17 April, 2025 07:05 AM IST | Mumbai | Heena Patel
શર્મિલા ટાગોર
કૅન્સરને ઊગતું જ ડામવું બહુ જરૂરી છે નહીંતર એ શરીરના અન્ય ભાગમાં ફેલાઈને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે, એની સારવાર પણ અઘરી બની જાય છે અને એ ઘણી વાર જીવલેણ પણ સાબિત થઈ શકે છે. એવામાં જો કૅન્સરને સ્ટેજ ઝીરો પર જ રોકી દેવામાં આવે તો સારવાર કરવી સરળ પડે અને વધારે શારીરિક તકલીફ ન વેઠવી પડે. કૅન્સરનું નિદાન ઝીરો સ્ટેજ પર કઈ રીતે કરી શકાય અને કયા પ્રકારના કૅન્સરમાં એ શક્ય બને છે એ ડૉક્ટર પાસેથી જાણી લઈએ
હાલમાં અભિનેત્રી સોહા અલી ખાને એવો ખુલાસો કર્યો હતો કે તેની મમ્મી શર્મિલા ટાગોરને ફેફસાંના કૅન્સરનું સ્ટેજ ઝીરો પર નિદાન થઈ ગયું હતું એટલે કીમોથેરપીની આવશ્યકતા વગર જ સર્જરી કરીને કૅન્સરથી છુટકારો મળી ગયો. સોહાએ કહ્યું હતું કે મારી મમ્મી એ જૂજ લોકોમાં છે જેને લંગ કૅન્સર સ્ટેજ ઝીરો પર ડાયગ્નૉઝ થયું હોય. એવામાં એ જાણવું ખૂબ જરૂરી છે કે ઝીરો સ્ટેજ કૅન્સર એટલે શું? બીજા કયા પ્રકારના કૅન્સરમાં ઝીરો સ્ટેજથી નિદાન થવું સંભવ છે? ઝીરો સ્ટેજ પર નિદાન કરવા માટે શું કરવું જોઈએ? ક્યારે ડૉક્ટર પાસે જવું જોઈએ? એ તમામ વિશે અનેક જાણીતી હૉસ્પિટલ સાથે સંકળાયેલા વર્ષોનો અનુભવ ધરાવતા સર્જિકલ ઑન્કોલૉજિસ્ટ ડૉ. સંકેત શાહ પાસેથી જાણીએ.
સ્ટેજ ઝીરો કૅન્સર એટલે શું?
કૅન્સર બનવા પહેલાંનું જે સ્ટેજ હોય એને સ્ટેજ ઝીરો કૅન્સર કહેવાય. આને કાર્સિનોમા ઇન સિટુ પણ કહેવાય છે. કોઈ પણ કોષ કૅન્સરના વિવિધ પ્રકારના કોષોમાં કન્વર્ટ થાય એ પહેલાં એમાં કેટલાક ઍબ્નૉર્મલ બદલાવો થાય છે. કાર્સિનોમા ઇન સિટુ એટલે એવાં કોષો જે કૅન્સરમાં પરિવર્તિત થવાની પ્રક્રિયામાં છે અને ગમે ત્યારે એ ચોક્કસ પ્રકારનાં કૅન્સરના કોષોમાં તબદીલ થઈ શકે એમ છે. સ્ટેજ ઝીરો કૅન્સર છે એનો મતલબ એ કે શરીરમાં અસામાન્ય કોષિકાઓ છે જે હજી ફેલાઈ નથી પણ ભવિષ્યમાં એ કૅન્સર બની શકે છે.
કયા કૅન્સરનું સ્ટેજ ઝીરો નિદાન સંભવ?
હવે અનેક પ્રકારનાં કૅન્સર માટે સ્ક્રીનિંગ ઉપલબ્ધ છે. મતલબ કે તમને કૅન્સરનાં લક્ષણો ડેવલપ થાય એ પહેલાં કરવામાં આવતાં પરીક્ષણો. એમાં પ્રારંભિક તબક્કે જ કૅન્સર છે કે ડેવલપ થઈ રહ્યું છે એ ડાયગ્નૉઝ કરી શકાય છે. સ્તન-કૅન્સર, ગર્ભાશયના મુખનું કૅન્સર, મોઢાનું કૅન્સર, મળાશય અને આંતરડાનું કૅન્સર તેમ જ ફેફસાંના કૅન્સરમાં સ્ટેજ ઝીરો પર નિદાન કરવું સંભવ છે. એ માટે રૂટીન સ્ક્રીનિંગ કરવું જરૂરી છે. દરેક અંગના કૅન્સર માટે જુદી-જુદી સ્ક્રીનિંગ ટેસ્ટ હોય છે.
ઝીરો સ્ટેજ લંગ કૅન્સર એટલે?
ફેફસાંના કૅન્સરનો આ એક ખૂબ જ પ્રારંભિક તબક્કો છે, જેમાં લંગ્સ ટિશ્યુના ઉપરના લેયરમાં ઍબ્નૉર્મલ સેલ્સ જોવા મળે. આ સેલ્સ લંગ્સમાં હજી ઊંડે સુધી ન ફેલાયા હોય કે બીજા એરિયામાં ન ફેલાયા હોય. સરળ શબ્દોમાં કહીએ તો સ્ટેજ ઝીરો લંગ કૅન્સરમાં અસામાન્ય કોષો ગાંઠ બનીને જોડાયા ન હોય, પણ આગળ જઈને એ કૅન્સરની ગાંઠ બની શકે છે.
કઈ રીતે ડાયગ્નૉઝ થાય?
ફેફસાં સંબંધિત કોઈ બીમારી કે ઇન્ફેક્શન થયું હોય ત્યારે CT સ્કૅન કઢાવ્યો હોય તો ઘણી વાર સ્ટેજ ઝીરો લંગ કૅન્સરનું નિદાન થતું હોય છે. ઘણી વાર હાઈ રિસ્ક પૉપ્યુલેશન હોય એટલે કે જેમને સ્મોકિંગની આદત હોય તેમને રેગ્યુલર બેઝિસ પર CT સ્કૅન કરવાની સલાહ આપવામાં આવતી હોય છે. જો તમે છેલ્લાં દસ વર્ષથી સ્મોકિંગ કરતા હો અને રોજનું એક પૅક સિગારેટ પી જતા હો તો વર્ષમાં એક વાર તો CT સ્કૅન કરાવવું જોઈએ. ફેફસાંનું કૅન્સર થવાનાં અનેક કારણો હોય છે. જેમ કે પરિવારમાં કોઈને ફેફસાંનું કૅન્સર થયું હોય, તમે એવી જગ્યાએ કામ કરતા હો જ્યાં કેમિકલ્સના સંપર્કમાં આવતા હો, પ્રદૂષણ તથા રેડિયેશનનું એક્સપોઝર વધી ગયું હોય તો પણ એ થવાનું જોખમ રહે. લંગ કૅન્સર થવાનું જોખમ વધુ હોય એ લોકો રેગ્યુલર બેઝિસ પર સ્ક્રીનિંગ કરાવતા રહે તો નિદાન વહેલી તકે થઈ શકે અને સારવાર કરવામાં પણ સરળતા રહે.
સ્ટેજ ઝીરોમાં સારવાર?
સ્ટેજ ઝીરો લંગ કૅન્સર થયું હોય તો પ્રભાવિત એરિયાને હટાવવા માટે સર્જરી કરવામાં આવે છે, જેથી આગળ જઈને કૅન્સર ન થાય. સ્ટેજ ઝીરોમાં રેડિયેશન થેરપી કે કીમોથેરપી લેવાની જરૂર ન પડે, કારણ કે સ્ટેજ ઝીરો એટલે હજી કૅન્સર બન્યું જ નથી. કૅન્સરના કોષો બહુ જિદ્દી અને અનિયંત્રિતપણે વિકસતા હોય છે એટલે એને નાથવા માટે હેવી દવાઓની જરૂર પડે છે. કૅન્સરના કોષો ડેવલપ થયા જ ન હોય તો આ થેરપી લેવાની જરૂર નથી પડતી. અસામાન્ય કોષોને સર્જિકલી દૂર કરી લેવાથી શરીર કૅન્સરમુક્ત થઈ જાય છે. અલબત્ત, એ પછી પણ નિયમિત સમયાંતરે સ્ક્રીનિંગ કરવાનું ચૂકવું નહીં.
સ્ક્રીનિંગનું મહત્ત્વ સમજવું
ભારતમાં કૅન્સરનું સ્ક્રીનિંગ ખૂબ ઓછું છે. સામાન્ય રીતે ૪૦-૫૦ વર્ષની ઉંમર પછી રેગ્યુલર સ્ક્રીનિંગ કરાવવું જ જોઈએ, જે લોકો કરાવતા નથી. એટલે આપણા દેશમાં સ્ટેજ ઝીરો પર કૅન્સર ડિટેક્ટ થવાનું પ્રમાણ ખૂબ ઓછું છે. એ સિવાય પણ ઘણાં કારણો છે જેમ કે લોકોમાં કૅન્સર સ્ક્રીનિંગનું મહત્ત્વ અને એનાથી સારવારમાં શું ફાયદો થઈ શકે છે એને લઇને જાગરૂકતા ઓછી છે. દેશની જેટલી જનસંખ્યા છે એની સરખામણીમાં સ્ક્રીનિંગ ફૅસિલિટીની માળખાકીય સુવિધાનો મોટો અભાવ છે. એની સરખામણીમાં US, UK જેવા વિકસિત દેશોમાં લોકો રેગ્યુલર બેઝિસ પર કૅન્સરનું સ્ક્રીનિંગ કરાવવાને પ્રાધાન્ય આપતા હોય છે. એટલે ત્યાં સ્ટેજ ઝીરો પર કૅન્સર ડિટેક્ટ થવાનું પ્રમાણ વધુ હોય છે.
કયા કૅન્સર માટે કઈ સ્ક્રીનિંગ ટેસ્ટ કરાવી શકાય?
બ્રેસ્ટ-કૅન્સર : સ્ટેજ ઝીરો પર જ બ્રેસ્ટ-કૅન્સરનું નિદાન થઈ જાય એ માટે સામાન્ય રીતે ૪૦ વર્ષની ઉંમર પછી મહિલાઓએ રેગ્યુલર બેઝિસ પર સ્ક્રીનિંગ કરાવવું જોઈએ. તેમણે વર્ષમાં એક વાર મૅમોગ્રાફી કરવી જોઈએ. મૅમોગ્રાફી એક એવી પ્રક્રિયા છે જેમાં એક્સરેનો ઉપયોગ કરીને સ્તનની તસવીરો લેવામાં આવે છે. એનાથી ઘણી વાર પ્રી-કૅન્સરસ ટ્યુમર થયું હોય તો ડિટેક્ટ થઈ જાય, જેને સામાન્ય રીતે સર્જરી કરીને કાઢી શકાય. જો પરિવારમાં કોઈને બ્રેસ્ટ-કૅન્સરની હિસ્ટરી હોય તો એ જનીન તમારામાં છે કે નહીં એ જાણવા માટે જિનેટિક ટેસ્ટ આવે છે એ પણ કરાવી લો તો કેટલું જોખમ છે એ ખબર પડી જાય.
સર્વાઇકલ કૅન્સર : બ્રેસ્ટ-કૅન્સરની જેમ મહિલાઓને સર્વાઇકલ એટલે કે ગર્ભાશયના મુખનું કૅન્સર થવાનું જોખમ હોય છે. સામાન્ય રીતે ૩૫થી ૪૪ વર્ષની મહિલાઓમાં સર્વાઇકલ કૅન્સરનું વધુ નિદાન થતું હોય છે. એ માટે પૅપ સ્મીઅર ટેસ્ટ અને HPV ટેસ્ટ કરવામાં આવે છે. ફક્ત પૅપ સ્મીઅર ટેસ્ટ હોય તો વર્ષમાં એક વાર તેમ જ પૅપ સ્મીઅર ટેસ્ટ અને HPV ટેસ્ટ બન્ને કરાવો તો ત્રણ વર્ષમાં એક વાર કરવાની જરૂર પડે.
ઓરલ કૅન્સર : મોઢાના કૅન્સરમાં એવું કોઈ સ્પેસિફિક સ્ક્રીનિંગ નથી હોતું. ડૉક્ટર ફિઝિકલ એક્ઝામિનેશન કરે છે. મોઢામાં ગાલના અંદરના ભાગમાં, પેઢાની ઉપર કે તાળવા પર સફેદ ડાઘ જેવું છે કે નહીં એ જુએ છે. એને લ્યુકોપ્લાકિયા કહેવામાં આવે છે, જે મોઢાના કૅન્સરનો સંકેત હોઈ શકે. તમાકુનું સેવન કરતા હોય તેમને આ કૅન્સર થવાનું જોખમ વધુ રહે છે. એટલે તેમણે ૪૦ વર્ષ પછી દર વર્ષે એક વાર ડૉક્ટર પાસે જઈને ચેકઅપ કરાવવું જોઈએ.
કોલોન કૅન્સર : આ એક પ્રકારનું કૅન્સર છે જે મોટા આંતરડા અથવા મળાશયમાં થાય છે. કોલોન કૅન્સરના નિદાન માટે કોલોનોસ્કોપી અને બાયોપ્સી કરીને નિદાન કરવામાં આવે છે. પરિવારમાં કોઈને કોલોન કૅન્સર થઈ ચૂક્યું હોય કે ઇન્ફ્લૅમેટરી બોવેલ ડિસીઝ હોય એ લોકોએ આનું સ્ક્રીનિંગ કરાવવું જોઈએ. પચાસ વર્ષની ઉંમર પછી ત્રણ વર્ષમાં એક વાર કોલોનોસ્કોપી કરાવવી જોઈએ. એવી જ રીતે વર્ષમાં એક વાર બ્લડ-સ્ટૂલ-ટેસ્ટ કરાવવી જોઈએ જેથી ખબર પડે કે સ્ટૂલમાં છૂપી રીતે લોહી જાય છે કે નહીં.
લિવર કૅન્સર : યકૃતનું કૅન્સર થવાનું જોખમ એ લોકોને વધુ હોય જે લોકો વધુ પ્રમાણમાં આલ્કોહોલનું સેવન કરતા હોય. જેમને હેપેટાઇટિસ B અને હેપેટાઇટિસ Cનું ક્રૉનિક ઇન્ફેક્શન હોય. એટલે એવા લોકોને દર છ મહિને લિવરની સોનોગ્રાફી કરવાની સલાહ આપવામાં આવે છે.