13 May, 2025 02:46 PM IST | Mumbai | Heena Patel
પ્રતીકાત્મક તસવીર
કૉપર-ઇન્ફ્યુઝ્ડ વૉટર બાદ હવે સિલ્વર-ઇન્ફ્યુઝ્ડ વૉટરને લઈને સોશ્યલ મીડિયા પર ચર્ચાએ જોર પકડ્યું છે. આ પાણી પીવાથી અનેક હેલ્થ-બેનિફિટ્સ થતા હોવાના દાવા થઈ રહ્યા છે. એવામાં આ પાણીથી ખરેખર ફાયદો થાય છે કે બસ એક હાઇપ ઊભી કરવામાં આવી છે એ વિશે નિષ્ણાત પાસેથી જાણી લઈએ
સોશિયલ મીડિયા પર આજકાલ સિલ્વર-ઇન્ફ્યુઝ્ડ વૉટર એટલે કે ચાંદીના બિસ્કિટ કે સિક્કાને માટલામાં નાખીને એ પાણી પીવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. આ પાણી પીવાથી સ્વાસ્થ્યને અનેક ફાયદા થતા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. સોશ્યલ મીડિયા પર આ ટ્રેન્ડ લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે. હજી થોડા સમય પહેલાં અભિનેત્રી કંગના રનૌતનો એક વિડિયો પણ ખૂબ વાઇરલ થયો હતો. એમાં તે ચાંદીના ગ્લાસમાં પાણી પી રહી હતી. આ વિશે પૂછવામાં આવતાં તેણે જણાવ્યું હતું કે ચાંદીના ગ્લાસમાંથી પાણી પીવાથી પિત્ત દોષને શાંત કરવામાં મદદ કરે છે. ફિટનેસ કોચ તેજલ પારેખે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શૅર કરી છે. એમાં તેણે કહ્યું છે કે તે છેલ્લાં ૧૦ વર્ષથી માટલામાં સિલ્વર કૉઇન નાખે છે, આ પાણી તેના પરિવારની અને ખાસ કરીને તેનાં બાળકોની ઇમ્યુનિટી માટે ગેમચેન્જર સાબિત થયું છે. નોંધનીય છે કે અગાઉના જમાનામાં રાજા-મહારાજાઓ પણ ચાંદીના ગ્લાસમાં પાણી પીતા હતા. એવામાં હવે ફરી સિલ્વર-ઇન્ફ્યુઝ્ડ વૉટરે લોકોમાં ચર્ચા જગાવી છે ત્યારે આના વિશે એક્સપર્ટનો મત જાણી લઈએ.
આયુર્વેદ શું કહે છે?
સિલ્વર-ઇન્ફ્યુઝ્ડ વૉટરથી શરીરને કઈ રીતે ફાયદો થાય છે એ વિશે જણાવતાં આયુર્વેદમાં ૧૬ વર્ષનો અનુભવ ધરાવતા અને વિશ્વાકૅર નામનું ક્લિનિક ચલાવતાં ડૉ. જૈના પટવા કહે છે, ‘ખરાબ ખાનપાન અને ગરમીને કારણે શરીરમાં પિત્ત વધી જતું હોય છે. શરીરમાં પિત્ત હોય તો ઍસિડિટી થઈ જાય, બહુ ઓડકાર આવે, પેટમાં દુખે, ઊલટી જેવું થાય, માથું દુખે, અંધારાં આવી જાય વગેરે જેવી સમસ્યા થઈ જતી હોય છે. એવામાં જો સિલ્વર-ઇન્ફ્યુઝ્ડ પાણી પીવામાં આવે તો શરીરની ગરમી ઓછી કરવામાં મદદ મળે છે કારણ કે ચાંદીમાં કુદરતી રીતે જ કૂલિંગ પ્રૉપર્ટીઝ હોય છે. પાચનને સુધારવામાં પણ સિલ્વર-ઇન્ફ્યુઝ્ડ વૉટર મદદરૂપ બને છે. આયુર્વેદમાં વાત, પિત્ત અને કફ દોષની વાત કરવામાં આવે છે જે આપણા આખા શરીરમાં હોય છે. આપણા શરીરનો મધ્ય ભાગ એટલે કે પેટનો ભાગ પિત્તનું મુખ્ય સ્થાન છે. એટલે કે ત્યાં પિત્ત વધારે હોય. બીજી બાજુ આપણું પાચનતંત્ર છે એ પણ પેટના ભાગે જ સ્થિત હોય છે. જો શરીરમાં પિત્ત સંતુલિત હોય તો આપોઆપ પાચન પણ સારું જ રહેવાનું છે. એટલે જ રાજા-મહારાજાઓના જમાનામાં ચાદીના વાસણમાં જમવાનો રિવાજ હતો. શરીરમાં પિત્તના અસંતુલનના કારણે ઍક્ને, રોસેશિયા, રૅશિસ જેવી ત્વચાસંબંધિત સમસ્યા થતી હોય છે તો એવામાં પણ સિલ્વર-ઇન્ફ્યુઝ્ડ વૉટર ફાયદો પહોંચાડી શકે છે. વાતને સંતુલિત કરવામાં પણ આ પાણી મદદ કરી શકે. શરીરમાં જો વાત વધી જાય તો વિચારવાયુ થઈ જાય, રાત્રે સરખી ઊંઘ ન આવે વગેરે જેવી સમસ્યા થાય છે. સિલ્વરમાં ઍન્ટિબૅક્ટેરિયલ પ્રૉપર્ટી હોય છે એટલે ઘા વાગ્યો હોય ત્યાં ઇન્ફેક્શન ન થાય અને ઝડપથી રૂઝ આવે એ માટે સિલ્વરનો ઉપયોગ થાય છે. સિલ્વરમાં ઍન્ટિમાયક્રોબિયલ પ્રૉપર્ટી હોય છે જે લાંબો સમય સુધી પાણીને તાજું રાખે છે અને હાનિકારક બૅક્ટેરિયાથી મુક્ત રાખે છે. જૂના જમાનામાં વૉટર પ્યુરિફાયર કે ફ્રિજની સુવિધા નહોતી એ સમયે ખાદ્યસામગ્રીને ચાંદીના કન્ટેનરમાં સ્ટોર કરીને રાખવામાં આવતી અને પાણી પીવા માટે ચાંદીના ગ્લાસનો ઉપયોગ થતો. ઘરઘરાઉ આ રીતે સિલ્વર-ઇન્ફ્યુઝ્ડ વૉટર બનાવવામાં આવે છે એ ઠીક છે, બાકી આયુર્વેદમાં અમે ધાતુને પ્રોસેસ કરીને એમાંથી ભસ્મ બનાવીને એનો દવા તરીકે ઉપયોગ કરીએ છીએ.’
આયુર્વેદમાં કુદરતી ધાતુઓના મહત્ત્વ અને એના ઉપયોગ વિશે માહિતી આપતાં ડૉ. જૈના પટવા કહે છે, ‘આયુર્વેદમાં એક તો પ્લાન્ટ-બેઝ્ડ મેડિસિન એટલે કે જડીબુટ્ટીઓ આપવામાં આવે. એની અસર થતાં વાર લાગે. જૂના જમાનામાં તો વૈદ્યો ઘરની બહારના બગીચામાંથી જ જડીબુટ્ટીઓ તોડીને કૂટી આપતા. એ સમયે આ બધી ઔષધીઓ વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ હતી. હવે એવું રહ્યું નથી. અત્યારે તો મોટા ભાગે ચૂર્ણ જ મળે છે. એટલે ક્રૉનિક ડિસીઝ હોય અને જેમાં ઝડપી પરિણામ જોઈતું હોય એમાં ધાતુનો ઉપયોગ થાય છે. આયુર્વેદમાં કુદરતી ધાતુઓ સોના, ચાંદી, તાંબાનું ખૂબ મહત્ત્વ છે. આયુર્વેદ દવામાં અમે ધાતુઓની ભસ્મ વાપરીએ છીએ જેથી એ શરીરમાં સરળતાથી શોષાઈ જાય. બાળકોને અમે સુવર્ણ પ્રાશન આપીએ છીએ તો એમાં સોનાની સાથે ચાંદી પણ હોય છે. સામાન્ય રીતે બાળકોમાં શરદી-ખાંસીની સમસ્યા છાશવારે જોવા મળતી હોય છે. એવામાં તેમની ઇમ્યુનિટી મજબૂત કરવા માટે અમે તેમને આ આપીએ છીએ. મોટાઓ માટે પણ સોના-ચાંદી ચ્યવનપ્રાશ આવે છે. કૅન્સરના દરદીની સારવાર અમે રસાયણ ગુણ ધરાવતા દ્રવ્યોથી કરીએ છીએ જેમાં હીરક, સુવર્ણ અને રૌપ્ય એટલે કે ડાયમન્ડ, સોનું અને ચાંદી આ ત્રણ ધાતુનો ઉપયોગ કરવામાં આવે છે. આને લઈને ઘણાં રિસર્ચ પણ થયાં છે. મૉડર્ન સાયન્સ એવું કહે છે કે પારો સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, પણ આયુર્વેદમાં તો એને પણ મહત્ત્વ આપવામાં આવ્યું છે. ધાતુને યોગ્ય રીતે પ્રોસેસ કરીને તેમ જ યોગ્ય માત્રામાં એ લેવામાં આવે તો સ્વાસ્થ્ય માટે એ શ્રેષ્ઠ સાબિત થાય છે.’
મૉડર્ન સાયન્સ શું કહે છે?
સિલ્વર-ઇન્ફ્યુઝ્ડ વૉટર પીવાના જે ફાયદા ગણાવવામાં આવી રહ્યા છે એમાં કેટલો દમ છે એ વિશે વાત કરતાં ૧૮ વર્ષનો અનુભવ ધરાવતાં ડાયટિશ્યન અપેક્ષા ઠક્કર કહે છે, ‘આપણી ટ્રેડિશન રહી છે કે ચાંદીના સિક્કાને માટીના માટલામાં રાતભર માટે રાખી મૂકે અને બીજા દિવસે આખો દિવસ એ પાણીનું સેવન કરે. આ એક ભારતીય માન્યતા છે અને એટલે એના કોઈ વૈજ્ઞાનિક પુરાવાઓ હોય એ જરૂરી નથી. આયુર્વેદમાં આના ઘણા ફાયદા જણાવાયા છે, પણ મૉડર્ન સાયન્સ આને એટલું સપોર્ટ કરતું નથી. એટલે તમે દાદી-નાનીના નુસખા સમજીને ટ્રાય કરી શકો. સામાન્ય રીતે એમ કહેવાય કે ચાંદીના સિક્કાને માટલામાં રાતભર માટે રાખી મૂકીએ ત્યારે સિલ્વર આયન્સ હોય છે એ પાણીમાં ભળી જાય અને એને કારણે ઍન્ટિમાઇક્રોબિયલ ઇફેક્ટ મળે છે. એટલે કે પાણીમાં બીમારી ફેલાવતા જે પણ બૅક્ટેરિયા હોય એને એ મારી નાખે અને પાણીને શુદ્ધ રાખે. જેમ કે ઈ.કોલી નામના એક બૅક્ટેરિયા છે જે સૌથી વધુ પાણીના માધ્યમથી જ ફેલાય છે. સિલ્વર આવા બૅક્ટેરિયાનો નાશ કરીને એને વધતા રોકે છે. જો તમારું પાણી શુદ્ધ હોય તો તમે અનેક બીમારીથી આપોઆપ બચી જાઓ. તમારા શરીરમાં બૅક્ટેરિયાનો લોડ ન વધે. તમારી ઇમ્યુનિટી મજબૂત રહે. આ રીતનું સિલ્વર-ઇન્ફ્યુઝ્ડ વૉટર કૂલિંગ અને આલ્કલાઇઝિંગ ઇફેક્ટ આપે છે. માટલામાં જે પાણી સ્ટોર કરવામાં આવે એ થોડું આલ્કલાઇન બની જતું હોય છે, જે શરીરમાં ઍસિડિટીનું પ્રમાણ ઓછું કરવામાં મદદ કરશે. એમાં પણ તમે સિલ્વર-ઇન્ફ્યુઝ્ડ થયેલું પાણી પીશો તો એ તમારા શરીરને વધુ આલ્કલાઇન કરશે. આપણું શરીર જેટલું વધુ આલ્કલાઇન હોય તમે એટલા વધુ હેલ્ધી રહેશો. તમને ઍસિડ રિફ્લક્સ, અપચો, ગૅસની સમસ્યા હોય એમાં મદદ કરશે. આ પાણી પીવાથી સાઇકોલૉજિકલ બેનિફિટ્સ પણ થાય છે. સિલ્વરને ચંદ્રની શીતળ એનર્જી સાથે જોડીને જોવામાં આવે છે. એટલે એ તમને મનની શાંતિ આપે. સ્ટ્રેસમાં ઘટાડાનો અનુભવ થાય. મેડિકલમાં એક શબ્દ છે પ્લસીબો. એટલે કે જેમાં એ વસ્તુ ખરેખર કામ ન કરતી હોય પણ તેમ છતાં વ્યક્તિને એનાથી ફાયદો થાય છે, કારણ કે એ વ્યક્તિની માન્યતા સાથે જોડાયેલી હોય છે. સિલ્વર ઇન્ફ્યુઝ્ડ-વૉટરનો નુસખો અજમાવતી વખતે કેટલીક વસ્તુનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. જેમ કે તમે જે ચાંદીનો સિક્કો વાપરો એ ૯૯ ટકા પ્યૉર સિલ્વરનો બનેલો હોવો જોઈએ અને સિક્કાને સ્વચ્છ રાખવા માટે એને વખતોવખત સાફ કરતા રહેવું જોઈએ, નહીંતર એ સ્વાસ્થ્ય પર અવળી અસર કરી શકે છે. આ રીતે ઘરે બનાવેલા સિલ્વર-ઇન્ફ્યુઝ્ડ વૉટરમાં સિલ્વર આયન્સની જે માત્રા હશે એ ખૂબ ઓછી અથવા તો નહીં બરાબર હોય છે એટલે એનો એટલોબધો ફાયદો થાય એ જરૂરી નથી.’
તમે જે ચાંદીનો સિક્કો વાપરો એ ૯૯ ટકા પ્યૉર સિલ્વરનો બનેલો હોવો જોઈએ અને સિક્કાને સ્વચ્છ રાખવા માટે એને વખતોવખત સાફ કરતા રહેવું જોઈએ, નહીંતર એ સ્વાસ્થ્ય પર અવળી અસર કરી શકે છે.