25 February, 2025 03:18 PM IST | Mumbai | Jainacharya shree Udayvallabhasuri
પ્રતીકાત્મક તસવીર
સુખ એ એક્ઝિબિશનનો નહીં પણ એક્સ્પીરિયન્સનો વિષય છે. આજે સુખનાં સાધનો વધતાં જાય છે અને સુખનો અનુભવ ઘટતો જાય છે. આવું કેમ થઈ રહ્યું છે? અમેરિકાના ડૉ. વિવેક મૂર્તિ આ માટે કામે લાગ્યા છે. તેઓ ત્યાંની કોઈ હૉસ્પિટલમાં પ્રૅક્ટિસ કરતા સર્જ્યન નથી. જેમ દેશમાં ડિફેન્સ મિનિસ્ટ્રી અંતર્ગત લશ્કરની ત્રણ પાંખો હોય છે અને એના ચીફનો ખાસ યુનિફૉર્મ હોય તેને ઍડ્મિરલ કહેવાય છે એ રીતે અમેરિકામાં હેલ્થ મિનિસ્ટ્રી હસ્તક આવા ઍડ્મિરલની નિમણૂક થાય છે જે યુદ્ધના ધોરણે નાગરિકોના તમામ સ્તરના સ્વાસ્થ્યની કાળજી લે. આવો હોદ્દો ધરાવનારને ‘સર્જ્યન જનરલ’ કહેવાય છે. તેનો અલાયદો યુનિફૉર્મ હોય જે ત્યાંના રાષ્ટ્રપ્રમુખ નક્કી કરે છે. ૨૦૨૧થી ડૉ. વિવેક મૂર્તિ અમેરિકાના ‘સર્જ્યન જનરલ’ છે. દેશ-વિદેશની નામાંકિત સંખ્યાબંધ યુનિવર્સિટીઝ અને હજારો સ્ટુડન્ટ્સની મુલાકાતો બાદ તેમણે તાકીદે પગલાં ભરવાની ભલામણ સાથે અગત્યનાં સૂચનો કર્યાં છે જેમાં ‘લાઇક’ અને ‘કમેન્ટ’ કી પર નિયંત્રણ મૂકવાનું સૂચવ્યું છે. તેમણે સોશ્યલ મીડિયા પર સિગારેટ પર હોય એવી સ્ટૅચ્યુટરી વૉર્નિંગ દર્શાવવા કહ્યું છે.
છેલ્લાં પાંચ-દસ વર્ષમાં હાર્ટ-અટૅક, સ્ટ્રોક અને ભૂલી જવાની બીમારીના દરદીઓની સંખ્યામાં ચિંતાજનક સ્તરે વધારો નોંધાયો છે. મેન્ટલ હેલ્થ એક ભીષણ વૈશ્વિક પડકાર બની ગયો છે. 4G અને 5Gની ઝડપથી ટેવાઈ ગયેલા અધીરા બનતા ગયા છે. કોઈ પણ મામલે ધીરજથી કામ લેતાં નથી આવડતું. આથી માનસિક સિવાય સામાજિક અને કૌટુંબિક સમસ્યાઓ પણ સર્જાય છે. વડીલો સાવ એકલા પડતા જાય છે. ગૅજેટ્સ કે મનોરંજન ઉદ્યોગને વડીલોની જરાય જરૂર નથી. કોઈ કંપની ‘કનેક્ટિંગ ધ પીપલ’ની ટૅગ લાઇન ભલે રાખે, વાસ્તવમાં આ આખોય ખેલ ડિસ્કનેક્શનનો છે.
હવે મહિનામાં એકાદ દિવસ મોબાઇલ બંધ કરીને ‘ડિજિટલ ઉપવાસ’ની પરંપરા શરૂ કરવાનો સમય આવ્યો છે. પર્ફેક્ટિંગ યુથ સેશન (PYS)ના નામે ચાલતી યુવાનો માટેની મોટિવેશનલ શિબિરમાં આ પ્રયોગ ગયા વર્ષે થયો. સેશનનો ટૉપિક હતો ‘ડિજિટલ ડીટૉક્સ’. એકધારું ત્રણ કલાક સાંભળ્યા પછી ૨૦૦૦ જેટલાં યુવક-યુવતીઓએ ત્રણ સંકલ્પો કર્યા. એક, મહિનામાં એક દિવસ સંપૂર્ણ મોબાઇલ બંધ. બે, રોજના ૨૪ કલાકમાંથી કોઈ પણ સળંગ ૭ કલાક મોબાઇલ બંધ અને ત્રણ, સવારે જાગ્યા પછી પ્રથમ ૧પ મિનિટ ‘નો ગૅજેટ્સ ટાઇમ’. સેંકડો લોકોએ પોતાનો અનુભવ શૅર કરતાં જણાવ્યું કે નિરાંતની ઊંઘ, વ્યવસ્થિત ખોરાક, સ્ટ્રેસ-ફ્રી સ્ટેટ જણાય છે. ઑર્ગેનિક ખુશી મેળવવા માટે અને પારસ્પરિક સંવાદ સાધવા માટે આપણી અંદર ‘વિવેક મૂર્તિ’ પ્રગટાવવા પડશે.