24 May, 2025 07:17 AM IST | Mumbai | Ruchita Shah
પ્રતીકાત્મક તસવીર
લાંબા ગાળાની કબજિયાત અને બેઠાડુ જીવનશૈલી સાથે સંકળાયેલી ફિસ્ટ્યુલા નામની બીમારીમાં સર્જરી પછી પણ વારંવાર એનું ફરી થવું વિશ્વ સામે મોટી સમસ્યા હતી. જોકે હજારો વર્ષ પહેલાંના આયુર્વેદ ગ્રંથમાં અપાયેલી ક્ષારસૂત્ર પદ્ધતિથી એની ટ્રીટમેન્ટ અકલ્પનીય પરિણામ આપી શકે છે એવું સર્વેક્ષણોમાં સાબિત થયું છે. આ બીમારી શું છે અને એની આયુર્વેદિક સારવાર કઈ રીતે બધાથી અલગ પડે છે એ જાણી લો
આજે ઑબ્સ્ટેટ્રિક ફિસ્ટ્યુલા ડે છે. લેટ પ્રેગ્નન્સી સાથે સંકળાયેલી આ બીમારી બાળક અને માતા માટે બન્ને જોખમી પુરવાર થઈ રહી હતી અને એટલે જ યુનાઇટેડ નેશન્સ પૉપ્યુલેશન ફન્ડ દ્વારા વિકાસશીલ દેશોમાં આ સમસ્યાને દૂર કરવાનો ૨૦૩૦ સુધીનો ટાર્ગેટ સેટ કરવામાં આવ્યો અને આજના દિવસને એની અવેરનેસ માટે નિશ્ચિત કરવામાં આવ્યો. માત્ર ઑબ્સ્ટેટ્રિક ફિસ્ટ્યુલા જ નહીં પણ એનલ ફિસ્ટ્યુલા પણ એક વકરી રહેલી સમસ્યા છે. ગ્લોબલ લીડર્સ ભેગા થઈને ફિસ્ટ્યુલાના ઇલાજમાં વિચારવિમર્શ કરીને પૉઝિટિવ પરિણામ લાવવાના પ્રયાસ કરી રહ્યા છે. એવામાં ભારતની ભૂમિકા મહત્ત્વપૂર્ણ સાબિત થઈ રહી છે.
તાજેતરમાં અમેરિકાના સૅન ડીએગોમાં લગભગ ૪૨૦૦ કોલોન રેક્ટલ સર્જ્યન સભ્યોની સંસ્થા અમેરિકન સોસાયટી ઑફ કોલોન ઍન્ડ રેક્ટલ સર્જ્યનની કૉન્ફરન્સમાં દુનિયાના ૨૮૦૦ નિષ્ણાતો સામે મુંબઈના પાઇલ્સ ઍન્ડ ફિસ્ટ્યુલા સર્જ્યન ડૉ. નીલેશ દોશીએ આયુર્વેદની આ રોગોમાં અકસીર કહી શકાય એવી ક્ષારસૂત્ર પદ્ધતિથી થતા ઇલાજ વિશેનો પોતાનો અભ્યાસ રજૂ કર્યો હતો. છેલ્લાં દસ વર્ષમાં તેમણે ક્ષારસૂત્ર પદ્ધતિથી ફિસ્ટ્યુલા એટલે કે ભગંદરનો ઇલાજ કર્યો હોય એનાં પરિણામો અને એનું રિકરન્સ ઘટ્યું હોવાનું પણ દરદીઓના કેસ-સ્ટડીઝ દ્વારા સાબિત કર્યું હતું જેણે આયુર્વેદ વિજ્ઞાનની આ ખાસ ટ્રીટમેન્ટ માટે હાજર નિષ્ણાતોને અચંબિત કરી દીધા હતા. આજે સૌથી પહેલાં તો સમજીએ કે ભગંદરની સમસ્યા એ કઈ બલાનું નામ છે અને એના ઇલાજમાં ક્ષારસૂત્ર નામની સારવાર કોઈ પણ જાતની વાઢકાપ વિના કઈ રીતે લૉન્ગ ટર્મ ઇલાજનું કામ કરી રહી છે એ પણ જાણીએ.
ક્ષારસૂત્ર
ભગંદર એટલે શું?
અપેક્ષિત ન હોય એવા આપણા શરીરના કોઈ બે અવયવો વચ્ચે ટનલ જેવું જોડાણ થાય એને ફિસ્ટ્યુલા કહેવાય. એનલ ફિસ્ટ્યુલા સૌથી સામાન્ય છે એમ જણાવીને અત્યાર સુધીમાં ત્રીસેક હજાર જેટલી ફિસ્ટ્યુલાની સર્જરી કરી ચૂકેલા ડૉ. નીલેશ દોશી કહે છે, ‘ગુદાદ્વાર અને સ્કિન વચ્ચે આવો જ એક ટનલ જેવો પૅસેજ બને જેમાં પસ થાય, ઇન્ફેક્શન થાય અને પછી સ્કિન વાટે પસ બહાર નીકળે, એ ભાગમાં દુખાવો થાય, એમાંથી લોહી કે પસ બહાર નીકળે, દુર્ગંધ આવે, લાલાશ પડી જાય, સોજો આવે, ગુદાદ્વાર પાસે ખંજવાળ આવે, તાવ આવે, ફોડીઓ થઈ જાય. આ બધાં જ લક્ષણો ભગંદર નામની બીમારીમાં જોવા મળતાં હોય છે. અંદર થયેલા ઇન્ફેક્શનને કારણે એની સમયસર સારવાર કરવી જરૂરી હોય છે નહીં તો એ ઇન્ફેક્શન શરીરના અન્ય ભાગોને પણ ઇન્ફેક્ટ કરીને સમસ્યાઓ વિકરાળ બનાવી શકે છે. નિષ્ણાતનું કામ હોય આ ટનલના ઇન્ફેક્શનને દૂર કરીને આ બિનજરૂરી કનેક્શનને દૂર કરવાનું.’
કારણો શું?
ભારતમાં દર વર્ષે લગભગ એક લાખ જેટલા એનલ ફિસ્ટ્યુલાના કેસ નોંધાય છે. ત્રીસથી પચાસ વર્ષની ઉંમરે મોટા ભાગે પુરુષોમાં વધુ જોવા મળતી આ સમસ્યાનું પ્રમાણ વધ્યું છે એનાં કારણો જણાવતાં ડૉ. નીલેશ કહે છે, ‘આપણી જીવનશૈલી જ એનું સૌથી મોટું કારણ છે. લાંબા કલાકો સુધી કમ્પ્યુટર સામે બેસી રહેવાનું, પાણી ઓછું પીવાનું, શારીરિક વ્યાયામ ઘટ્યો છે. એની સીધી અસર પાચનતંત્ર પર પડે. બીજી બાજુ, ખાણીપીણીની આદતો બદલાઈ. જન્ક ફૂડ, ઓછા ફાઇબરવાળા અને પચવામાં ભારે એવા ભોજનથી કબજિયાત નાની ઉંમરની સમસ્યા બની છે. સવારે ટૉઇલેટ કરતી વખતે જોર કરવાથી ગુદાદ્વારમાં ઇન્ફેક્શન થવાની સંભાવના રહે છે, જે આગળ જતાં ભગંદરમાં કન્વર્ટ થઈ જાય છે. બીજું, ઝડપી લાઇફસ્ટાઇલમાં જ્યાં સુધી વાત વધુ વણસે નહીં ત્યાં સુધી લોકો આ પ્રકારની સમસ્યામાં ડૉક્ટર પાસે આવવાનું પણ ટાળે. ઇન્ફેક્શનનો શરૂઆતનો ગાળો જો ઇગ્નૉર કરો તો ધીમે-ધીમે વધુ વકરે. ડાયાબિટીઝ, ટીબી જેવી બીમારી હોય તો પણ ભગંદરના ચાન્સ વધી જાય છે. છેલ્લાં દસ વર્ષમાં ભગંદરના કેસમાં લગભગ પચીસ ટકા જેટલો વધારો થયો છે.’
ક્ષારસૂત્ર શું કામ બેસ્ટ?
ફિસ્ટ્યુલાની ટ્રીટમેન્ટમાં મોટા ભાગે ફિસ્ટ્યુલોટમીની સર્જરી કરવામાં આવે છે જેમાં સર્જ્યન એ ટનલને કાપી દે છે. ડૉ. નીલેશ કહે છે, ‘સર્જરી પછી પણ એ ફરી નહીં થાય એની કોઈ ગૅરન્ટી નથી. પ્લસ સર્જરીમાં ઘણી વાર વ્યક્તિનો સ્ટૂલ પાસ કરવાનો કન્ટ્રોલ જતો રહે એવું પણ બને કારણ કે રેક્ટમમાં કેટલાક સ્નાયુઓ પણ સર્જરી વખતે ડૅમેજ થઈ શકે છે જે સ્ટૂલ રોકવામાં મદદરૂપ થતા હોય. બીજું, પોસ્ટ-સર્જરી પણ લાંબો સમય પેઇન રહેતું હોય છે. લેઝરથી પણ શરૂઆતના સમયમાં ટ્રીટમેન્ટ થાય છે. એમાં પણ વીસથી પચીસ ટકા કેસમાં એ ફરી થાય જ છે. જોકે એની સામે હજારો વર્ષ પહેલાં આચાર્ય સુશ્રુત દ્વારા આપવામાં આવેલી ક્ષારસૂત્રની ટ્રીટમેન્ટમાં કોઈ પણ વાઢકાપ નથી હોતી. સર્જરી ઝડપી રિલીફ આપે પરંતુ વારંવાર એની ફરી થવાની બાબત ક્ષારસૂત્રમાં ટાળી શકાય છે. ક્ષારસૂત્ર એટલે કે એક મેડિકેટેડ થ્રેડને ફિસ્ટ્યુલાની ટનલમાં નાખવો. સામાન્ય રીતે પાંચથી સાત સિટિંગમાં બીમારી સારી થઈ જાય. ક્ષારસૂત્રની ખાસિયત એ છે કે એ ઇન્ફેક્શનને કાપવાનું, નવેસરથી હીલિંગ કરવાનું કામ એકસાથે કરે છે. વધારાની બ્રાન્ચિસ અપનેઆપ સુકાઈને ખરી પડે એવો દવાનો પાવર હોય છે. અન્ય કૉમ્પ્લીકેશન નથી થતાં. સર્જરીમાં મેકૅનિકલી ફિસ્ટ્યુલાને કાપવામાં આવે છે, જ્યારે ક્ષારસૂત્રમાં એ જ કામ કેમિકલ્સથી થાય છે. એટલે જ રિકરન્સના ચાન્સ ઘટી જાય છે.’
ક્ષારસૂત્ર બને કઈ રીતે એ સમજી લઈએ પહેલાં એમ જણાવીને ડૉ. નીલેશ કહે છે, ‘આ પદ્ધતિ ઑલમોસ્ટ લુપ્ત થઈ ગઈ હતી. જોકે ચાલીસ વર્ષ પહેલાં એને રીઇન્વેન્ટ કરવામાં આવી. એક સિસ્ટમ સાથે ક્ષારસૂત્રની પદ્ધતિ ડેવલપ કરવામાં આવી. ટ્રીટમેન્ટનું સ્ટાન્ડર્ડાઇઝેશન થયું. ક્ષારસૂત્ર એ ત્રણ દવાઓથી બને. થોરનું દૂધ, અઘેડો નામની વનસ્પતિનો ક્ષાર અને હળદર. અઘેડોને સૂકવીને એને બાળી નાખવામાં આવે. એ પાઉડરમાં છગણું પાણી ઉમેરીને પાણીનું સંપૂર્ણપણે બાષ્પીભવન થાય ત્યાં સુધી એને ઉકાળાવામાં આવે. છેલ્લે જે રાખ બચે એટલે અઘેડોનો ક્ષાર કહેવાય. હવે સૂતરની દોરી પર પહેલાં થોરના પાણીનું કોટિંગ થાય. એવી જ રીતે અઘેડાના ક્ષારનું અને હળદરનું એમ જુદી-જુદી માત્રામાં એનું કોટિંગ થાય. સુકાયેલો આ થ્રેડ ભગંદરની બ્રાન્ચિસમાં ઇન્સર્ટ કરવામાં આવે. પહેલાંની તુલનાએ ક્ષારસૂત્રની ઇફેક્ટિવનેસ હમણાં વધી છે, કારણ કે હવે MRIને કારણે ક્યાં ફિસ્ટ્યુલાની બ્રાન્ચિસનું પ્રૉપર સ્કૅનિંગ થઈ જવાથી પ્રૉપર ક્ષારસૂત્રને વધુ સટીક રીતે ઇન્સર્ટ કરી શકાય છે. ઇન્ડિયન મેડિકલ અસોસિએશન અને વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશને પણ ક્ષારસૂત્રથી ભગંદરના ઇલાજને માન્યતા આપી છે.’
ક્ષારસૂત્ર એટલે કે એક મેડિકેટેડ થ્રેડને ફિસ્ટ્યુલાની ટનલમાં નાખવી. સામાન્ય રીતે પાંચથી સાત સિટિંગમાં બીમારી સારી થઈ જાય. ક્ષારસૂત્રની ખાસિયત એ છે કે એ ઇન્ફેક્શનને કાપવાનું, નવેસરથી હીલિંગ કરવાનું કામ એકસાથે કરે છે. વધારાની બ્રાન્ચિસ અપનેઆપ સુકાઈને ખરી પડે એવો દવાનો પાવર હોય છે. અન્ય કૉમ્પ્લીકેશન નથી થતાં. સર્જરીમાં મેકૅનિકલી ફિસ્ટ્યુલાને કાપવામાં આવે છે, જ્યારે ક્ષારસૂત્રમાં એ જ કામ કેમિકલ્સથી થાય છે. એટલે જ રિકરન્સના ચાન્સ ઘટી જાય છે.
- ડૉ. નીલેશ દોશી, પાઇલ્સ ઍન્ડ ફિસ્ટ્યુલા સર્જ્યન