20 August, 2025 02:48 PM IST | Mumbai | Yogita Goradia
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: AI)
આજથી ૩૦-૪૦ વર્ષ જૂની વાત કરીએ. લોકોનું જીવન ત્યારે કેવું હતું અને આજે કેવું છે એની એક કમ્પૅરિઝન જોઈએ તો ખ્યાલ આવશે કે તેમનું જીવન ઘડિયાળના કાંટે એકદમ ગોઠવાયેલું હતું. જેમ કે સવારે ૬ વાગ્યે બધા ઊઠી જ જાય. ઊઠીને નિત્યક્રમ પતાવી, ચા-નાસ્તો કરી કામે જાય. ૧૨ વાગ્યે તો જમવાની થાળી પડી જ ગઈ હોય. બપોરે ૪ વાગ્યે બરાબર ચાનો સમય અને સાંજે દિવસ આથમે એ પહેલાં જમી લેવાનું અને રાત્રે ૧૦-૧૦.૩૦ સુધીમાં ઊંઘી જવાનું. આ નિયમો ફક્ત બિઝનેસ કરનારા દુકાનદારો જ નહીં, નોકરિયાત વર્ગ, મજૂર વર્ગ કે ઘરમાં રહેતી હાઉસવાઇફ પણ પાળતી. કદાચ એ નિયમો નહોતા પણ લોકોની જીવવાની રીત હતી જે આજે ગણ્યાં-ગાંઠ્યાં ઘરોમાં પણ જોવા મળે પણ છે પરંતુ મોટા ભાગનાં મુંબઈનાં ઘરોમાં આજે કોઈ ખાસ સમય સાથે ચાલતો ક્રમ જોવા મળતો નથી જેનાથી લોકોની હેલ્થને ઘણું નુકસાન થઈ રહ્યું છે. જો તમે સમય પર નહીં જમો તો અઢળક હેલ્થ પ્રૉબ્લેમ્સ થઈ શકે છે.
તમે દિવસ દરમિયાન ઇરિટેશન અનુભવો, વગર કારણે ગુસ્સો આવે, ઉદાસી અનુભવાય અને ધીમે-ધીમે આવા કિસ્સાઓ વધતાં તમારો સ્વભાવમાં ઘણો બદલાવ આવે. જ્યારે શરીરની જરૂરિયાત યોગ્ય સમયે પૂરી ન થાય ત્યારે શરીરનું ગ્લુકોઝ લેવલ ઘટે. એને લીધે ગમે ત્યારે અશક્તિ લાગે અને શરીરમાં એનર્જીનું બૅલૅન્સ ગડબડાય. જ્યારે તમે સમય પર નથી ખાતા ત્યારે પાછળથી જયારે પણ ખાઓ ત્યારે જરૂરિયાત કરતાં વધારે જ ખવાય કારણ કે ભૂખ ખૂબ વધી જાય. આ કારણે વધારાનો ખોરાક શરીરમાં મેદના સ્વરૂપે સંગ્રહ થાય. જ્યારે સમય પર ખોરાક મળતો નથી ત્યારે મન ઑટોમૅટિક જન્ક ફૂડ અને ફાસ્ટ ફૂડ પ્રત્યે આકર્ષાય છે. મોટા ભાગના લોકોને એ અનુભવ હશે કે સવારથી કંઈ ખાધું ન હોય તો ઑફિસમાં બપોરે ટિફિનનાં રોટલી-શાક ખાવા કરતાં લારી પરના શેઝવાન રાઇસ વધુ સારા લાગતા હોય છે. બાકી જો તમારું રૂટીન બરાબર હોય તો તમે સંતોષથી ડબ્બો ખાઈ શકશો.
ડાયાબિટીઝ, બ્લડપ્રેશર, કૉલેસ્ટરોલ, ઓબેસિટી જેવા પ્રૉબ્લેમ્સ આજકાલ ખૂબ વધારે પ્રમાણમાં ફૂલ્યા ફાલ્યા છે એનું એક કારણ આ પણ છે કે લોકો યોગ્ય સમયે જમતા નથી. આજકાલ લોકોમાં અપચો, ઍસિડિટી, કબજિયાત,ગૅસ જેવા પ્રૉબ્લેમ્સ ખૂબ વધારે જોવા મળે છે એનું મુખ્ય કારણ રાત્રે ૭ વાગ્યા પછી ખવાતો ખોરાક છે. જો વ્યક્તિ એ બંધ કરી દે તો આ બધાથી મુક્તિ તરત જ મળી શકે છે. અનિયમિતપણે ખોરાક લેવાથી શરીરનું બૅલૅન્સ ખોરવાય છે તેથી આવી વ્યક્તિઓને ગરમી ખૂબ લાગે છે. એટલે કે શરીરનું ટેમ્પરેચર જળવાતું નથી. આજકાલ જે હૉર્મોનલ ઇમ્બૅલૅન્સ લોકોમાં જોવા મળે છે એની પાછળ પણ તેમના જમવા અને સૂવાના સમયની અનિયમિતતા ઘણા અંશે જવાબદાર હોય છે.