તમારી હેલ્થ માટે કેવી છે ચૉકલેટ?

08 July, 2025 07:03 AM IST  |  Mumbai | Heena Patel

આજે વર્લ્ડ ચૉકલેટ ડે છે ત્યારે ચૉકલેટ વિશેની કેટલીક માન્યતાઓની હકીકત જાણીએ

ચૉકલેટ

આજે વર્લ્ડ ચૉકલેટ ડે છે. ૧૫૫૦ની ૭ જુલાઈએ ચૉકલેટ પહેલી વાર યુરોપમાં લાવવામાં આવી હતી. આ દિવસને એ ઐતિહાસિક દિવસની યાદમાં પસંદ કરવામાં આવ્યો જ્યારે દુનિયાભરમાં અને ખાસ કરીને યુરોપમાં એનો પ્રચાર શરૂ થયો. ચૉકલેટ મૂળરૂપે સેન્ટ્રલ અમેરિકાની દેણ છે, પણ એને આખા વિશ્વમાં લોકપ્રિય બનાવવાનું કામ યુરોપે કર્યું છે.

ચૉકલેટના પ્રકારની વાત કરીએ તો ડાર્ક ચૉકલેટ કોકો સૉલિડ્સ, કોકો બટર અને શુગરથી બને છે. એમાં મેઇન સામગ્રી કોકો સૉલિડ્સ જ હોય છે. એમાં રિચનેસ અને સ્મૂધ ટેક્સ્ચર ઍડ કરવા માટે કોકો બટર નાખવામાં આવે છે અને કડવાહટને થોડી બૅલૅન્સ કરવા માટે થોડી શુગર નાખવામાં આવે છે. વાઇટ ચૉકલેટ કોકો બટર, શુગર અને મિલ્ક સૉલિડ્સમાંથી બનાવવામાં આવે છે. આમાં કોકો સૉલિડ્સનો ઉપયોગ થતો નથી જે ચૉકલેટના ડાર્ક અને કડવા સ્વાદ માટે જવાબદાર છે. એટલે વાઇટ ચૉકલેટમાં કોકો બટર મેઇન સામગ્રી હોય છે અને એટલે જ એનો કલર અને ટેક્સ્ચર પણ બટર જેવો હોય છે. મિલ્ક ચૉકલેટ કોકો સૉલિડ્સ (કોકો બટર અને કોકો માસ), મિલ્ક (પાઉડર અથવા કન્ડેન્સ્ડ મિલ્ક) અને શુગરમાંથી બનાવવામાં આવે છે. મિલ્ક ઍડ કરવાથી ચૉકલેટને ક્રીમીનેસ મળે છે અને એ કલરમાં પણ લાઇટ બ્રાઉન બને છે. ડાર્ક, વાઇટ અને મિલ્ક આ ત્રણેય ચૉકલેટમાંથી ડાર્ક ચૉકલેટ વધુ હેલ્ધી મનાય છે, કારણ કે એમાં કોકોનું પ્રમાણ વધુ હોય છે અને શુગરનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે.

ચૉકલેટને લઈને લોકોમાં કેટલીક ધારણાઓ છે. એ કેટલી સાચી છે અને કેટલી ખોટી છે એ વિશે ૨૦ વર્ષનો અનુભવ ધરાવતાં ન્યુટ્રિશનિસ્ટ ભાવિ મોદી સાથે વાત કરીને જાણી લઈએ એટલે તમારા મનમાં પણ આવા કોઈ ડાઉટ્સ હોય તો એ ક્લિયર થઈ જાય.

ચૉકલેટ ખાવાથી ઍક્ને થાય?

આ પૂરેપૂરું સત્ય નથી. તમે એવી ચૉકલેટ ખાઓ જેમાં શુગર અને દૂધનું પ્રમાણ વધુ છે તો એને કારણે અમુક લોકોને ઍક્નેની સમસ્યા થઈ શકે છે. એનું કારણ એ છે કે હાઈ શુગર અને ફૅટ ઇન્સ્યુલિનના સ્તરને વધારી શકે છે, જેનાથી ત્વચામાં નૅચરલ ઑઇલનું નિર્માણ વધી શકે અને એને કારણે ઍક્નેની સમસ્યા વકરી શકે. હાઈ શુગર અને ડેરી-પ્રોડક્ટ્સ શરીરમાં સોજો વધારી દેતાં હોય છે તો એને કારણે પણ ઍક્નેની સમસ્યા વકરી જતી હોય છે. એની જગ્યાએ તમે મિલ્ક વગરની અને ઓછી શુગરવાળી ડાર્ક ચૉકલેટ ખાઓ તો એનાથી કોઈ સમસ્યા
નહીં થાય.

ચૉકલેટ ઍડિક્ટિવ છે?

આપણે એમ ન કહી શકીએ કે એ ​શરાબ અને ડ્રગ્સની જેમ ઍડિક્ટિવ છે; પણ હા, ચૉકલેટ એક રીતે જોવા જઈએ તો ઍડિક્ટિવ છે. ચૉકલેટમાં શુગર અને ફૅટ હોય છે જે બ્રેઇનમાં ડોપમાઇન એટલે કે ફીલ ગુડ હૉર્મોન રિલીઝ કરે છે જે તમને આનંદ અને શાંતિની અનુભૂતિ કરાવે છે. એમાં રહેલાં તત્ત્વો મૂડ બેટર કરવાનું કામ કરતાં હોય છે. એટલે આ કારણે ઘણા લોકો તનાવમાં કે દુખી હોય ત્યારે ઇમોશનલ સપોર્ટ માટે ચૉકલેટ ખાતા હોય છે, જેને ઇમોશનલ ઈટિંગ કહેવાય. 

ચૉકલેટથી કૉલેસ્ટરોલ થાય?

શુગર, મિલ્ક અને ફૅટવાળી ચૉકલેટ ખાવાથી થોડું બૅડ કૉલેસ્ટરોલ વધી શકે, પણ તમે ડાર્ક ચૉકલેટ જેમાં કોકોનું પ્રમાણ વધુ હોય એ ખાઓ તો તમને એનાથી ફાયદો થાય છે. એમાં રહેલાં તત્ત્વો બૅડ કૉલેસ્ટરોલને ઘટાડવાનું કામ કરે છે. એ‍વી જ રીતે એમાં જે કોકો બટર હોય એ ખરાબ કૉલેસ્ટરોલને થોડું ઓછું કરવામાં મદદરૂપ બને છે.

ડાયાબિટીઝના દરદીઓ ખાઈ શકે?

ડાયાબિટીઝ હોય એવા લોકો કોકોનું પ્રમાણ ૮૦ ટકા અને એનાથી વધુ હોય એવી ડાર્ક ચૉકલેટ ખાય તો ઊલટાનું તેમને ફાયદો થાય. એમાં રહેલાં તત્ત્વો ઇન્સ્યુલિનની સેન્સિટિવિટી વધારે છે. પરિણામે બ્લડ-શુગરનું લેવલ કન્ટ્રોલમાં રહે છે. ડાર્ક ચૉકલેટ બ્લડ-શુગરને ધીરે-ધીરે વધારે છે, એકદમથી સ્પાઇક કરતું નથી.

ચૉકલેટમાં કંઈ ન્યુટ્રિશન હોય?

આ સાચું નથી. ખાસ કરીને ડાર્ક ચૉકલેટ હાર્ટ, બ્રેઇન, સ્કિન, ઇમ્યુનિટી માટે ફાયદાકારક ગણાય છે.

ચૉકલેટ ખાવાથી કૅવિટી થાય?

ચૉકલેટ ખાવાથી કૅવિટી થાય એવું નથી. તમે એવી ચૉકલેટ ખાઓ જેમાં શુગરનું પ્રમાણ વધુ છે તો એનાથી કૅવિટી થઈ શકે. શુગર મોંમાં રહેલા બૅક્ટેરિયા સાથે મળીને ઍસિડ બનાવે છે જે દાંતોના ઇનૅમલને નુકસાન પહોંચાડે છે અને કૅવિટીનું કારણ બને છે. ઘણી ચૉકલેટ એવી હોય છે જેમાં કૅરૅમલ જેવો ચીકણો પદાર્થ હોય છે અને એ દાંતોમાં લાંબો સમય સુધી ચોંટેલો રહે તો એ દાંતોને નુકસાન પહોંચાડી શકે છે.

health tips food news mental health life and style columnists gujarati mid day mumbai