તો કઈ છે તમારી પ્રકૃતિ?

08 May, 2025 02:20 PM IST  |  Mumbai | Ruchita Shah

આયુર્વેદના લગભગ દરેક ગ્રંથમાં વ્યક્તિની વાત, પિત્ત અને કફ પ્રકૃતિનું વિગતવાર વર્ણન છે. જન્મથી પ્રકૃતિ નિશ્ચિત હોય છે

પિત્ત, પિત્ત-કફ, વાત-પિત્ત, ત્રિદોષ, કફ, વાત-કફ, વાત

આયુર્વેદના લગભગ દરેક ગ્રંથમાં વ્યક્તિની વાત, પિત્ત અને કફ પ્રકૃતિનું વિગતવાર વર્ણન છે. જન્મથી પ્રકૃતિ નિશ્ચિત હોય છે. દરેક પ્રકૃતિના લોકોનાં અમુક પ્રકારનાં લક્ષણો હોય, તેમને બીમારી પણ તેમની પ્રકૃતિને અનુસાર થાય અને પ્રકૃતિ મુજબ જો જીવનશૈલીમાં ઉચિત બદલાવ લાવવામાં આવે તો આવી રહેલા રોગોને રોકી પણ શકાય. થોડાક સમય પહેલાં પ્રકૃતિ પરીક્ષણના રાષ્ટ્રવ્યાપી અભિયાનનો પહેલો ફેઝ પૂર્ણ થયો જેમાં લગભગ સવા કરોડ લોકોનું પ્રકૃતિ પરીક્ષણ થયું હતું ત્યારે જાણી લો કઈ પ્રકૃતિની વ્યક્તિ કેવી હોય અને એનું પરીક્ષણ કરાવવું હોય તો શું કરવું

એ વાત તો જગજાહેર છે કે દરેક વ્યક્તિ યુનિક છે. દરેકની પોતાની અલાયદી ખૂબી છે અને દરેકની પોતાની અલાયદી મર્યાદાઓ પણ છે. આ યુનિકનેસ શું માત્ર રંગ-રૂપ અને દેખાવ પૂરતી જ સીમિત છે? જવાબ છે ના, બહારથી જ નહીં અંદરથી પણ આપણે અલગ છીએ અને આયુર્વેદમાં એ પ્રત્યેક વ્યક્તિના આંતરિક વૈવિધ્યનું પ્રકૃતિ તરીકે વર્ગીકરણ કર્યું છે. જસ્ટ ઇમૅજિન, મિનિમમ પાંચ હજાર વર્ષ જેટલું જૂંનું મનાતું આયુર્વેદ એ સમયે પણ કેટલું ઍડ્વાન્સ હશે કે વ્યક્તિનાં દેખાવ અને શારીરિક લક્ષણોને જોઈને વ્યક્તિની વિશિષ્ટ પ્રકૃતિનું ઍનૅલિસિસ આપ્યું અને એ મુજબની દિનચર્યા, આહારચર્યા, ઋતુચર્યા પણ આપી અને વ્યક્તિ બીમાર જ ન પડે એ માટેની તમામ ગાઇડલાઇન્સ આપી દીધી. જોકે આપણે એ ટ્રેડિશનલ વિવેકબુદ્ધિને ભૂલીને રેસના ઘોડાની જેમ દોડતા રહ્યા અને આજે મોટા ભાગના લોકો બીમારીગ્રસ્ત થઈ ચૂક્યા છે ત્યારે ફરી એક વાર રોગનાં લક્ષણોને બદલે રોગના મૂળને સમજવાના પ્રયાસો કરવા જેવા છે. એનું પહેલું પગથિયું છે વ્યક્તિની પોતાની પ્રકૃતિ, તેના શરીરનું એન્વાયર્નમેન્ટ સમજવું. આયુર્વેદ વાત, પિત્ત અને કફ આ ત્રણ કૉમ્પોનન્ટની વાત કરે છે અને એનું અસંતુલન દોષમાં પરિણમે છે. વ્યક્તિની પ્રકૃતિ પણ આ ત્રણ તત્ત્વોની પ્રધાનતાથી નક્કી થાય છે. આ જ વિષયને વધુ વિગતવાર વૈજ્ઞાનિક અભિગમ સાથે સમજવાની કોશિશ કરીએ.

આયુર્વેદ નિષ્ણાત ડૉ. આશુતોષ ગુપ્તા

શું કામ મહત્ત્વપૂર્ણ?

લગભગ બે દાયકાના અભ્યાસ બાદ કાઉન્સિલ ઑફ સાયન્ટિફિક ઍન્ડ ઇન્ડસ્ટ્રિઅલ રિસર્ચ દ્વારા સાયન્સ ઑફ જિનોમિક્સના આધારે દરેક વ્યક્તિની યુનિક પ્રકૃતિ હોય છે એ સાબિત થઈ ચૂક્યું છે, જેને માઇન્ડ બૉડી કૉન્સ્ટિટ્યુશન તરીકે પણ ઓળખી શકાય. આ સંદર્ભે વધુ વાત કરતાં ‘દેશ કા પ્રકૃતિ પરીક્ષણ અભિયાન’ આયોજનના સેક્રેટરી અને આયુર્વેદ નિષ્ણાત ડૉ. આશુતોષ ગુપ્તા કહે છે, ‘પ્રકૃતિ એટલે કે વ્યક્તિનું વિશિષ્ટ કૉન્સ્ટિટ્યુશન જેમાં તમારું આંતરિક અને બાહ્ય બંધારણ પણ આવી ગયું અને શરીરના અવયવોનું ફંક્શનિંગ પણ આવી ગયું. પ્રકૃતિ એસેસમેન્ટ કોઈ આયુર્વેદ ચિકિત્સક માટે ટ્રીટમેન્ટનો પહેલો તબક્કો છે. એક જેવા રોગનાં લક્ષણ માટે જુદી-જુદી દવા હોઈ શકે એનો નિર્ધાર રોગનાં લક્ષણ ધરાવતી વ્યક્તિની પ્રકૃતિ પરથી ચિકિત્સક કરતા હોય છે. ગર્ભાધાન વખતે જ વ્યક્તિની પ્રકૃતિ નક્કી થઈ જતી હોય છે. વાત, પિત્ત અને કફ આ ત્રિદોષ જ શારીરિક, માનસિક અને ભાવનાત્મક કાર્યોને નિયંત્રિત કરતા હોય છે. એ જો સંતુલિત હોય તો વ્યક્તિ શારીરિક, માનસિક રીતે બીમાર જ નહીં પડે. પર્યાવરણ પ્રત્યે પણ તે વધુ સંવેદનશીલ રહેશે અને બાહ્ય સ્તરે આવતા બદલાવો તેમના અંદરના વાતાવરણને ડિસ્ટર્બ નહીં કરી શકે.’

કેવી રીતે નક્કી થાય?

પ્રકૃતિ જાણવી મહત્ત્વની છે પરંતુ જાણવી કઈ રીતે એનો જવાબ આપતાં ડૉ. આશુતોષ કહે છે, ‘પ્રકૃતિ મુજબનાં લક્ષણો વ્યક્તિના દેખાવમાં અને તેને વિવિધ ઋતુમાં થતા બદલાવો દ્વારા ઓળખી શકાય છે. આખા દેશના પ્રકૃતિ પરીક્ષણનું અભિયાન લૉન્ચ કર્યું ત્યારે એના માટે લગભગ પચાસ જેટલા સવાલો સાથેની એક ઍપ્લિકેશન બનાવી. વ્યક્તિ ચિકિત્સક પાસે જઈને આ ઍપમાં પોતાને રજિસ્ટર્ડ કરાવીને ચિકિત્સકની હાજરીમાં આ સવાલોના જવાબ આપે. ચિકિત્સકને લાગે તો સવાલના પેટા સવાલ બનાવીને વધુ ઊંડાણથી પણ જવાબને ટટોલવાની કોશિશ કરે. આ જવાબના આધારે વ્યક્તિનાં લક્ષણો નક્કી થાય જે તેની યુનિક પ્રકૃતિ છતી કરે. કુલ એક લાખ તેંત્રીસ હજાર લોકોએ આ જ રીતે પ્રકૃતિ પરીક્ષણ કરાવ્યું છે. દરેક પ્રકૃતિને જુદા-જુદા સમયે જુદું ફીલ થાય એનો એક દાખલો આપું. ધારો કે ખૂબ ગરમી છે તો પિત્ત પ્રકૃતિની વ્યક્તિ કફ અને વાત કરતાં વધુ ઇરિટેટેડ અને ડિસ્ટર્બ્ડ રહેશે. તેમને ઠંડીની ઋતુ આનંદ આપશે, જ્યારે કફવાળાને ઠંડીમાં તકલીફ વધશે. દરેકના શરીરમાં વાત, પિત્ત અને કફ છે પરંતુ એનું પ્રમાણ જુદું છે. જો તમે આહાર, વિહાર અને વિચાર દ્વારા તમારી પ્રકૃતિને અનુરૂપ સંતુલિત રહી શકો તો બીમારીઓ ન થાય. દોષને બૅલૅન્સ રાખવાનું કામ સરળ થાય જો પ્રકૃતિ પરીક્ષણ કર્યું હોય.’

કઈ છે સાત પ્રકૃતિ અને કેવાં લક્ષણો હોય એનાં ?

- જો વાત પ્રકૃતિ હોય તો...

જે વ્યક્તિની પ્રકૃતિમાં વાત દોષ પ્રમુખ હોય એવા લોકો દૂબળા-પાતળા હોય. તેઓ ઝડપવાળા અને અતિ ચંચળ વૃત્તિના હોય. જ્યારે વાત દોષ વિકૃત થાય ત્યારે સ્કિનની ડ્રાયનેસ વધે, જૉઇન્ટ પેઇન થાય, ગૅસની સમસ્યા થાય, પાચનતંત્ર બગડે, બેચેની થાય, હાથ-પગ ઠંડા રહે, બ્લડ-સર્ક્યુલેશનને લગતી સમસ્યા થતી હોય. તેમની ઊંઘ કાચી હોય. તેઓ એક બાબતમાં લાંબા સમય સુધી કૉન્સન્ટ્રેટ ન કરી શકે. યાદશક્તિ નબળી હોય. વજન પ્રમાણથી ઓછું હોય. જલદી વજન વધે પણ નહીં. આ પ્રકૃતિના લોકો ક્રીએટિવ અને એનર્જીથી ભરેલા હોય પરંતુ અનપ્રિડિક્ટેબલ હોય. સતત ચિંતિત પણ રહેતા હોય.

શું ધ્યાન રાખવાનું?

વાત પ્રકૃતિ પ્રધાન હોય એવા લોકોએ ઘી-તેલવાળી ચરબીયુક્ત વસ્તુઓને આહારમાં સ્થાન આપવું જોઈએ. તેમણે નિયમિત શરીરમાં તેલથી મસાજ કરવો જોઈએ. ભોજનમાં ઘઉં, આદુ અને સ્વીટ્સનું સેવન કરવું જોઈએ. છાશ, દૂધ, ડ્રાયફ્રૂટ્સ, કાકડી, ગાજર, પાલક, શક્કરકંદ વગેરે ખાઈ શકાય. બાજરો, જવ, મકાઈ, બ્રાઉન રાઇસ વગેરે વાત દોષવાળાએ અવૉઇડ કરવા જોઈએ. મેડિટેશન, પ્રાણાયામ વગેરેનો નિયમિત અભ્યાસ તેમણે અનિવાર્યપણે કરવો જ જોઈએ.

- જો પિત્ત પ્રકૃતિ હોય તો...

પિત્ત પ્રકૃતિ ધરાવતા લોકો દેખાવમાં તેજસ્વી હોય, મધ્યમ કાઠાના હોય અને ડિસિઝન મેકર્સ, આત્મવિશ્વાસથી ભરેલા અને સ્વભાવે અગ્રેસિવ અને ઈર્ષ્યાળુ હોય. બૌદ્ધિકતાની દૃષ્ટિએ તેમનું મગજ ઍનૅલિટિકલ હોય અને તેમની મેમરી પણ શાર્પ હોય. આત્મવિશ્વાસથી સભર, કામગરા અને જવાબદાર હોય પણ સાથે જજમેન્ટલ અને ટીકાખોર સ્વભાવ પણ ધરાવતા હોય. પિત્ત દોષ જ્યારે વધે ત્યારે ઍસિડિટી, છાતીમાં બળતરા, ખાટા ઓડકાર આવવા, ચીડચીડિયો સ્વભાવ હોવો જેવાં લક્ષણો દેખાઈ શકે છે. પિત્ત દોષ વિકૃત થાય ત્યારે ચામડીના રોગો થાય. પસીનામાંથી દુર્ગંધ આવે. હાથ-પગમાં ખૂબ પસીનો થાય. પ્રમાણમાં આહાર વધુ માત્રામાં લે અને વધુપડતું અજવાળું તેમને ડિસ્ટર્બ કરી દેતું હોય છે. સામાન્ય રીતે યોદ્ધા ટાઇપના લોકો પિત્ત પ્રકૃતિના હોય છે. પિત્ત પ્રકૃતિના લોકોને હાઈ બ્લડપ્રેશરની સમસ્યા થઈ શકે.

શું ધ્યાન રાખવાનું?

પિત્ત પ્રકૃતિ ધરાવતા લોકોએ પોતાના ભોજનમાં ઘી, માખણ વગેરે ખાવું જોઈએ. સાઇટ્રિક ઍસિડ હોય એવાં સંતરાં, મોસંબી, અનાનસ, લીંબુ જેવાં ફળનો આહાર ટાળવો. તીખું, તળેલું, મસાલેદાર ભોજન ન ખાવું જોઈએ. તેમના આહારમાં સૅલડનું પ્રમાણ વધારે હોવું જોઈએ. આહારમાં કડવી, મીઠી વસ્તુને સ્થાન આપવું. પૂરતી ઊંઘ લેવી, કૂલિંગ પ્રાણાયામ કરવા, ભૂખ્યા ન રહેવું, ઠંડકવાળી જગ્યાએ રહેવું અને ધ્યાનનો અભ્યાસ કરવો જોઈએ.

- જો કફ પ્રકૃતિ હોય તો...

કફ પ્રકૃતિ ધરાવતા લોકોનો શારીરિક બાંધો મોટા ભાગે વિશાળ હોય. વજન વધારે હોય, મજબૂત બાંધો ધરાવતા હોય. શારીરિક અને માનસિક સ્થિરતાવાળા હોય. દયાળુ અને અંતર્મુખી સ્વભાવના હોય. તેઓ ધીરજવાન હોય, માફ કરનારા હોય અને ઘણી વાર કામને પાછળ ઠેલનારા એટલે કે આળસુ પણ હોઈ શકે. કફ દોષના લોકોને બહુ જ ઝડપથી શરદી-ખાંસી થઈ જતી હોય. વજન વધવામાં સમય ન લાગે પણ વેઇટલૉસ કરવામાં દમ નીકળી જાય. તેમનું પાચનતંત્ર નબળું હોય, કબજિયાતની સમસ્યા હોય જ હોય. ઇમોશનલ પણ ખૂબ હોય. આંખ, કાન, નાકમાં કચરો વધુ પ્રમાણમાં જન્મે. તેમના મોઢામાં લાળ પણ વધુ માત્રામાં બનતી હોય.

શું ધ્યાન રાખવાનું?

કફ પ્રકૃતિના લોકોને જીવનશૈલીને લગતા રોગો થવાની સંભાવના વિશેષ હોય છે. ડાયાબિટીઝ, હૃદરરોગ, થાઇરૉઇડ વગેરે આ પ્રકૃતિના લોકો જો ધ્યાન ન રાખે તો તરત થઈ શકે. આહારમાં ફૅટવાળી વસ્તુ એટલે તળેલી આઇટમો અને વધુપડતી મીઠાઈઓ ન ખાવી. મકાઈ, બાજરો, જવનો લોટ ખાવો. ભોજનમાં કાચી શાકભાજીને સામેલ કરવી. આ પ્રકૃતિના લોકોએ તીખી તમતમતી વસ્તુઓ ખાવી જોઈએ. તેમના માટે દહીં કરતાં છાશ વધુ સારી. તેમણે દરરોજ સવારે હૂંફાળા પાણીમાં મધ નાખીને પીવું જોઈએ. સૂર્યોદય પહેલાં ઊઠવું અને સમય પર સૂવું આ પ્રકૃતિના લોકો માટે વધારે જરૂરી છે. નિયમિત વ્યાયામ કરવો. કફજન્ય રોગોથી બચવા નિયિમત મીઠાના પાણીના કોગળા કરવા જેવી બાબતો દિનચર્યામાં સામેલ કરવી જોઈએ.

બાકીની ચાર પ્રકૃતિ

ઉપર જણાવી એ ત્રણ મુખ્ય પ્રકૃતિ છે. એ સિવાય કૉમ્બિનેશન પ્રકૃતિ પણ હોય અને બે દોષોની પ્રધાનતા જોવા મળે અથવા તો ત્રણેય દોષો વિકૃત થયેલા હોય. એનાં લક્ષણો પણ એ બે દોષોના કૉમ્બિનેશનમાં હોય અને એના માટે સાવધાની પણ બે દોષો માટે રાખવાની હોય એ કૉમ્બિનેશનમાં રાખવી પડે. બાકીની આ કૉમ્બિનેશન પ્રકૃતિમાં ચોથા નંબરે આવે વાત-પિત્ત પ્રકૃતિ, પાંચમા નંબર પર વાત-કફ પ્રકૃતિ, છઠ્ઠા નંબર પર કફ–પિત્ત પ્રકૃતિ અને છેલ્લે સાતમા નંબર પર વાત, પિત્ત અને કફ પ્રકૃતિ એટલે ત્રિદોષ પ્રકૃતિ હોય છે.

ayurveda health tips life and style columnists gujarati mid-day mumbai ruchita shah