08 July, 2025 11:53 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
આયુર્વેદમાં શરીરની અનેક સમસ્યાને દૂર કરવા માટે નાભિ પર તેલ લગાવવાની સલાહ આપવામાં આવે છે. નાભિને બૉડીનું સેન્ટર-પૉઇન્ટ માનવામાં આવે છે જે શરીરની નર્વ સિસ્ટમ સાથે જોડાયેલું હોય છે. એટલે નાભિ પર એરંડાનું તેલ લગાવવાથી એના અનેક સ્વાસ્થ્ય સંબંધિત લાભ થાય છે.
નાભિ પર હળવી માલિશ કરવાથી એરંડાનું તેલ ત્વચામાં શોષાય થાય છે. એ શરીરની અંદરનો સોજો ઓછો કરીને એને વધુ અનુકૂળ બનાવે છે. એનાથી આંતરડાના સંકુચનની ગતિમાં સુધાર થાય છે અને મળ કાઢવામાં મદદ મળે છે. કબજિયાતની સાથે ગૅસ અને પેટ ભારે લાગવાની સમસ્યા થતી હોય છે. એરંડાનું તેલ લગાવવાથી પેટની માંસપેશીઓને આરામ મળે છે જેનાથી બ્લોટિંગ અને ગૅસમાંથી રાહત મળે છે. એનાથી મળત્યાગની પ્રક્રિયા સહજ થાય છે. શરીરમાં નાભિને માઇન્ડ-બૉડી કનેક્શનનું કેન્દ્ર પણ માનવામાં આવે છે. એરંડાના તેલનો સ્પર્શ, સુગંધ અને ઉષ્મા શરીરને આરામની સ્થિતિમાં લાવે છે, જેનાથી પાંચ ક્રિયા સુધરે છે.
એરંડાનું તેલ લગાવવાથી માસિકધર્મ વખતે પેટમાં થતા દુખાવામાંથી રાહત મળે છે. નાભિની આસપાસ શરીરની અનેક પ્રમુખ નસો હોય છે જે પેલ્વિસ એરિયા એટલે કે ગર્ભાશય, અંડાશયથી જોડાયેલી હોય છે. એરંડાનું તેલ લગાવવાથી આ નસોને આરામ પહોંચે છે, જેનાથી ગર્ભાશયની માંસપેશીઓનો તનાવ ઓછો થાય છે અને દુખાવામાંથી રાહત મળે છે. એરંડાના તેલમાં એવા ગુણ હોય છે જેનાથી એ ત્વચાના માધ્યમથી ધીરે-ધીરે અંદર જઈને સોજાને ઓછો કરવામાં મદદ કરે છે. આ તેલ બ્લડ-સર્ક્યુલેશન વધારે છે જેથી ગર્ભાશય સુધી વધુ ઑક્સિજન અને પોષક તત્ત્વો પહોંચે છે. એનાથી હીલિંગ પ્રોસેસ ઝડપી થાય છે. એરંડાનું તેલ હૉર્મોનલ બૅલૅન્સમાં મદદ કરે છે. આ તેલ લગાવવાથી વાત દોષ સંતુલિત થાય છે જે પિરિયડ્સ પેઇનનું મુખ્ય કારણ હોય છે.
એરંડાનું તેલ ત્વચાને મૉઇશ્ચરાઇઝ્ડ રાખવાનું કામ કરે છે. નાભિમાં આ તેલ લગાવવાથી એ શરીરમાં શોષાઈને ત્વચાને અંદરથી હાઇડ્રેટ કરે છે. નાભિમાં તેલ લગાવવાથી ડ્રાય સ્કિન, ફાટેલા હોઠ, ફાટેલી એડીઓની સમસ્યામાંથી રાહત મળે છે. નિયમિત નાભિ પર એરંડાનું તેલ લગાવવાથી બ્લડ-સર્ક્યુલેશન સુધરે છે જે ત્વચાનું તેજ વધારવાનું કામ કરે છે. એરંડાનું તેલ શરીરમાંથી ઝેરી તત્ત્વોને બહાર કાઢીને ત્વચાને સ્વચ્છ અને તાજી બનાવે છે. આ ઍક્ને જેવી સમસ્યામાંથી રાહત આપે છે.
સ્ટ્રેસમાંથી રાહત મેળવવા માટે પણ નાભિ પર એરંડાનું તેલ લગાવવાનું ફાયદાકારક મનાય છે. એનાથી નર્વ સિસ્ટમને શાંત રાખવામાં મદદ મળે છે. એટલે માઇન્ડ રિલૅક્સ્ડ રહે છે અને ઊંઘ સારી આવે છે. નાભિમાં એરંડાનું તેલ લગાવવાથી સાંધાના દુખાવાની સમસ્યામાંથી પણ રાહત મળી શકે છે. એવું પણ મનાય છે કે નાભિમાં એરંડાનું તેલ લગાવવાથી પ્રજનન સ્વાસ્થ્યમાં સુધાર આવે છે. આ તેલ બ્લડ-સર્ક્યુલેશન વધારતું હોવાથી પ્રજનન અંગોના કાર્યમાં સુધાર લાવવામાં મદદ મળે છે.
ધ્યાન રાખો
નાભિ પર લગાવવા માટે હંમેશાં શુદ્ધ અને કોલ્ડ પ્રેસ્ડ એરંડાના તેલનો જ ઉપયોગ કરો. તેલ લગાવતાં પહેલાં નાભિને સરખી રીતે સાફ કરો. રાત્રે સૂતાં પહેલાં નાભિ પર તેલ લગાવવાનો સૌથી શ્રેષ્ઠ સમય છે. નાભિ પર લગાવવા માટે ૨-૩ ટીપાં પર્યાપ્ત છે. તમને ઍલર્જી કે ત્વચારોગ હોય તો ડૉક્ટરની સલાહ લીધા બાદ એને અજમાવજો.