28 October, 2025 04:37 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
સરકારી આંકડાઓ અનુસાર ભારતમાં ૫૦ ટકા દરદીઓ હાર્ટ-અટૅક પછીની ૪૦૦ મિનિટે હૉસ્પિટલ પહોંચે છે. આદર્શ રીતે અડધા કલાકની અંદર હૉસ્પિટલ પહોંચવું યોગ્ય ગણાય છે. હજી પણ મુંબઈ જેવા શહેરમાં પણ લોકોમાં જોઈએ એટલી જાગૃતિ આવી નથી. આજે પણ લોકો ચિહનોને અવગણે છે, ગૅસ હશે કે ઍસિડિટી થઈ ગઈ હશે એવા ભ્રમમાં રાચે છે અને તાત્કાલિક ડૉક્ટર પાસે જતા નથી. જે જાય છે તે પોતાના ફૅમિલી ડૉક્ટરને બતાવે અથવા ફિઝિશ્યન પાસે જાય છે. ફિઝિશ્યન પહેલાં ECG કાઢે અને ત્યાં તેને ખબર પડે અને તે કાર્ડિયોલૉજિસ્ટ પાસે મોકલે એમાં વાર લાગી જાય છે. આ ખરેખર દુઃખદ બાબત છે કે લોકો હજી પણ હાર્ટ-અટૅક વિશે માહિતી રાખતા નથી અને ગફલતને કારણે મોટું નુકસાન ભોગવતા હોય છે કારણ કે હૉસ્પિટલ મોડા પહોંચે ત્યાં સુધીમાં હાર્ટના સ્નાયુ ડૅમેજ થઈ ગયા હોય છે જેને ફરી રિપેર કરવાનું શક્ય જ નથી. એક વાર ડૅમેજ થયેલું હાર્ટ બરાબર કામ નથી કરી શકતું અને બીજા અટૅકની કે કાર્ડિઅક અરેસ્ટની સંભાવના ઘણી વધી જાય છે.
મુંબઈ જેવા શહેરમાં ઍવરેજ જોઈએ તો વ્યક્તિ હાર્ટ-અટૅક પછીના ૪ કલાકે હૉસ્પિટલ પહોંચે છે. દિલ્હી જેવા શહેરમાં ૬ કલાકે અને બૅન્ગલોર જેવા શહેરમાં જ્યાં મેડિકલ સુવિધાઓ ઘણી જ સારી છે ત્યાં બે કલાકે વ્યક્તિ હાર્ટ-અટૅક પછી પહોંચતી હોય છે. દરેક જગ્યાનાં પોતાના કારણો છે જેને લીધે તેઓ હૉસ્પિટલ પહોંચવામાં મોડા પડતા હોય છે. મુંબઈમાં લોકોને એવું પણ છે કે તેમની નજીકની હૉસ્પિટલમાં તેઓ જતા નથી. અંધેરીની વ્યક્તિને મુંબઈ સેન્ટ્રલની હૉસ્પિટલમાં જવું હોય છે તો ચોપાટી પર રહેતી વ્યક્તિને બાંદરા જવું હોય છે. અમુક જ હૉસ્પિટલ સારી છે અને ત્યાં જ ઇલાજ કરાવાય એવી ગ્રંથિને કારણે લોકો સમજતા નથી કે આ ઇમર્જન્સી છે અને નજીકની જ હૉસ્પિટલમાં ભાગવું જોઈએ. જે પણ હૉસ્પિટલમાં ઇન્ટેન્સિવ કૉરોનરી કૅર યુનિટ હોય ત્યાં પહોંચી જઈને તાત્કાલિક ઇલાજ લેવો વધુ મહત્ત્વનો છે. જે લોકો આવા મહત્ત્વના સમયે યોગ્ય નિર્ણય લે છે તે બચી જાય છે.
આમ તો આદર્શ રીતે કોઈ પણ ઉંમરના વયસ્કને ચેસ્ટ પેઇન થાય તો તાત્કાલિક અડધા કલાકની અંદર જ ગફલતમાં રહ્યા વગર હૉસ્પિટલ પહોંચી જવું જરૂરી છે. અડધા કલાક નહીં તો ૧૮૦ મિનિટ એટલે કે ૩ કલાકની અંદર પણ જો વ્યક્તિ હૉસ્પિટલ પહોંચી જાય તો તેને બચાવવાની શક્યતા ઘણી વધી જાય છે. આમ જરૂરી છે કે વ્યક્તિ સારી હૉસ્પિટલના મોહમાં દૂર ન જાય અને તેમની નજીકની મોટી હૉસ્પિટલ જ્યાં ઇમર્જન્સી વૉર્ડ હોય ત્યાં પહોંચી જાય.