શરીર દ્વારા અપાતાં સિગ્નલોને નજરઅંદાજ નહીં કરતા

26 June, 2025 02:02 PM IST  |  Mumbai | Rajul Bhanushali

શક્ય છે કે એ તમને કોઈ મોટી બીમારીનો અણસાર આપતાં હોય

પ્રતીકાત્મક તસવીર

શરીરમાં જ્યારે નાની-મોટી કોઈ તકલીફ હોય ત્યારે શરીર આપણને સિગ્નલ આપતું હોય છે. ઘણી વખત એ સિગ્નલ ધ્યાનમાં લઈને આપણે ઉપાય કરીએ તો મોટી સમસ્યાઓથી બચી જઈએ એવું બને. નખનો કલર બદલાઈ જવો કે નખ બરડ થઈ જવા, હોઠ ફીકા પડી જવા, ડિઝીનેસ લાગવી કે માથું દુખવું, સ્મેલી ફાર્ટ કે બર્નિંગ ફીટ એટલે કે પગનાં તળિયાંમાં બળતરા થવી આ બધાં એવાં સિગ્નલ છે જે શરીર આપતું હોય છે. આ લક્ષણો જેને કારણે હોય એ કોઈ સમસ્યા જ ન હોય એવું બને કે પછી નાની-મોટી તકલીફને કારણે પણ હોઈ શકે અને ક્યારેક કોઈ મોટી સમસ્યાનાં લક્ષણો પણ હોઈ શકે. આવી વાતોને નાની સમજીને ઇગ્નૉર ન કરવી જોઈએ. અમે એક્સપર્ટ સાથે આ વિશે વધુ વાત કરી.

ઘણસોલીનાં ડૉ. અલ્પા ભાનુશાલી કહે છે, ‘વાત ભલે સામાન્ય હોય પણ ઇગ્નૉર ન કરવી. શરૂઆતના તબક્કામાં જ જો નિદાન થઈ જાય તો ઘણી વાર મોટી ખુવારીમાંથી બચી જવાય છે. એ ખુવારી આર્થિક અને શારીરિક બન્ને પ્રકારની હોઈ શકે. બીજું, જલદી નિદાન થાય તો સાજા પણ જલદી થઈ જવાય. કેટલાંક સામાન્ય લક્ષણો જોઈએ તો જો તમને શરીરમાં સતત થાક રહેતો હોય, અચાનક તમારું વજન ઘટવા લાગે અથવા સ્કિન પર કોઈક અસામાન્ય પ્રકારના રૅશિસ થાય તો ચેતી જવું. અન્ય સંભવિત લક્ષણોમાં સતત માથાનો દુખાવો રહેતો હોય અથવા વારંવાર ચક્કર આવતાં હોય, છાતીમાં દુખાવો અથવા ડિસકમ્ફર્ટ થતી હોય, શ્વાસ લેવામાં તકલીફ પડવી અને ભૂખનાં લક્ષણોમાં ફેરફારનો સમાવેશ થાય છે. કેટલાક કિસ્સાઓમાં ત્વચામાં અસામાન્ય ફેરફાર થવા જેમ કે અમુક પ્રકારની ફોલ્લીઓ થવા લાગવી અથવા ત્વચા પર ચાંઠાં પડી જવાં, આ બધાં લક્ષણો સૂચક હોઈ શકે છે. અહીં બની શકે કે એ ઑઇલી ત્વચા કે પ્રદૂષણ કે બીજી કોઈ ઍલર્જીને કારણે હોય, પરંતુ ક્યારેક એ સ્કિન-કૅન્સરનાં લક્ષણો પણ હોઈ જ શકે છે.’

આપણે ત્યાં સામાન્ય રીતે લોકો શરીરમાં લાગતા થાક અને નબળાઈ પર બિલકુલ ધ્યાન આપતાં નથી. ડૉ. અલ્પા કહે છે, ‘લાંબા સમય સુધી થાક અને નબળાઈ કનડે તો એને ઇગ્નૉર ન કરવાં. પૂરતો આરામ લીધા પછી પણ જો શરીરમાં સતત થાક અને નબળાઈ રહેતાં હોય તો એનું કારણ એનીમિયા કે ડાયાબિટીઝ પણ હોઈ શકે. આ ઉપરાંત એ હૃદયરોગ અથવા કોઈ ઑટો-ઇમ્યુઇન ડિસઑર્ડરનાં લક્ષણો પણ હોઈ શકે છે. વારંવાર અથવા સખત માથાનો દુખાવો રહેતો હોય તો એનું કારણ માઇગ્રેન, હાઈ બ્લડ-પ્રેશર અથવા ટ્યુમર પણ હોઈ શકે. ન્યુરોલૉજિકલ સમસ્યાને કારણે પણ આવી તકલીફો થઈ શકે છે. વજનમાં અસામાન્ય ઘટાડો અથવા વધારો થતો હોય તો એની પાછળ પણ ડાયાબિટીઝ કે થાઇરૉઇડની અસર કારણભૂત હોય એવું બને. 

રક્તસ્રાવ જો ખાસ કરીને સતત રહેતો હોય તો એ લોહી ગંઠાઈ જવાની વિકૃતિઓનું સૂચક હોઈ શકે છે અને લિમ્ફોમા અથવા લ્યુકેમિયા જેવાં ચોક્કસ કૅન્સર અથવા તો અમુક દવાની આડઅસરના પરિણામસ્વરૂપે થાય એવું પણ બની શકે. આપણે સજાગ રહેવું. અરે, ભૂખ ન લાગવી અથવા ખાવાની આદતોમાં નોંધપાત્ર ફેરફાર થવો એ પણ તબીબી સમસ્યાની નિશાની હોઈ શકે છે. અન્ય સંભવિત લક્ષણોમાં તાવ, ઊલટી, ગરદનની જડતા, મૂંઝવણ અને ભારે ચીડિયાપણું સામેલ છે. આ આખી વાતને સરળતાથી સમજાવું તો આપણા શરીરમાં કોઈ તકલીફ હોય તો એ આપણને સિગ્નલ આપતું હોય છે. આપણે શરીરમાં થતા નાના-મોટા તમામ ફેરફારો પ્રત્યે સજાગ રહેવું અને ડૉક્ટરને કન્સલ્ટ કરવા. ક્યારેક આપણી આ જ સજાગતાને કારણે તલવારની ઘાત સોયથી ટળી જાય એવું પણ બને.’

health tips mental health life and style columnists gujarati mid day mumbai