04 September, 2025 12:40 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
૨૦૦૭થી અમે સ્કિન-ડોનેશનના કામમાં મચેલા છીએ. અત્યાર સુધીમાં એકલા મુંબઈમાં લગભગ ૧૯૮૨ લોકોએ સ્કિન ડોનેટ કરીને અકસ્માતનો ભોગ બનેલા, દાઝી ગયેલા લોકોને જીવનદાન આપવાનું કામ કર્યું છે. જોકે સ્કિનની જેમ જ ઑર્ગન-ડોનેશનની બાબતમાં આટલી અવેરનેસ પછી પણ જ્યારે ઍક્શન લેવાની વાત આવે ત્યારે લોકો પાછા પડી જ રહ્યા છે. નો ડાઉટ, પહેલાં કરતાં સ્થિતિ સુધરી છે અને હવે લોકો થોડાક વધુ સેન્સિટિવ અને સભાન થયા છે અને પોતાના પ્રિયજનને ઑર્ગન-ડોનેશન થકી કોઈક બીજી વ્યક્તિની અંદર જીવતા રાખવાની વાત તેમને આશાસ્પદ લાગે છે. ગયા વર્ષે અમને સુરતના નીલેશ માંડલીવાળાનો પરિચય થયો અને અમે એ જાણીને અચંબિત રહી ગયા કે તેમણે લગભગ સાડાઅગિયારસો બ્રેઇન-ડેડ દરદીઓના પરિવારને ઑર્ગન-ડોનેશન માટે સમજાવીને હજારો લોકોને જીવનદાન અપાવડાવ્યું છે.
કદાચ તમને ખ્યાલ હશે કે એક વ્યક્તિ જો ઑર્ગન-ડોનેશનનો સંકલ્પ લે તો તે નવ વ્યક્તિનો જીવ બચાવી શકે. હાર્ટ, હૃદયના વાલ્વ, કિડની, લિવર, પૅન્ક્રિઆસ, હાથ, ફેફસાં, સ્કિન, ઘૂંટણ, હાડકાં, આંતરડું આટલાં ઑર્ગન્સ તમે જરૂરિયાતમંદને ડોનેટ કરી શકો છો. મહારાષ્ટ્ર સરકારની સેન્ટ્રલાઇઝ્ડ બૉડી ઝોનલ ટ્રાન્સપ્લાન્ટ કો-ઑર્ડિનેશન કમિટીમાં હૉસ્પિટલ અને ઑર્ગનની જરૂરિયાત હોય તેમણે નામ રજિસ્ટર કરેલું હોય છે. ઑર્ગન ડોનેટ કરવાની પ્રોસીજર પણ હવે સરકારે ખૂબ સરળ કરી દીધી છે. તમને જો યાદ હોય તો રક્ષાબંધનમાં ટ્રાન્સપ્લાન્ટમાં મળેલા હાથથી એક બહેન નવસારી પોતાના ભાઈને રાખડી બાંધવા ગઈ ત્યારે હાથ ડોનેટ કરનારી દીકરીની મમ્મી પેલી દીકરીના હાથને સ્પર્શ કરીને રડી પડી હતી. આવી તો કેટલીય ઘટનાઓ છે જેમાં પોતાના સ્વજનના ઑર્ગન-ડોનેશનના નિર્ણયે બીજા ત્રાહિત પરિવારોને તારવાનું કામ કર્યું હોય. આજે ધર્મગુરુઓ આ વાત સમજી રહ્યા છે. ધરમપુરના રાકેશ ગુરુજીએ પણ ઑર્ગન-ડોનેશનનો સંકલ્પ લોકો પાસે કરાવ્યો અને ગયા મહિને તેમની સાથે જોડાયેલાં ડૉ. બીજલ નામનાં બહેનના હસબન્ડ અકસ્માતનો ભોગ બન્યા પછી બ્રેઇન-ડેડ જાહેર થયાં. હસબન્ડે સભાન અવસ્થામાં ગુરુદેવ પાસે ઑર્ગન-ડોનેશનની પ્રતિજ્ઞા લીધી હતી જે પાંચ પરિવાર માટે તારણહાર બની ગઈ. એવી જ રીતે પૂજ્યશ્રી નમ્રમુનિજીએ ત્વચાદાન માટે લોકોને આપેલી પ્રેરણાથી એ કાર્યને ખૂબ વેગ મળ્યો હતો.
અમને લાગે છે કે માનવતાના આ કાર્યમાં હવે જો આ જ રીતે વધુ ને વધુ ધર્મગુરુઓનો સહયોગ મળતો થાય અને તેઓ જો લોકોને જગાડવાનું કામ કરે તો ઑર્ગન-ડોનરની રાહ જોતા મૃત્યુની નજીક જઈ રહેલા લોકોને જીવનદાન મળી જશે.
-વિપુલ શાહ