ઓછું હીમોગ્લોબિન છે સ્ત્રીઓમાં ચિંતાનો વિષય

12 November, 2024 04:30 PM IST  |  Mumbai | Dr. Suruchi Desai

ભારતમાં ઘણા રોગો છે જેને પબ્લિક હેલ્થ પર ખતરો માનવામાં આવ્યા છે જેમાંનો એક રોગ છે એનીમિયા. આ રોગ કોઈ પણને થઈ શકે છે પરંતુ ભારતીય સ્ત્રીઓમાં પુરુષોની સરખામણીએ આ રોગ વધુ જોવા મળે છે.

પ્રતીકાત્મક તસવીર

ભારતમાં ઘણા રોગો છે જેને પબ્લિક હેલ્થ પર ખતરો માનવામાં આવ્યા છે જેમાંનો એક રોગ છે એનીમિયા. આ રોગ કોઈ પણને થઈ શકે છે પરંતુ ભારતીય સ્ત્રીઓમાં પુરુષોની સરખામણીએ આ રોગ વધુ જોવા મળે છે. ભારતીય સ્ત્રીઓમાં ખાસ કરીને ગરીબ ઘરની સ્ત્રીઓ છે તે કુપોષણનો શિકાર બનીને એનીમિક બને છે જ્યારે વ્યવસ્થિત ઘરની સ્ત્રીઓમાં પોતાની હેલ્થ પ્રત્યેની બેદરકારી, સાચા ખોરાકની પસંદગીનો અભાવ અને કેટલાક કેસમાં વગર વિચાર્યું ડાયટિંગ પણ જવાબદાર બને છે. આયર્નયુક્ત ખોરાક ખૂબ જ જરૂરી છે જે શરીરમાં આયર્ન એટલે કે લોહતત્ત્વની ઊણપને પૂરી કરે છે. આયર્નની ઊણપ સિવાયનાં બીજાં કેટલાંક કારણો છે જેને કારણે પણ એનીમિયા થઈ શકે છે જેમાં વિટામિન B12ની કમી એક મહત્ત્વનું કારણ છે. આ વિટામિનની કમી શાકાહારી લોકોમાં ખાસ જોવા મળે છે જેને માટે સપ્લિમેન્ટ્સ લેવાં જરૂરી છે. આ સિવાય ફોલેટ અને વિટામિન Aની ઊણપ, લાંબા ગાળાનું ઇન્ફ્લૅમેશન, પૅરાસિટિક ઇન્ફેક્શન એટલે કે કરમિયાં જેવા રોગોને કારણે પણ એનીમિયા થઈ જાય છે.

પ્રેગ્નન્સીમાં સ્ત્રીને વધુ આયર્નની જરૂર પડે છે. તેથી જ સરકારે દરેક પ્રેગ્નન્ટ સ્ત્રીને તેનું હીમોગ્લોબિન બરાબર હોય કે ન હોય, આયર્ન સપ્લિમેન્ટ ફરજિયાતપણે લેવાં જરૂરી છે એવી હિમાયત કરી છે કારણ કે પ્રેગ્નન્સી દરમિયાન જે સ્ત્રીમાં હીમોગ્લોબિન વધારે હોય અથવા કહીએ કે પૂરતું હોય તેનું પણ ખૂબ વધુ માત્રામાં વપરાઈ જાય છે. પ્રેગ્નન્સી પછી પણ જ્યારે મા બાળકને સ્તનપાન કરાવતી હોય છે ત્યારે પણ તેણે સપ્લિમેન્ટ લેવાં જ જોઈએ.’

એનીમિક સ્ત્રીઓ એકદમ ફીકી દેખાય છે. કામ કરતાં-કરતાં થાકી વધુ જાય છે. પહાડ ચડવા કે ડાન્સ કરવા જેવી અનહદ શારીરિક ક્ષમતા માગી લેતી ક્રિયાઓ તેઓ કરી શકતી નથી. જો પ્રેગ્નન્સી દરમિયાન આયર્ન ઘટી જાય તો સ્ત્રીને એ દરમિયાન હાઈ બ્લડ-પ્રેશર થવાની પૂરી શક્યતા છે જેને લીધે પ્રીમૅચ્યોર ડિલિવરી, સ્ટીલ બર્થ, ઓવરવેઇટ બાળક જેવાં ઘણાં કૉમ્લીકેશન આવવાની શક્યતા રહેલી છે. આ ઉપરાંત ડિલિવરી પછી એ સ્ત્રીને બ્લીડિંગને લગતા કોઈ પ્રૉબ્લેમ પણ સંભવી શકે છે. જે સ્ત્રીઓને માસિક દરમિયાન વધારે સ્રાવ થાય છે તેમનું હીમોગ્લોબિન ઓછું થઈ જાય છે એ જ રીતે જે સ્ત્રીઓનું હીમોગ્લોબિન ઓછું હોય તેમને માસિક દરમિયાન વધુ સ્રાવ થઈ શકે છે. ખાસ કરીને ૪૦ વર્ષથી ઉપરની ઉંમરની સ્ત્રીઓમાં આ પ્રૉબ્લેમ્સ જોવા મળે છે.

health tips life and style mumbai gujarati mid-day columnists