જીવનનો અપ્રતિમ આનંદ રોજબરોજની સાધારણ લાગતી ક્ષણોમાં રહેલો હોય છે

13 April, 2025 04:34 PM IST  |  Mumbai | Dr. Nimit Oza

ક્ષણોનું સ્વજનો જેવું હોય છે. એ ચાલી ગયા પછી જ એનું મૂલ્ય અને મહત્ત્વ સમજાય છે. શું એ પ્રત્યેક ક્ષણ અદ્ભુત નથી જેમાં આપણે આ સુંદર સૃષ્ટિને અનુભવી રહ્યા છીએ?

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

થોડા સમય પહેલાં મારી નજર એક અદ્ભુત ગદ્ય પર પડી. માત્ર બે કે ત્રણ ફકરામાં લેખકે કાગળ પર ઉતારી દીધેલી ગહન સમજણ અને વાસ્તવિકતાને હું ક્યાંય સુધી વાગોળતો રહ્યો. નજર સામે ઓચિંતું આવેલું અને ખૂબ ગમી ગયેલું એ લખાણ ક્યાંક ખોવાઈ ન જાય એ માટે મેં એનો સ્ક્રીનશૉટ પાડી લીધો. બાલ્કનીમાં રોપેલા કોઈ છોડની જેમ એ લખાણ મેં મારા મન અને મોબાઇલની ગૅલરીમાં રોપી દીધું. હવે દરરોજ એ ગદ્ય ધીમે-ધીમે વૃદ્ધિ પામે છે, વિસ્તરતું જાય છે અને મનને છાંયો આપે છે. અમેરિકન ટીવી-લેખક ઍન્ડી રૂની દ્વારા લખાયેલા આ ટુકડાનું શીર્ષક એવું છે કે ‘જિંદગીના મોટા ભાગના સમયમાં અદ્ભુત કહી શકાય એવું કશું જ નથી બનવાનું.’

ઍન્ડી રૂની આગળ લખે છે, ‘જો રોજ સવારે ઊઠવાની, કામ પર જવાની, કામ પૂરું કર્યાની અને સ્વજનો કે મિત્રો સાથે ગપ્પાં મારતાં-મારતાં ચા-નાસ્તો કરવાની મોજ તમે નથી માણી શકતા તો એવી પૂરી શક્યતા છે કે જિંદગીનો મોટા ભાગનો સમય તમે નાખુશ રહેશો. જો કોઈ પોતાના સુખનો આધાર જિંદગીની વિરાટ ઘટનાઓ જેવી કે નવી નોકરી, પ્રમોશન, લગ્ન, પૅરિસનો પ્રવાસ, અઢળક નાણાં, મોંઘી કાર કે પ્રસિદ્ધિ પર રાખે છે તો તે વ્યક્તિ જીવનનો મોટા ભાગનો સમય નાખુશ રહેશે.’

છેલ્લા ફકરામાં ઍન્ડી રૂની લખે છે, ‘સુખ તો એક મસ્તમજાના બ્રેકફાસ્ટમાં રહેલું છે, બાગમાં ખીલેલાં ફૂલોમાં રહેલું છે, બપોરે ખેંચેલી ઊંઘ કે કામ કર્યા પછી મારેલી ચાની ચૂસકીઓમાં રહેલું છે. જો આપણે આ બધામાં સુખ માણી શકીએ તો જીવનમાં મોટા ભાગે ખુશ રહી શકીએ.’

સાવ સાદી અને સરળ વાત અને છતાં કેટલી પાવરફુલ!

જન્મદિવસ, ઍનિવર્સરી, હિલ સ્ટેશનનો પ્રવાસ કે કોઈ વિરાટ ઉપલબ્ધિ જેવી લાઇફની ‘વન્ડરફુલ ઇવેન્ટ્સ’ પર રાખેલો સુખનો મદાર કેટલો ક્ષણિક, તકલાદી અને છેતરામણો હોય છે! ખુશ થવા માટે હંમેશાં આપણે જિંદગીની કોઈ નોંધપાત્ર ઘટના, પ્રસંગ કે ઉપલબ્ધિની પ્રતીક્ષા કરતા હોઈએ છીએ. ક્યારેક એ સમય આવે પણ છે અને એ આવે ત્યારે આપણે ખુશ પણ થઈએ છીએ, પરંતુ જેને ‘અદ્ભુત’ કહી શકાય એવા પ્રસંગો કેટલા? એનો અર્થ તો એ થયો કે વિરાટ ઘટનાઓ સાથે સહચર્યનો કૉન્ટ્રૅક્ટ કરી લેનારા આપણા આનંદની અવધિ કેટલી ટૂંકી હોય છે! જો અને જ્યારે એ અદ્ભુત પ્રસંગ આવશે તો અને ત્યારે જ એ આપણને ખુશ કરી શકશે એવી માન્યતા ધરાવનારા આપણે પછી મોટા ભાગનો સમય નાખુશ કે અસંતુષ્ટ થઈને ફર્યા કરીએ છીએ.

ભવિષ્યની કોઈ ‘અદ્ભુત’ ઘટનામાં જ આનંદ મેળવવાની અપેક્ષા એ વાતની સાબિતી છે કે આપણે જીવનની સૂક્ષ્મ ક્ષણો અને એમાં રહેલા આનંદ પ્રત્યે બેદરકાર છીએ. ઍન્ડી રૂનીનું આ લખાણ આપણને યાદ કરાવે છે કે જીવનનો અપ્રતિમ આનંદ રોજબરોજની સાધારણ લાગતી ક્ષણોમાં રહેલો હોય છે. અસાધારણ ક્ષણોનો પીછો કરવામાં આપણે ક્યારેક એટલા વ્યસ્ત થઈ જઈએ છીએ કે પ્રત્યેક સાધારણ પળમાં રહેલી મોજ ચૂકી જઈએ છીએ. વાસ્તવિકતા એ છે કે એક પણ ક્ષણ સામાન્ય નથી હોતી. બસ, એ ક્ષણોમાં રહેલા સૂક્ષ્મ સુખને પારખી શકવાની આપણામાં આવડત નથી હોતી.

અદ્ભુત કહી શકાય એવું રોજ સવારે કશું જ નથી બનવાનું. ફરી પાછું ઊઠવાનું, કામે જવાનું, એના એ જ લોકોને મળવાનું અને ઘરે પાછા ફરવાનું. આવી સૂક્ષ્મ, કંટાળાજનક અને અનઇવેન્ટફુલ લાગતી ક્ષણો જ આપણા જીવનને વાર્તા બનાવે છે. આપણી મોટા ભાગની જિંદગી ઘટના અને સપનાં વિનાની હોય છે. ન તો કોઈ હીરોની પોસ્ટર ફાડીને એન્ટ્રી થાય છે, ન તો રસ્તામાં કોઈ હિરોઇન ટકરાય છે; ન બ્લૉકબસ્ટર ગીતો, ન બૅકગ્રાઉન્ડમાં વાગતું મ્યુઝિક; ન ડ્રીમ સીક્વન્સ, ન ફ્લૅશબૅક. ફિક્કા ડાયલૉગ્સ, સામાન્ય વાતચીત અને પરિચિત પાત્રો એ જ આપણી સ્ક્રિપ્ટ છે. એના સુપરહિટ જવાની અપેક્ષા રાખ્યા વગર જેઓ પ્રત્યેક સીનની મોજ લઈ શકે છે તેઓ પોતાના પાત્રને ન્યાય આપી શકે છે.

શાવરમાંથી પડતા પાણીનો સ્પર્શ, કૉફીનો સ્વાદ, ફળિયા કે બાગમાં ઊગેલાં ફૂલોની સુગંધ, વહેલી સવારે સંભળાતા પક્ષીના અવાજો અને સંધ્યાના રંગો. ગૌણ અને સૂક્ષ્મ લાગતી બાબતોમાં જેઓ સુંદરતા શોધી શકે છે તેઓ મોટા ભાગનો સમય ખુશ રહી શકે છે. જેમનો આનંદ ભવિષ્યની કોઈ ‘અદ્ભુત’ ક્ષણો પર અવલંબિત નથી હોતો તેઓ ‘શુષ્ક’ વર્તમાનમાં રહેલા સુખને પામી શકે છે.

ક્ષણોનું સ્વજનો જેવું હોય છે. એ ચાલ્યા ગયા પછી જ એમનું મૂલ્ય અને મહત્ત્વ સમજાય છે. શું એ પ્રત્યેક ક્ષણ અદ્ભુત નથી જેમાં આપણે આ સુંદર સૃષ્ટિને અનુભવી રહ્યા છીએ? આપણા માટે એ દરેક પળ સ્પેશ્યલ છે જેમાં આપણે પ્રિયજનો સાથે આ પૃથ્વી, ઘર, અન્ન કે દિવસ શૅર કરી રહ્યા છીએ. એક હૂંફાળો માળો, ટાઢક આપતો વડલો, મુશળધાર વરસી પડતું પ્રિયજન, ખડખડાટ હસાવતા મિત્રો અને બાળકની હથેળીઓનો સ્પર્શ. જેમને આમાં કશું જ અદ્ભુત નથી લાગતું તેઓ પોતાનું આખું જીવન કોઈ અદ્ભુત ઘટનાની ખોજમાં વિતાવી નાખે છે અને ઍન્ડી રૂનીએ કહ્યા પ્રમાણે છૂટાછવાયા, રૅન્ડમ, અનિયમિત અને અલ્પ આનંદનાં અમીછાંટણાં સિવાય તેમના જીવનમાં અદ્ભુત કહી શકાય એવું કશું જ નથી બનતું.

mental health health tips life and style columnists gujarati mid-day mumbai