17 April, 2025 07:05 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
સવારે ઊઠીને આપણે સૌથી પહેલાં બ્રશ કરીએ છીએ. શું તમે ક્યારેય વિચાર્યું છે કે બ્રશ કરતી વખતે કેટલી ટૂથપેસ્ટનો ઉપયોગ કરવો જોઈએ? વધારે ટૂથપેસ્ટ લગાવીને બ્રશ કરવાથી દાંત વધુ સારી રીતે સાફ થાય એવું તમે માનતા હો તો એ તમારી ભૂલ છે. જરૂરિયાત કરતાં વધારે ટૂથપેસ્ટનો ઉપયોગ પણ દાંતને નુકસાન પહોંચાડી શકે છે.
ટૂથપેસ્ટનું કામ શું?
ટૂથપેસ્ટમાં હાજર તત્ત્વ દાંતમાં ફસાયેલો ખોરાક અને સપાટી પર જામેલી પીળાશને હટાવવામાં મદદ કરે છે. ટૂથપેસ્ટ મોઢામાં રહેલા બૅક્ટેરિયાને ઓછા કરે છે, જેનાથી શ્વાસની દુર્ગંધ ઓછી થાય છે. ટૂથપેસ્ટમાં રહેલું ફ્લોરાઇડ દાંતોના ઇનૅમલ એટલે કે દાંતની બહારની સપાટી તરફ દેખાતો જે ભાગ છે એને મજબૂત બનાવે છે અને કૅવિટીથી બચાવે છે. ટૂથપેસ્ટમાં રહેલાં તત્ત્વ પેઢાના સોજાને ઓછો કરવામાં મદદ કરે છે. કેટલીક ટૂથપેસ્ટમાં દાંતને ચમકદાર બનાવવાવાળાં વિશેષ તત્ત્વ હોય છે.
વધારે કેમ ન વાપરવી?
ટૂથપેસ્ટમાં રહેલું ફ્લોરાઇડ આમ તો દાંતને મજબૂત કરવાનું કામ કરે છે, પણ વધુ પ્રમાણમાં એનો ઉપયોગ કરવાથી દાંત પર સફેદ અથવા બ્રાઉન રંગના ધબ્બા બની જાય છે, જેને ફ્લોરોસિસ કહે છે. વધુપડતું ફ્લોરાઇડ દાંતોના ઇનૅમલને પણ નુકસાન પહોંચાડી શકે છે, જેનાથી દાંત ખરાબ થવાની સંભાવના વધી જાય છે. કેટલાક કેસમાં જો બાળક ટૂથપેસ્ટ ગળી ગયું હોય તો ઊલટી, પેટમાં દુખાવો જેવી સમસ્યા થઈ શકે. આવું ન થાય એટલે બાળક બ્રશથી દાંત ઘસીને કોગળા કરતાં ન શીખે ત્યાં સુધી તમારે તમારા સુપરવિઝન હેઠળ જ બાળકને બ્રશ કરાવવું જોઈએ.
કેટલી ટૂથપેસ્ટ વાપરવી?
ત્રણ વર્ષથી નાનું બાળક હોય તો તેને ચોખાના દાણા જેટલી જ ટૂથપેસ્ટ આપવી જોઈએ, જ્યારે ત્રણ વર્ષ અને એનાથી મોટી ઉંમરના લોકો વટાણાના દાણા જેટલી ટૂથપેસ્ટ યુઝ કરી શકે છે.