18 March, 2025 04:51 PM IST | Mumbai | Rajul Bhanushali
બનાના સ્ટેમ, બનાના ફ્લાવર્સ (સૌજન્ય: મિડ-ડે)
ગરમીમાં કેળાનું સેવન તો કરતા જ હશો, પરંતુ બારેય માસ ખવાતા બનાના સ્ટેમ એટલે કે કેળના કૂણા તણા અથવા થડનો કૂણો ભાગ પણ પોષક તત્ત્વોથી ભરપૂર મનાય છે. સાઉથ ઇન્ડિયન્સ જેને પોતાના રોજબરોજના આહારમાં સ્થાન આપે છે એવા આ બનાના સ્ટેમને ખાવાની રીત અને એમાં રહેલાં પોષક તત્ત્વોની ખાસિયત વિશે જાણી લો.
ગુજરાતીઓમાં બનાના સ્ટેમ એટલે કે કેળાના તણા ખાવાનું ચલણ બિલકુલ નથી. દરઅસલ કેળના ઝાડનો કૂણો અને નાજુક ભાગ આજકાલ ખૂબ ચર્ચામાં છે. ઘણા એવા અહેવાલો પણ આવ્યા જેમાં ખેડૂતોએ માત્ર આ બનાના સ્ટેમની વિવિધ પ્રોડક્ટ વેચીને ધૂમ કમાણી કરી છે. આજકાલ ઇન્સ્ટન્ટ ડિલિવરી કરતી ઍપ પર પણ બનાના સ્ટેમ સરળતાથી મળી રહ્યા છે ત્યારે જાણી લો કે ઔષધીય ગુણો ધરાવતું આ સુપરફૂડ છે. એના ઔષધીય ગુણ અને રોજબરોજમાં કઈ રીતે એનો ઉપયોગ કરી શકાય એ વિશે જાણીએ.
કેવી રીતે ખવાય?
આ સુપરફૂડની ખાસિયત જણાવતાં ઘાટકોપરનાં ડાયટિશ્યન ડૉ. રશ્મિ ભાનુશાલી કહે છે, ‘બનાના સ્ટેમમાં ભરપૂર પ્રમાણમાં ફાઇબર અને પોટૅશિયમ હોય છે અને એ અનેક રીતે ફાયદાકારક છે. અડધાથી એક કપ જેટલું બનાના સ્ટેમ આપણે રોજ ખાઈ શકીએ. સાઉથ ઇન્ડિયન લોકોમાં એનો વપરાશ ખૂબ જ વધુ કરવામાં આવે છે. એક વસ્તુ માત્ર ધ્યાન રાખવાની એ છે કે એ કાચું હોવું જોઈએ. જો એ વધુપડતું પાકી ગયું હશે તો એની ન્યુટ્રિશ્યન-વૅલ્યુ નહીંવત્ થઈ જાય. ડાયાબેટિક લોકો માટે પણ બનાના સ્ટેમ વરદાન સ્વરૂપ ખોરાક છે. તેમણે રોજ ખાવું જોઈએ. એ એક સરસ મજાનું એનર્જી-બૂસ્ટર છે. આપણા શરીરની ફાઇબરની જરૂરિયાત મુજબ આપણે રોજ લગભગ એકાદ કિલો જેટલી શાકભાજી વિવિધ સ્વરૂપે ખાવી જોઈએ. જોકે તકલીફ એ છે કે ગમે એટલાં શાક, સૅલડ કે સૂપ લઈએ; આટલી બધી શાકભાજી ખાઈ નથી શકાતી. બનાના સ્ટેમમાં એટલું બધું ફાઇબર છે કે રોજ તમે અડધોથી એક કપ જેટલું લો તો તમારી આખા દિવસની ફાઇબરની જરૂરિયાત પૂરી થઈ જાય. પ્લસ એમાં પ્રચુર માત્રામાં રહેલું પોટૅશિયમ હાઈ બ્લડપ્રેશરના દરદીને પણ ખૂબ ફાયદો કરે છે. એક લીલા નારિયેળના પાણીમાં જેટલું પોટૅશિયમ હોય એટલું પોટૅશિયમ અડધા કપમાં હોય. જેમની ગટ-હેલ્થ નબળી હોય, બ્લોટિંગ થતું હોય તેમના માટે અત્યંત ફાયદાકારક સાબિત થાય છે.’
બનાના સ્ટેમના અન્ય લાભ વિશે વાત કરતાં ડૉ. રશ્મિ ભાનુશાલી કહે છે, ‘બનાના સ્ટેમના ગુણધર્મ ઍન્ટિ-ઇન્ફ્લૅમેટરી છે. તેમ જ એનો ગ્લાઇસીમિક ઇન્ડેક્સ ખૂબ ઓછો છે અને એટલે જ ડાયાબેટિક લોકો પણ રોજેરોજ ખાય તોય વાંધો આવતો નથી. સાઉથ ઇન્ડિયન લોકોનાં વાળ અને ત્વચા ખૂબ સરસ હોય છે એ રસોઈમાં આ બનાના સ્ટેમ અને નારિયેળના રોજના ઉપયોગના કારણે. મજાની વાત એ છે કે બનાના સ્ટેમ ખૂબ જ બજેટ-ફ્રેન્ડ્લી પણ છે. ફાઇબર માટે જ્યારે આપણે ઇસબગુલનું સપ્લિમેન્ટ લઈએ ત્યારે એક વખતમાં ૫૦થી ૬૦ રૂપિયાનો ખર્ચો આવે છે. સરગવાનાં પાનની ગોળીઓ તેમ જ પાઉડર પણ માર્કેટમાં અવેલેબલ છે. એ પણ ખૂબ મોંઘું હોય છે. એની જગ્યાએ બનાના સ્ટેમથી ૨૦ રૂપિયામાં કામ થઈ જાય છે અને ઉપરથી એ નૅચરલ હોય એ પણ ખરું. પૅકેટમાં આવે એ વસ્તુ કરતાં નૅચરલ વસ્તુનો ઉપયોગ ૧૦૦૦ ટકા વધુ ગુણકારી ગણાય છે. ફૅટ-લૉસમાં પણ આ બનાના સ્ટેમ ખૂબ મદદરૂપ થઈ શકે એવી વસ્તુ છે. જેને કૅન્સર જેવી ક્રૉનિક બીમારી હોય કે પછી સ્ટ્રેસ-રિલેટેડ જૉબ હોય તેમણે પણ આનો ઉપયોગ રેગ્યુલરલી કરવો જોઈએ. એના ઍન્ટિ-ઇન્ફ્લૅમેટરી અને ઍન્ટિ-ઑક્સિડન્ટ ગુણ ઘણી હદ સુધી સ્ટ્રેસ ઓછું કરે છે. સ્ત્રીઓમાં થતા હૉર્મોનલ ઇમ્બૅલૅન્સમાં પણ બનાના સ્ટેમ ખૂબ ઉપયોગી છે. સ્ટ્રેસ-રિલેટેડ સમસ્યાઓમાં અવાકાડોને આજે સુપરફૂડ માનવામાં આવે છે, પરંતુ એ ખૂબ મોંઘાં મળે છે તેમ જ ખૂબ જલદી ખરાબ થઈ પણ જાય છે. એની સામે બનાના સ્ટેમ ઘણું સારું પડે. એને પાઉડર બનાવીને લાંબો સમય સુધી સાચવી પણ શકાય છે.’
કઈ રીતે વાપરવું?
ફ્રેશ વાપરવું તો સૌથી ઉત્તમ બાબત છે જ, પરંતુ એને પાઉડર બનાવીને સાચવી પણ શકાય છે. ડૉ. રશ્મિ કહે છે, ‘દરેક વખતે બજાર જવું અને તાજું લાવવું શક્ય ન બનતું હોય. ક્યારેક બજાર ગયા હોઈએ પણ મળે નહીં એવું પણ બને. બનાના સ્ટેમને સરખી રીતે ધોઈ, નાની-નાની પતરીઓ કાપીને તડકામાં સૂકવી દેવી. એકદમ સારી રીતે સુકાઈ જાય ત્યારે મિક્સરમાં પીસીને એનો પાઉડર બનાવી લેવો અને પછી એનો ઉપયોગ કરવો. તમે સૅલડ બનાવો કે સૂપ, કે પછી કોઈ પણ શાક, એના પર બે ચમચી બનાના સ્ટેમનો પાઉડર ભભરાવી દેવાથી ફૂડમાં ફાઇબર કન્ટેન્ટ વધી જાય છે. બટાટાની જેમ બનાના સ્ટેમનો પોતાનો કોઈ ચોક્કસ સ્વાદ હોતો નથી. જેમ બટાટું બધાં જ શાકમાં ભળીને એ શાકનો સ્વાદ અપનાવી લે એમ બનાના સ્ટેમ કોઈ પણ વાનગીમાં નાખવાથી એ વાનગીનો સ્વાદ અપનાવી લે છે. છ મહિનાનો પાઉડર એકસાથે સ્ટોર કરી શકાય છે. ઉનાળામાં બનાવો તો એ ઉનાળો અને ચોમાસું પૂરું થાય ત્યાં સુધી ચાલશે. પછી શિયાળામાં તડકો આવે ત્યારે ફરી બનાવી લેવો. એ વળી છ મહિના ચાલશે. છ મહિના સુધી આ ઘરે બનાવેલો પાઉડર ખરાબ થતો નથી.’
ટ્રાય કરો બનાના સ્ટેમનો ઉકાળો
બનાના સ્ટેમનો ઉકાળો લેવાથી શરીરમાં ડીટૉક્સિફિકેશન થાય છે. એક ગ્લાસ પાણીમાં ૩૦ ગ્રામ જેટલો બનાના સ્ટેમનો ટુકડો, લીમડો અને ફુદીનાનાં પાન નાખીને એને ઉકાળવાનું. અડધું થઈ જાય એટલે લીંબુ નાખીને પાણી પી જવાનું. આ પાણી શરીરમાંથી ટૉક્સિન ફ્લશ કરી નાખે છે.
આયુર્વેદ બનાના સ્ટેમ વિશે શું કહે છે?
આયુર્વેદમાં બનાના સ્ટેમ એટલે કે કેળાના તણાને એક ઉત્તમ ઔષધિગત ભોજન ગણવામાં આવ્યું છે એમ જણાવીને વસઈનાં આયુર્વેદ ડૉક્ટર અર્ચના પટેલ કહે છે, ‘એ ત્રિદોષનું (વાત, પિત્ત અને કફનું) સંતુલન કરે છે અને શરીર માટે ઘણા ફાયદાકારક ગણાય છે. કિડની અને યુરિનરી સિસ્ટમ માટે બનાના સ્ટેમનો રસ ખૂબ ફાયદાકારક છે. કિડનીમાં પથરી હોય તો એ ઓગળવામાં મદદ કરે છે. યુરિનરી ટ્રૅક્ટ ઇન્ફેક્શન ઘટાડવામાં મદદ કરે છે. ફાઇબરથી ભરપૂર હોવાથી એ હળવું છે અને પાચનને ટેકો આપે છે તેથી વજન ઘટાડવાનો પ્રયત્ન કરતા લોકોને મદદ થાય છે. બનાના સ્ટેમ ખાધા પછી લાંબા સમય સુધી પેટ ભરેલું હોવાનો અનુભવ થાય છે એથી ઓવરઈટિંગ અટકાવે છે. કબજિયાત અને ઍસિડિટીમાં રાહત આપે છે. શરીરમાં ડિટૉક્સિફિકેશન કરે છે. લોહી શુદ્ધ કરવા અને શરીરનાં ટૉક્સિન્સ દૂર કરવામાં સહાયક છે. ડાયાબિટીઝ અને બ્લડપ્રેશર માટે લાભદાયક છે.
રક્તમાં શર્કરાનું સ્તર નિયંત્રિત કરવામાં સહાયક છે. ગર્ભાવસ્થા અને હૉર્મોનલ બૅલૅન્સ માટે લાભદાયક છે. હૉર્મોનલ બૅલૅન્સ રાખવામાં અને પૉલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રૉમ (PCOS) જેવી સમસ્યાઓમાં મદદ કરે છે. સવારે ખાલી પેટે બનાના સ્ટેમનો ઉકાળો પીવામાં આવે તો યુરિનરી સિસ્ટમ માટે ઉત્તમ ઔષધી બની રહે છે. એને ભાજી અથવા સૂપ તરીકે લઈ શકાય. સ્મૂધી અથવા શાકભાજી સાથે મિક્સ કરીને એનું સેવન કરી શકાય.’
બનાના ફ્લાવર્સ પણ ખૂબ પૌષ્ટિક છે
બનાના સ્ટેમની જેમ બનાના ફ્લાવર્સને પણ ખૂબ પૌષ્ટિક ગણવામાં આવે છે. એનું પણ શાક બને છે. ડૉ. રશ્મિ ભાનુશાલી કહે છે, ‘ફ્લાવર્સમાં પણ નૅચરલ ઍન્ટિ-ઇન્ફ્લૅમેટરી ગુણ રહેલા છે, પણ ફ્લાવર્સ એકદમ પ્રાઇમરી સ્ટેજમાં જ ખાવાં જોઈએ એટલે કે જે દિવસે ઊગે એ જ દિવસે ખવાય તો એમાં રહેલાં તત્ત્વોનો ભરપૂર ફાયદો મળી શકે. એમાં પણ વિટામિન B12, B6, ફોલિક ઍસિડ અને મૅગ્નેશિયમ ભરપૂર પ્રમાણમાં રહેલાં છે. તેમ જ ઍન્ટિ-ઑક્સિડન્ટ્સ પણ છે. સાઉથ ઇન્ડિયન લોકો બનાના ફ્લાવર્સનો એક જુદો ઉપયોગ પણ કરે છે. એમ કહેવાય છે કે જે સ્ત્રીઓનાં ધાવણાં બાળક હોય તેઓ જો બનાના ફ્લાવર્સ ખાય તો ધાવણ ખૂબ વધી જાય છે. સાઉથ ઇન્ડિયન લોકોની ટ્રેડિશનલ સ્ટાઇલમાં કહીએ તો એ લોકો કૉન્કૉક્શન એટલે કે કાઢો બનાવીને પ્રસૂતાને પીવડાવે છે. બનાના ફ્લાવરને પાણીમાં ઉકાળવાનાં. એમાં સાકર કે ગોળ, લવિંગ તેમ જ ઘી ઉમેરવાનું અને કાઢો બનાવીને પીવાનું. ફ્લાવર્સમાં પ્રોટીન અને આયર્નની માત્રા ઘણી વધારે હોય છે. એ ઉપરાંત બનાના ફ્લાવર્સનો ઘણીબધી અન્ય તકલીફોમાં પણ ઉપચાર તરીકે ઉપયોગ થાય છે. માસિક દરમિયાન ક્રૅમ્પ્સ આવવાની સમસ્યા લગભગ દરેક સ્ત્રીને રહેતી હોય છે. પાંચ દિવસ પહેલાંથી બનાના ફ્લાવર્સનો કૉન્કૉક્શન એટલે કે કાઢો બનાવીને પિવાય તો ક્રૅમ્પ્સમાં ઘણી રાહત થઈ જાય છે. આ ફ્લાવર્સ પણ તડકામાં સૂકવીને એનો પાઉડર બનાવીને સ્ટોર કરી શકાય છે. હા, તડકામાં સૂકવવાં જરૂરી છે, માઇક્રોવેવ ન કરવાં. પાંચ ગ્રામ પાઉડર ૫૦૦ મિલીલીટર પાણીમાં નાખીને ઉકાળો બનાવીને દિવસમાં જો ત્રણ વખત લેવામાં આવે તો પિરિયડ્સમાં થતી તકલીફોથી મહદ્ અંશે રાહત મળી જાય છે. અમે સ્પોર્ટ્સ પર્સનને તો રોજ બેથી ત્રણ બનાના ખાવાં જોઈએ એવી સલાહ આપીએ. એનાથી શક્તિ વધે છે. બોન-હેલ્થ પણ સુધરે છે. ઑસ્ટિયોપોરોસિસ જેવી મેજર સમસ્યામાં પણ કેળા અને કેળાના છોડ પર થતી બધી જ વસ્તુઓ ગુણકારી સાબિત થઈ છે.’
કોણે ન લેવું?
હાઇપોટેન્શન (Low BP) હોય તો બનાના સ્ટેમનો ઉપયોગ ન કરવો અથવા અત્યંત સંતુલિત માત્રામાં કરવો. નબળી પાચનશક્તિ ધરાવનાર લોકો માટે પણ એનો વધારે પડતો વપરાશ હિતાવહ નથી.