૪૦-૫૦ વર્ષની ઉંમર દરમ્યાન સ્ત્રીઓનું વજન કઈ રીતે વધી જાય છે?

03 July, 2025 12:54 PM IST  |  Mumbai | Jigisha Jain

મેનોપૉઝ આવવાની તૈયારી હોય અથવા એ આવી ગયો હોય. આ ગાળામાં તમે કંઈ ખોટું નહીં કરો તો પણ કુદરતી રીતે ૩-૫ કિલો જેટલું વજન વધે જ છે

પ્રતીકાત્મક તસવીર

આ ઉંમર દરમિયાન મેનોપૉઝ આવવાની તૈયારી હોય અથવા એ આવી ગયો હોય. આ ગાળામાં તમે કંઈ ખોટું નહીં કરો તો પણ કુદરતી રીતે ૩-૫ કિલો જેટલું વજન વધે જ છે. જો આ સમયમાં ધ્યાન ન રાખવામાં આવે તો સ્ત્રીઓનું ૧૦-૨૦ કિલો વજન પણ વધી શકે છે, જે ઉતારવું અત્યંત મુશ્કેલ બની શકે છે. આ વધેલું વજન ઘૂંટણના દુખાવા, ડાયાબિટીઝ અને હાર્ટ-પ્રૉબ્લેમ્સને તાણી લાવે છે એટલે આ સમયગાળા દરમિયાન વધતા વજન માટે જાગ્રત રહેવું જરૂરી છે. આજે જાણીએ આ દરમિયાન વધતા વજન પાછળ કયાં શારીરિક કારણો જવાબદાર છે

૪૮ વર્ષની નિકિતા પરિવાર સાથે એક અઠવાડિયાના વેકેશન પર બાલી ફરવા ગઈ. ખૂબ મજા કરી. ખૂબ નવી-નવી વાનગીઓ ખાધી અને અઠવાડિયું ભરપૂર પાર્ટીઓ કરી. ઘરે આવ્યા અને વજન ચેક કર્યું તો બાળકોનું ફક્ત ૧ કિલો, પતિનું દોઢ કિલો અને નિકિતાનું ૩ કિલો જેટલું વજન વધી ગયું હતું. રૂટીન બધાનું સરખું હતું. ખાધું બધાએ સરખું, છતાં બીજા બધા કરતાં તેનું વજન વધારે કેમ? નિકિતા વિચારતી હતી કે એવું તેણે શું અલગ કર્યું કે જેનાથી બીજા બધાની સરખામણીમાં તેનું વજન જ વધારે વધ્યું?
 
૪૫ વર્ષની રિયા લગ્નપ્રસંગમાં ગઈ ત્યારે બધાએ મજાક કરી કે ફરીથી કોઈ ગુડ ન્યુઝ આપવાની છે કે શું? આ મજાકથી તે ઝંખવાઈ ગઈ. સાડીમાં પાલવમાંથી દેખાતા ફૂલી ગયેલા પેટને તેણે ઢાંકવાની કોશિશ કરી. તે તો હેલ્થ માટે એકદમ સજાગ હતી. દરરોજ જે રૂટીનમાં જે ખાતી હતી એ જ ખોરાક તે લઈ રહી હતી. લાઇફસ્ટાઇલ પણ કોઈ પણ જાતના બદલાવ વગરની હતી. તેનું શરીર પહેલાં કરતાં વધુ ભરાવદાર કેમ લાગવા લાગેલું, પેટ કેમ વધી ગયેલું એ તેને સમજાતું નહોતું.

ઉપરના બન્ને કેસમાં નોંધવાલાયક બાબત એ છે કે નિકિતા અને રિયા બન્નેની ઉંમર ૪૦-૫૦ વર્ષની વચ્ચેની હતી. ૪૦-૫૦ વર્ષની ઉંમરની સ્ત્રીઓ પેરિમેનોપૉઝલ અને મેનોપૉઝલ ગણાય છે. એટલે કે કાં તો તેમનો મેનોપૉઝ આવવા પહેલાંની અવસ્થા ચાલી રહી છે અને કાં તો મેનોપૉઝ આવી ગયો છે. આ અવસ્થામાં ઘણાબધા શારીરિક બદલાવમાંથી તેણે પસાર થવું પડે એ સહજ છે. એમાંથી એક બદલાવ છે મેનોપૉઝલ વેઇટ-ગેઇન. મેનોપૉઝનો ૫-૭ વર્ષનો ગાળો દરેક વ્યક્તિ માટે જુદો-જુદો હોય છે, પણ આ ગાળા દરમિયાન વજન વધવું એ એક શારીરિક પ્રક્રિયા છે. એટલે જો તમે આ એજ-ગ્રુપમાં હો અને વજન વધ્યું હોય કે પહેલાં જેવી જ લાઇફસ્ટાઇલ હોવા છતાં અચાનક તમે વધુ ભરાવદાર દેખાવા લાગ્યા હો કે વજનકાંટા પર આંકડો આગળ વધતો દેખાય તો ચિંતા ન કરતાં, આ સમય જ એવો છે. દુનિયાની દરેક સ્ત્રીને આ ઉંમરના ગાળામાં ઓછે-વત્તે અંશે વજન વધે જ છે. એની પાછળનાં શારીરિક કારણો પહેલાં સમજીએ.

હૉર્મોન્સમાં પણ બદલાવ

મેનોપૉઝ વખતે સ્ત્રીના શરીરની ઊથલપાથલ એટલે તેનાં હૉર્મોન્સમાં આવનારો બદલાવ, જે વિશે વાત કરતાં ગાયનેકોલૉજિસ્ટ ડૉ. બંદિતા સિંહા કહે છે, ‘આ સમયગાળા દરમિયાન ઓવરીમાંથી રિલીઝ થતું એસ્ટ્રોજનનું પ્રમાણ ઘટતું જાય છે, જેની સીધી અસર મેટાબોલિઝમ એટલે કે ચયાપચયની ક્રિયા અને ફૅટ સ્ટોરેજ પર પડે છે. મેટાબોલિઝમ ધીમું પડે એટલે સ્ત્રીનો BMR એટલે કે બેસલ મેટાબોલિક રેટ પણ ઓછો થાય છે એટલે કે પહેલાં જ્યારે શરીર આરામ કરતું હોય ત્યારે જેટલી કૅલરી બર્ન થતી હોય એનાથી ઘણી ઓછી કૅલરી હવે આ ઉંમરમાં બર્ન થશે. આમ કૅલરી જેટલી તમે લો છો એટલી જો ખર્ચાય નહીં તો વજન તો વધશે જને.’

પેટ પર જમા થતી ચરબી

પુરુષો અને સ્ત્રીઓની ઓબેસિટીમાં ફરક હોય છે. સ્ત્રી જાડી હોય તો તે હિપ્સ અને સાથળથી જાડી દેખાતી હોય છે અને પુરુષોમાં મેદસ્વિતા તેમના પેટ પર દેખાતી હોય છે, પરંતુ જેવું એસ્ટ્રોજન શરીરમાંથી ઓછું થાય કે સ્ત્રીના શરીરમાં મેદ જમા થવાની જગ્યા બદલાઈ જાય છે. એ વિશે વાત કરતાં ડૉ. બંદિતા સિંહા કહે છે, ‘સામાન્ય રીતે સ્ત્રીઓના શરીરમાં વજન વધે ત્યારે ફૅટ હિપ્સ અને સાથળમાં જમા થતી હોય છે. એના બદલે ફૅટ પેટ પર વધુ જમા થવાની શરૂઆત થઈ જાય છે, જેને મેનોપૉઝલ બેલી તરીકે પણ ઓળખાય છે. ઘણી સ્ત્રીઓને આ બાબતે ચિંતા થાય છે, કારણ કે પેટ પર ચરબી જમા થવી એટલે ટાઇપ-ટૂ ડાયાબિટીઝ, હાર્ટ-ડિસીઝને આવકારવાની વાત થઈ. આમ આ સમયમાં પાચન પર અસર પડે છે અને જે પણ ખાઓ એમાં ફૅટનું સ્ટોરેજ પેટ પર થાય છે એટલે પેટ પર ચરબી દેખાય છે.’

ભૂખમાં બદલાવ

એસ્ટ્રોજન હૉર્મોનનો શરીરમાં એક બીજો રોલ પણ છે. એ વિશે વાત કરતાં હોમિયોપૅથ અને ન્યુટ્રિશનિસ્ટ કોમલ ગાંધી કહે છે, ‘એસ્ટ્રોજન જ્યારે વધે કે ઘટે ત્યારે બીજાં હૉર્મોન્સ પર પણ અસર કરે છે. જેમ કે ભૂખ અને સંતોષ માટે જવાબદાર હૉર્મોન છે ઘ્રેલિન અને લેપ્ટિન. આ અસર એવી હોય છે જેને લીધે અચાનક સ્ત્રીની ભૂખ મરી જાય કે એકદમ જ તેને ખૂબ ભૂખ લાગે. એટલું ઓછું હોય એમ તેને ક્રેવિંગ્સ ખૂબ થાય. આ સમયમાં તમે જોશો કે સ્ત્રીઓ આઇસક્રીમના ટબ લઈને બેઠી હોય કે ફાસ્ટ ફૂડ તેને અતિ ભાવતું હોય કે ચૉકલેટ્સ જે તેણે ક્યારેય બાળક બનીને પણ ન ખાધી હોય એ અત્યારે આ વયે ભરપૂર ખાતી થઈ ગઈ હોય છે. કોઈ પણ હાઈ કૅલરી ફૂડ ખાઈને તેને શાંતિ મળે છે એટલે તે એના પર તૂટી પડતી જોવા મળે છે.’

ઉંમર સાથે સ્નાયુ ઘસાય

જેના શરીરમાં સ્નાયુઓનો બાંધો સશક્ત હોય એ એકદમ ફિટ બૉડી કહેવાય, કારણ કે વધુ કૅલરીનો સ્નાયુઓ ઉપયોગ કરતા હોય છે. એ વિશે વાત કરતાં કોમલ ગાંધી કહે છે, ‘આપણે ત્યાં સ્ત્રીઓ એક્સરસાઇઝ કરતી કે જિમ જતી જોવા મળતી નથી. ખાસ કરીને હાઉસવાઇફ, જેમણે આખું જીવન પરિવાર પાછળ આપી દીધું હોય છે અને વર્કિંગ વિમેનને તો આમ પણ કામ અને ઘર વચ્ચે પોતાના માટે સમય મળતો જ નથી હોતો. આવામાં તેના સ્નાયુઓ ડેવલપ થયેલા નથી હોતા. ઉંમર થાય એટલે આમ પણ સ્નાયુઓનો ઘસારો તો થવાનો જ છે જેને મસલ-લૉસ કહેવાય છે. જેના શરીરમાં મસલ વધુ તે કૅલરી વધુ બાળી શકે છે અને વજન ઓછું રાખી શકે છે. પરંતુ આ ઉંમરે સ્ત્રીઓમાં એ મસલનો જથ્થો પણ ઘટે છે, જેને લીધે વધેલું વજન તેને ઓછું કરવું હોય તો એ સરળતાથી ઓછું થતું નથી. વળી આ ઉંમરમાં સાંધાના દુખાવા શરૂ થાય છે, થાક વધુ લાગે છે. વ્યસ્તતા તો એટલી જ રહે છે પણ થાક વધતો જાય છે. આ બધામાં ઍક્ટિવિટીમાં ઘટાડો થતો જ જાય છે. આ બધું એ રીતે બને છે કે સ્ત્રીને એકદમ સમજ નથી પડતી પણ ઉંમરના આ બદલાવને તે દરેક ક્ષણે ફીલ કરી શકે છે.’

બીજાં કારણો

મેનોપૉઝને કારણે ઘણાં બીજાં ચિહ્‍નો પણ જોવા મળે જ છે. એ વિશે વાત કરતાં ડૉ. બંદિતા સિંહા કહે છે, ‘હૉટ ફ્લશિસ અને રાત્રે ઊંઘમાં એકદમ જ પરસેવો વળી જવો એ એકદમ સામાન્ય ચિહ્‍નો છે જે મેનોપૉઝલ સ્ત્રીઓમાં જોવા મળે છે. એને કારણે સ્ત્રીની ઊંઘ ડિસ્ટર્બ થાય છે. તે વારંવાર ઊઠી જાય છે. આમ અપૂરતી ઊંઘને કારણે તેની હાલત વધુ ખરાબ થાય છે. વધુ થાક, વધુ આળસ અને લો એનર્જી થઈ જાય છે; જેને લીધે એક્સરસાઇઝ પૉસિબલ બનતી નથી. વળી, મૂડ-સ્વિંગને કારણે જે એક હેલ્ધી રૂટીન ફૉલો થવું જોઈએ એ પણ કરવું થોડું અઘરું બને છે. આ દરમિયાન ઘણી સ્ત્રીઓને ડિપ્રેશન અને ડરનો સામનો પણ કરવો પડે છે. આવા ઇમોશનલ બદલાવ સ્ત્રીઓમાં ઇમોશનલ ઈટિંગને પોષે છે. આ જે સ્ટ્રેસ વધે એ કૉર્ટિઝોલ લેવલ વધારે છે અને એ પેટના ઘેરાવમાં વધારા માટે જવાબદાર છે.’

ડૉ. કોમલ ગાંધીની ટિપ્સ

 તમે યુવાન વયે જે પ્રકારનું જીવન જીવતા હતા એમાં બદલાવનો સમય આવી ગયો છે. ખાસ કરીને જેટલી કૅલરી યુવાનીમાં ખાતાં હતાં એટલી કૅલરી લેવી યોગ્ય નથી, કારણ કે શરીર એ પચાવી શકતું જ નથી. આમ જરૂરી છે કે કૅલરી ઇન્ટેક સમજીને તમે ઓછો કરો.

 મનને વધુ મહત્ત્વ આપવાનું છોડો. મેકૅનિકલ લાગે તો પણ દિવસમાં ફિક્સ ૪૫ મિનિટ એક્સરસાઇઝ કરો જ. એને કારણે વજન ઓછું થાય એના કરતાં તમારાં હૉર્મોન્સ ઠીક રહેશે અને મેનોપૉઝના સમયને સંભાળવો સરળ બની જશે. આ સિવાય પ્રાણાયામ, યોગ અને ધ્યાનને અપનાવો.

 આ દસકો એક નાજુક સમય છે જેમાં તમારે તમારી જાતને શારીરિક અને માનસિક રીતે સંભાળવાની છે. કેટલાક દિવસો તમારા હાથમાં નહીં હોય, પણ કોઈ પણ ભોગે જો તમે હેલ્થ જાળવશો તો બાકીનું જીવન સારું જશે.

health tips life and style columnists gujarati mid day mumbai Jigisha Jain diabetes diet