કબૂતર સિવાય ફેફસાં માટે શું-શું જોખમી છે?

15 July, 2025 12:37 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કબૂતરને કારણે થતું પ્રદૂષણ ઇન્સેસ્ટિશિયલ લંગ ડિસીઝ નામની બીમારી કરે છે જેનો કોઈ ઇલાજ જ નથી. ફેફસાંનું ફાઇબ્રોસિસ જીવલેણ પણ બની શકે છે.

પ્રતીકાત્મક તસવીર

મુંબઈમાં જીવદયાપ્રેમીઓ કબૂતરખાનાના વિરોધનો વિરોધ કરી રહ્યા છે પરંતુ એક વસ્તુ સમજો કે જ્યારે લાખો-કરોડો વર્ષ પહેલાં આપણાં ફેફસાં બન્યાં હશે ત્યારે હવામાં પ્રદૂષણનું પ્રમાણ ઓછું હતું. ઑક્સિજનનું લેવલ હવામાં વધારે હતું. માન્યું કે વર્ષોથી આપણે ત્યાં કબૂતરોને ચણ આપવાની પરંપરા છે પરંતુ ત્યારે ગામમાં લોકોના રહેઠાણથી દૂર આવેલા મંદિરમાં કબૂતરોને દાણા નખાતા. લોકોના સંપર્કમાં એમનું આવવાનું ઓછું હતું. અત્યારે જે રીતે હવામાં પ્રદૂષણ વધી રહ્યું છે એ જોતાં જો તમે કબૂતરને અવૉઇડ કરી શકતા હો તો અવૉઇડ કરો કારણ કે હવામાં રહેલાં કેમિકલ્સ, ધૂળ, માટી, ગૅસિસ વગેરે પણ ફેફસાંને નુકસાન તો કરે જ છે પરંતુ કબૂતરને કારણે થતું પ્રદૂષણ ઇન્સેસ્ટિશિયલ લંગ ડિસીઝ નામની બીમારી કરે છે જેનો કોઈ ઇલાજ જ નથી. ફેફસાંનું ફાઇબ્રોસિસ જીવલેણ પણ બની શકે છે. એ સિવાય ઘરમાં ઉપયોગમાં લેવાતી ઘણી વસ્તુઓ છે જે ફેફસાંને નુકસાન કરનારી છે. મચ્છરોને ભગાડવા માટે આપણે આખી-આખી રાત વિવિધ રેપેલન્ટ લગાવતા હોઈએ છીએ. ઘરમાં ચોમાસામાં ફિનાઇલનો વધુપડતો ઉપયોગ થતો હોય છે, ઘરમાં થતાં ધૂપ, અગરબત્તી, તમે રસોઈ બનાવો એના વઘારનો ધુમાડો, પરફ્યુમ્સ, ફ્રૅગ્રન્સવાળા સાબુ, શૅમ્પૂ જેવું બધું જ શ્વાસ વાટે ફેફસાંમાં જાય તો એ નુકસાન કરે. ફેફસાંના સ્વાસ્થ્ય માટે એક જ રસ્તો છે શુદ્ધ, પ્યૉર હવા તમારા શ્વાસમાં જાય. અત્યારે શ્વાસમાં જતી હવા જ આપણને મારી રહી છે. તાજેતરમાં જ એક સર્વે અમે કરેલો જેમાં ખબર પડી કે મુંબઈમાં યંગસ્ટર્સનાં પચાસ ટકા લંગ્સ ખરાબ થઈ ગયાં છે. આ યુવા વર્ગ ૬૦ વર્ષની ઉંમરે પહોંચશે ત્યાં સુધી તો કદાચ તેઓ જીવતા પણ નહીં હોય. આ સમય જાગવાનો છે. આપણી સામે એક્ઝિસ્ટેન્શિયલ ક્રાઇસિસ એટલે કે અસ્તિત્વ સામે ખતરો ઊભો થયો છે. તમે તમારા પક્ષેથી ઘરમાં થતા પ્રદૂષણને અટકાવો. કબૂતરો થકી ફેલાતા રોગોને અટકાવો. વૃક્ષો વાવો. સ્વચ્છતા લાવો. અને ફરજ પાડો કે મુંબઈની હવા પાછી બહેતર બને. લંડનમાં આવું થઈ ચૂક્યું છે. સો વર્ષ પહેલાં ત્યાંની હવા એટલી ખરાબ હતી કે ભર દિવસે સાંજ જેવું વાતાવરણ રહેતું, પણ સરકાર અને આમ નાગરિકના સહિયારા પ્રયાસથી પરિસ્થિતિ બદલાઈ છે. મુંબઈની સ્થિતિ તો લંડન કરતાં હજી બહેતર છે. વધુ બગડે એ પહેલાં ચેતી જઈને ઉચિત પગલાં લેવાં જોઈએ.

health tips life and style mumbai gujarati mid day columnists air pollution environment