12 July, 2025 07:12 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
અત્યારે ક્લિનિકમાં દર ત્રીજો પેશન્ટ તાવની ફરિયાદ સાથે આવે છે. ચોમાસું છે, વરસાદ આવજા કરે છે. ગરમી-ઠંડીના કૉમ્બિનેશનવાળી આ સીઝનમાં નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને જલદી ઇન્ફેક્શન લાગી શકે છે. ચોમાસામાં વાઇરલ ઇન્ફેક્શન, ડેન્ગી, મલેરિયા, ટાઇફૉઇડ જેવી ઘણા પ્રકારની બીમારીઓ થઈ શકે છે અને બધામાં તાવ મોટા ભાગે કૉમન સિમ્પ્ટમ છે. મોટા ભાગે હું મારી પાસે આવતા દરદીઓને કહેતો હોઉં છું કે તાવ આવે અને તમે પોતાની જાતને હૅન્ડલ કરી શકો એટલા સક્ષમ હો તો ત્રણ દિવસ સુધી કોઈ પણ દવા લીધા વિના સંપૂર્ણ રેસ્ટ કરો. તાવ અપનેઆપ ઊતરી જશે. એક વાત સમજી લો કે સામાન્ય રીતે વાઇરલ ઇન્ફેક્શનની કોઈ દવા નથી. દવા લો તો પણ એ ત્રણ દિવસે સારું થાય અને ન લો તો પણ ત્રણ દિવસે સારું થાય. અમે જે દવા આપતા હોઈએ એ મોટા ભાગે લક્ષણોની તીવ્રતા ઘટાડવા માટે હોય.
અત્યારે દરદીઓમાં ધીરજ પણ નથી અને ડર ભરપૂર હોય છે. તાવ આવે એ જ દિવસે ડૉક્ટર પાસે પહોંચી જાય અને તાત્કાલિક રિપોર્ટ્સ કઢાવવાની પણ ઉતાવળ કરે. અમે દરદીઓને કહીએ પણ ખરા કે બે દિવસ રાહ જોઈએ, પછી રિપોર્ટ કઢાવીએ. પરંતુ તેઓ કોઈ પણ જાતનો ચાન્સ લેવા તૈયાર નથી હોતા. એમાં બને એવું કે મલેરિયા હોય તો એ તો રિપોર્ટમાં પકડાઈ જાય, પરંતુ ડેન્ગી કે ટાઇફૉઇડ હોય તો એ ત્રણ દિવસ પહેલાં રિપોર્ટમાં આવે પણ નહીં. આવા સમયે ધારો કે વાઇરલની દવા દીધા પછી ત્રણ દિવસ બાદ પણ તાવ ન ઊતરે તો ફરી પાછા ડેન્ગી, ટાઇફૉઇડ, મલેરિયાના રિપોર્ટ કઢાવવા પડે.
તાવનાં લક્ષણોની વાત કરીએ તો સામાન્ય રીતે વાઇરલ ઇન્ફેક્શન હોય તો પણ ઠંડી ચડવી, થ્રોટ ઇન્ફેક્શન થવું, શરદી, આખા શરીરમાં દુખાવો, માથાનો દુખાવો, હાઇપર ઍસિડિટી જેવાં મુખ્ય લક્ષણો હોય છે. ચિકન ગુનિયામાં સાંધાનો દુખાવો હોય, યુરિન ઇન્ફેક્શન અથવા તો મલેરિયા હોય તો તીવ્ર ધ્રુજારી હોય, યુરિન વખતે બળતરા થાય, ઘણી વાર ડાયેરિયા થાય. ડેન્ગીમાં મોટા ભાગે અકલ્પનીય સ્તરની વીકનેસ આવી જાય. વ્યક્તિને ઊભા થવામાં પણ તકલીફ પડે. ઘણી વાર ડેન્ગીમાં તાવ ન હોય પરંતુ કામ કરવાની તાકાત ન રહી હોય. ટાઇફૉઇડમાં માથાનો દુખાવો તીવ્ર હોય, પેટમાં પણ તકલીફ હોય. આ જે કહ્યાં એ તાવ સાથેનાં અન્ય સામાન્ય લક્ષણો છે. એમાં વધઘટ હોઈ શકે છે. જોકે એ પછીયે કહીશ કે સો ફેરનહાઇટ જેટલું ટેમ્પરેચર ન હોય અને તમારી ઓવરઑલ હેલ્થ મૅનેજેબલ હોય તો તાવ આવ્યાના પહેલા ત્રણ દિવસ દવાઓ અવૉઇડ કરવી જોઈએ. જોકે આમાં વ્યક્તિએ પોતે પોતાની હેલ્થનું જજમેન્ટ લેવું મહત્ત્વનું છે.
-ડૉ. હરેન્દ્ર હિંમતલાલ દવે