સાચો આહાર એ છે જે શરીર અને મનને એકસાથે શક્તિ અને શાંતિ આપે

28 April, 2025 12:49 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મનુષ્ય પોતાની સ્વાદેન્દ્રિયોની સંતુષ્ટતા માટે અનેક પ્રકારની રાંધવાની ટેક્નિકોને અપનાવે છે જેના પરિણામે પોષણતત્ત્વ સંપૂર્ણપણે નષ્ટ થઈ જાય છે.

પ્રતીકાત્મક તસવીર

કહેવાય છે કે જેવું અન્ન એવું મન; જેવું મન એવા વિચાર; જેવા વિચાર એવું આચરણ અને જેવું આચરણ એવું સ્વાસ્થ્ય. પ્રત્યેક પ્રાણી ઊર્જા પ્રાપ્ત કરવા માટે જ ખોરાક લેતા હોય છે, પરંતુ મનુષ્ય જ એવું પ્રાણી છે જેને કાચો ખોરાક અથવા તો કાચું અન્ન બિલકુલ નાપસંદ છે. જ્યારે અન્ય પ્રાણીઓ જેઓ રાંધ્યા વગરનો ખોરાક ખાવાના આદિ છે મનુષ્ય પોતાની સ્વાદેન્દ્રિયોની સંતુષ્ટતા માટે અનેક પ્રકારની રાંધવાની ટેક્નિકોને અપનાવે છે જેના પરિણામે પોષણતત્ત્વ સંપૂર્ણપણે નષ્ટ થઈ જાય છે.

ભારતીય ગ્રંથો દ્વારા આહારને ત્રણ પ્રકારે વિભાજિત કરવામાં આવ્યો છે : સાત્ત્વિક, રાજસિક અને તામસિક. ઋષિ-મુનિઓના મતાનુસાર સાત્ત્વિક આહાર ગ્રહણ કરવાથી મનુષ્યની અંદર આધ્યાત્મિક ભાવનાની વૃદ્ધિ થાય છે તેમ જ તેમનું મન સદ્ગુણો તરફ વળતું જાય છે. એનાથી વિપરીત, રાજસિક અને તામસિક આહાર ગ્રહણ કરવાથી આત્મા પર અંધકારનો પડદો પડી જાય છે અને વિવેકશક્તિનો ક્ષય થવાને કારણે મન ગેરમાર્ગે જવા માંડે છે તેમ જ જીવનશૈલીમાં વિકારોની વૃદ્ધિ થવાથી સક્રિય જીવન માટે જરૂરી ઊર્જા અને તટસ્થતા પણ નષ્ટ થઈ જાય છે. આવી સ્થિતિમાં લોકો શરૂઆતમાં ભલે અમુક વ્યસનો અથવા શોખ પૂરા કરીને ખુશી મનાવી લે, પરંતુ આનું અંતિમ પરિણામ પતન સિવાય બીજું કંઈ પણ થઈ ન શકે. છાંદોગ્ય ઉપનિષદમાં કહેવામાં આવ્યું છે, ‘आहारशुद्धौ सत्तवशुद्धि: ध्रुवा स्मृति:।स्मृतिलम्भे सर्वग्रन्थीनां विप्रमोक्ष:॥’ અર્થાત્ આહાર શુદ્ધ હોવાથી અંતઃકરણ શુદ્ધ રહે છે અને એનાથી ઈશ્વરમાં સ્મૃતિ દૃઢ રહે છે. સ્મૃતિ પ્રાપ્ત થવાથી હૃદયમાં અજ્ઞાનતા ઉત્પન્ન કરનારી બધી જ ગાંઠ ખૂલી જાય છે. એવી જ રીતે ગીતામાં કહ્યું છે કે ‘જે ખોરાક અતિ કડવા, ખાટા, ખારા, તીખા, સૂકા અને ગરમ હોય છે એ શરીર માટે પીડાકારક હોય છે તેમ જ એ રોગનું ઘર બનાવી દે છે. જો મનુષ્યો સારી ગુણવત્તાવાળું જીવન જીવવા માગતા હોય તો તેમણે પોતાની સ્વાદેન્દ્રિયને વશમાં કરવી પડશે અને પોતાના આહારનું નિયમન એવી રીતે કરવું પડશે જેનાથી તેમને પૂર્ણ માત્રામાં શક્તિ તો મળે જ અને એની સાથે તેમનું શરીર પણ નીરોગી બને. દરેક વ્યક્તિને પોતાનો આહાર પસંદ કરવાનો અધિકાર છે, પરંતુ સાચો આહાર એ જ છે જે શરીર અને મનને શક્તિ અને શાંતિ આપે. તો શું એનો અર્થ એમ થયો કે આપણે અગ્નિ પર રાંધેલા આહારનો સંપૂર્ણપણે ત્યાગ કરીને ફક્ત ફળ, મૂળ અને કંદનો જ ઉપયોગ કરીએ? જી ના. આટલા અંતિમવાદી બનવાની કોઈ જરૂર નથી, પરંતુ પોતાના સ્વાસ્થ્યના લાભ અર્થે આટલું તો અવશ્ય કરી જ શકીએ છીએ કે રાંધેલા ખોરાકને ઓછો ખાઈને, એની સાથે રાંધ્યા વિનાનાં શાકભાજી એટલે કે કચુંબર વધારે ખાઈએ. આ આહારપદ્ધતિ માત્ર સ્વાસ્થ્ય માટે જ ફાયદાકારક નથી, એ જીવનમાં વધુ પોષણ અને શાંતિ લાવવાનો માર્ગ પણ છે.

-રાજયોગી બ્રહ્માકુમાર નિકુંજજી 

health tips indian food mumbai food mental health life and style columnists gujarati mid-day mumbai diet