રિક્ષામાં મુસાફરી કેમ સલામત? ચોમાસામાં શેનું જોખમ હશે? જાણો સ્પેશ્યાલિસ્ટ પાસેથી

05 June, 2021 07:40 PM IST  |  Mumbai | Chirantana Bhatt

ચોમાસું માથે છે ત્યારે અમુક તકેદારી બહુ જ જરૂરી છે. ચોમાસામાં મેલેરિયા, ડેંગી, ન્યુમોનિયા અને ફ્લુ જેવી બિમારીઓ ફેલાય છે, વળી શ્વસનતંત્રને લગતી સમસ્યાઓ પણ થાય છે.

પ્રતીકાત્મક તસવીર - સૈયદ સમીર અબેદી

કોરોનાવાઇરસના કેસિઝની વચ્ચે આપણે જાતભાતની ફંગસના ચેપ અને જૂદાં જ પ્રકારના ઇન્ફેકશન્સના સમાચાર પણ સતત સાંભળતા હોઇએ છીએ. ગીચ વસ્તી ધરાવતા આપણા દેશમાં ચેપ લાગતાં ક્ષણભરની વાર નથી લાગતી ત્યારે કોરોનાવાઇરસ જેવા રોગચાળા દરમિયાન આપણે વધુ કાળજી રાખવી જરૂરી છે. ગુજરાતી મિડ ડે ડૉટ કોમ સાથે કોકિલાબેન ધીરૂભાઇ અંબાણી હૉસ્પિટલનાં ઇન્ટરનલ મેડિસીન એન્ડ ઇન્ફેક્શિયસ ડિસીઝ કન્સલ્ટન્ટ ડૉ. ફાલ્ગુની પરીખે આ અંગે વિગતવાર વાત કરી.

ડૉ. ફાલ્ગુની પરીખ

મુસાફરી કરતી વખતે કઇ બાબતોનું ધ્યાન રાખવું?

સૌથી પહેલાં તો બને ત્યાં સુધી મુસાફરી કરવાનું ટાળો. એમાં પણ લાંબા પ્રવાસો તો બિલકુલ નહીં કારણકે લાંબા કલાકો એક જ વાહનમાં રોડ પર મુસાફરી કરવાની હોય ત્યારે આપણે રસ્તામાં સ્વાભાવિક રીતે બ્રેક લઇએ. આ બ્રેક જોખમી સાબિત થઇ શકે છે. બ્રેક્સ લેવા પડે એવી મુસાફરી તો ન જ કરવી. વળી નાના અંતરની મુસાફરી પણ જરૂરી ન હોય તો ટાળવી.

નાના અંતરની મુસાફરીમાં એસી ટેક્સી વધારે સલામત કહેવાય કે રિક્ષા જેવા વાહનમાં જવું સલામત છે?

હું ફરી કહીશ કે જરૂર ન હોય તો બહાર જવાનું ટાળવું. જો જવું પડે તેમ હોય અને કારનો ઉપયોગ કરો તો બારીઓ ખુલ્લી રાખો, એસી ટાળો કારણકે તેમાં એકની એક જ હવા વાહનમાં અંદર સર્ક્યુલેટ થતી હોય છે. રિક્ષામાં જવું સલામત કહેવાય કારણકે તેમાં મોકળાશ વધુ હોય પણ સાવ ઓછું અંતર હોય છતાં ય ત્રણ જણ બેસી જવાશે એમ માનીને વધુ લોકો સાથે બહાર ન જવું. કાર કે રિક્ષાનો ચાલક માસ્ક ન ઉતારે, તમારું માસ્ક નાકની ઉપર અને દાઢીની નીચે સુધીના ભાગને કવર કરતું હોય તે પણ જરૂરી છે. વળી રિક્ષા વગેરેમાં જાવ તો સરફેસ ક્લિનર, રબ્ઝ વગેરેનો ઉપયોગ હાઇજીન ખાતર પણ કરી લેવો. જો કે સપાટીઓ સતત સાફ કર્યા કરવાને અને કોરોનાવાઇરસને સંબંધ નથી પણ આપણા ગીચ વસ્તી વાળા દેશમાં હાઇજીન ખાતર પણ એ કરવું જરૂરી છે.

જેમને એલર્જીની સમસ્યા હોય તેવા લોકોએ શું ધ્યાન રાખવું?

ચોમાસું માથે છે ત્યારે અમુક તકેદારી બહુ જ જરૂરી છે. ચોમાસામાં મેલેરિયા, ડેંગી, ન્યુમોનિયા અને ફ્લુ જેવી બિમારીઓ ફેલાય છે, વળી શ્વસનતંત્રને લગતી સમસ્યાઓ પણ થાય છે. જે એલર્જી પ્રોન હોય તેવા લોકોએ ન્યુમોનિયા અને ઇન્ફ્લુએન્ઝાની વેક્સિન્સ લઇ લેવી જોઇએ જેથી એ એલર્જીઝ કે બેક્ટેરિયાથી તો તમે બચી શકો. આપણા દેશમાં ગીચતા વધુ હોવાને કારણે જરૂરી છે કે સ્વાસ્થ માટે જે હથિયાર હાથવગાં હોય તેનો ઉપયોગ તો કરી જ લેવો. પલળવાનું ટાળવું,  જો એમ થાય તો તરત કોરાં થઇ જવું. વળી વાઇરસને કારણે લૉકડાઉન જેવા સંજોગો હશે એટલે સ્ટ્રીટ ફૂડ પણ બંધ હશે એટલે જાતભાતની ચેપની શક્યતાઓ ઘટશે જ.

કોઇપણ પ્રકારના ચેપથી બચવા બીજી કઇ કાળજી રાખવી?

આપણે કોરોનાની જ વાત કરીએ તો વાઇરસના કોમ્પોઝિશન્સ બદલતાં રહે છે. ડેલ્ટા સ્ટ્રેન કેટલો જોખમી નિવડ્યો તે આપણે જોયું. બહાર ન જનારા લોકોને પણ ચેપ લાગ્યો. આ સંજોગોમાં આપણે પર્સનલી ઇમ્યુનિટી વધારીએ તે જરૂરી છે. લોકોએ વેક્સિન પણ બને એટલી જલ્દી મેળવી લેવી જોઇએ. Covid-19 તો રહેશે જ પણ આપણે આપણી જાતનું રક્ષણ કેવી રીતે કરીએ છે તે જોવાનું છે. વેક્સિનેશન થશે, માસ્ક્સ પહેરવાના મામલે શિસ્ત અનુસરાશે, લોકો ભીડમાં જવાનું ટાળશે તો આપમેળે એક તબક્કા પછી હર્ડ ઇમ્યુનિટી પણ ઘડાશે અને વાઇરસની પકડ એ જ રીતે ઢીલી પડશે. આપણે શિસ્તમાં ઢીલ મૂકીશું તો જોખમ નહીં ઘટે.

coronavirus mumbai monsoon kokilaben dhirubhai ambani hospital