30 October, 2026 02:32 PM IST | Mumbai | Jigisha Jain
પ્રતીકાત્મક તસવીર
બૅકપેઇનને આજકાલ જાણકાર લોકો સ્લો-પૅન્ડેમિક ગણી રહ્યા છે. બૅકપેઇનમાં પીઠ અને કમરનો દુખાવો બન્ને આવી ગયાં. એક સમય હતો જ્યારે બૅકપેઇન જેવી સમસ્યા ફક્ત ને ફક્ત વડીલો કે વૃદ્ધ લોકોને થતી, પરંતુ આજની તારીખે આ સમસ્યા ઉંમરના સીમાડા વટાવીને દરેક ઉંમરની વ્યક્તિની અંગત સમસ્યા બની ગઈ છે. બૅકપેઇન ભલે બધા માટે એકસરખી શારીરિક ઉપાધિ કે પીડા લઈને આવે, પણ દરેક વ્યક્તિમાં એ થવા પાછળનાં કારણો તદ્દન જુદાં હોય છે. કોઈ ને કોઈ રીતે આપણે આપણી પીઠ અને કમરને એટલી ખરાબ રીતે વાપરી રહ્યા છીએ કે એને લીધે આજે એ દર્દથી કરાહી રહી છે! ચાલો, આજે જુદા-જુદા વયજૂથ અને જીવનશૈલી મુજબ બદલાતાં બૅકપેઇન સંબંધિત કારણોને ઊંડાણપૂર્વક સમજવાનો પ્રયાસ કરીએ.
૧. ટીનેજર્સ અને વિદ્યાર્થીઓ
આજથી ૩૦ વર્ષ પહેલાં કોઈ દિવસ એવું સાંભળવા પણ નહોતું મળતું કે બાળકોને બૅકપેઇન થાય છે, પણ આજકાલ બાળકો આ ફરિયાદ સાથે તકલીફમાં જોવા મળે છે. વધુ સમય બેસી ન શકાતું હોય, સીધા પલંગ પર લાંબા થઈ જતાં હોય, થોડું અંતર હોય તો પણ ચાલવાની ના પાડતાં હોય એવાં બધાં બાળકોની પીઠ અને કમર બન્ને નબળાં હોય છે અને તેઓ બૅકપેઇનની ફરિયાદ કરતાં જોવા મળે છે. ઊલટું આજના યુવાનો અને કિશોરોમાં બૅકપેઇનનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. બાળપણથી જ બાળકો ડિજિટલ સ્ક્રીન સાથે જોડાઈ ગયાં છે, જેનાં ગંભીર પરિણામો તેમની કરોડરજ્જુ પર પડી રહ્યાં છે.
બાળકોમાં આ તકલીફ પાછળ ખોટું પૉશ્ચર જવાબદાર છે એમ જણાવીને આનાં મુખ્ય કારણો જણાવતાં ફિઝિયોથેરપિસ્ટ ડૉ. કૃતિ મહેતા કહે છે, ‘આજકાલ બાળકો ગૅજેટ્સની દુનિયામાં જીવતાં થઈ ગયાં છે. લૅપટૉપ, ટૅબ્લેટ કે મોબાઇલ સામે તેઓ કલાકો પસાર કરે છે. આ સમયે ગરદન ઝુકાવીને અથવા વાંકા વળીને બેસવાથી ‘ટેક નેક’ અને ‘સ્પાઇનલ મિસલાઇનમેન્ટ’ જેવી સમસ્યાઓ થાય છે. આજે ૨૦ વર્ષથી નાનાં બાળકોમાં આ તકલીફો જોવા મળે છે, જે પહેલાં મળતી નહીં. આ સિવાય ભારે સ્કૂલબૅગ પણ એક કારણ છે. બાળકોની કમરના વિકાસના તબક્કામાં જ અસંતુલિત અને ભારે વજનવાળી બૅગ એક જ ખભા પર લટકાવવાની ટેવ તેમને કમરના દુખાવા તરફ ધકેલે છે.’
આનો ઉપાય શું?
બાળકોની સમસ્યાનો ઉપાય જણાવતાં ડૉ. કૃતિ મહેતા કહે છે, ‘નાની ઉંમરે બાળક અત્યંત ઍક્ટિવ જીવન જીવતું હોવું જોઈએ, પરંતુ આજકાલ બાળકો મેદાન પર રમવાને બદલે કલાકો સુધી એક જ જગ્યાએ બેસી રહે છે, ઘરમાં પડ્યા રહે છે. આમ પડ્યા રહેવાથી પીઠના સ્નાયુઓ નબળા પડી જાય છે. બાળકોનું આ બેઠાડુ જીવન તેમના માટે બિલકુલ સારું નથી. કોશિશ કરો કે દિવસના ત્રણ-ચાર કલાક બાળકો મેદાનમાં રમે. એ પછી ઘરે આવીને એક કલાક ગૅજેટ જોશે તો પણ તેમને તકલીફ નહીં પડે, કારણ કે તેમના સ્નાયુઓ પ્રબળ બનશે.’
૨. યુવા અને વર્કિંગ પ્રોફેશનલ્સ
ડેસ્ક-જૉબ અને કૉર્પોરેટ કલ્ચરમાં કામ કરવાથી આવતું સ્ટ્રેસ વ્યક્તિના જીવનમાં બૅકપેઇન બનીને આવે છે. નોકરી કરતા યુવાનો માટે બૅકપેઇન પ્રોફેશનલ ગિફ્ટ જેવું બની ગયું છે. આજકાલ કામના કલાકો ઘણા વધી ગયા છે. આમ લાંબા કલાકોની
ડેસ્ક-જૉબ પીઠ અને કમરને નુકસાન પહોંચાડે છે. ઑફિસમાં અથવા ઘરથી કામ કરતી વખતે યોગ્ય એર્ગોનૉમિક્સ વગરની એટલે કે વ્યવસ્થિત સપોર્ટ વિનાની ખુરસીઓ પર કલાકો સુધી અવિરત બેસી રહેવાથી કરોડરજ્જુ પર ભારે દબાણ આવે છે. આ ઉપરાંત આજના દોડધામભર્યા જીવનમાં સ્ટ્રેસની સીધી અસર આપણા સ્નાયુઓ પર પડે છે. માનસિક ચિંતાને કારણે ગરદન, ખભા અને પીઠના સ્નાયુઓ અચાનક જકડાઈ જાય છે જે ક્રૉનિક પેઇનનું રૂપ લે છે. આ ઉપરાંત બીજી તકલીફ એ છે કે આ ઉંમરના લોકો કરીઅર બનાવવામાં એટલા વ્યસ્ત છે કે તેમની પાસે વ્યાયામ કરવાનો સમય નથી. જેમની પાસે સમય છે તેઓ આળસમાં વ્યાયામ કરતા નથી. વળી આ ઉંમરના લોકો અનિયમિત જીવનશૈલી અનુસરે છે. કસરત ન કરવાથી શરીરના કોર મસલ્સ નબળા પડે છે,
જે શરીરનો ભાર સંતુલિત રાખવામાં અસમર્થ બને છે.
ઉપાય
યુવાનો માટેનો ઉપાય સમજાવતાં ડૉ. કૃતિ મહેતા કહે છે, ‘આવા નબળા સ્નાયુવાળા લોકો જિમમાં વજન ઊંચકતી વખતે સાવધાની ન રાખવાથી ઈજાગ્રસ્ત થઈ થાય છે. યુવાનોએ પોતાનાં સ્નાયુ અને હાડકાંનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. આ ઉંમર છે જ્યારે તમે સ્નાયુઓને સશક્ત બનાવી શકો છો. વધુ નહીં તો ખુદ માટે તમે ૪૫ મિનિટ કાઢો અને કોઈ જાણકાર ટ્રેઇનર હેઠળ કસરત કરો.’
૩. વડીલો અને મોટી ઉંમરના લોકો
ઉંમર થાય એટલે વ્યક્તિને શરીરમાં કુદરતી ઘસારો લાગે જ છે અને હાડકાં નબળાં થતાં જાય છે. વડીલોમાં બૅકપેઇનનું મુખ્ય કારણ શરીરની ઉંમર સાથે સંકળાયેલા કુદરતી ફેરફારો અને ઘસારો છે એ વિશે વાત કરતાં ડૉ. કૃતિ મહેતા કહે છે, ‘ઉંમર સાથે ઑસ્ટિઓપોરોસિસ આવે છે એટલે કે સાદી ભાષામાં કહીએ છીએ કે હાડકાંની નબળાઈ આવી ગઈ. ખાસ કરીને મહિલાઓમાં મેનોપૉઝ પછી હાડકાંની ઘનતા ઝડપથી ઘટવા લાગે છે જેના કારણે મણકાઓ પોલા અને નબળા થઈ જાય છે, મોટી ઉંમરે મણકા ઘસાઈ જાય છે. ઉંમર વધવાની સાથે કરોડરજ્જુના મણકા વચ્ચેની ગાદી પાતળી થવા લાગે છે અથવા સુકાઈ જાય છે જેના કારણે ચેતાઓ પર દબાણ આવે છે અને તીવ્ર દુખાવો થાય છે. મોટી ઉંમરે સ્નાયુઓની સ્થિતિસ્થાપકતા ઘટે છે. ઉંમરની સાથે લિગામેન્ટ્સ અને સ્નાયુઓની સ્થિતિસ્થાપકતા ઓછી થવાથી સંતુલન બગડે છે અને પીઠ અકડાઈ થઈ જાય છે.
આનો ઉપાય શું?
ઉંમર સાથે આવતા ઘસારાને પહોંચી વળવા માટે મોટી ઉંમરે ખુદની કાળજી રાખવી જરૂરી છે, જે માટે એક્સરસાઇઝ કરવી જરૂરી છે. પડી ન જવાય એનું ધ્યાન પણ રાખવું જરૂરી છે. વિટામિન D અને કૅલ્શિયમ બન્નેનાં સપ્લિમેન્ટ્સ પણ ડૉક્ટરને પૂછીને લેવાં જોઈએ. કાળજી રાખવી ખૂબ જ જરૂરી છે.
ધ્યાન રાખો
આપણી પીઠ આપણને જન્મથી મૃત્યુ સુધી સાથ આપે છે, દરેક હલનચલનમાં આપણને સંતુલન પૂરું પાડે છે. આમ છતાં આપણે એની સૌથી વધુ ઉપેક્ષા કરીએ છીએ. જો પેઇનરહિત સશક્ત જીવન જીવવું હોય તો આપણે આટલી કાળજી રાખવી જરૂરી છે.
૧. પૉશ્ચર સુધારો. બેસતી કે ઊભા રહેતી વખતે કરોડરજ્જુ સીધી રાખવાની ટેવ પાડો. કલાકો સુધી સતત બેસી રહેવાને બદલે દર ૪૫ મિનિટે ઊભા થઈને થોડું ચાલો કે સ્ટ્રેચિંગ કરો.
૨. નિયમિત વ્યાયામ કરવો જરૂરી છે. બૅક સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝ પીઠ અને કમરના સ્નાયુઓને મજબૂત બનાવે છે. જો જિમ ન જતા હોય તો યોગાસનો કરો. ભુજંગાસન અને મકરાસન જેવાં આસનો પીઠ અને કમર માટે ઘણાં ઉપયોગી છે.
૩. પોષણયુક્ત આહાર લેવો. હાડકાંની મજબૂતાઈ માટે કૅલ્શિયમ, વિટામિન D અને પ્રોટીનયુક્ત ખોરાકને દિનચર્યામાં સામેલ કરો.
૪. વજન નિયંત્રણ કરવું જરૂરી છે. શરીરનું વધારાનું વજન સીધો બોજ કરોડરજ્જુ પર નાખે છે એટલે વજન નિયંત્રણમાં રાખવું અનિવાર્ય છે.