દીકરો બહુ ઢીલો છે, તેને સ્ટ્રૉન્ગ બનાવવા માટે શું કરવું?

30 July, 2021 12:56 PM IST  |  Mumbai | Sejal Patel

કદાચ તમને નહીં ગમે, પણ જ્યાં સુધી તમે પોતે તમારા દીકરાને નબળો માનશો ત્યાં સુધી તે નબળો જ રહેવાનો છે

પ્રતીકાત્મક તસવીર

મારો દીકરો પહેલેથી જ શરીર-મનથી નબળો છે. એને કારણે દરેક કામમાં તેના સપોર્ટમાં ઊભા રહેવું જ પડે. કોઈ તેને ઊંચા અવાજે બોલે તોય મારા પલ્લુમાં ભરાઈ જાય. સ્કૂલમાં જતો હતો ત્યારે પણ તે માંદલો જ રહેતો અને એટલે દોસ્તો સાથે પણ બહુ ઓછું રમતો. હવે છેલ્લા દોઢ વર્ષથી ઘરે ભણે છે ત્યારે પણ તેની પાસે એનર્જી હોતી જ નથી. તેને જૉગિંગ કરાવવા કે ગાર્ડનિંગ માટે બહાર લઈ જઈએ તોય તે ઢીલો હોય. સપોર્ટ ન કરીએ તો જાતે કશું જ ન કરે. નાની-નાની વાતે હર્ટ થઈ જાય અને થોડુંક વાગ્યું હોય તોય પંપાળ્યા કરે. તેને સ્ટ્રૉન્ગ બનાવવા માટે શું કરવું?

કદાચ તમને નહીં ગમે, પણ જ્યાં સુધી તમે પોતે તમારા દીકરાને નબળો માનશો ત્યાં સુધી તે નબળો જ રહેવાનો છે. તેને સપોર્ટ મળતો રહેશે ત્યાં સુધી તે સપોર્ટ વિના સ્વતંત્ર રીતે આગળ વધતાં નહીં શીખે. પેરન્ટ્સે સંતાનોને આંગળી આપીને ચલાવતાં શીખવવાનાં હોય. આંગળીથી વધુનો સપોર્ટ ન આપવો જોઈએ. જ્યારે તમે તેની કાખઘોડી બની ગયાં છો.  ચાલો, માની લઈએ કે તે ફિઝિકલી અને મેન્ટલી બહુ જ નબળો છે અને તેને સપોર્ટની જરૂર છે જ. પણ તેને કેવો સપોર્ટ મજબૂત બનાવશે અને કેવો સપોર્ટ વધુ નબળો બનાવશે એ બાબતે વિચારવાની જરૂર છે. આળપંપાળથી કદાચ તમે આજે તેને જાળવી લેશો, પણ આટલું એનર્જીલેવલ ઓછું હોય એનું શું?

દીકરો હજી સ્કૂલગોઇંગ છે એટલે કિશોરાવસ્થામાં હશે. આ જ ખરો સમય છે તેનો શારીરિક અને માનસિક બાંધો મજબૂત બનાવવાનો. સૌથી પહેલાં તો એનું મેડિકલ ચેક-અપ કરાવવું જોઈએ જેથી ખબર પડે કે તેને કોઈ ઇમ્યુન સિસ્ટમની બીમારી તો નથીને? જો એ રુલ આઉટ થઈ જાય એટલે એનર્જી લેવલ સુધરે અને સ્ટ્રૅન્ગ્થ વધે એ માટે તેની ફિઝિકલ ટ્રેઇનિંગ શરૂ કરવી જોઈએ. તે બે સ્કિલ્સ ઓછી શીખશે તો ચાલશે, પર તંદુરસ્તી તો જોઈશે જ. જે રમે એ પડે અને પડીએ તો વાગે તો ખરું જ. એ માટે રમતગમતની ઍક્ટિવિટીમાં તેને કોચની નિગરાનીમાં જોતરો. તેને મેન્ટલી સ્ટ્રૉન્ગ કરવા માટે બને તો કાઉન્સેલરની મદદ પણ લેવી જોઈએ. બાળક મનથી નિર્ભીક બને એ માટે તેને સપોર્ટની નહીં, પણ ચૅલેન્જિસની સાથે એનો સામનો કરવાની હૂંફનું તાપણું મળવું જોઈએ.

sejal patel health tips