02 July, 2025 01:42 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
રસોડામાં લવિંગ એક એવો મસાલો છે જે સ્વાદિષ્ટ પણ છે અને સાથે એના સ્વાસ્થ્યના અઢળક લાભ પણ છે. ચોમાસું શરૂ થયું હોવાથી મોટા ભાગના લોકો વાઇરલ ઇન્ફેક્શનનો શિકાર થતા હોય છે ત્યારે લવિંગની ચાનું સેવન દરરોજ કરવામાં આવે તો એ દાંતના દુખાવાથી લઈને શરદી-ઉઘરસની તકલીફને પણ દૂર કરે છે. ઇમ્યુનિટી બૂસ્ટર કહેવાતી આ ચાના અઢળક ફાયદા છે.
ઓરલ હેલ્થ માટે ગુણકારી
લવિંગમાં યુજનૉલ નામનું સંયોજન હોય છે જે પ્રાકૃતિક પેઇનકિલર અને ઍન્ટિ-સેપ્ટિક તરીકે કામ કરે છે. એની ચા બનાવીને પીવાથી ઓરલ હેલ્થ સારી રહે છે. જે લોકોને દાંતનો દુખાવો હોય, પેઢાંમાં સોજા હોય કે મોંમાંથી દુર્ગંધ આવતી હોય તેમણે લવિંગની ચાનું સેવન નિયમિત કરવું જોઈએ.
શરદી-ઉધરસને દૂર કરે
લવિંગમાં ઍન્ટિ-વાઇરલ અને ઍન્ટિ-બૅક્ટેરિયલ ગુણો હોવાથી શરદી, ઉધરસ, ગળામાં ઇન્ફેક્શન કે દુખાવો હોય તો એ દૂર થઈ જશે. ચોમાસા અને શિયાળામાં લવિંગની ચાનું સેવન કરવાથી ઓવરઑલ હેલ્થ પણ સારી રહે છે.
મેટાબોલિઝમ સુધારે
દરરોજ સવારે લવિંગની બનેલી ચા પીવાથી મેટાબોલિઝમ એટલે કે ચયાપચયની પ્રક્રિયા સારી થાય છે. એનાથી પાચન સુધરે છે અને વેઇટલૉસ કરવામાં પણ મદદરૂપ સાબિત થાય છે.
રોગપ્રતિકારક શક્તિ વધારે
વાતાવરણ ઠંડું થાય તો રોગપ્રતિકારક શક્તિ ઘટવા લાગે છે ત્યારે લવિંગની ચાનું સેવન ઇમ્યુનિટી બૂસ્ટર તરીકે કામ કરે છે. એમાં રહેલાં ઍન્ટિ-ઑક્સિડન્ટ્સ શરીરને નુકસાન પહોંચાડતા કોષોથી રક્ષણ આપે છે અને ઇમ્યુન સિસ્ટમને મજબૂત બનાવે છે. એટલું જ નહીં, એ બ્લડ-શુગરના લેવલને કન્ટ્રોલ કરવામાં મદદ કરે છે. ડાયાબિટીઝના દરદીઓ માટે લવિંગની ચા લાભકારી સાબિત થઈ શકે છે. આ ઉપરાંત જે લોકોને સાંધાના દુખાવાની કે શરીરમાં સોજાની તકલીફ હોય તેમના માટે પણ લવિંગની ચા ફાયદાકારક છે.
બનાવવાની રીત
લવિંગની ચા બનાવવા માટે દોઢ કપ પાણીમાં ચારથી પાંચ લવિંગ નાખીને પાંચથી ૭ મિનિટ સુધી ઉકાળો. પછી એમાં થોડું આદુંનું છીણ અને તુલસીનાં પાન ઉમેરીને ઉકાળો. ત્યાર બાદ ગૅસ બંધ કરીને ચાને એક કપમાં ગાળી લો. જો ઇચ્છા હોય તો એમાં મધ નાખી શકાય છે. લવિંગની ચા દિવસમાં એક જ વાર પીવી જોઈએ. વધુ પ્રમાણમાં પીવાથી ઍસિડિટી થઈ શકે છે. જો લવિંગની ચા પીવાથી સમસ્યા દૂર ન થતી હોય તો ડૉક્ટરની સલાહ લેવી.