બાળકો હવે જલદી મોટાં થઈ રહ્યાં છે જેને કારણે ભવિષ્યમાં તકલીફો આવી શકે છે

23 August, 2025 07:21 AM IST  |  Mumbai | Dr. Suruchi Desai

જો પ્યુબર્ટી સમય કરતાં જલદી આવી જાય તો બને કે બાળકનો વિકાસ અટકી જાય અથવા થવો જોઈએ એટલો ન થાય

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

આજકાલનાં બાળકો પાસે અઢળક એક્સપોઝર છે અને એને કારણે તેઓ માનસિક રીતે ઘણાં મૅચ્યોર થઈ જાય છે. જે વસ્તુ તેમનાં માતા-પિતાને ૨૦ વર્ષે પણ નહોતી ખબર પડતી અથવા કહીએ કે જેની કોઈ સમજ જ નહોતી એ વસ્તુ આજનાં બાળકોને ૧૦ વર્ષ જેવી નાની ઉંમરે પણ ખબર હોય છે. ઘણી વાર લાગે છે કે આજનાં બાળકોમાં બાળપણ જેવું કંઈ નથી. તેઓ જલદી મોટાં થઈ જાય છે. માનસિક રીતે તો કદાચ તેઓ મૅચ્યોર થઈ જાય એ સમજી શકાય પરંતુ પ્રૉબ્લેમ ત્યારે વધી જાય છે જયારે શારીરિક રીતે પણ તેઓ જલદી મૅચ્યોર થવા લાગે. અંગ્રેજીમાં એક શબ્દ છે પ્યુબર્ટી એટલે કે બાળક જયારે તરુણાવસ્થામાં પ્રવેશે અને એમાં જે શારીરિક બદલાવ આવે એ. આ પ્યુબર્ટી આવવાની ઉંમર છોકરીઓમાં ૯ વર્ષથી લઈને ૧૪ વર્ષ સુધીની હોય છે જ્યારે છોકરાઓમાં આ ઉંમર ૧૧ વર્ષથી લઈને ૧૬ વર્ષ સુધીની હોઈ શકે છે. જો ૮ વર્ષે છોકરીઓમાં અને ૧૦ વર્ષે છોકરાઓમાં પ્યુબર્ટીનાં ચિહનો જોવા મળે તો એને અર્લી પ્યુબર્ટી કહે છે.

જ્યારે બાળકનો પ્યુબર્ટી પિરિયડ શરૂ થાય ત્યારે થોડા સમય બાદ તેનો શારીરિક ગ્રોથ ખાસ કરીને હાઇટ વધવાનું અટકી જાય છે. હાઇટ વધવી એટલે હાડકાંનું બંધારણ અને સ્નાયુઓ મજબૂત થવાનું મુખ્ય કાર્ય. જો પ્યુબર્ટી સમય કરતાં જલદી આવી જાય તો બને કે બાળકનો વિકાસ અટકી જાય અથવા થવો જોઈએ એટલો ન થાય. ખાસ કરીને હાડકાં નબળાં રહી જાય અને સ્નાયુઓનું બંધારણ મજબૂત ન રહે એમ બની શકે. ખાસ કરીને છોકરીઓમાં જ્યારે અર્લી પ્યુબર્ટી આવે ત્યારે તેને તેની આખી જિંદગી દરમિયાન વધુ એસ્ટ્રોજન હૉર્મોનનો સામનો કરવો પડે છે. એને કારણે તેને બ્રેસ્ટ-કૅન્સર થવાની શક્યતા ઘણી વધારે રહે છે. ઘણાં રિસર્ચ મુજબ આવાં બાળકો આગળ જતાં લાંબા ગાળે બ્લડપ્રેશર, ડાયાબિટીઝ કે હાર્ટ પ્રૉબ્લેમ્સના શિકાર પણ બનતા હોય છે. પ્યુબર્ટીની શરૂઆત હોય ત્યારે માસિક રેગ્યુલર થતાં ૧-૩ વર્ષ જેવો સમય લાગી શકે છે. અનિયમિતતાને કારણે ક્યારેક એકદમ હેવી બ્લીડિંગ પણ થઈ શકે છે. જો પ્યુબર્ટી નાની ઉંમરમાં આવે તો આ બધી કન્ડિશન ખૂબ નાની ઉંમરમાં સહન કરવી પડે. વળી વધુ બ્લીડિંગ થઈ જાય તો છોકરી એનીમિક પણ બની શકે છે. આ પરિસ્થિતિને બદલી શકાય એમ નથી કે નથી રોકી શકાય એમ પરંતુ આ સમયે બાળકોનું વિશેષ ધ્યાન રાખવું જરૂરી છે. ખાસ કરીને આ બાળકોને કૅલ્શિયમ, વિટામિન D, હીમોગ્લોબિન, આયર્ન, ફોલિક ઍસિડ અને વિટામિન B12 યુક્ત ડાયટ આપવી. જરૂર પડે તો ડૉક્ટરની સલાહ મુજબ સપ્લિમેન્ટ્સ પણ આપી શકાય નહીંતર તેમના ગ્રોથને ખૂબ અસર થઈ શકે છે.

health tips mental health diabetes diet social media columnists life and style gujarati mid day mumbai