ચોમાસામાં સ્વસ્થ રહેવું હોય તો આજથી જ પાળવા માંડો આ પાંચ ખાસ નિયમો

08 July, 2025 12:01 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ચાતુર્માસમાં ઉપવાસ કરવા, ઓછું ખાવું, સવિશેષ ધર્મધ્યાનમાં મન લગાવેલું રાખવું જેથી ઓછા સૂર્યપ્રકાશ વચ્ચે મન ડિપ્રેશનનો શિકાર ન બને એ બધું જ વૈજ્ઞાનિક છે.

પ્રતીકાત્મક તસવીર

ઋતુ ફેરવાય એમ જીવનશૈલી પણ ફેરવાવી જોઈએ નહીં તો માંદા પડ્યા વિના રહેશો નહીં. મુંબઈમાં વરસાદ જામ્યો છે. ચોમાસામાં શું ખાવું, શું નહીં, કેવી રીતે રહેવું એને લગતા સામાન્ય નિયમો તો આપણે સહુ જાણીએ છીએ પરંતુ આયુર્વેદમાં એનું વિશેષ વિવરણ મળે છે. ચોમાસામાં પાણીજન્ય રોગોનું પ્રમાણ વધે, પાચન નબળું થવાથી પેટને લગતા લોકો પણ વધે અને સાથે ભેજનું પ્રમાણ અને ભીના કપડાને કારણે સ્કિનના રોગોનું પ્રમાણ પણ વધે. બીજું, મચ્છરથી ફેલાતી ડેન્ગી, મલેરિયા જેવી બીમારીઓ પણ પુષ્કળ પ્રમાણમાં જોવા મળતી હોય છે. અપચો, ઝાડા, ઊલટી, શરદી, ઉધરસ જેવી સમસ્યાઓ સામાન્ય છે. જોકે આ બધું જ તેને થાય જે પોતે પહેલેથી જ નબળા હોય, જેમની જીવનશૈલીમાં ખોટ હોય, જેમણે પોતાની રોગપ્રતિકારક શક્તિને સાબદી નથી રાખી. તમને ખબર જ છે કે ચાતુર્માસમાં ધાર્મિક દૃષ્ટિએ પણ આપણે ત્યાં આહાર-વિહારમાં બદલાવ આવે એ આશયથી કેટલાંક વ્રત અને તપની પરંપરાઓ હતી. ધર્મ વિજ્ઞાન સાથે જોડાયેલું હતું એનું વર્ષાઋતુ બહુ જ જીવંત પ્રૂફ છે. ચાતુર્માસમાં ઉપવાસ કરવા, ઓછું ખાવું, સવિશેષ ધર્મધ્યાનમાં મન લગાવેલું રાખવું જેથી ઓછા સૂર્યપ્રકાશ વચ્ચે મન ડિપ્રેશનનો શિકાર ન બને એ બધું જ વૈજ્ઞાનિક છે.

ચોમાસામાં હેલ્ધી રહેવું હોય તો એનો સૌથી પહેલો નિયમ કે આ સીઝનમાં બહારનું ખાવાનું ન જ ખાવું અને ઘરે પણ જે ખાઓ એ પચવામાં હળવું એટલે કે સુપાચ્ય હોય. મોડી રાતે ન ખાવું. શક્ય હોય ત્યાં સૂધી સૂર્યાસ્ત પહેલાં જમી લેવું. ખીચડી, દલિયા, ઉપમા, પૌંઆ જેવી વસ્તુઓ ડિનરમાં ખાઈ શકાય. શાકમાં કારેલાં, ભીંડા, દૂધી, કોબી, પરવળ, કંકોડા, તૂરિયાં, ગલકાં વગેરે ખાઈ શકાય. લીલી ભાજીઓ, ફુલાવર, રીંગણા જેવી આઇટમો આ ઋતુમાં ન ખાવી. પાલક, મેથી, તાંદળજો જેવી આઇટમો ન ખાવી. આ ઋતુમાં વાયુ થાય એવાં કઠોળ ન ખાવાં. જોકે મગ, મગની દાળ, મગનું પાણી આ ઋતુમાં ખાવા માટે શ્રેષ્ઠ છે.

બીજા નંબરે આહાર પછી વિહાર આવે. શારીરિક શ્રમ પડે એટલા સક્રિય રહેવું. બહાર ગંદા પાણીનો સ્પર્શ થયો હોય તો ગરમ પાણીથી પગ ધોવા. બહાર ભટકવાને બદલે ઘરમાં યોગ, પ્રાણાયામ, સૂર્યનમસ્કાર વગેરે કરી લેવું.

ત્રીજો નિયમ દરરોજ સવારે તુલસી, ફુદીનો, આદું અને અજમો નાખીને ઉકાળેલું પાણી સવારના સમયે લેવું. દિવસમાં બેથી ત્રણ વાર આ ઉકાળો પી શકાય.

ચોથા નંબરે અઠવાડિયામાં ત્રણ દિવસ કરિયાતું અને ગળો નાખીને ઉકાળેલું પાણી પીવું જોઈએ. એ તાવ અને વાઇરલ ઇન્ફેક્શનથી તમારી રક્ષા કરશે.

છેલ્લે દરરોજ રાતે હળદર નાખીને ઉકાળેલું દૂધ પીવું જે તમારી ઓવરઑલ હેલ્થ માટે જરૂરી છે.

-વૈદ્ય દિલીપ ત્રિવેદી

ayurveda yoga health tips diet mumbai monsoon monsoon news life and style columnists gujarati mid day mumbai