ઉનાળામાં યોગનાં એવાં આસનો ન કરો જે શરીરની ગરમી વધારે

12 May, 2025 03:56 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

યોગ ઋતુ પ્રમાણે અને વ્યક્તિની તાસીર પ્રમાણે બદલાય છે, એટલે જ સામાન્ય એક્સરસાઇઝથી ઉત્તમ મનાય છે

પ્રતીકાત્મક તસવીર

ઉનાળામાં એક્સરસાઇઝ કરવાનું કોઈ કહે તો અકળામણ થઈ ઊઠે છે. એક્સરસાઇઝ કરવાથી શરીર વધુ ગરમ થાય છે. ઘણા લોકો ઉનાળામાં એક્સરસાઇઝ કરવાનું ટાળે છે, પરંતુ યોગ સામાન્ય એક્સરસાઇઝથી એટલે જ ઉત્તમ માનવામાં આવતા હશે કારણ કે એ ઋતુ પ્રમાણે અને વ્યક્તિની તાસીર પ્રમાણે બદલાય છે. જેમ કે શિયાળામાં જે યોગ કરવામાં આવે છે એ ઉનાળાની ગરમીમાં કરવામાં આવતા નથી.

જ્યારે વ્યક્તિને ખૂબ કફ હોય ત્યારે જે યોગ કરવામાં આવે છે એ જુદા હોય છે અને જ્યારે વ્યક્તિને ખૂબ ઍસિડિટી હોય ત્યારે કરવામાં આવતા યોગ જુદા હોય છે. આ ફરક બીજી એક્સરસાઇઝમાં જોવા મળતો નથી. એવું નથી હોતું કે આજે ખૂબ ગૅસ થઈ ગયો છે તો વેઇટલિફ્ટિંગ અલગ રીતે કરીએ કે આજે વાતાવરણમાં ગરમી છે તો ઝુમ્બાનાં અમુક સ્ટેપ બદલી કાઢીએ. હાલ મુંબઈમાં પણ ભયંકર ગરમી છે. આ ગરમીને કારણે ફક્ત શરીર નહીં, મન પર પણ અસર પડે છે. જેમ કે અકળામણ વધી છે, ગુસ્સો આવે, ઇરિટેશન થાય, કોઈ થોડું પણ કંઈ કહે તો પિત્તો જાય, ભૂખ ન લાગે, ઊંઘ સરળતાથી ન આવે વગેરે. ગરમી પર કાબૂ કરવાનું અઘરું છે, પરંતુ આ બધાં જ ચિહ્‍નો પર યોગ દ્વારા કાબૂ કરી શકાય છે.

ગરમીમાં અમુક પ્રકારના પ્રાણાયામ છે જે કરવાથી ઘણો ફાયદો થાય છે. ઉનાળામાં ખાસ કરીને શીતલી અને સિત્કારી પ્રાણાયામ એવા છે જે શરીરને અંદરથી ઠંડક આપે છે. ઉનાળામાં યોગ કરવા હોય તો વહેલી સવારે ૯ વાગ્યા પહેલાં અને સાંજે ૫-૭ વચ્ચે કરવા જોઈએ. દિવસ દરમિયાન યોગ કરતા હો તો ખાસ ધ્યાન રાખવું, એવાં આસનો ન કરવાં જેથી શરીરની ગરમી વધે. એનાથી બૅલૅન્સિંગ ખોરવાય છે. યોગનો મૂળભૂત સિદ્ધાંત બૅલૅન્સ કરવાનો છે, બૅલૅન્સ ખોરવવાનો નહીં.  

ઊભા રહીને કરવાનાં આસનો ટાળવાં જોઈએ
સૂર્યનમસ્કાર ઉપયોગી છે પણ ઉનાળામાં એને વહેલી સવારે કે ઢળતી સાંજે જ કરો તો સારું. સૂર્યનમસ્કારથી શરીરમાં ઘણી હીટ જનરેટ થાય છે જે ઉનાળામાં યોગ્ય નથી. જો વાતાવરણમાં ગરમી વધુ હોય તો ઊભા રહીને કરવાનાં આસનો ન કરો અથવા ઓછાં કરો. સૂતાં-સૂતાં જે આસનો થાય એ કરી શકાય. એનર્જીને યોગ્ય રીતે વાપરવી એ પણ યોગનો જ નિયમ છે. એને ધ્યાનમાં રાખવો. સૂક્ષ્મ વ્યાયામ, જેને ઘણા લોકો વૉર્મ-અપ કહે છે એના પર ઉનાળામાં ખાસ ધ્યાન આપો અને એ વ્યવસ્થિત કરો. આ ઉપરાંત માઇલ્ડ સ્ટ્રેચિંગ કરો. એ કરતા હો ત્યારે ધ્યાન રાખો કે પાણીની કમી ન થાય, નહીંતર સ્નાયુ ખેંચાઈ જશે અને તકલીફ થશે. આ બાબતો આમ ઘણી નાની લાગે છે, પણ છે અતિ મહત્ત્વની. એનું પાલન કરવાથી આટલી ગરમીમાં પણ તમે યોગ કરી શકશો.

-હંસા યોગેન્દ્ર

Weather Update mumbai weather yoga health tips mental health life and style gujarati mid-day mumbai columnists