વરસાદને લીધે ચાલવાનું બંધ કરશો તો હેલ્થ પર અસર થશે

18 June, 2025 01:55 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ડાયાબિટીઝના દરદીઓ ખાસ વૉકિંગ કરે જ છે કારણ કે અમે તેમને સલાહ આપીએ છીએ કે જેમ દવા ચાલુ રાખી છે એમ વૉકિંગ પણ સતત ચાલુ રાખવાનું છે. પરંતુ ચોમાસાના આ ચાર મહિના એ અનિયમિત બને છે

પ્રતીકાત્મક તસવીર

ચોમાસું શરૂ થઈ ગયું છે અને એની સીધી અસર બીચ, પાર્ક અને ગાર્ડન પર દેખાય છે. સવાર-સાંજ સેહત બનાવવા માટે વૉક કરતી જનતાની જનસંખ્યા ઘટી ગઈ છે એનું કારણ આ વરસતો વરસાદ છે. ડાયાબિટીઝના દરદીઓ ખાસ વૉકિંગ કરે જ છે કારણ કે અમે તેમને સલાહ આપીએ છીએ કે જેમ દવા ચાલુ રાખી છે એમ વૉકિંગ પણ સતત ચાલુ રાખવાનું છે. પરંતુ ચોમાસાના આ ચાર મહિના એ અનિયમિત બને છે. એક રીતે વિચારીએ તો લાગે કે વરસાદ તો બહાનું છે પરંતુ જો ચાલવાનું શક્ય ન હોય તો શું બીજી એક્સરસાઇઝ ન થઈ શકે? પરંતુ પ્રૅક્ટિકલી જોવા જઈએ તો ઘણી અડચણ છે. જે લોકો ફક્ત ચાલે જ છે એટલે કે એક્સરસાઇઝના નામે વૉકિંગ જ એક્સરસાઇઝ છે એ લોકો મોટા ભાગે ૫૦ વર્ષથી ઉપરના લોકો હોય છે જેમનાં હાડકાં નબળાં હોવાથી તે જિમમાં નથી જઈ શકતા. તેઓ યોગ પણ ખાસ કરી શકતા નથી કારણ કે એટલી ફ્લેક્સિબલ બૉડી તેમની હોતી નથી. જો તે યોગ શરૂ પણ કરે તો ૧ કલાક ચાલવાની અપેક્ષાએ તેમના દ્વારા કરવામાં આવતા યોગ ઓછા પડશે. આ સિવાય મોટા ભાગના વડીલોને ઘૂંટણની તકલીફ રહે છે જેને કારણે તેઓ ઍરોબિક્સ કે ઝુમ્બા કે સામાન્ય પગથિયાં ચડવાની એક્સરસાઇઝ પણ કરી નથી શકતા. આ પરિસ્થિતિમાં વરસાદને કારણે બંધ થઈ જતા તેમના વૉકિંગ માટે કોઈ ખાસ ઉપાય રહેતો નથી.

ઘણી સોસાયટીમાં પાર્કિંગ એરિયા ઘણો મોટો હોય છે. ત્યાં વૉક કરી શકાય. નજીકના મૉલમાં કે સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સના ઇન્ડોર સ્ટેડિયમમાં વૉક લઈ શકાય. કંઈ જ ન મળે તો ઘરમાં જ એક કલાક ચાલવું. વરસાદ છે એટલે કંઈ નહીં થાય એમ વિચારી એક્સરસાઇઝ સ્કિપ ન જ કરો. કલાક નહીં, સ્ટેપ્સ ગણો. ઘણા લોકો એકદમ ધીમે અને શાંતિથી ચાલે છે. એક કલાક આરામથી ચાલવાથી ખાસ મદદ નથી થતી. જોકે એનો અર્થ એ પણ નથી કે ક્ષમતાની બહાર સ્પીડ વધારો. આજકાલ ફોનમાં સ્ટેપ્સ ગણી શકાય છે. જો વ્યક્તિ દરરોજના ૭થી ૧૦ હજાર સ્ટેપ્સ એટલે કે પગલાં એકધારાં ચાલતી હોય તો તેનો વૉક બેસ્ટ ગણાશે. ઘરમાં પણ ચાલો તો પગલાં ગણી લેવાં. જે લોકોને ઘૂંટણની વધુ તકલીફ નથી તેઓ દાદરા ચડી શકે છે. દાદરા ચડવા-ઊતરવા વૉકિંગ અને જૉગિંગ જેટલી જ ઇફેક્ટિવ કસરત છે. યોગ અને ઍરોબિક્સ કસરતોની ખૂબ સારી DVD બજારમાં ઉપલબ્ધ હોય છે. એની મદદથી દરરોજ ૨૦ મિનિટથી લઈને અડધો કલાક કસરત કરવાથી સારો ફાયદો થાય છે.

-ડૉ. કિરણ શાહ

mumbai monsoon monsoon news Weather Update mumbai weather health tips life and style diabetes yoga columnists gujarati mid-day mumbai