પેઢાની તકલીફ થાય ત્યારે એક વાર ખાસ શુગર ચેક કરાવી લેજો

18 October, 2024 10:07 AM IST  |  Mumbai | Dr. Rajesh Kamdar

ડાયાબિટીઝના દરદીઓને ઇન્ફેક્શનનું રિસ્ક જેમને ડાયાબિટીઝ નથી તેમના કરતા વધારે હોય છે

પ્રતીકાત્મક તસવીર

ડાયાબિટીઝના દરદીઓને રોગ એક જ છે, પરંતુ તેમણે દરેકેદરેક અંગની કાળજી લેવી જરૂરી છે. મોટા ભાગે આ દરદીઓ હાર્ટ, કિડની, લિવર, આંખોનું ધ્યાન રાખતા જણાય છે, પરંતુ જ્યાં ચૂક થાય છે એ છે મોઢું. જે વ્યક્તિને ડાયાબિટીઝ છે તેમણે તેમના ઓરલ હાઇજીનની ખાસ કાળજી લેવાની જરૂર છે. દાંત અને પેઢાની કાળજી આમ પણ લોકો ઓછી જ કરે છે, પરંતુ જ્યારે તમને ડાયાબિટીઝ છે ત્યારે એ કાળજી કરવી અત્યંત જરૂરી છે.

એનાથી ઊલટું અમારી પાસે પેઢાના રોગો સાથે જે દરદીઓ આવે છે, ખાસ કરીને જેમને ખૂબ વધારે પ્રૉબ્લેમ હોય તેમને અમે પૂછીએ અને તે કહે કે તેમને ડાયાબિટીઝ નથી તો અમે ચોક્કસ તેમને કહીએ છીએ કે તમે એક વખત બ્લડ શુગર લેવલ ચેક કરાવો અને હકીકત છે કે એમાંથી મોટા ભાગના લોકોને ડાયાબિટીઝ નીકળે છે. જો તમને ડાયાબિટીઝ છે તો બે શક્યતા છે એક તો તમને પેઢાની કોઈ તકલીફ થઈ શકે છે અને જો પેઢાની તકલીફ થઈ તો તમારું ડાયાબિટીઝ કન્ટ્રોલમાં રાખવું મુશ્કેલ બની શકે છે. એ પણ હકીકત છે કે આ તકલીફ એવા લોકોને જેનું ડાયાબિટીઝ કન્ટ્રોલમાં રહેતું નથી, તેમને થવાની શક્યતા ઘણી વધારે છે.

ડાયાબિટીઝના દરદીઓને ઇન્ફેક્શનનું રિસ્ક જેમને ડાયાબિટીઝ નથી તેમના કરતા વધારે હોય છે. મોઢામાં થતું ફંગલ ઇન્ફેક્શન અને ડ્રાય માઉથની તકલીફ જેને કારણે અલ્સર, ઇન્ફેક્શન અને દાંતમાં સડો થાય છે એ ડાયાબિટીઝના દરદીઓમાં જોવા મળતી તકલીફો છે. ડાયાબિટીઝના દરદીઓને જીંજીવાઇટિસ અને પિરિયોડૉન્ટાઇટિસ જેવી પેઢાની તકલીફો વધુ જોવા મળે છે. પેઢા પર અસર કરતા બેક્ટેરિયા સામે લડવાની ક્ષમતા ડાયાબિટીઝના દરદીઓમાં ઘણી ઓછી જોવા મળે છે. જીંજીવાઇટિસ અને પિરિયોડૉન્ટાઇટિસ બન્ને પેઢામાં થતા ઇન્ફેક્શન જ છે.

ડાયાબિટીઝના દરદીએ દાંત, પેઢા અને બીજી ઓરલ તકલીફોથી બચવા શું કરવું એ સમજવું જરૂરી છે. સૌપ્રથમ તમારે તમારી બ્લડ શુગરને કન્ટ્રોલમાં રાખવી અત્યંત જરૂરી છે. શુગર કન્ટ્રોલમાં રહેવાથી ડ્રાય માઉથની તકલીફથી બચી શકાશે. દાંત અને પેઢાની ખાસ કાળજી રાખો. દિવસના બે વાર બ્રશ, જીભ અને ગલોફાની સફાઈ, પેઢા પર હળવું માલિશ અને મીઠાના પાણીના કોગળા વડે ઓરલ હાઇજીનને જાળવી રાખો. ઓરલ હાઇજીનની સાથે-સાથે દર ૬ મહિને ડેન્ટલ ચેક-અપ કરાવો અને દાંતની ક્લીનિંગ પણ રેગ્યુલર કરાવતા રહેવી જોઈએ. તમાકુ અને સ્મોકિંગની લતથી બચો. જો ચોકઠાં પહેરતા હો તો દરરોજ એને કાઢીને વ્યવસ્થિત સાફ કરો.

health tips life and style columnists