09 July, 2025 01:28 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
તેલની માલિશ વિશે તો બધાને જ ખબર હશે કારણ કે એ બહુ કૉમન છે, પણ શું તમે ક્યારેય કૅન્ડલ મસાજ વિશે સાંભળ્યું છે? હકીકતમાં કૅન્ડલને ઓગાળીને એમાંથી નીકળતા મીણનો સમાજ આખા શરીર અને ત્વચા માટે બહુ ફાયદાકારક કહેવાયો છે. એ થાક અને તાણને ઓછું કરીને શરીરને રિલૅક્સ કરવામાં બહુ મદદરૂપ સાબિત થાય છે. કૅન્ડલ મસાજમાં ગરમાગરમ મીણને સીધું શરીર પર લગાવવામાં આવે છે તો એનાથી ફાયદાઓ કઈ રીતે થાય, સ્કિનબર્ન તો નહીં થતું હોય એવા પ્રશ્નો તમારા મનમાં પણ આવતા હશે ત્યારે આ મસાજ થેરપી વિશે વધુ જાણીએ.
કેવી રીતે થાય કૅન્ડલ મસાજ?
સોય વૅક્સ, શિયા બટર, કોકોઆ બટર અને એસેન્શિયલ ઑઇલ્સને મિક્સ કરીને તૈયાર થયેલું મિશ્રણ એટલે કે કૅન્ડલ ત્વચાને અઢળક ફાયદાઓ આપે છે. એને ગરમ કરીશું તો તેલ જેવું દેખાશે અને આ મિશ્રણને ત્વચા પર લગાવવામાં આવે એને કૅન્ડલ મસાજ અથવા બૉડી ઑઇલ કૅન્ડલ મસાજ કહેવાય છે. આ મસાજ કરવા માટે કૅન્ડલને પાંચ મિનિટ સુધી ચાલુ રાખ્યા બાદ એને બુઝાવી નાખવી. પછી ઓગળેલું મીણ હાથમાં લઈને બૉડી પર લગાવાય છે અને એનાથી માલિશ થાય છે. તેલ વધુ ગરમ ન હોવાથી સ્કિનબર્ન જેવી સમસ્યા થતી નથી. એમ છતાં જેની સ્કિન સેન્સિટિવ હોય અથવા ઍલર્જી હોય તો મસાજ પહેલાં પૅચ-ટેસ્ટ કરી લેવી હિતાવહ રહેશે. મીણને બૉડી પર અપ્લાય કર્યા બાદ સ્ક્રબ કરવામાં આવે છે જે ડેડ સ્કિનને કાઢવામાં મદદ કરશે. આ સાથે એનું મૉઇશ્ચર ત્વચાની અંદર જાય એ માટે મીણ લગાવ્યા બાદ શરીરને ગરમ ટુવાલથી લપેટવામાં આવે છે. ડૅમેજ થયેલી ત્વચાને ફરીથી સૉફ્ટ અને ગ્લોઇંગ બનાવવા માટે મીણને જોજોબા તેલ, કોકો બટર અને વિટામિન E સાથે મિક્સ કરીને શરીર પર મસાજ કરવામાં આવે છે.
કૅન્ડલ મસાજના ફાયદા
કૅન્ડલ મસાજ થેરપી કરચલીઓને દૂર કરવાની સાથે તન અને મનને શાંતિ આપે છે. અનિદ્રાની સમસ્યા હોય એ લોકો માટે આ મસાજ થેરપી બહુ ફાયદાકારક નીવડશે. પિગ્મેન્ટેશન, ડાર્ક સર્કલ્સ, બ્લેમિશ અને ઍક્ને જેવા ત્વચા સંબંધિત પ્રૉબ્લેમ્સમાં આ મસાજ થેરપી કારગત નીવડે છે. કૅન્ડલ મસાજ ગર્ભાવસ્થા બાદ ત્વચા પર આવેલા સ્ટ્રેચ માર્ક્સને ઓછા કરવામાં મદદરૂપ સાબિત થાય છે. ફ્લૉલેસ અને ગ્લોઇંગ સ્કિનની સાથે ત્વચાના રક્તપ્રવાહને સુધારવામાં પણ આ મસાજ સહાય કરે છે. સોય વૅક્સથી મસાજ કરશો તો ત્વચા નરમ અને મુલાયમ બનશે. શિયા બટરથી કરેલો મસાજ ત્વચાના ઊંડાણમાં જઈને મૉઇશ્ચરાઇઝ કરશે. જે લોકોની ડ્રાય સ્કિન હોય તેમને વૅક્સમાં કોકો બટરને ઉમેરીને મસાજ કરવામાં આવે તો એ ફાયદો આપશે.