Corporate Bullying: ઑફિસમાં થતી હેરાનગતીને હળવાશથી લેવાની ભૂલ ન કરતાં

07 October, 2022 12:41 PM IST  |  Mumbai | Chirantana Bhatt

બુલિઇંગ એ સામાન્ય બાબત નથી કારણકે આવા કેસિઝમાં આત્મહત્યા જેવી ઘટનાઓ પણ બની છે. બુલિઇંગ અને રેગિંગ પણ અલગ બાબતો છે. શું બુલિઇંગ માત્ર સ્કૂલ સુધી સિમિત હોય છે? કોરર્પોરેટ ઑફિસિઝમાં પણ બુલિઇંગના કેસિઝ બને છે

પ્રતીકાત્મક તસવીર - આઇ સ્ટૉક

સ્કૂલમાં ભણતા ત્યારે હંમેશા વર્ગના કેટલાક માથાભારે છોકરાંઓ હોય જે બીજાના હેરાન કરે, પજવે, રાતા પાણીએ રડાવે અને તેમની સામે ફરિયાદ કરવા છતાં ય થોડા દિવસ પછીની હાલત જેવી હોય તેવી જ હોય. આ માથાભારે છોકરાઓ માટે અંગ્રેજીમાં એક શબ્દ છે – Bully – બુલી. બુલિઇંગ એ સામાન્ય બાબત નથી કારણકે આવા કેસિઝમાં આત્મહત્યા જેવી ઘટનાઓ પણ બની છે. બુલિઇંગ અને રેગિંગ પણ અલગ બાબતો છે. શું બુલિઇંગ માત્ર સ્કૂલ સુધી સિમિત હોય છે? કોરર્પોરેટ ઑફિસિઝમાં પણ બુલિઇંગના કેસિઝ બને છે અને આ કારણે લોકોએ નોકરી છોડી દેવાથી માંડીને માનસિક સ્વાસ્થ્યની સારવાર લેવા સુધીના પગલાં લીધાં છે. 
પહેલાં તો આપણે જાણીએ કે કોર્પોરેટ બુલિઇંગ શું છે?

કામનું વધુ પડતું દબાણ – વર્ક પ્રેશર એ કૉર્પોરેટ બુલિઇંગ નથી. કૉર્પોરેટ બુલિઇંગ અથવા તો વર્કપ્લેસ બુલિઇંગમાં કોઇની પ્રત્યે અથવા એક ચોક્કસ ગ્રૂપ સાથે સતત માનહાની ભર્યું વર્તન કરવું,  ઠેકડી ઉડાડવી, ખોટી વસ્તુઓ માટે ટાર્ગેટ કરવા જેવો અણછાજતો વહેવાર જેને પ્રોફેશનલ વર્તન ન કહી શકાય જેવી બાબતોનો સમાવેશ થાય છે.ગુજરાતી મિડ-ડે ડૉટ કોમે કૉર્પોરેટ બુલિઇંગના મુદ્દા અંકે કેટલાક કર્મચારીઓ, એચઆર - હ્યુમન રિસોર્સ પ્રોફેશનલ અને મનોવૈજ્ઞાનિક સાથે વાત કરી. 


કિસ્સો 1 - મુંબઈની એક કૉર્પોરેટ ઑફિસમાં કામ કરનારા કર્મચારીએ પોતાનું નામ ન જણાવાની શરતે કહ્યું કે, "મારા ઉપરી અધિકારીનું વર્તન મારી પ્રત્યે તથા મારા બીજા સાથી કર્મચારીઓ પ્રત્યે તાણ પેદા કરે તેવું જ રહ્યું છે.  કામ બંધ કરવાના સમયે કોઇ એવું એસાઇનમેન્ટ આપવું જે તે સમયે કરવું જરૂરી નથી અથવા તો પછી એવી વાત માટે કોઇને ટોકવા જે પર્સનલ ચોઇસનો મુદ્દો છે કે પછી રજાઓ માટે ક્યારેય હા ન પાડવી વગેરે. આવો માહોલ સતત રહે ત્યારે તમને તમારી જાત પર, તમારી કામ કરાવની ક્ષમતા પર સવાલ થવા માંડે. મારા એક સાથી કર્મચારીએ આકરા વહેવારને કારણે નોકરી છોડી દીધી. મારી પાસે હમણાં વિકલ્પ નથી એટલે આ વેઠવા સિવાય કોઇ રસ્તો નથી. તમે ફરિયાદ કરો તો બધું ઇમેઇલ પર માંગવામાં આવે અને જુનિયર લેવલ પર એવું કંઇપણ કરતાં થોડો ડર લાગે કે કોણ જાણે કેવી પ્રતિક્રિયા હશે."

કિસ્સો 2 - એક કૉલ સેન્ટરમાં કામ કરનારી હેતલે પોતાનો અનુભવ જણાવતા કહ્યું કે, "મારો સ્વભાવ છે કે જે જગ્યાએ હું આઠથી નવ કલાક ગાળતી હોઉં ત્યાં સૌની સાથે હળીમળીને વાત કરું. મારા કામમાં કોઇ દિવસ કચાશ નથી છોડી છતાં પણ મારા વાચાળ સ્વભાવને ટાર્ગેટ કરાયો. ઑફિસમાં મને એટલી સામાન્ય બાબતો માટે તતડાવવામાં આવતી કે મને સમજાતું નહીં કે મારો વાંક શું છે? આખરે એક વખતે મને પેનિક એટેક આવ્યો, ક્યારેક માથામાં શૂળ ભોંકાય એવો દુખાવો થવા માંડ્યો આવું મારી સાથે ક્યારેય નથી થયું. મને સમજાતું નહોતું કે આમ કેમ થયું. એક જ મહિનામાં ત્રણેક વાર આવું થયું અને મારે થેરાપિસ્ટ પાસે જવું પડ્યું. કાઉન્સેલિંગ દરમિયાન મને સમજાયું કે મને ઑફિસમાં જવાનો એક પ્રકારનો ડર પેસી ગયો હતો. હું ચાહું કે ન ચાહું મને જાણે મન પર કોઇ ભાર હોય તેવી લાગણી થતી."
કોર્પોરેટ બુલિઇંગ બહુ જ સંવેદનશીલ બાબત છે અને આવા કેસિઝમાં ઘણીવાર યોગ્ય રજુઆત કરવાનું તે તમામ માટે મુશ્કેલ થઇ જાય છે જે આવા વર્કપ્લેસ બુલીનો સામનો કરતા હોય. 
આ અંગે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ હ્યુમન રિસોર્સ - એચઆરનો વિષય ભણાવતા સિનિયર અધ્યાપક ડૉ. મેરલિન માઇકલ સાથે જ્યારે વાત કરી ત્યારે તેમણે કહ્યું, "કામ માટે અસર્ટિવ હોવું અને કોઇનું બુલિઇંગ કરવું બંન્ને અલગ બાબત છે એ સમજવું જરૂરી છે. એચઆરના વિદ્યાર્થીઓ જ્યારે ઇન્ટર્નશીપ માટે જાય ત્યારે તેમને પણ ઘણીવાર જુનિયર હોવાને નાતે અમુક સંજોગોનો સામનો કરવો પડે. અમે તેમને શીખવીએ છીએ કે જરૂર પડ્યે ટોપ મેનેજમેન્ટને પણ આ વાતમાં સામેલ કરવું. પગાર ધોરણો વગેરેને લઇને કાયદાઓ છે, ભેદભાવને લઇને પણ માનવતાની રૂએ ઘડાયેલા કાયદા છે અને તેની જાણકારી દરેક કર્મચારીને હોવી જોઇએ. ખાસ કરીને એચઆરની જવાબદારી લેનારે કર્મચારીઓને તેમની જવાબદારી સાથે તેમના અધિકારોની જાણકારી પણ આપવી જોઇએ."


 

ડૉ. મેરલિને વધુમાં કહ્યું કે, "કૉર્પોરેટના મેનેજમેન્ટનો આધાર મૂલ્યો હોવા જોઇએ, એક રીતે મેનેજર સ્તરે જે પણ હોય તે પોતાના જુનિયર્સને મેન્ટોર કરે, તેમને ઘડે તેવું જ તંત્ર હોવું જોઇએ. દરેક કંપનીમાં ગ્રિવિયન્સ સેલ પણ જરૂરી છે જેથી કર્મચારી પોતાનો પ્રશ્ન, પોતાની તકલીફ રજુ  કરી શકે." તેમણે ઉત્તરાખંડમાં બનેલા અનુરાગ સિંઘના કેસની પણ વાત કરી. આ કિસ્સામાં અનુરાગ સિંઘ નામના કર્મચારીને ઑફિસમાં સતત અપમાનનો સામનો કરવો પડતો હતો અને તેને અવારનવાર મ્હેણાં સાંભળવા પડતા હતા કારણકે તેણે અમુક પ્રકારનું ખોટું કામ કરવાની ના પાડી હતી. એક તબ્બકે અનુરાગ સિંઘને એટલી તાણ થઇ કે તેણે ગળા ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી. આ કિસ્સામાં મૃતકના ભાઇએ પોલીસ ફરિયાદ કરી હતી જેને આધારે કેસ ચાલ્યો હતો. ડૉ. મેરલિન કહે છે, "બધા કિસ્સાઓમાં આટલું આકરું પરિણામ આવે એવું નથી હોતું કારણકે બુલિઇંગ અને હેરેસમેન્ટના કેસિઝ માઇલ્ડ હોય એમ પણ બને. એચઆરના વિદ્યાર્થીઓને ભણાવતી વખતે આ બાબતોની ચર્ચા કરાય છે અને આવા સંજોગોમાં તેમણે શું કરવું તે પણ શીખવાડાય છે. ઇન્ટર્નશીપમાં જાય ત્યારે તેમને પૂછતાં રહીએ કે કેવો અનુભવ છે. ઘણી વાર એમ પણ થાય કે તેમને એમ લાગે કે તેઓ ઉંમરમાં નાના છે એટલે કઈ રીતે બોલી શકે? આવા સંજોગોમાં જે તેમના હેડ હોય તેમણે જ તેમને આ આત્મવિશ્વાસ અને કમ્ફર્ટ આપવા જોઇએ. જો કે આ માહોલ ટોપ મેનેજમેન્ટમાં હોય તો જ અન્ય તમામ સ્તરે આવી શકે." તેમણે વધુમાં યુએસએમાં વર્ક પ્લેસ બુલિઇંગના પ્રશ્નો પર કામ કરતી સંસ્થાઓનો ઉલ્લેખ કર્યો અને જણાવ્યું કે, "ઘણાં ઓનલાઇન પોર્ટલ્સ પણ છે જેની પર હવે આવી સમસ્યાઓ વિશે ફરિયાદ કરી શકાય છે. કોર્પોરેટ બુલિઇંગ બે માથાળાં સાપ જેવું હોય છે, એમાં નાની બાબતોએ ટિકા કરવાથી માંડીને, ભૂલો કાઢવી, ઇમોશનલી હર્ટ કરવા, વગર કારણનો વધુ પડતો કન્ટ્રોલ કરવો, કોઇને વિશે અફવાઓ ફેલાવવી જેવી બાબતોનો સમાવેશ થાય છે. એચઆર વિભાગે કર્મચારીઓનું એસેસમેન્ટ પણ નિયમીત કરવું જોઇએ. સંજોગો વણસે ત્યારે પહેલાં તમારા જે રિપોર્ટિંગ મેનેજરને વાત કરવી, ત્યાર બાદ એચઆર વિભાગ - બને ત્યાં સુધી સંસ્થામાં અંદરોઅંદર પરિસ્થિતિનો ઉકેલ લાવવો. પછી પણ જો જરૂર પડે તો તમે લેબર કોર્ટમાં જઇ શકો છો કારણકે આ બાબતો અંગે રાષ્ટ્રિય કલમો છે. ચૂપ રહેવું પણ એક જાતનો સહકાર છે અને તે ખોટું જ કહેવાય." તેમણે અન્ય એક કિસ્સો ટાંકતા કહ્યું કે, "કોઇ ફરિયાદ કરે તો તેની ગુપ્તતા જળવાય એ જરૂરી છે. યુકેમાં એક મહિલા, જે એક શિક્ષણ સંસ્થામાં કામ કરતી હતી તેની સાથે બુલિઇંગ થતું હતું. તેણે ફરિયાદ કરી અને તેની ઓળખ છતી થઇ ગઇ તો લોકોએ તેની પ્રત્યે સંવેદનશિલતા ન દાખવતાં તેની મજાક કરી. તે કોર્ટમાં ગઇ અને તેને વળતર મળ્યું."

કોર્પોરેટ બુલિઇંગના કેસિઝ અંગે મનોવૈજ્ઞાનિક શું માને છે? 

અમદાવાદ ગુજરાતના પ્રતિષ્ઠિત મનોવૈજ્ઞાનિક ડૉ. પ્રશાંત ભીમાણી સાથે આ અંગે વાત કરી તો તેમણે જણાવ્યું, "કોર્પોરેટ બુલિઇંગ એક વાસ્તવિકતા છે અને આજે તો લોકો સોશ્યલ મીડિયા પર સ્ટૉક કરીને કે ત્યાં કંઇને કંઇ પોસ્ટ કરીને પણ કર્મચારીને ટાર્ગેટ કરી શકે છે. મારી પાસે આવેલા એક કેસમાં પેથોલૉજી લેબમાં કામ કરતા એક યુવકને તેની સિનિયર સતત હેરાન કરતી હતી, તેના કામ અંગે ખોટી ફરિયાદો પણ કરતી હતી. થોડો સમય તેણે વાતને લાઇટલી લીધી પણ હદ પારની હેરાનગતી થઇ એટલે તેણે ઉપરીઓેને મેલ કર્યા. આવા સંજોગોમાં  સૌથી અગત્યનું એ છે કે તમે કશું પણ ઓરલી ન કહો, માત્ર બોલવાથી તમારી વાતનું વજન નહીં પડે, તમારે આ બાબતો ઇ-મેઇલ પર રાખવી જરૂરી છે." તેમણે કહ્યું કે કોર્પોરેટ બુલિઇંગમાં જાહેરમાં અપમાન, નિંદા, કટાક્ષમાં બોલવું, સારા કામની નોંધ ન લેવી, વખાણ કરે તો પણ પર્સનલમાં કરવા જાહેરમાં નહીં એ બધું પણ બૂલિઇંગનો જ એક પ્રકાર છે. એક વાત સમજી લેવી કે કોર્પોરેટ કલ્ચર પણ સમાજનું જ પ્રતિબિંબ છે એટલે ત્યાં પણ લોકો એ પ્રમાણે જ વહેવાર કરે. લોકો બીજાનું કામ સારું થતું હોય અને પોતે એ કામ કરવા માટે પુરતાં એફિશ્યન્ટ - કાબેલ ન હોય તો પણ કર્મચારીને ટાર્ગેટ કરતા હોય છે. ઑફિસ કલ્ચરમાં ટ્રાન્સફરન્સના પ્રોબ્લેમ હોય - ટ્રાન્સફરન્સ એટલે સ્થાનાન્તરણ - પોતાના પર્સનલ ઇશ્યૂ હોય તો તેનો બળાપો ઑફિસમાં જુનિયર્સ પર કાઢવો. બુલિઇંગ થતું હોય ત્યારે તેના પુરાવા એકઠા કરવા, એચઆરમાં કે સિનિયર્સને મેલ કરવા. વળી એકલદોકલ વ્યક્તિને વાત ન કહેવી, એકથી વધુ વ્યક્તિ સામે રજુઆત કરીને વાત આગળ ચલાવવી.
ડૉ. ભીમાણી કહે છે કે, "સૌથી ખોટું છે ચલાવી લેવું. કશું પણ અવગણવાનું નહીં, કોઇ સંજોગોમાં નહીં કારણકે તેની સીધી અસર માનસિક સ્વાસ્થ્ય પર પડે. વળી ઑફિસના ઇશ્યુ ઑફિસ પુરતાં સિમિત રાખવા, અટેચ નહીં થવાનું નહીંતર ઘરનો માહોલ પણ બગડશે. પ્રેક્ટિકલ અભિગમ રાખવો, ઇમોશનલ નહીં નહિંતર હેરાન થઇ જવાય. ઘણીવાર ઑફિસના તાણભર્યા વાતાવરણને કારણે રાતોની ઊંઘ હેરાન થઇ જાય, સતત વિચારો આવ્યા કરે અને તેની સોમેટિક અસરને કારણે માથાનો દુખાવો અથવા ભૂખ ઓછી થઇ જાય તેમ પણ બની શકે છે. વધુ પડતા સ્ટ્રેસથી ટાઇપ ટુ ડાયાબિટીસનું જોખમ પણ વધે છે."કોર્પોરેટ ઑફિસિઝમાં એચઆરની કર્મચારીઓ સાથેની નિયમિત મિટીંગ્ઝ, કાઉન્સેલરની હાજરી, ગ્રિવિયન્સ સેલ વગેરે હોવા અનિવાર્ય છે તેમ ડૉ. ભીમાણીનું કહેવું છે. 


જો તમારી સાથે આ થઇ રહ્યું છે તો ચેતજો, આ કોર્પોરેટ બુલિઇંગના પ્રકાર છે...

- તમે આવતાં જ અન્ય કર્મચારીઓ આઘાપાછાં થઇ જાય, તમારી સાથે વાત ન કરે, તમારી અવગણના કરે.

- તમને ઑફિસના કલ્ચરમાં ભેળવવામાં ન આવે.

- તમારા ઉપરી તમને કોઇપણ કારણોસર વારંવાર બોલાવ્યા કરે, પછી ભલેને કંઇ કામ ન હોય. .

-એક કામ હાથમાં હોય અને તરત બીજું કામ આપવામાં આવે, પછી ભલે તે તમારી ડ્યૂટીની બહારની કામગીરી હોય.

- તમારા કામ પર વગર કારણ ચાંપતી નજર રખાતી હોય , એ હદે કે તમને જ તમારી આવડત પર શંકા થવા માંડે.

- તમને નકામા કામ સોંપાય અથવા તો ઉપરી અધિકારી પોતાનું કામ તમારી પાસે કરાવે, તમારા કરેલા કામનો ક્રેડિટ પોતે લઇ લે.

કોણ બુલી થતું હોય અને કોણ બુલી કરે છે?


એક સર્વે અનુસાર મોટે ભાગે 70 ટકા પુરુષો જ બુલિઇંગ કરતા હોય છે પણ બાકીના 30 ટકા બુલિઇંગ કરનાર સ્ત્રીઓ હોય છે.

બંન્ને જેન્ડરનાં બુલી મોટેભાગે સ્ત્રીઓને જ ટાર્ગેટ કરે છે.

આ રિપોર્ટ અનુસાર 60 ટકા કેસિઝમાં બુલી કરનાર સુપિરિયર, રિપોર્ટિંગ મેનેજર અને બૉસિઝ જ હોય છે. 33 ટકા બુલિઇંગ સહ-કર્મચારીઓ કરે છે અને બાકીના 6 ટકા બુલિઇંગે નીચેના કર્મચારીઓ પર સુપિરિયર્સ કરે છે.

મેનેજર્સ જ્યારે બુલી કરે ત્યારે તેઓ પોતે એક પ્રિવિલેજ્ડ પોઝિશન પર હોવાનો ગેરલાભ ઉઠાવીને નેગેટિવ રિવ્યુ આપવાથી માંડીને ખોટી ધમકીઓ આપવા સુધી અને કામની વાત કરવા માટેનો સમય ન આપવા સુધીનો વહેવાર કરે છે. 

 

 

health tips corporate mumbai