ટીબી જ નહીં પણ શ્વસનતંત્રની મોટા ભાગની સમસ્યાઓમાં યોગ અકસીર પરિણામ આપી શકે

24 March, 2021 10:54 AM IST  |  Mumbai | Ruchita Shah

કોરોના કરતાં ટીબીને કારણે સરેરાશ વધુ લોકો મૃત્યુ પામે છે. આજે ‘વર્લ્ડ ટીબી ડે’ છે ત્યારે યોગ આ સમસ્યામાં કઈ રીતે મદદરૂપ થઈ શકે છે એ વિશે એક્સપર્ટની ઍડ્વાઇઝ જાણીએ

TB જ નહીં, શ્વસનતંત્રની મોટા ભાગની સમસ્યાઓમાં યોગ અકસીર પરિણામ આપી શકે

કોરોના કરતાં ટીબીને કારણે સરેરાશ વધુ લોકો મૃત્યુ પામે છે. આજે ‘વર્લ્ડ ટીબી ડે’ છે ત્યારે યોગ આ સમસ્યામાં કઈ રીતે મદદરૂપ થઈ શકે છે એ વિશે એક્સપર્ટની ઍડ્વાઇઝ જાણીએ

૨૦૨૦માં હેલ્થ મિનિસ્ટ્રીએ આપેલા ઍન્યુઅલ ટીબી રિપોર્ટમાં રહેલા આંકડા મુજબ ૨૦૨૦માં લગભગ ૨૮ લાખ લોકોનું ટીબી માટે સ્ક્રીનિંગ થયું હતું, જેમાંથી ૬૨,૯૫૮ ટીબીના પેશન્ટ હતા. ૨૦૨૦માં લગભગ ૨૪.૪ લાખ ઍક્ટિવ ટીબીના કેસ હેલ્થ મિનિસ્ટ્રીના ઑનલાઇન પોર્ટલે આઇડેન્ટિફાય કર્યા હતા જે ૨૦૧૯ની તુલનાએ ૧૧ ટકા વધારે છે. ભારતમાં નૅશનલ ટ્યુબરક્યુલોસિસ એલિમિનેશન પ્રોગ્રામ ૨૦૧૭માં શરૂ થયો છે જેના અંતર્ગત ૨૦૨૫ સુધીમાં ટીબીને સંપૂર્ણ નાબૂદ કરવાની યોજના પર કામ ચાલી રહ્યું છે. વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના આંકડા કહે છે કે ૨૦૧૯માં લગભગ ૧૪ લાખ લોકો વિશ્વમાં માત્રને ટીબીને કારણે મૃત્યુ પામ્યા હતા, જેમાંથી ૮૯,૦૦૦ કરતાં વધુ લોકો ભારતમાંથી હતા. એક રિપોર્ટ કહે છે કે ભારતમાં કોરોના કરતાં પણ વધુ ઘાતક ટીબીની બીમારી છે. ૨૦૨૦માં ટીબીને કારણે કેટલા લોકોનું મૃત્યુ થયું એના કોઈ વિશ્વસનીય આંકડા અવેલેબલ નથી, પરંતુ કેટલીક અગ્રણી સંસ્થાઓનો અંદાજ એવું કહે છે કે ૨૦૨૦માં કોવિડને કારણે લગભગ ૨૫ ટકા જેટલું ટીબીનું સ્ક્રીનિંગ ઓછું થયું છે એથી કદાચ અપૂરતી ટ્રીટમેન્ટથી ડેથ રેટનું પ્રમાણ ૨૦૧૯ કરતાં વધ્યુ હોય એવી બની શકે છે. ટીબી એક પ્રકારનો બૅક્ટેરિયા છે જે એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ફેલાય છે અને મુખ્યત્વે તમારી રેસ્પિરેટરી સિસ્ટમને ટાર્ગેટ કરે છે. ફેફસાંથી ધીમે-ધીમે એ શરીરના બીજાં અંગો સુધી પણ પહોંચી શકતો હોય છે. એ દૃષ્ટિએ યોગની શુદ્ધિ ક્રિયાઓથી લઈને આસન, પ્રાણાયામથી એની ઝડપી રિકવરીની શક્યતા વધે છે. તો જોઈએ આ બૅક્ટેરિયલ ઇન્ફેક્શનથી બચવા માટે યોગમાં શું કરી શકાય છે.
યોગ તમારી શરીરની શક્તિઓને ખીલવે છે અને એનો જ સૌથી મોટો ફાયદો દરેક રોગમાં મળે છે એમ જણાવીને છેલ્લાં પચીસ વર્ષથી યોગ સાથે સંકળાયેલા અને ટીબી પેશન્ટને યોગાભ્યાસ દ્વારા ફાયદો કરાવી ચૂકેલા કિશોર નિમજે કહે છે, ‘રેસ્પિરેટરી સિસ્ટમ પર વિવિધ શુદ્ધિ ક્રિયા, બ્રીધિંગ એક્સરસાઇઝ અને પ્રાણાયામની કલ્પનાતીત અસર થાય છે; જે મેં ઘણા લોકોમાં જોઈ છે. કેટલાક તો મેડિકલ પ્રોફેશનલ્સ પણ એવા છે જેઓ પોતાની વર્ષો જૂની કફની સમસ્યામાંથી યોગિક અભ્યાસને કારણે બહાર આવ્યા હોય. યોગ એટલે જોડાવું. તમને તમારી જાત સાથે જોડાવાની તમામ તક આપે છે. માત્ર આસનો જ યોગ નથી, શ્વસનતંત્રના રોગો માટે યોગનાં તમામ પાસાંઓનો ઉપયોગ છે. આપણાં ફેફસાંની કૅપેસિટી લગભગ પાંચેક લિટર હવાને સમાવી શકવાની છે જેનો દસ ટકા જેટલો ઉપયોગ પણ મોટા ભાગના લોકો કરતા નથી. બ્રીધિંગ એક્સરસાઇઝ અને પ્રાણાયામ આ ક્ષમતાને વધારે છે. જલનેતિ, સૂત્રનેતિ, વમન જેવી શુદ્ધિક્રિયા શ્વસનતંત્રનું શુદ્ધિકરણ કરે છે, જેથી વ્યક્તિ પોતાની શ્વસન ક્ષમતાનો સર્વાધિક લાભ લઈ શકે. આ બધું નિયમિત ધોરણે તમારા જીવનમાં ઉમેરાય, શ્વસનતંત્ર મજબૂત બને એટલે તમારી ઇમ્યુનિટી સ્ટ્રૉન્ગ થાય, ઇમ્યુનિટી મજબૂત હોય તો વાઇરલ કે બૅક્ટેરિયલ ઇન્ફેક્શન લાગવાની સંભાવના ઘટી જાય છે; કારણ કે તમારા શરીરની ડિફેન્સ સિસ્ટમ એેને બરાબર હૅન્ડલ કરી લે છે.’
ટીબી બૅક્ટેરિયલ ઇન્ફેક્શન છે. લાંબા સમય સુધી ખાંસી, છાતીમાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ પડવી, ખાંસીમાં લોહીનું આવવું જેવાં એનાં લક્ષણો છે. કિશોરભાઈ કહે છે, ‘મેં ટીબી પેશન્ટને યોગ થેરપી આપી છે. ટીબીમાં દવા લેવી પડે એ જરૂરી છે. હું મેડિકલ સારવારની જરાય ના નથી પાડતો. જે દવા લેવાની હોય એ લેવાની જ પણ મારો અનુભવ એવું કહે છે કે દવા સાથે યોગને ઉમેરો તો રિકવરી ઝડપી બને છે. ત્રણેક મહિનાનો અંદાજ હોય એવા દરદીઓને એકાદ મહિનામાં વ્યવસ્થિત થતા મેં જોયા છે. માત્ર ટીબી જ નહીં પણ રેસ્પિરેટરી સિસ્ટમને લગતા ઘણાબધા પ્રૉબ્લેમ્સમાં બ્રીધિંગને લીધે સારા થઈ જતા હોય છે, કારણ કે આપણું શરીર ટૉક્સિન્સને જુદી-જુદી રીતે બહાર કાઢે છે. એમાં હવા બહુ મહત્ત્વનો હિસ્સો છે. જ્યારે તમે ફોર્સફુલી શ્વાસ બહાર કાઢો છો ત્યારે કાર્બન ડાયોક્સાઇડ જ નહીં પણ ઘણાં વણજોઈતાં ટૉક્સિન્સ બહાર નીકળી જતાં હોય છે. પ્રૉપર યોગના અભ્યાસો, ડાયટ અને લાઇફસ્ટાઇલ ચેન્જ કરો તો દવા સાથે નહીંવત્ કૉમ્પ્લીકેશન્સ સાથે ટીબીમાં રિકવરી થઈ શકતી હોય છે.’

health tips coronavirus yoga ruchita shah