ચૅલેન્જ બનીને તમારી સામે આવે. તમને ખબર જ નહીં હોય કે તમારે કરવાનું શું છે. જો તે ન જમે તો શું કરવું, જો તે રડ્યા જ કરે તો શું કરવું, જો તે સમજી ન શકે તો શું કરવું, જો તે જીદે ચડી જાય તો શું કરવું... આવા દરરોજના અઢળક પ્રશ્નો તમારી સામે આવીને ઊભા રહે એના જવાબ તમારે શોધવાના, જાણકારને પૂછવાનું અને ખુદ સમજવાનું.’

શરૂઆતનો આ કપરો સમય હતો ત્યારે મનમાં શું બળ હતું જે તમને શક્તિ આપી રહ્યું હતું? આ પ્રશ્નનો જવાબ આપતાં હેતલ કહે છે, ‘મારી અંદર જે મા હતી તે મારા બાળકના મોઢે ‘મા’ સાંભળવા માગતી હતી. આદિ બોલી શકતો નહોતો. એ સમયે મારા મનમાં ટીસ ઊઠતી કે ક્યારે મારું બાળક મને મા કે મમ્મી કહીને બોલાવશે? તેને ઑક્યુપેશનલ થેરપી અને સ્પીચ-થેરપી મેં ચાલુ જ રાખી. જ્યારે તે પાંચ વર્ષનો હતો ત્યારે તેણે પહેલી વાર મને મા કહ્યું. હું એ દિવસે ખૂબ જ રડેલી.’

આ બાળકોને સમય પણ એટલો જ આપવો પડે. તેમને થેરપીમાં લઈ જવાનાં, ત્યાં પણ તેમની સાથે જ રહેવાનું, ઘરે આવો ત્યારે તેમણે જે એક્સરસાઇઝ આપી હોય એ તેને કરાવવાની. આ બધું સતત એક આશાએ કરવાનું કે બાળકમાં ઇમ્પ્રૂવમેન્ટ આવશે. એક અતિ ઇમોશનલ પ્રસંગ જણાવતાં હેતલ કહે છે, ‘એક દિવસ હું આદિને લઈને થેરપી સેન્ટર ગઈ હતી જ્યાં તે પડી ગયો. તેની આંખની બાજુમાં એક મોટો કટ આવ્યો. તે શરૂઆતમાં એકદમ જ રડવા લાગ્યો. એટલો રડ્યો કે મને સમજાયું નહીં કે હું કઈ રીતે તેને ચૂપ કરાવું. એ સમયે મારાથી તેની હાલત જોઈ ન શકાઈ. આપણને કશું દુખે તો આપણે એ બોલીને એક્સપ્રેસ કરી શકીએ. મારું બાળક બિચારું બોલી નહોતું શકતું એટલે રડ્યા જ કરતું હતું. હું આ વિચારમાત્રથી ભાંગી પડી હતી એટલે હું પણ રડવા લાગેલી. તેને ડૉક્ટર પાસે લઈ જઈ રહી હતી ત્યારે મેં જોયું કે હું તો હજી રડતી જ હતી, પણ આદિ એકદમ શાંત થઈ ગયેલો. એ સમયે તેને જોઈને મને લાગ્યું કે આ કઈ રીતે પેઇન સહન કરી રહ્યો છે અને સાવ શાંત થઈ ગયો છે? તેની હિંમતે મને બળ આપ્યું. મને ગર્વ છે મારા દીકરા પર.’

આદિનો જન્મ થયો એ પહેલાં હેતલ અને સમિત ગોસરે વિચારેલું કે અમને એક જ બાળક જોઈએ છે. આદિને ઑટિઝમ આવ્યું પછી પણ આ નિર્ણયમાં કોઈ જ ફેરફાર ન આવ્યો. એ વિશે વાત કરતાં સમિત ગોસર કહે છે, ‘આદિ જ અમારું સર્વસ્વ છે. અમને કોઈ અધૂરપ નથી લાગતી કે નથી ભવિષ્યની ચિંતા થતી. તે અમને કમ્પ્લીટ કરે છે.’

સત્ય તો એ જ છે, ફક્ત દૃષ્ટિકોણ બદલવાની જરૂર છે - મેઘના અને નિકુંજ ઠક્કર

બોરીવલીમાં રહેતાં મેઘના અને નિકુંજ ઠક્કરનો દીકરો વેદાંત ઠક્કર ૧૫ વર્ષનો છે. પોતાના નામને તે રિસ્પૉન્ડ નહોતો કરતો. એટલે કે નાનકડા વેદાંતને કોઈ તેના નામથી બોલાવે તો તે તેની તરફ જોતો નહીં. રમકડાથી રમતો નહીં, કશું બોલો તો નકલ કરતો નહીં. આવાં જુદાં-જુદાં ચિહ્નોને લઈને ઘરના લોકો ચિંતિત હતા. ડૉક્ટર પાસે ગયા ત્યારે તેમણે શંકા વ્યક્ત કરી કે બને કે તેને ઑટિઝમ હોય. એ સમયે ઑટિઝમ કોને કહેવાય એ જ ઘરમાંથી કોઈને ખબર નહીં. એ વિશે વાત કરતાં મેઘના કહે છે, ‘મને એમ કે કોઈ બીમારી છે. ૬-૮ મહિના થેરપી લેશે તો ઠીક થઈ જશે પરંતુ જેમ-જેમ એના વિશે જાણતા ગયા એમ-એમ એની ગંભીરતા સમજાતી ગઈ. વેદાંતનું ઑટિઝમ ડિટેક્ટ થયાનાં બે વર્ષ હું ડિપ્રેશનમાં રહી. કોને કહું મારું દુઃખ અને કોને સમજાવવા જાઉં? બસ, હું રડ્યા જ કરતી. ખાવા-પીવાનું મેં છોડી દીધેલું. વેદાંતને લઈને કશે બહાર જ નહોતી નીકળતી.’

એ સમયે નિકુંજભાઈએ ઘણી હિંમત બાંધી. એ વાત કરતાં તેઓ કહે છે, ‘કોઈ પણ પેરન્ટ્સ માટે આ સત્ય સ્વીકારવું અઘરું જ છે. દરેક વસ્તુને જોવાની બે તરફ હોય છે, એક નકારાત્મક અને એક સકારાત્મક. સત્ય એ જ છે, પણ દૃષ્ટિકોણનો ફરક મહત્ત્વનો છે. ભગવાન સ્પેશ્યલ બાળકો સ્પેશ્યલ માતા-પિતા પાસે જ મોકલે છે. આ કોઈ નબળી વ્યક્તિનું કામ જ નથી. સશક્ત બનવાનું જ છે. અમને ભગવાને એક ઉદ્દેશ્ય સાથે આ કામ સોંપ્યું છે કે અમારે આ બાળકનું સંપૂર્ણ ધ્યાન રાખવાનું છે. આ બાળક જ અમારા જીવનનો ઉદ્દેશ્ય છે. એ મેં અને મેઘનાએ સમય રહેતાં સ્વીકાર્યું.’

કોઈ પણ બાળકની ઉંમરની સાથે અલગ-અલગ ચૅલેન્જિસ માતા-પિતા સમક્ષ આવતી હોય એમ ઑટિસ્ટિક બાળકોમાં પણ બને જ છે. એ વિશે વાત કરતાં મેઘના કહે છે, ‘વેદાંત અત્યારે ૧૫ વર્ષનો છે. કોઈ પણ ટીનેજર બાળકની જેમ તેને બહાર ફરવા જવું ગમે, નવી-નવી વસ્તુઓ ગમે એ તો છે જ, એની સાથે જે બદલાવ આવતા હોય એને કારણે તેને આજકાલ ગુસ્સો ખૂબ આવે છે. એટલે તેને સંભાળવો એ સમયે જરૂરી બને છે. આ બાળકોના ઉછેરમાં એ વાત સાચી કે શરૂઆતમાં ઘણી તકલીફ પડે અને પછી તમને સમજાય કે કઈ રીતે તમારે તેમનું ધ્યાન રાખવાનું છે. છતાં એ ઘણી જ ડિમાન્ડિંગ જૉબ છે. એટલે આજની તારીખે આટલા ટેવાયા પછી પણ અમારે ખરાબ દિવસો જોવા પડે. અમે પણ થાકી જઈએ, ચિડાઈ જઈએ, હિંમત હારી જઈએ. ફરી બીજા દિવસે બેઠાં થઈએ. ફરી લાગી પડીએ.’

આ બધા વચ્ચે સૌથી મોટો સધિયારો પેરન્ટ્સ ગ્રુપ આપે છે. એ વિશે વાત કરતાં મેઘના કહે છે, ‘મારા બાળકે આજે વ્યવસ્થિત જમી લીધું એવું હું કોઈને પણ કહું તો તેને થશે કે હા, બરાબર, ઠીક છે. એ જે મારી ખુશી છે એ એક ઑટિસ્ટિક બાળકની મમ્મી જ સમજી શકશે. બીજું એ કે પેરન્ટ્સ ગ્રુપમાં જોડાઈએ તો એકબીજાને માર્ગદર્શન પણ આપી શકાય. સમજાવી શકાય. એકબીજાની તકલીફમાં સહભાગી થઈ શકાય. સુખ-દુઃખની વહેંચણી થઈ શકે અને સતત એવું લાગે કે અમે એકલાં નથી,. અમારા જેવા બીજા ઘણા છે જે અમારી સાથે છે. એ સૌથી મોટી સ્ટ્રેન્ગ્થ સાબિત થાય છે.’

ઑટિસ્ટિક બાળકનાં માતા-પિતાએ હંમેશાં એક શોખ રાખવો. અઠવાડિયામાં એક દિવસ એને ફાળવવો જ એવી સલાહ આપતાં મેઘના કહે છે, ‘મારા જીવનમાં તો ઊંધું થયું છે. વેદાંતને કારણે મને સમજાયું કે મને આર્ટ-ક્રાફ્ટમાં કેટલો રસ છે. અમે બન્ને મળીને હૅન્ડિક્રાફટ વસ્તુઓ બનાવીએ છીએ અને એક્ઝિબિશન દ્વારા લોકો સુધી પહોંચાડીએ છીએ. દુનિયામાં ઘણાં ઑટિસ્ટિક બાળકો છે જે ખૂબ સફળ જીવન જીવે છે. તેમની સ્ટોરીઝ અમને ઘણું બળ આપે છે. ઑટિઝમ એક લિમિટેશન છે પરંતુ એ લિમિટ સાથે બંધાયેલી દુનિયાને પણ આપણે સુંદર બનાવવાનો પ્રયાસ તો કરી જ શકીએ.’   

અમારા બાળક વિશે પીઠ પાછળ થતી વાતો અમારા માટે અસહ્ય થઈ જાય છે - વૃતિકા અને વિરેશ માણેક

બોરીવલીમાં રહેતાં વૃતિકા અને વિરેશ માણેકનો ૧૨ વર્ષનો રિધાન સવાબે વર્ષનો હતો ત્યારે એ આશંકા જાગી કે તેને ઑટિઝમ હોઈ શકે છે. એ સમયને યાદ કરતાં વૃતિકા કહે છે, ‘મારા એક સંબંધીનું બાળક રિધાન કરતાં ૬ મહિના નાનું હતું પરંતુ તેને જોઈને મને લાગ્યું કે રિધાનનું ડેવલપમેન્ટ તો હજી પાછળ છે. ડૉક્ટરે જ્યારે અમને સમજાવ્યું ત્યારે પણ ખબર નહીં કેમ અમે અમારા બબલમાં જ હતાં કે ૬ મહિના થેરપી કરશે તો તે ઠીક થઈ જશે. આ એક રોગ નથી, ડિસઑર્ડર છે; જીવનભર રહેનારી વસ્તુ. એ સમજતાં અમને ખાસ્સો સમય નીકળી ગયો. આજે તો હજી લોકોને ખબર છે કે ઑટિઝમ શું છે. એ સમયે તો એની જાણકારી ઘણી ઓછી હતી. અમે તો સાવ અંધારામાં જ હતાં એમ કહું તો ચાલે.’

પોતાની મનોદશા વર્ણવતાં વિરેશ માણેક કહે છે, ‘વૃતિકા સતત ડૉક્ટર્સને મળી રહી હતી, થેરપિસ્ટ પાસે જઈ રહી હતી એટલે તેની અંદર સ્વીકૃતિ આવી રહી હતી. પણ હું વધુ ડિનાયલ મોડ પર જ હતો. મને માનવું જ નહોતું કે મારા બાળકને આવું કંઈ થઈ શકે. કોઈ પૂછે તો પણ મને કહેવામાં ખચકાટ થતો. મને લાગતું કે આવું ન કહેવાય. એટલે કોઈ પૂછે તો પણ હું વાત કરવાનું ટાળતો. કહેવું પડે તો કહેતો કે હા, થેરપી ચાલુ છે, તે થોડો સ્લો લર્નર છે; પણ થઈ જશે થોડા મહિનામાં. મારા ખચકાટનું કારણ સમાજ પણ છે જ. કોઈને ખબર હોય નહીં અને સતત મહેણાંટોણા સાંભળવાં પડે એ એક પિતા તરીકે અસહ્ય લાગે છે.’

સમાજ સ્પેશ્યલ બાળકો માટે કેટલો અસહિષ્ણુ છે અને એને કારણે સ્પેશ્યલ બાળકોનાં માતા-પિતાએ કેટલું સહન કરવું પડે છે એનું ઉદાહરણ આપતાં વૃતિકા કહે છે, ‘રિધાન પાંચ વર્ષનો હતો એ સમયની વાત છે. અમે એક જમણવારમાં ગયાં હતાં. રિધાન ભારે ફૂડી છે. તેની ભાવતી વસ્તુ સામે જુએ એટલે તે રહી ન શકે. હું તેની પ્લેટ લેવા ગયેલી અને તેના પપ્પા તેના માટે ટેબલ શોધતા હતા ત્યારે એક છોકરીની પ્લેટમાં ગુલાબજાંબુ જોઈને તે ખૂબ ખુશ થઈ ગયો અને તેણે પ્લેટમાંથી ઉઠાવીને ખાઈ લીધું. તેના પપ્પાએ તરત જ પેલી છોકરીને સૉરી કહ્યું તો તેણે સામે અમને કહ્યું કે તમારે ધ્યાન રાખવું જોઈએ, બાળકને મૅનર્સ શીખવો, આમ થોડું ચાલે? ત્યાં તેની મમ્મી આવી. તેણે લમણા પાસે ગોળ આંગળી ફેરવીને ઇશારા થકી મારા દીકરાનું અપમાન કર્યું અને તેની દીકરીને કહ્યું કે જવા દે. તેમને લાગ્યું કે મેં એ જોયું નથી. આ તો મેં જોઈ લીધું પણ પીઠ પાછળ લોકો કેટલા ઇશારા કરતા હોય, શું-શું વાતો કરતા હોય એનો પણ અંદાજ છે જ અમને. ક્યાંય પણ બહાર જઈએ તો લોકો તાકી-તાકીને જોયા કરતા હોય, સરખી ઉંમરના હોવા છતાં કોઈ પોતાની બર્થ-ડે પાર્ટીમાં આ છોકરાઓને બોલાવતા નથી. આ સહન કરવું સરળ નથી. તકલીફ એ છે કે કેટલાને સમજાવવા જઈ શકાય? ભણેલા-ગણેલા લોકો પણ આવા જ છે તો પછી બીજાની તો શું વાત કરવી?’

બાળક તમારા જીવનમાં આવે એટલે આમ પણ જીવન આખું પલટાઈ જતું હોય છે, પરંતુ જો એ બાળક સ્પેશ્યલ કિડ હોય તો તેના પલટાવાની ડિગ્રી થોડી વધુ હોય છે એમ સમજાવતાં વૃતિકા કહે છે, ‘બાળક આવતાં પહેલાં તમારાં ઘણાં સપનાંઓ હોઈ શકે છે પણ એ બધાં પોટલું વાળીને સંકેલી લેવાનાં હોય છે. મેં MCom કરેલું, પણ જૉબ કરવાનું કે કમાવાનું હું વિચારી પણ શકું એમ નથી, કારણ કે જવાબદારી ઘણી છે. બીજી તરફ એને કારણે તમારું ઘર સિંગલ ઇન્કમ પર ચાલે. ઑટિઝમ જેને હોય એ બાળકોના થેરપીના ખર્ચા ખૂબ હોય. એક ૪૫ મિનિટનું સેશન ૧૦૦૦-૧૫૦૦ રૂપિયાનું પડે. એટલે એક વ્યક્તિ પર ફાઇનૅન્શિયલ બર્ડન આવી જાય. તેણે તેનું સંપૂર્ણ ધ્યાન કમાવા પર જ લગાવવું પડે એટલે બાળકની અને ઘરની જવાબદારી સંપૂર્ણપણે બીજી વ્યક્તિ પર આવી જાય. આ સિવાય જો ફરવાના શોખ છે તો એ પૂરા કરવા અઘરા પડે કારણ કે ટ્રેનમાં બાળક લાંબો સમય બેસી જ ન શકે, તેને સાચવવો ભારે પડે. આ કોઈ કમ્પ્લેઇન્ટ નથી, આ હકીકત છે જે તમે દરરોજ ફેસ કરો છો.’

રિધાનને થેરપીઝથી ઘણો ફરક છે. તે સ્પોર્ટ્સ રમે છે, સ્કેટિંગ સરસ કરે છે અને વગર ગૅસના કુકિંગમાં પણ એક્સપર્ટ બની રહ્યો છે. તેના હાથની સૂકી ભેળ બધાને ખૂબ ભાવે છે. અંતે માતા-પિતાના બધા પ્રયત્નો એ જ છે કે બાળક બને એટલું આત્મનિર્ભર બને. આ પ્રયત્નો માટે દરરોજનું બળ કઈ રીતે એકઠું કરો છો? આ પ્રશ્નના જવાબમાં વૃતિકા કહે છે, ‘એ મને મારા ઠાકોરજી આપે છે. હું પુષ્ટિમાર્ગી છું. સવારે રિધાન સ્કૂલ જાય ત્યારનો સમય હું સેવાપૂજામાં વિતાવું છું. ભક્તિને કારણે મારી હિંમત બંધાયેલી રહે છે. હું અને વિરેશ માનીએ છીએ કે અમે રિધાન માટે જ આ ધરતી પર આવ્યાં છીએ. તેનું ધ્યાન રાખવા અને તેને સારું જીવન આપવા. અમારાં સપનાં, અમારી ખુશી અને અમારું સમગ્ર જીવન અમે તેની આસપાસ ઘડી લીધું છે જેથી અમને ભગવાને જે કામ સોંપ્યું છે એ કામ અમે ખુશીથી કરી શકીએ.’

health tips mental health goregaon borivali mumbai life and style columnists gujarati mid-day Jigisha Jain