09 May, 2025 07:16 AM IST | Mumbai | Dr. Meeta Shah
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
ડાયાબિટીઝ જિનેટિકલી ફેલાતો રોગ છે. વારસાગત આ રોગ વ્યક્તિને મળતો હોય છે અને ખરાબ લાઇફસ્ટાઇલને કારણે પણ વ્યક્તિ એનો ભોગ બને છે, પરંતુ બૅક્ટેરિયાનો પણ આ રોગમાં એક મહત્ત્વનો રોલ છે. પાચન પ્રક્રિયામાં બૅક્ટેરિયાનો ફાળો અત્યંત મહત્ત્વનો છે કારણ કે આંતરડામાં રહેલા બૅક્ટેરિયા પાચનને જરૂરી બળ પૂરું પાડે છે. બૅક્ટેરિયા સારા અને ખરાબ બન્ને હોય છે. જે પોષતું તે મારતું એ જ કુદરતનો નિયમ એવું આપણે ત્યાં કહેવાય છે. ઘણાં રિસર્ચ એવું માને છે કે અમુક ખાસ પ્રકારના બૅક્ટેરિયા ડાયાબિટીઝને ટ્રિગર કરે છે. જોકે બધી વ્યક્તિઓને થતા ડાયાબિટીઝ પાછળ આ એક કારણ હોય એવું છે નહીં, પરંતુ રિસર્ચ અનુસાર અમુક લોકોમાં બૅક્ટેરિયાને કારણે ટ્રિગર થતું ડાયાબિટીઝ જોવા મળે જ છે. પરંતુ સારી વાત એ છે કે જો ખરાબ બૅક્ટેરિયા ડાયાબિટીઝ સુધી લઈ જાય છે તો સારા બૅક્ટેરિયા ડાયાબિટીઝથી બચાવવામાં પણ મદદ કરે છે. આમ બૅક્ટેરિયા એ ડાયાબિટીઝ માટેનું કારણ પણ છે અને એનો ઇલાજ પણ.
અમુક રિસર્ચ એવું પણ કહે છે કે દરરોજ પ્રોબાયોટિક પિલ લેવાથી બન્ને પ્રકારના ડાયાબિટીઝ એટલે કે ટાઇપ-1 અને ટાઇપ-2 ડાયાબિટીઝના ઇલાજમાં મદદરૂપ છે જેના તથ્ય મુજબ ડાયાબિટીઝમાં પૅન્ક્રિયાસ ઇન્સ્યુલિન હૉર્મોનનું નિર્માણ ઓછું કરે છે અથવા કરતું બંધ જ થઈ જાય છે. વૈજ્ઞાનિકોના મત મુજબ જ્યારે પ્રોબાયોટિક પિલ લેવાનું માણસ શરૂ કરે ત્યારે ઇન્સ્યુલિન બનાવવાનું કામ પૅન્ક્રિયાસ ન કરતું હોવાથી આ કામની જવાબદારી આંતરડું લઈ લે છે અને એ રીતે બ્લડ-શુગર જળવાઈ રહે છે. આ પ્રોબાયોટિકમાં રહેલું પ્રોટીન આ કામગીરી પાછળ જવાબદાર બને છે. મજાની વાત એ છે કે આ પિલમાં લૅક્ટોબેસિલસ નામના બૅક્ટેરિયા હોય છે જે સામાન્ય રીતે દહીંમાં જોવા મળે છે અને આ બૅક્ટેરિયા પાચન માટે અત્યંત મહત્ત્વના છે. જેવા આ બૅક્ટેરિયા પિલના માધ્યમથી પેટમાં જાય કે પેપ્ટાઇડ નામના હૉર્મોનનો સ્રાવ થાય છે જે ઇન્સ્યુલિનના સ્રાવ માટે કાર્યરત બને છે.
ડાયાબિટીઝના ઇલાજમાં ડાયટનું ખૂબ મહત્ત્વ છે. પ્રોબાયોટિકની પિલ્સ લેવા કરતાં એક ડાયાબિટીઝનો દરદી નૅચરલ પ્રોબાયોટિક ખાઈ શકે છે. દરરોજ બે ટંક દહીં કે છાસ તે લઈ શકે છે જેની અસર તેના પાચન પર સારી થશે જ. આ ઉપરાંત જે લોકોને લાંબા સમયથી ડાયાબિટીઝ રહે છે તેમને પેટનું ઇન્ફેક્શન થવાનું રિસ્ક પણ ઘણું વધારે હોય છે. જો રેગ્યુલર પ્રોબાયોટિક લેવામાં આવે તો આ રિસ્ક પણ ઘટી જાય છે. પરંતુ ઘણા લોકોને લૅક્ટોઝ ઇનટૉલરન્સની તકલીફ જોવા મળે છે. એટલે જો દહીં માફક ન આવે તો સીધા પ્રોબાયોટિકનાં સપ્લિમેન્ટ લેવા પહેલાં તમારા ડૉક્ટરનો સંપર્ક કરો. તેમની સલાહ પ્રમાણે આગળ વધો.