02 July, 2025 01:51 PM IST | Mumbai | Dr. Meeta Shah
પ્રતીકાત્મક તસવીર
ચોમાસામાં લોકો કંઈક બહારનું ખાય કે દૂષિત પાણીને કારણે જો તે માંદા પડે તો મોટા ભાગે પેટને લગતી સમસ્યાઓ નડે છે. ફૂડ-પૉઇઝન પ્રકારની તકલીફ સામાન્ય માણસમાં ૨-૩ દિવસમાં ઠીક થઈ જાય છે. એક ડાયાબિટીઝના દરદીને જ્યારે આ તકલીફ આવે ત્યારે તેની હાલત ખરાબ થઈ જતી હોય છે. સામાન્ય રીતે ડાયાબિટીઝમાં હાઈ પાવરની દવા કે ઇન્સ્યુલિનનાં ઇન્જેક્શન લેતા લોકોના શરીરમાં જ્યારે ડાયેરિયા કે ઊલટીનું પ્રમાણ વધી જાય ત્યારે ફૂડ ઇન્ટેક ઘટી જવાને કારણે શુગર વધતી નથી પરંતુ એ લોકો ઇન્જેક્શન લેવાનું ચાલુ રાખે અથવા તો એટલા જ પાવરની દવા ચાલુ રાખે ત્યારે શુગર એકદમ વધારે પ્રમાણમાં ઘટી જાય એવું બને ખરું, જેને હાઇપોગ્લાયસીમિયા કહે છે. વ્યક્તિને જ્યારે પણ આવું થાય ત્યારે તેણે તેના ડૉક્ટરને પૂછીને પોતાના ડોઝ ઘટાડવા જ જોઈએ. જ્યારે ડોઝ ઘટાડ્યા વગર દવા ચાલુ રાખે ત્યારે હાઇપોગ્લાયસીમિયાને કારણે વ્યક્તિને તરત જ હૉસ્પિટલમાં દાખલ કરવી પડે અને જો એમ કરવામાં મોડું થયું તો શુગર ખૂબ જ ઓછી થઈ જાય તો પરિણામ ઘાતક સાબિત થઈ શકે છે.
ચોમાસામાં ભીંજાવાને લીધે સામાન્ય શરદીથી લઈને બ્રૉન્કાઇટિસ જેવી તકલીફ પણ ઊભી થઈ શકે છે. જ્યારે ડાયાબિટીઝ હોય અને આવી તકલીફ ઊભી થાય તો ઘણા પ્રૉબ્લેમ આવી શકે છે. બ્રૉન્કાઇટિસમાં અમુક સ્ટેરૉઇડ્સવાળી દવા આપવી અત્યંત જરૂરી બને છે જે ક્યારેક બ્લડશુગરને વધારે છે. આવા સમયે વ્યક્તિ જે દવા કે ઇન્સ્યુલિન લેતી હોય તેને એ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ડોઝ આપવો જરૂરી છે. જો ડાયાબિટીઝ ધરાવતી વ્યક્તિમાં અસ્થમા વકરે અને તેને કોઈ ઍન્ટિબાયોટિક્સ આપવી પડે તો તેની શુગર અચાનક વધી જાય એવું પણ બને, કારણ કે અમુક ઍન્ટિબાયોટિક્સ એવી આવે છે જે ડાયાબિટીઝ પર સીધી અસર કરે છે.
ડાયાબિટીઝના દરદીઓને કિડની પ્રૉબ્લેમ્સ હોય જ છે. જેમને ૧૦-૧૫ વર્ષથી ડાયાબિટીઝ છે તેમને પોતાને જાણ હોય કે ન હોય, તેમની કિડનીમાં થોડો ઘણો પ્રૉબ્લેમ હોય જ છે. કિડનીનો એક ભાગ છે ક્રીઆટનીન જે કિડનીના કામમાં જરૂરી છે. જો ડાયાબિટીઝના દરદીને કિડની પ્રૉબ્લેમ હોય તો તેનું ક્રીઆટનીન લેવલ ઘણું વધી જાય છે. જે જાણ્યા બાદ જ વ્યક્તિને તેની દવાનો ડોઝ નક્કી કરવો જરૂરી છે. જે વ્યક્તિને ચોમાસામાં મલેરિયા, ડેન્ગી જેવાં ઇન્ફેક્શન લાગી જાય છે તેનું ક્રીઆટનીન લેવલ વધી જાય છે અને પ્લેટલેટ્સ ઘટી જાય છે. ઘણી વાર આવી કન્ડિશનમાં શુગર લેવલ એકદમ વધી જાય અથવા ક્યારેક એકદમ ઘટી જાય એવું બને. આ સમયે દરદીએ શુગર ટેસ્ટ કરીને ડૉક્ટરની સલાહ મજબ ફેરફાર કરવા જરૂરી છે.