તમે કોઈ પણ પ્રકારની એક્સરસાઇઝ ન કરી શકો એવું બને ખરું?

05 March, 2025 08:09 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શું એવી કોઈ વ્યક્તિ હોઈ શકે જેને એક્સરસાઇઝ કરવાથી શરીરના પ્રૉબ્લેમ્સ વધી જાય? અથવા કોઈનું શરીર એક્સરસાઇઝ ખમી ન શકે કે એક્સરસાઇઝ કરવા સક્ષમ ન હોય એવું બને?

પ્રતીકાત્મક તસવીર

કોઈ પણ વ્યક્તિએ સ્વાસ્થ્ય જાળવવા માટે દરરોજ ૪૫ મિનિટ એક્સરસાઇઝ કરવી જ જોઈએ. એક્સરસાઇઝ કરવાથી શરીર સ્વસ્થ રહે છે. પરંતુ શું એવી કોઈ વ્યક્તિ હોઈ શકે જેને એક્સરસાઇઝ કરવાથી શરીરના પ્રૉબ્લેમ્સ વધી જાય? અથવા કોઈનું શરીર એક્સરસાઇઝ ખમી ન શકે કે એક્સરસાઇઝ કરવા સક્ષમ ન હોય એવું બને? સાંભળવામાં આ વાત કાલ્પનિક લાગે છે, પરંતુ એ હકીકત છે. આ અવસ્થાને એક્સરસાઇઝ ઇનટૉલરન્સ કહે છે. 

અહીં વધુ કે ઓછી એક્સરસાઇઝની કે અઘરી કે સહેલી એક્સરસાઇઝની વાત થતી નથી કારણ કે એ તો દરેક પોતાની કૅપેસિટી મુજબ કરતા હોય છે. જે વ્યક્તિ કોઈ પણ પ્રકારની એક્સરસાઇઝ કરી જ ન શકે એને એક્સરસાઇઝ ઇનટૉલરન્સ કહે છે. આ કોઈ શારીરિક ખામી નથી, બીજા રોગોને કારણે ઉદ્ભવતું પરિણામ છે. એ પણ મોટા ભાગે ટેમ્પરરી હોય છે. 
કોઈ પણ વ્યક્તિ જ્યારે શરૂઆતમાં એક્સરસાઇઝ ચાલુ કરે ત્યારે તેને કોઈ ને કોઈ પ્રૉબ્લેમ સામાન્ય રીતે આવતા જ હોય છે કારણ કે શરીરને એની આદત નથી. પરંતુ ૪-૫ દિવસ જો વ્યક્તિ સતત એક્સરસાઇઝ કરે અને પછી પણ તેને પ્રૉબ્લેમ્સ એવા ને એવા જ લાગે તો સમજવું કે ઇનટૉલરન્સ હોઈ શકે છે. એક્સરસાઇઝ ઇનટૉલરન્સ હોય તો એક્સરસાઇઝ કરતી વખતે અચાનક ખૂબ શ્વાસ ફૂલવા મંડે, ચક્કર આવે, ખૂબ નબળાઈ લાગે, એક્સરસાઇઝ પછી ખૂબ થાક લાગે, બૉડીપેઇન ખૂબ રહે, માથું એકદમ દુખવા માંડે તો સમજવું કે તમને કંઈક ગરબડ છે અને તરત જ ડૉક્ટરની મુલાકાત લેવી.

મોટા ભાગે આ અવસ્થા કોઈ પણ કાર્ડિઍક પ્રૉબ્લેમ સાથે સુસંગત હોઈ શકે છે. હાર્ટના જુદા-જુદા પ્રૉબ્લેમ જેમ કે હાર્ટબીટની રિધમ બરાબર ન હોવી, હાર્ટ બરાબર પમ્પિંગ ન કરી શકતું હોય, હાર્ટના વાલ્વ બરાબર કામ ન કરતા હોય વગેરે કે બીજી કોઈ પણ કાર્ડિયો-રેસ્પિરેટરી પ્રૉબ્લેમ એની પાછળનું કારણ હોઈ શકે છે. ડાયાબિટીઝ, હાઈ કે લો બ્લડ-પ્રેશર, થાઇરૉઇડ કે મેટાબોલિક સિન્ડ્રૉમ જેવી કોઈ પણ તકલીફ હોઈ શકે છે. આ ઉપરાંત એનીમિયા કે કોઈ જિનેટિક પ્રૉબ્લેમ પણ હોઈ શકે છે. આ ઇનટૉલરન્સ પાછળ પીઠનો લાંબા ગાળાનો દુખાવો હોય અથવા કોઈ ઇન્જરીને કારણે પીઠનો દુખાવો, વિટામિન Dની ખામી હોય અને હાડકાં નબળાં પડી ગયાં હોય જેને લીધે ગોઠણ પર કોઈ ખાસ અસર જવાબદાર હોઈ શકે છે.

health tips fashion news fashion yoga life and style