20 August, 2025 02:23 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
થોડા સમય પહેલાં જ દિલ્હીની એક મહિલાએ કિસ્સો શૅર કર્યો હતો કે ટ્રાવેલિંગ દરમિયાન એકધારા આઠ કલાક માટે ઍરપૉડ્સનો ઉપયોગ કર્યા બાદ તેને સંભળાવાનું ઓછું થઈ ગયું હતું. ડૉક્ટર પાસે જઈને તપાસ કરાવતાં ખબર પડી કે તેની સાંભળવાની ક્ષમતા ૪૫ ટકા ઓછી થઈ ગઈ છે. તેણે પોતાના અનુભવના આધારે બીજા લોકોને ઍરપૉડ્સનો એકધારો લાંબા કલાકો સુધી ઉપયોગ ન કરવાની સલાહ આપી હતી.
મોટા ભાગની ઑફિસમાં જ્યાં ઓપન ઑફિસ એન્વાયર્નમેન્ટ છે ત્યાં આસપાસમાં બેસેલા ઑફિસ કર્મચારીઓની વાતો, ફોનની રિંગ, પ્રિન્ટરનો સાઉન્ડ ધ્યાન ભંગ કરી નાખે છે. એટલે અસપાસના શોરબકોરથી બચવા અને પોતાના કામમાં ધ્યાન કેન્દ્રિત કરી શકાય એ માટે કામ કરતી વખતે હેડફોન્સ, ઇઅરફોન્સ, ઍરપૉડ્સનો ઉપયોગ વધ્યો છે. ઘણા લોકો એવા હોય છે જેઓ ઑફિસમાં દાખલ થઈને કામ શરૂ કરતાં હેડફોન્સ કાનમાં ભરાવી દે અને સીધો લંચ-બ્રેક થાય ત્યારે એને કાનમાંથી કાઢે. બ્રેક પરથી આવ્યા પછી પરત હેડફોન્સ લગાવીને કામમાં પરોવાઈ જાય અને ઘરે જવાનો સમય થાય ત્યારે કાઢે. તેમને ખબર હોય કે હેડફોન્સથી તેમની સાંભળવાની શક્તિ ઓછી થઈ શકે, પણ તેમ છતાં તેઓ હેડફોન્સથી દૂર રહી શકતા નથી. એમના વગર તેમનાથી કામ થતું નથી.
શું કરી શકાય?
હેડફોનમાં મ્યુઝિક સાંભળતી વખતે વૉલ્યુમ ૬૦ ટકાથી વધારે ન હોવું જોઈએ, કારણ કે લૉન્ગ ટર્મમાં એ તમારી સાંભળવાની ક્ષમતા ઓછી કરી શકે.
દર એક-બે કલાકે પાંચ-દસ મિનિટ માટે હેડફોન્સને ઉતારી નાખો જેનાથી કાનને રેસ્ટ મળે અને હિયરિંગ ફટીગ એટલે કે લાંબા સમય સુધી અવાજ સાંભળીને કાન અને દિમાગને જે થાક લાગે એ ઓછો થાય.
નૉઇસ કૅન્સલિંગ ફીચરનો ઉપયોગ કરો જેથી બૅકગ્રાઉન્ડ નૉઇસને દબાવવા માટે તમારે હાઈ વૉલ્યુમ ન રાખવું પડે.
હેવી બીટ્સ અથવા ફાસ્ટ ટેમ્પોવાળાં જેમ કે હિપ હૉપ, રૉક કે વર્કઆઉટ સૉન્ગ સાંભળવાને બદલે સૉફ્ટ અથવા તો ઇન્સ્ટ્રુમેન્ટલ મ્યુઝિક સાંભળો.