01 September, 2025 01:21 PM IST | Mumbai | Ruchita Shah
પ્રતીકાત્મક તસવીર
યસ, બાળપણમાં સ્કૂલમાં જ્યારે શિક્ષકો વિદ્યાર્થીઓના કાન આમળતા એની પાછળનું કારણ વૈજ્ઞાનિક હતું. આજકાલ સોશ્યલ મીડિયા પર ઇઅર મસાજ થકી સ્ટ્રેસ દૂર ભગાવવાથી લઈને ચહેરાની સુંદરતા વધારવા સુધીના નુસખા વાઇરલ છે ત્યારે ખરેખર કાનનો મસાજ કેમ કરવો જોઈએ, એની પાછળનું વિજ્ઞાન શું છે અને કઈ રીતે ઇઅર મસાજ કરો તો લાભ થાય
માણસે જો સાજા અને તરોતાજા રહેવું હોય તો કેટલીક વાર સાવ સરળ પદ્ધતિનો ઉપયોગ પણ ઉપકારી સાબિત થઈ શકે છે. આજકાલ સોશ્યલ મીડિયા પર ચર્ચાઈ રહેલી ઇઅર મસાજ મેથડ એવી જ એક સરળ અને લાભોથી ભરપૂર પદ્ધતિ છે. પ્રાચીન ઉપચાર પદ્ધતિઓથી લઈને મૉડર્ન મેડિકલ સાયન્સે પણ કાન પર મસાજ કરવાની પદ્ધતિને ઉપયોગી ઠેરવી છે. કાનના મસાજ, ઍક્યુપ્રેશર અને ઍક્યુપંકચરની વિવિધ પદ્ધતિઓથી થતી ટ્રીટમેન્ટને ઓરિક્યુલર થેરપી તરીકે પણ ઓળખવામાં આવે છે. અઢળક પ્રકારનાં ક્લિનિકલ રિસર્ચ પણ થયાં છે જે આ ઓરિક્યુલર થેરપીથી થતા લાભોનું વર્ણન કરે છે. જેમ કે કાનના મસાજથી સ્ટ્રેસ ઘટે, બ્લડ-સર્ક્યુલેશન સુધરે, પેઇન ઘટે, અનિદ્રા ઘટે અને વ્યસનમુક્તિમાં એ મદદ કરે છે. એક અભ્યાસમાં સર્જરી કરાવતા દરદીઓમાં કાનના ઍક્યુપ્રેશરથી સ્ટ્રેસ અને ઍન્ગ્ઝાયટી ઘટ્યાં હોવાનું જોવા મળ્યું હતું. અન્ય એક અભ્યાસમાં કાનના મસાજથી સ્ટ્રેસ હૉર્મોન ગણાતા કૉર્ટિઝોલનું પ્રમાણ ઘટ્યું હતું. ઘણા અભ્યાસોમાં કાનના ઍક્યુપ્રેશર અને ઍક્યુપંક્ચરનો ઉપયોગ માઇગ્રેન, કમરનો દુખાવો અને કૅન્સર સંબંધિત પીડાને ઘટાડવા માટે પણ કરવામાં આવ્યો છે. આજે જાણીએ કે કાનનો મસાજ કેવી રીતે કરવો, શું કામ કરવો અને એના વિગતવાર લાભો શું છે.
જાણે આખેઆખું શરીર
કાનને શરીરની માઇક્રોસિસ્ટમ માનવામાં આવે છે. ઍક્યુપંક્ચર અને રિફ્લેક્સોલૉજી જેવી પદ્ધતિઓમાં કાનના દરેક બિંદુને શરીરના ચોક્કસ અંગ કે પ્રણાલી સાથે જોડવામાં આવે છે. આ સંદર્ભે ત્રીસ વર્ષથી ઍક્યુપંક્ચરિસ્ટ, સુજોક થેરપિસ્ટ અને અન્ય હીલિંગ મોડાલિટીઝથી સારવાર કરતા ડૉ. કેતન દુબલ કહે છે, ‘કાન બીજું કંઈ નહીં પણ તમારા આખા શરીરનું પ્રતિનિધિત્વ કરે છે. જો તમે ધ્યાનથી જોશો તો સમજાશે કે કાનનો આકાર ગર્ભમાં રહેલા બાળકની પોઝિશન જેવો હોય છે. ગર્ભમાં બાળકનું માથું હોય એ રીતે કાનની બૂટ છે. એટલે કાનની બૂટ એ મસ્તિષ્કને ચાર્જ કરવામાં મદદ કરે છે. આ જ કારણથી પહેલાંના સમયમાં શિક્ષક વિદ્યાર્થીઓને કાન પકડાવતા અથવા તો કાન આમળતા હતા. ઍક્યુપંકચર સાયન્સમાં કાનને શરીરના અને મનના ઘણા રોગોની સારવાર માટે મહત્ત્વનું અંગ મનાય છે. ઓરિક્યુલર ઍક્યુપંકચર તરીકે ઓળખાતી આ પદ્ધતિ બેસ્ટ અને ઝડપી રિઝલ્ટ આપતી પદ્ધતિ છે. એટલે યસ, કાનને દબાવવાથી, મસાજ કરવાથી કે સાચા પૉઇન્ટ પર નીડલ થકી ઍક્યુપંકચર કરવાથી એના ઘણા લાભો છે. રાઈ, મગના દાણા કે મૅગ્નેટ પણ કાન પર લગાવીને અમે ઇલાજ કરીએ છીએ. કાનનો મસાજ આખા શરીરના મસાજ સમાન છે. કાનનો શરીર પર જલદી પ્રભાવ પડે છે એટલે જ વધુ ઠંડી હોય ત્યારે કાનપટ્ટી લગાવીએ છીએ કે કાનમાં રૂ નાખીએ છીએ કારણ કે એમ કરવાથી એ શરીરના ટેમ્પરેચરને મૅનેજ કરે છે. કાનની બુટ્ટી પર મસાજ કરવાથી માથા અને ચહેરાના તનાવમાં રાહત મળે છે, જ્યારે કાનના ઉપરના ભાગ પર મસાજ કરવાથી પીઠ અને ખભાના દુખાવામાં મદદ મળી શકે છે. આમ તો શરીરના ઘણા રોગોમાં કાન થકી ઇલાજ થઈ શકે પરંતુ આંખ, માથા અને નાકને લગતી સમસ્યાઓ હોય, બહુ જ સ્ટ્રેસ હોય જેવી તકલીફોમાં તો બહુ જ ઇફેક્ટિવ છે. ખાસ કરીને બ્રેઇન હેલ્થ માટે કાનની બૂટ પર થતો મસાજ ખૂબ જ લાભકારી છે જે ઓવરઑલ આખા શરીરની હેલ્થ માટે ઉપયોગી છે.’
ડૉ. કેતન દુબલ
બહુ જ લૉજિકલ
આપણું શરીર એકબીજા સાથે ખૂબ જ અદ્ભુત રીતે જોડાયેલું છે. ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસના અનાટમી વિભાગના પ્રોફેસર ડૉ. મૃત્યુંજય રાઠોડ કહે છે, ‘આપણા બ્રેઇન અને બૉડી સાથે સંકળાયેલી ઘણી સેન્સરી નર્વ્સનું એન્ડિંગ કાન તરફ થાય છે જેને આપણે ઓરિકલ નર્વ તરીકે પણ ઓળખીએ છીએ. આ બહુ બધી સેન્સરી નર્વ્સની અસર આપણા ચેતાતંત્ર પર પડતી હોય છે. આ તમામ નર્વ્સમાં સૌથી મોટી અને પ્રભાવશાળી નર્વ એટલે કે ઓરિક્યુલર વેગસ નર્વ. કેટલાક અભ્યાસોમાં દર્શાવવામાં આવ્યું છે કે કાનના ચોક્કસ ભાગો, ખાસ કરીને કાનના ઉપરના ભાગમાં વેગસ નર્વના છેડા હોય છે. આ ભાગો પર દબાણ અથવા મસાજ કરવાથી વેગસ નર્વ સક્રિય થાય છે જેનાથી હૃદયના ધબકારા ઘટે છે, બ્લડ-પ્રેશર ઓછું થાય છે અને આરામની લાગણી ઉત્પન્ન થાય છે. એની સાથે જ પૅરાસિમ્પથેટિક ચેતાતંત્ર સક્રિય થવાથી શરીર રેસ્ટ અને ડાઇજેસ્ટવાળા મોડ પર જવાથી રિલૅક્સેશન મળે છે. કાન પર થતો મસાજ તમારા મૂડને અપલિફ્ટ કરે, હાર્ટ-બીટ પર એની અસર પહોંચે, હૅપી હૉર્મોન્સ જનરેટ કરે છે જે પીડા અને તનાવમાં રાહત આપે છે.’
ડૉ. મૃત્યુંજય રાઠોડ
આયુર્વેદિક મર્મ થેરપીની દૃષ્ટિએ પણ ખાસ
આયુર્વેદમાં શરીર પર ૧૦૭ મર્મ બિંદુઓનું વર્ણન છે, જે જીવંત ઊર્જાનાં કેન્દ્રો મનાય છે. કાન પર પણ આવાં કેટલાંક મહત્ત્વપૂર્ણ મર્મ બિંદુઓ છે. આયુર્વેદ અનુસાર `વિદુરા` નામનું એક મર્મ બિંદુ કાનની પાછળ અને નીચેના ભાગમાં આવેલું છે. આ બિંદુ સ્નાયુઓ અને લિગામેન્ટ્સથી બનેલાં છે. વિદુરા મર્મ પર મસાજ કરવાથી કાન સંબંધિત સમસ્યાઓ જેમ કે બહેરાશ અને માથાના દુખાવામાં રાહત મળે છે. આ મર્મ બિંદુ પર હળવા હાથે માલિશ કરવાથી કાનની કાર્યક્ષમતા સુધરી શકે છે.
ચાઇનીઝ ઍક્યુપંક્ચર મુજબ ખાસ છે આ ત્રણ પૉઇન્ટ
શેન મેન : આ કાનના ઉપરના ભાગમાં આવેલું એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ ઍક્યુપ્રેશર બિંદુ છે. એને `સ્વર્ગનો દરવાજો` પણ કહેવાય છે. આ બિંદુ પર મસાજ કરવાથી તનાવ, ચિંતા, અનિદ્રા અને શરીરના દુખાવામાં ઝડપી રાહત મળે છે.
ઇઅરલોબ: કાનની બૂટ પર મસાજ કરવાથી માથાનો દુખાવો અને ચહેરાના સ્નાયુઓમાં આરામ મળે છે.
ટ્રાયેગ્યુલર ફોસા : કાનના ઉપરના ભાગમાં આવેલી આ ખાંચમાં મસાજ કરવાથી પાચન સંબંધી સમસ્યાઓ અને શરીરમાં ઊર્જાનો પ્રવાહ સુધરે છે.
કેવી રીતે કરશો મસાજ?
બદામનું, નારિયેળનું કે સરસવનું જરાક માત્રામાં તેલ લઈને અથવા તો તેલ વિના પણ કાનનો મસાજ કરી શકાય. ધીમે-ધીમે કાનની બહારની ધારને અંગૂઠા અને આંગળીઓ વચ્ચે રાખીને ઉપરથી નીચે અને નીચેથી ઉપર રગડો. કાનની બૂટને ધીમે-ધીમે નીચે તરફ ખેંચો અને એને ગોળાકાર ગતિમાં મસાજ કરો. કાનની અંદરના ભાગને આંગળીઓની મદદથી હળવેથી મસાજ કરો. પરંતુ ધ્યાન રહે, કાનની અંદરના પોલાણમાં આંગળી ન જાય. કાનની પાછળના ભાગમાં જ્યાં કાન માથા સાથે જોડાય છે એ ભાગને ઉપરથી નીચે તરફ મસાજ કરો. એના માટે તમે આંગળીઓને કાતર જેવો શેપ આપીને વચ્ચે કાન રહે એ રીતે ઉપરથી નીચે અને નીચેથી ઉપર મસાજ કરી શકો.
તમને ખબર છે?
દિવસભરના સ્ટ્રેસ અને ચિંતાને કારણે ઊંઘ ન આવતી હોય તો સૂતા પહેલાં કાનને મસાજ કરો તો શરીરને આરામ મળે છે અને સારી ઊંઘ આવે છે.
માઇગ્રેન અને સ્ટ્રેસને કારણે થતા માથાના દુખાવા માટે કાનનો મસાજ એક કુદરતી ઉપચાર સાબિત થઈ શકે. કાન પરનાં ચોક્કસ બિંદુઓને દબાવવાથી દુખાવામાં રાહત મળે છે.
જ્યારે આપણે કાન પર મસાજ કરીએ છીએ ત્યારે મગજમાં એન્ડોર્ફિન્સ નામનાં કુદરતી પીડાનાશક હૉર્મોન્સનું ઉત્પાદન વધે છે. એ એન્ડોર્ફિન્સ પીડાને ઓછી કરે છે અને રિલૅક્સેશન વધારે છે.