23 August, 2025 07:22 AM IST | Mumbai | Heena Patel
અયોગ્ય ખાનપાન, ખરાબ લાઇફસ્ટાઇલ, સ્કિનકૅર પ્રોડક્ટ્સનો અતિ ઉપયોગ
જો તમે મિલેનિયલ એટલે કે ૨૯થી ૪૪ વર્ષની ઉંમર વચ્ચેના હશો તો તમે અનુભવ્યું હશે કે તમારા પછીની જેન-ઝી તરીકે ઓળખાતી ૧૩થી ૨૮ની ઉંમરના લોકોની જનરેશન તમારા કરતાં વધુ મૅચ્યોર દેખાઈ રહી છે. એવી જ રીતે જેન-ઝીએ પણ અનુભવ્યું હશે કે તેમને લોકો હંમેશાં તેમની ઉંમર કરતાં વધુ મોટા સમજી લે છે. સોશ્યલ મીડિયા પર એવી ચર્ચા પણ છેડાઈ છે કે જેન-ઝી મિલેનિયલ કરતાં જલદી ઘરડા થઈ રહ્યા છે. એવામાં આની પાછળ કયાં પરિબળો જવાબદાર છે એ વિશે ડર્મેટોલૉજિસ્ટ ડૉ. પૂજા દેસાઈ પાસેથી જાણી લઈએ તેમના જ શબ્દોમાં...
અયોગ્ય ખાનપાન
Generation Z તરીકે ઓળખાતી આ પેઢીનું શૉર્ટ ફૉર્મ છે જેન-ઝી. આ જનરેશન ઘરનું બનાવેલું ફ્રેશ અને પૌષ્ટિક ખાવાનું કરતાં બર્ગર, પીત્ઝા, મૅગી જેવું જન્ક ફૂડ ખાવાનું અને એનર્જી ડ્રિન્ક્સ પીવાનું વધુ પસંદ કરે છે. એને કારણે શરીરના કોષોને યોગ્ય ન્યુટ્રિશન મળતું નથી. પૅકેજ્ડ અને પ્રોસેસ્ડ ફૂડમાં પ્રિઝર્વેટિવ્સ અને ટ્રાન્સ ફૅટ્સ હોય છે જે શરીરમાં ઇન્ફ્લમેશન એટલે કે સોજો અને ઑક્સિડેટિવ સ્ટ્રેસ પેદા કરે છે. એને કારણે શરીરના કોષો ઝડપથી ઘરડા થવા લાગે છે. જન્ક ફૂડમાં વધુપડતી ટ્રાન્સ ફૅટ્સ અને સૅચ્યુરેટેડ ફૅટ હોય છે જે આપણાં હૃદય, લિવર અને બ્લડ વેસલ્સને નુકસાન પહોંચાડે છે. વધુપડતી શુગર બ્લડશુગરને અચાનકથી સ્પાઇક કરે છે. એનાથી ગ્લાઇકેશન પ્રોસેસ થાય છે. એટલે કે શુગર આપણી કોશિકાઓથી ચીપકીને એને નુકસાન પહોંચાડે છે, જે એજિંગની પ્રક્રિયાને ફાસ્ટ કરે છે. શુગર આપણી સ્કિનના કૉલેજનને નબળું પાડે છે, જેનાથી ત્વચા ઢીલી પડી જાય છે અને કરચલીઓ ઝડપથી આવે છે. આ જ કારણ છે કે જન્ક ફૂડ ખાવાથી શરીર તો મજબૂત નથી બનતું, પણ ટૉક્સિન્સ જમા થતાં રહે છે અને બુઢાપો જલદી આવવા લાગે છે. આપણે છોડ વાવ્યો હોય અને એને સરખું ખાતર આપો તો એનો ગ્રોથ વ્યવસ્થિત રીતે થશે પણ એના પર ધ્યાન ન આપો તો એ મુરઝાઈ જાય. એવી જ રીતે આપણા શરીરના દરેક અવયવને ન્યુટ્રિશનની જરૂર પડે છે. એમાં પણ સ્કિન તો આપણા શરીરનું સૌથી મોટું ઑર્ગન છે. તમારું ગટ જેટલું હેલ્ધી હશે, તમારી સ્કિન એટલી જ ગ્લોઇંગ રહેશે. આપણાં આંતરડાંઓ અને ત્વચા વચ્ચેનો સીધો સંબંધ છે. આપણા આંતરડામાં લાખો બૅક્ટેરિયા અને માઇક્રોબ્સ હોય છે જે પાચન, ઇમ્યુનિટી સિસ્ટમ અને ઇન્ફ્લમેશનને કન્ટ્રોલ કરે છે. જ્યારે તમારું ગટ હેલ્ધી હોય તો શરીરમાં ટૉક્સિન્સ ઓછાં બને છે, ઇન્ફ્લમેશન ઓછું બને છે અને એની અસર સ્કિન પર દેખાય છે. સ્કિન વધારે સાફ અને ગ્લોઇંગ રહે છે. એવી જ રીતે ગટ અસંતુલિત થઈ જાય એટલે કે બૅડ બૅક્ટેરિયા વધી જાય તો શરીરમાં ઇન્ફ્લમેશન વધી જાય છે. એની અસર સ્કિન પર દેખાય છે અને ઍકને, ડલનેસ, એક્ઝિમા, સોરાયસિસ જેવી સમસ્યા થાય છે. એટલે હેલ્ધી ગટ માટે જન્ક ફૂડ ઓછું કરીને હેલ્ધી ખાવા પર ફોકસ કરવું જોઈએ. એવું નથી કે મિલેનિયલ જન્ક ફૂડથી સાવ દૂર રહે છે, પણ તેમને બૅલૅન્સ કરતાં આવડે છે. ઉપરથી તેમનો ઉછેર પણ ઘરનું હેલ્ધી ફૂડ ખાઈને થયો છે એટલે એનું ફળ તેમને અત્યારે લાંબા ગાળે મળી રહ્યું છે.
ખરાબ લાઇફસ્ટાઇલ
જેન-ઝીને સૌથી વધુ સ્ટ્રેસફુલ જનરેશન માનવામાં આવે છે. તેમને મિલેનિયલની જેમ સ્ટડી, જૉબનું પ્રેશર છે પણ એની સાથે તેમને ઘણીબધી વસ્તુનો ફોમો (ફિયર ઑફ મિસિંગ આઉટ) હોય છે. જેમ કે સોશ્યલ મીડિયા પરથી સતત અપડેટ મેળવતા રહેવાનું પ્રેશર કે જેથી કંઈ મિસ ન થઈ જાય, વાઇરલ રીલ્સ, ફૅશન-ટ્રેન્ડ્સનો હિસ્સો બનવાની ઉતાવળ, ફ્રેન્ડ્સની ટ્રાવેલ-સ્ટોરીઝ જોઈને કમ્પૅરિઝન કરવી, અન્યોની લવ-લાઇફ જોઈને પોતાની લાઇફ બોરિંગ ફીલ કરવી વગેરે વાતોનું તેમને સતત સ્ટ્રેસ રહેતું હોય છે. સ્ટ્રેસ શરીરમાં કૉર્ટિઝોલ કે જેને સ્ટ્રેસ-હૉર્મોન કહેવાય એ વધારે છે. કૉર્ટિઝોલને એજિંગ હૉર્મોન પણ કહેવામાં આવે છે જે કૉલેજનને તોડે છે જેનાથી સ્કિન પર વૃદ્ધત્વનાં લક્ષણો જલદીથી દેખાવા લાગે છે. સ્ટ્રેસથી બૉડીમાં ફ્રી રૅડિકલ્સ અને ઑક્સિડેટિવ સ્ટ્રેસ વધે છે, જે સ્કિનને ડૅમેજ કરવાનું કામ કરે છે. આજકાલ જેન-ઝીમાં મોડે સુધી પાર્ટી કરવાનું કે લેટનાઇટ સુધી વેબ-સિરીઝ જોવાનું ખૂબ કૉમન છે. મેલૅટોનિન કે જેને સ્લીપ હૉર્મોન કહેવાય એનો આપણું શરીર અંધકારમાં ખાસ કરીને રાત્રે સ્રાવ કરે છે. આ હૉર્મોન ફક્ત ઊંઘ માટે જ નહીં; બૉડી-રિપેર, સ્કિન-રીજનરેશન, ઍન્ટિ-એજિંગ માટે પણ જરૂરી છે. જો તમે રાત્રે ન સૂઓ અથવા તો સ્ક્રીનની બ્લુ લાઇટમાં રહો તો મેલૅટોનિનનો સ્રાવ થતો નથી. મેલૅટોનિન બાયોલૉજિકલ ક્લૉક પ્રમાણે જ બને છે. એટલે દિવસ દરમિયાન ભલે તમે ૧૨ કલાક ઊંઘો, પણ એ રાતના મેલૅટોનિન પ્રોડક્શનને રિપ્લેસ કરી શકતું નથી. એને કારણે ડાર્ક સર્કલ, ડલનેસ, કૉલેજન ઘટવું, પ્રીમૅચ્યોર એજિંગ દેખાય છે. સ્મોકિંગની વાત કરીએ તો એમાં રહેલું નિકોટિન બ્લડ-વેસલ્સને સંકોચી દે છે. એને કારણે સ્કિન સુધી પૂરતો ઑક્સિજન અને ન્યુટ્રિશન પહોંચતાં નથી. ઓછા સર્ક્યુલેશનને કારણે ત્વચાની કોશિકાઓમાંથી વેસ્ટ અને ટૉક્સિન્સ બહાર નથી નીકળતાં. એનાથી સ્કિન કાળી અને નિસ્તેજ બની જાય છે. નિકોટિન અને સિગારેટના ધુમાડામાં રહેલાં કેમિકલ્સ કૉલેજન અને ઇલૅસ્ટિનને તોડે છે. આ બન્ને પ્રોટીન સ્કિનને ટાઇટ અને જવાન રાખે છે. એના તૂટવાથી એજિંગ જલદી શરૂ થઈ જાય છે. એવી જ રીતે આલ્કોહૉલ ત્વચાને ડ્રાય કરી નાખે છે. આલ્કોહૉલ ફ્રી રૅડિકલ્સ બનાવે છે જે કૉલેજન અને ઇલૅસ્ટિનને તોડવાનું કામ કરે છે. એટલે ત્વચા ઢીલી પડી જવાનું, કરચલીઓ આવવાનું શરૂ થઈ જાય છે. આલ્કોહૉલ લિવર પર પણ સ્ટ્રેસ નાખે છે, પરિણામે સ્કિન-ફ્રેન્ડ્લી ન્યુટ્રિઅન્ટ્સ પર એની અસર પહોંચે છે. એને કારણે સ્કિન ડલ અને ડૅમેજ્ડ રહે છે. એવી જ રીતે ખરાબ ડાયટ અને જીવનશૈલીને કારણે છોકરીઓ જલદી પ્યુબર્ટીમાં પ્રવેશી જાય છે, પિરિયડ્સ વહેલા શરૂ થઈ જાય છે તેમ જ શારીરિક અને ભાવનાત્મક બદલાવ શરૂ થઈ જાય છે. ઉપરથી કૉસ્મેટિક અને ફૅશન-એક્સપોઝર તેમના દેખાવને વધારે મૅચ્યોર બનાવી દે છે.
સ્કિનકૅર પ્રોડક્ટ્સનો અતિ ઉપયોગ
સ્કિન ડૅમેજ થવાનું એક કારણ વધુપડતી સ્કિનકૅર પ્રોડક્ટ્સનો ઉપયોગ અને નાની ઉંમરથી જ એનો ઉપયોગ શરૂ કરી દેવાની આદત છે. મારી પાસે ૧૭-૧૮ વર્ષની વયના એવા ઘણા યંગસ્ટર્સ આવે છે જે ઍન્ટિ-એજિંગ સિરમનો ઉપયોગ કરતા હોય છે. તમે ૨૫ વર્ષના થાઓ ત્યાં સુધી તમારું કૉલેજન જેટલું નાના બાળકમાં હોય એટલું જ હોય છે. એ પછીથી દર વર્ષે એક ટકા જેટલું કૉલેજન શરીરમાંથી ઘટવાનું શરૂ થાય. એટલે અમે કોઈને ઍન્ટિ-એજિંગ પ્રોડક્ટ્સ પ્રિસ્ક્રાઇબ કરીએ ત્યારે ૩૦ વર્ષથી મોટી ઉંમરના હોય તેમને જ આપીએ. સોશ્યલ મીડિયાને કારણે યંગસ્ટર્સને વિવિધ પ્રકારની સ્કિનકૅર પ્રોડક્ટ્સ વિશે તો ખબર છે પણ એને લગાડવાની સાચી ઉંમર કે એ માટે એ કેટલી યોગ્ય છે એની ખબર હોતી નથી. તમારી સ્કિનને જે વસ્તુની જરૂર નથી એને તમે અપ્લાય કર્યે જ રાખો તો એ સ્કિનને નુકસાન જ પહોંચાડે. આ વસ્તુમાં ફક્ત રેટિનોલ જ છે એવું નથી; એમાં નિયાસિનામાઇડ, વિટામિન C, હાયોલ્યુરૉનિક ઍસિડ જેવાં મલ્ટિપલ સિરમ છે. આ સિરમમાં પ્રિઝર્વેટિવ્સ, કલરિંગ એજન્ટ્સ બધું જ હોય. લાંબા ગાળે આના રેસિડ્યુસ સ્કિન પર રહી જાય. એ ધીમે-ધીમે સ્કિનના બૅરિયરને ડૅમેજ કરે, ઇરિટેશન, ઍલર્જી, પિમ્પલ્સ અને પ્રીમૅચ્યોર એજિંગ તરફ દોરી જાય છે. જેન-ઝી પર પર્ફેક્ટ દેખાવને લઈને એટલું પ્રેશર છે કે મારી પાસે એવા યંગસ્ટર્સ આવે છે જેમને સ્પૉટલેસ સ્કિન જોઈતી હોય. ચહેરા પર એકાદ પિમ્પલ આવ્યું હોય તો પણ એની ટ્રીટમેન્ટ કરાવવા આવી જાય. ઘણાને તેમનાં ફેસ-ફીચર્સ પસંદ ન હોય તો નાકની રાઇનોપ્લાસ્ટી કે જૉલાઇન એન્હૅન્સમેન્ટની ટ્રીટમેન્ટ માટે આવે છે. ઘણા લોકો અમારી પાસે સેલિબ્રિટીનાં પિક્ચર્સ લઈને આવે અને કહે કે અમને આવી સ્કિન કે આવાં ફેશ્યલ ફીચર્સ કરાવવાં છે. આમાંથી મોટા ભાગના કૉલેજમાં ભણતા યંગસ્ટર્સ હોય છે. ઘણી વાર તો અમારે તેમને કાઉન્સેલિંગ આપવું પડે કે તમારે આ બધી ટ્રીટમેન્ટ કરાવવાની કોઈ જરૂર નથી.