પરફ્યુમથી સારી ઊંઘ આવે?

21 June, 2025 07:25 AM IST  |  Mumbai | Sameera Dekhaiya Patrawala

ઑફિસ જવાનું હોય, ડેટ પર જવાનું હોય, કોઈનાં લગ્ન કે પાર્ટીમાં જવાનું હોય... ખુશ્બૂદાર પરફ્યુમ આપણા રોજિંદા જીવનનો એક અભિન્ન હિસ્સો છે. સુગંધની આ દુનિયા અનેકનો મૂડ સારો કરે છે ત્યારે પરફ્યુમનો વધુ એક ફાયદો જોવા મળ્યો છે

પ્રતીકાત્મક તસવીર

ખાસ પ્રસંગ હોય ત્યારે પણ આપણે શરીરે સુગંધ છાંટવાનું ભૂલતા નથી. આપણે કાયમ ઇચ્છીએ છીએ કે આપણે સદાય મહેકતા રહીએ, પણ આજકાલ લોકો પોતાની નિદ્રા સારી થાય એના માટે પણ સુગંધ છાંટતા થયા છે. આ ટ્રેન્ડ ફક્ત સુગંધ મેળવવા માટે જ પૂરતો નથી, એ આરામદાયક અને થેરપ્યુટિક એટલે કે ખાણમુક્ત કરનારો પણ છે. મનને રુચતી સુગંધ એને શાંત કરે, તાણ ઘટાડે અને અંતે ઊંઘની ગુણવત્તા સુધારે છે અને હા, આની પાછળ વૈજ્ઞાનિક આધાર પણ છે.

ભારતમાં ઊંઘની ઊણપ એક ગંભીર સમસ્યા બની ગઈ છે. તાજેતરનાં સંશોધનો દર્શાવે છે કે ઘણા ભારતીયો યોગ્ય ઊંઘ નથી લઈ રહ્યા અને એની અસરરૂપે દિવસે-દિવસે હૃદયરોગ, ડાયાબિટીઝ, બ્લડપ્રેશર, ડિપ્રેશન અને દમ સહિતની અનેક બીમારીઓની સંખ્યા વધી રહી છે. જોકે આ વિશે જાગૃતિ ધીરે-ધીરે પણ આવી તો રહી જ છે. એ પગલે આજકાલ એક નવો ટ્રેન્ડ આવ્યો છે જેને ‘સ્લીપમૅક્સિંગ’ જેવું નામ આપવામાં આવ્યું છે. આજકાલ મૅગ્નેશિયમ સપ્લિમેન્ટ્સથી લોકો ઊંઘ સુધારી રહ્યા છે, જેના ફાયદા-ગેરફાયદા ચર્ચામાં રહે છે. હવે આમાં વધુ એક નામ પરફ્યુમનું પણ જોડાઈ ગયું છે. આ વિશે વિસ્તારથી વાત કરતાં પલ્મોનોલૉજિસ્ટ અને સ્લીપ-સ્પેશ્યલિસ્ટ ડૉ. અનુરાધા શાહ કહે છે, ‘લોકો હવે મેન્ટલ વેલબીઇંગનું મહત્ત્વ સમજી ગયા છે. એટલે એના માટે જરૂરી એવી સારી ઊંઘ પણ અપનાવી રહ્યા છે. જૅસ્મિન, બર્ગોમોન, લૅવન્ડર ઑઇલ જેવી સુગંધ સ્વાસ્થ્ય સુધારવા માટે વધુ ઉપયોગમાં લેવાય છે. અનિદ્રા માટે આ સુગંધ સારી છે એવું કહેવાય છે, પણ એવો કોઈ ચોક્કસ અભ્યાસ છે નહીં. જે રીતે અનિદ્રા માટે દવાઓ પ્રિસ્ક્રાઇબ કરવામાં આવે છે એ રીતે અરોમા થેરપી પ્રિસ્ક્રાઇબ નથી કરવામાં આવતી. હા, એ મૂડ સારો કરે છે. તમે જો કોઈ સારું પરફ્યુમ વાપરો તો તમને સારું લાગશે ને અમુક સુગંધ માટે તમને સ્વાભાવિક ચીડ ચડશે.’

આજના સમયમાં અનેક બ્રૅન્ડ્સ આ દિશામાં આગળ વધી છે. એસ્ટી લૉડર નામની વિશ્વવિખ્યાત લક્ઝરી બ્રૅન્ડે તો એના પહેલા ‘ગ્લોબલ સ્લીપ સાયન્સ ઍડ્વાઇઝર’ તરીકે સ્લીપ-એક્સપર્ટ ડૉ. મૅથ્યુ વૉકરને નિયુક્ત કર્યા છે. આજે ન્યુરોસેન્ટ અને અરોમાકોલૉજી જેવી સંકલ્પનાઓ કૉસ્મેટિક ઇન્ડસ્ટ્રીમાં પાંખો પસારી રહી છે ત્યારે આ પાછળનું વિજ્ઞાન પણ સમજવા જેવું છે. આ વિજ્ઞાન સમજાવતાં ડૉ. અનુરાધા શાહ કહે છે, ‘આપણા મગજની ગંધ ઓળખવાની પ્રણાલી સીધી રીતે ભાવનાઓ અને યાદદાસ્ત સાથે જોડાયેલી હોય છે. એટલે જ કેટલીક સુગંધ આપણી અંદર શાંતિ, ખુશી કે બાળપણની યાદો જેવી લાગણીઓ જગાવે છે. ભારતીય બૉટનિકલ્સ જેમ કે રૂહ ખસ, મોગરા, લૅવન્ડર, કેમોમાઇલ, સૅન્ડલવુડ જેવી સુગંધો ઘણી વખત બેડટાઇમ રિચ્યુઅલમાં અપનાવવામાં આવે છે. જે રીતે આપણી ઇન્દ્રિયો ઊંઘમાં પણ કામ કરે છે એ જ રીતે આપણી ઘ્રાણેન્દ્રિય એટલે કે નાક પણ ઊંઘમાં કામ કરતું હોય છે. જેમ આંખો બંધ હોય અને કોઈ બોલાવે તો સાંભળી શકીએ કે કોઈ પ્રકાશ ફેંકે તો આપણે જાગી જઈએ એ જ રીતે આપણી સૂંઘવાની સિસ્ટમને લીધે અમુક સુગંધથી આપણે સારું કે ખરાબ અનુભવી શકીએ છીએ જેની સીધી અસર આપણી ઊંઘ પર પડે છે. અમુક સુગંધની અસર આપણા શરીર પર સારી પડે છે. એનાથી તનાવ ઘટે અને મૂડ સારો થાય એટલે શાંત મગજે ઊંઘ સારી આવે. એવો ૧૦૦ ટકા કોઈ રૂલ નથી કે કોઈ ચોક્કસ ગંધથી ઊંઘ આવે કે પરફ્યુમ કે કોઈ સુગંધી કૅન્ડલથી તમે સૂઈ જ શકશો. બધાને લૅવન્ડર ગમશે જ એ પણ જરૂરી નથી. આ એક પ્રયોગાત્મક વાત છે. અનિદ્રા ધરાવતા લોકોને પ્રાણાયામ કરવાનું કહેવાય છે. અમુક પરફ્યુમ અને અરોમા તેમને શાંત કરી શકે છે. આ કિશોરો અને વયસ્કો માટે પણ સાચું છે, પણ નાનાં બાળકો માટે સુગંધ ઉપરાંત સારો રૂમ જોઈએ. બાળકો માટે સૂવું ખૂબ જરૂરી છે, જેના લીધે મગજ સારી રીતે રિપેર થાય છે. આ સમયમાં રિપેર થવા ઉપરાંત અન્ય કચરો પણ બહાર કાઢે છે, જે ફક્ત ઊંઘ દરમિયાન જ શક્ય છે. આજની જનરેશનનાં બાળકો બહુ બધી વસ્તુઓના સંપર્કમાં આવે છે, જે આપણા બાળપણ કરતાં તદ્દન જુદી જ ઘટના છે. તેમના આવા એક્સપોઝરને લીધે તે સતત ઍક્ટિવ રહે છે.  માટે તેમને સૂવા પહેલાં ઓછામાં ઓછા એક કલાક પહેલાં બેડરૂમમાં મૂકી ધીરે-ધીરે શાંત કરવાં જોઈએ જેથી તેમની મગજની ઍક્ટિવિટી શાંત પડે. આમાં અરોમા, પરફ્યુમ, સુગંધી કૅન્ડલ નાનકડો ભાગ ભજવી શકે.’

કાળજી રાખો

- ‘સ્લીપ પરફ્યુમ’ લેબલવાળાં બધાં પરફ્યુમ દરેક માટે ફાયદાકારક જ નીવડે એ જરૂરી નથી. ડૉ. અનુરાધા શાહ કહે છે કે સુગંધ વ્યક્તિગત પસંદગી છે. આ સિવાય ઍલર્જી ન થાય એનું પણ ધ્યાન રાખવું જોઈએ. ખૂબ જ તીવ્ર અથવા તેજ સુગંધ ટાળવી જોઈએ.

- નવું પરફ્યુમ અજમાવતી વખતે પૅચ-ટેસ્ટ કરો.

- એસેન્શિયલ ઑઇલ હોય તો ખુલ્લા રૂમમાં ઉપયોગ કરો.

- વધુ માત્રામાં ઉપયોગ ન કરો.

- લિનન-ફ્રેન્ડ્લી કે સ્કિન-સેફ પરફ્યુમ જ પસંદ કરો.

fashion news fashion life and style lifestyle news columnists health tips