ભોજન પહેલાં, દરમ્યાન અને પછી શું ધ્યાન રાખશો?

03 November, 2025 09:09 PM IST  |  Mumbai | Heena Patel

આયુર્વેદ અનુસાર ભોજન ફક્ત ભૂખ મટાડવાનું કામ નથી કરતું. એ શરીર, મન અને આત્માને પોષણ આપવાનો મુખ્ય સ્રોત છે. યોગ્ય ભોજનચર્યા અપનાવવાથી સ્વસ્થ અને દીર્ઘાયુ જીવન પ્રાપ્ત થાય છે

ભોજન પહેલાં, દરમ્યાન અને પછી શું ધ્યાન રાખશો?

આધુનિક જીવન ઝડપી, પ્રતિસ્પર્ધા અને ભાગદોડથી ભરેલું છે. લોકો સવારથી લઈને રાત સુધી કામ, મોબાઇલ, સોશ્યલ મીડિયા અને જવાબદારીના બોજમાં એટલા અટવાયેલા હોય છે કે શરીર અને મનની જરૂરિયાતો પર ધ્યાન આપવા માટે સમય જ નથી બચતો. ભોજન જલદી-જલદી ખાઈ લેવું, ઊંઘ પૂરી ન કરવી, તનાવમાં રહેવું અને વધારે પડતું પ્રોસેસ્ડ ફૂડ ખાવું એ જ લોકોની લાઇફસ્ટાઇલ બની ગઈ છે. આધુનિક જીવનશૈલીએ આપણને પ્રાકૃતિક લયથી દૂર કરી દીધા છે એવામાં શરીરનું કુદરતી સંતુલન બગડવું સ્વાભાવિક છે. એ‍વામાં આયુર્વેદિક ભોજનચર્યા એવી વસ્તુ છે જેનું અનુકરણ કરવામાં આવે તો જીવનમાં સંતુલન, ઊર્જા અને શાંતિ ફરી આવી શકે છે. આનું મહત્ત્વ સમજાવતાં આયુર્વેદિક એક્સપર્ટ ડૉ. જૈના પટવા કહે છે, ‘આયુર્વેદ અનુસાર ભોજન ફક્ત શરીર માટે નહીં, જીવનશક્તિ અને માનસિક ઊર્જા માટે પણ આવશ્યક છે. ભોજનથી આપણને ફક્ત શારીરિક પોષણ નથી મળતું, આપણી માનસિક સ્થિ​તિ અને જીવનશક્તિ પણ બને છે અને પ્રભાવિત થાય છે. એટલે આયુર્વેદમાં હંમેશાં સાવધાન અને માનસિક રૂપથી સજાગ રહીને ભોજન કરવાની સલાહ આપવામાં આવે છે. આને જ આપણે માઇન્ડફુલ ઈટિંગ કહીએ છીએ. આપણે જ્યારે ભોજન કરતી વખતે ચાવવાની પ્રક્રિયા, સ્વાદનો અનુભવ કરીએ ત્યારે આપણું શરીર અને મન બન્ને પૂર્ણ પોષણ અને સંતુલન પ્રાપ્ત કરે છે. આયુર્વેદમાં ભોજનને ફક્ત પેટ ભરવાના સાધનના રૂપમાં નહીં પરંતુ દવા, ઊર્જા અને ચેતનાનો સ્રોત માનવામાં આવે છે. જ્યારે ભોજનને ધ્યાનપૂર્વક અને સમજીને ગ્રહણ કરવામાં આવે છે ત્યારે એ મન અને શરીર બન્નેમાં શાંતિ અને સ્ફૂર્તિનો આધાર બને છે. ચાલો આપણે આજે ભોજનચર્યાના નિયમો જાણી લઈએ જેને તમે તમારા દૈનિક જીવનમાં અપનાવી શકો છો.’ 

ભોજન પહેલાં આટલું ધ્યાન રાખો
ભોજનના ત્રણ મુખ્ય નિયમ છે જેનું દરેક વ્યક્તિએ ધ્યાન રાખવું જોઈએ. સૌથી પહેલાં ભોજન યોગ્ય સમય પર અને ત્યારે જ કરવું જોઈએ જ્યારે ખરેખર ભૂખ લાગી હોય, ફક્ત એટલે નહીં કે સમય થઈ ગયો છે. નિયમિત સમય પર ભોજન કરવાથી શરીર એ સમયનું આદી થઈ જાય છે અને એ સમયે સ્વાભાવિક રૂપથી ભૂખ લાગવા મંડે છે. ઘણી વાર આપણે કામમાં એટલા વ્યસ્ત થઈ જઈએ છીએ કે ભૂખ પર ધ્યાન આપતા નથી અને પછી મોડેથી જમીએ છીએ. આ આદત શરીરની પાચનશક્તિને અસંતુલિત કરી દે છે. ભોજન કરવાનો સમય નક્કી ન હોય તો શરીર પણ સમજી નથી શકતું કે એને ક્યારે ભોજન મળવાનું છે, જેથી પાચક અગ્નિ સરખી રીતે કાર્ય કરી શકતો નથી. બીજો નિયમ છે યોગ્ય માત્રામાં ભોજન કરવું. આયુર્વેદ અનુસાર પેટનો અડધો ભાગ ભોજનથી, પા ભાગ પાણીથી ભરવો જોઈએ અને પા ભાગ ખાલી રાખવો જોઈએ. જ્યારે લાગે કે પેટ લગભગ ભરાઈ ગયું છે ત્યારે રોકાઈ જવું જોઈએ. પેટ તણાઈ જાય એટલું ખાવાથી શરીર પર અતિરિક્ત બોજ પડે છે અને પાચન કમજોર બને છે. ત્રીજો નિયમ છે ભોજનના સમયે મનની સ્થિતિ. ભોજન હંમેશાં શાંત મન, આભાર અને શ્રદ્ધાભાવથી કરવું જોઈએ. નકારાત્મક વિચારો અથવા તનાવ સાથે ખાવામાં આવેલું ભોજન શરીર માટે પૂર્ણ પોષણ બની શકતું નથી. જ્યારે યોગ્ય સમયે, યોગ્ય માત્રામાં અને શ્રદ્ધા સાથે ભોજન કરીએ છીએ ત્યારે એ જ ભોજન આપણા શરીર માટે અમૃત બની જાય છે અને મનને પણ પ્રકાશિત કરે છે. સચેત અને ધ્યાનપૂર્વક લેવામાં આવેલો દરેક કોળિયો એક પ્રાર્થના બની જાય છે જે આપણને સ્વાસ્થ્ય, સંતુલન અને દીર્ઘાયુની દિશામાં લઈ જાય છે. આયુર્વેદમાં અગ્નિને શરીરનો આધાર માનવામાં આવે છે. જેમ ઇમારતની મજબૂતી એના પાયા પર ટકેલી હોય છે એમ શરીરની સંપૂર્ણ ક્રિયાઓ અગ્નિના સંતુલન પર નિર્ભર કરે છે. જ્યારે શરીરનો અગ્નિ સારો રહે છે ત્યારે પાચન, ઊર્જા, રોગપ્રતિકારક શક્તિ અને મન બધું સરખી રીતે કાર્ય કરે છે. એટલે અગ્નિ પર ધ્યાન દેવું ખૂબ જરૂરી છે. ભોજન હંમેશાં ત્યારે જ કરવું જોઈએ જ્યારે અગાઉનો આહાર સંપૂર્ણ રીતે પચી ગયો હોય, કારણ કે અડધું પચેલું ભોજન અગ્નિને મંદ કરી દે છે. દરેક વ્યક્તિએ ભોજનનો એક નિશ્ચિત સમય રાખવો જોઈએ, જે શરીરને નિયમિત લય એટલે કે રિધમમાં લાવે છે. સવારે જલદી ઊઠીને યોગ, પ્રાણાયામ કર્યા બાદ લગભગ આઠ વાગ્યાની આસપાસ હળવો, ગરમ અને સાત્ત્વિક નાસ્તો કરવો જોઈએ. બપોરનું ભોજન બાર વાગ્યાની આસપાસ કરી લેવું જોઈએ કારણ કે એ સમયે સૂર્યનાં કિરણો સૌથી પ્રખર હોય છે અને શરીરનો પાચક અગ્નિ પણ એના સર્વોચ્ચ સ્તર પર હોય છે. આ સમય મેઇન મીલનો હોય છે એટલે લંચ થોડું ભારે અને પૂર્ણ પોષણવાળુ હોવું જોઈએ. રાતનું ભોજન સૂર્યાસ્ત પહેલાં લગભગ છ-સાત વાગ્યા વચ્ચે કરી લેવું જોઈએ. આ ભોજન હળવું અને સુપાચ્ય હોવું જોઈએ; જેમ કે સૂપ, ખિચડી. એ સિવાય ભાખરી, રોટલી, પરાઠા જેવી ભારે વસ્તુઓ લંચમાં જ લેવી જોઈએ જેથી એ સંપૂર્ણ રીતે પચી શકે. એ સાથે જ ભોજનમાં વિરુદ્ધ આહાર જેમ કે દાળ અને દૂધ, મીઠું અને દૂધ, મૂળા અને દૂધ, કાંદા અને દૂધ, ખાટાં ફળો અને દૂધ વગેરેને એકસાથે ન ખાવાનું ધ્યાન રાખવું જો​ઈએ. પ્રકૃતિના હિસાબે પણ ભોજન લેવા પર ધ્યાન આપવું જોઈએ. વાત પ્રકૃતિવાળા લોકોએ ગરમ, ઘી-તેલવાળું, કંદમૂળ ખાવાં જોઈએ. પિત્ત પ્રકૃતિવાળાએ શરીરને ઠંડક આપતાં સૅલડ અને કડવી, મીઠી વસ્તુને આહારમાં સ્થાન આપવું જોઈએ. કફ પ્રકૃત્તિવાળા લોકોએ હળવું, ગરમ અને મસાલેદાર ભોજન ખાવું જો​ઈએ. 

ભોજન કરતી વખતે ધ્યાન રાખવા જેવું
ભોજન કરતી વખતે એ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ કે ખાવાની વસ્તુને પાણીની જેમ અને પાણીને ખાવાની જેમ લેવું જોઈએ. ઘન ખોરાકને ચાવી, પર્યાપ્ત લાળ સાથે ભેળવીને મોઢામાં પ્રવાહી જેવું બની જાય એ પછી ગળવું જોઈએ જેથી એ સરળતાથી પચી જાય. એ જ રીતે પાણીને પણ એટલી જ ધીમી ગતિથી પીવું જોઈએ કે એવો અનુભવ થાય કે જાણે આપણે એને ચાવી રહ્યા છીએ. આ પ્રકારનું સેવન પાચક અગ્નિને કમજોર પડવા દેતું નથી અને ભોજનનું પોષણ શરીરમાં યોગ્ય રૂપથી ફેલાય છે. આયુર્વેદમાં દરેક વ્યક્તિ અલગ છે કારણ કે દરેકની પ્રકૃતિ અલગ છે. એટલે ભોજન લેતાં પહેલાં પ્રકૃતિના હિસાબે અલગ-અલગ વસ્તુનું સેવન લાભકારી માનવામાં આવે છે. વાત, પિત્ત પ્રકૃતિના લોકોએ જમતાં પહેલાં એક ચમચી ઘી અથવા ગરમ દૂધ લેવું જોઈએ. એવી જ રીતે કફ પ્રકૃતિના લોકોએ એક ચમચી મધ ગરમ પાણીમાં મિક્સ કરીને અથવા આદુંનો ઉપયોગ કરવો જો​ઈએ. એ પાચક અગ્નિ મજબૂત કરે છે અને ખોરાકને સરખી રીતે પચાવવામાં મદદ કરે છે. આયુર્વેદમાં છ રસ કહ્યા છે. મધુર (મીઠો), અમ્લ (ખાટો), લવણ (ખારો), કટુ (તીખો), તિક્ત (કડવો), કષાય (તૂરો). ભોજન કરતી વખતે આ જ ક્રમમાં જમવાની થાળીમાં જે વાનગીઓ હોય એ ખાવી જોઈએ. ભોજનનાં વિભિન્ન ચરણોમાં અલગ-અલગ દોષ વાત, પિત્ત અને કફ પ્રભાવી હોય છે. ભોજનથી પહેલાંનો સમય વાતનો હોય છે, ભોજન દરમિયાન પિત્તનો પ્રભાવ હોય છે અને ભોજનના અંતમાં કફનો વારો આવે છે. એટલે ગળી, ઑઇલી અને પચવામાં ભારે વસ્તુ શરૂઆતમાં ખાવી જોઈએ તેમ જ હળવી અને પચવામાં સરળ વસ્તુ પછી ખાવી જો​ઈએ. આ રીતે જમવાથી શરીરમાં પાચન સારું થાય, દોષ સંતુલિત થાય અને શરીરને સરખું પોષણ પણ મળી રહે છે. જમ્યા પછી મોટા ભાગે લોકો છાસનું સેવન કરતા હોય છે. એ વખતે ધ્યાન રાખવાનું કે છાસ પાતળી હોવી જોઈએ. તાજા દહીંની બનેલી ફ્રેશ એટલે કે વધારે ખાટી ન હોવી જો​ઈએ. એમાં તમે આવશ્યકતા મુજબ જીરું નાખી શકો જે પાચનને સારું કરવામાં મદદ કરે. ઘણાને ઘાટી છાસ પીવાની આદત હોય છે, પણ એ કફ વધારવાનું કામ કરે છે. ભોજન સાથે પાણી પીવાને લઈને પણ કેટલીક વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ. જમતાં-જમતાં એક-એક ઘૂંટડો પાણી પી શકાય. બહુ બધું એકસાથે પીવું ન જોઈએ. અડધોથી એક ગ્લાસ પી શકો. જમ્યા પછી ખાલી મોઢું સાફ કરવા માટે એક ઘૂંટડો પાણી પીવું જોઈએ. ભોજન કર્યા પછી વધારે પડતું પાણી પી લેવાથી પાચક અગ્નિ નબળો પડી જાય છે, પરિણામે ભોજન સરખી રીતે પચી શકતું નથી. વારંવાર ભોજન પછી પાણી પીવાથી સ્થૂળતા, ઍસિડિટી અને અપચો જેવી સમસ્યા વધી જાય છે. 

ભોજન પછી શેનું ધ્યાન રાખવું? 
ભોજન કર્યા પછી તરત સૂવાનું ટાળવું જોઈએ. એનાથી પાચન ધીમું પડી જાય છે અને દોષ અસંતુલિત થઈ શકે છે, જેનાથી પેટ સંબંધિત સમસ્યા ઉદ્ભવી શકે છે. એટલે ભોજન કર્યા પછી ઓછામાં ઓછું એક કલાક સુધી ન સૂવું જોઈએ. એ સિવાય ડાબે પડખે સૂવાનું લાભદાયક માનવામાં આવે છે. એનાથી ભોજન સરળતાથી પચે છે અને કફ દોષ નિયં​ત્રિત રહે છે.

 સચેત અને ધ્યાનપૂર્વક લેવામાં આવેલો દરેક કોળિયો એક પ્રાર્થના બની જાય છે જે આપણને સ્વાસ્થ્ય, સંતુલન અને દીર્ઘાયુની દિશામાં લઈ જાય છે.
- ડૉ. જૈના પટવા, આયુર્વેદિક એક્સપર્ટ

healthy living health tips food news food and drink street food Gujarati food mumbai food indian food ayurveda lifestyle news life and style