19 April, 2025 01:15 PM IST | Mumbai | Jigisha Jain
પ્રતીકાત્મક તસવીર
આ માણસાઈ એટલે જ ઑર્ગન ડોનેશન. લિવર એક એવું અંગ છે જે જાતે ગ્રો થઈ શકે છે. લિવરની આ ખાસિયતને કારણે કોઈ પણ જીવિત વ્યક્તિ પોતાના આપ્તજનને લિવર દાન કરી શકે છે અને પોતે પણ એક સામાન્ય જીવન જીવી શકે છે. બાકી બ્રેઇન-ડેડ વ્યક્તિ પાસેથી અંગદાન મળે ત્યારે દરદીને નવજીવન મળી શકે છે. આજે વર્લ્ડ લિવર ડે પર જાણીએ છેલ્લા એકાદ વર્ષમાં લિવર ટ્રાન્સપ્લાન્ટ કરાવનારા કેટલાક લોકોની ટ્રાન્સપ્લાન્ટ સ્ટોરી
આજે વર્લ્ડ લિવર ડે છે. લિવરને ગુજરાતીમાં યકૃત કહેવાય. એ શરીરમાં અત્યંત મહત્ત્વનું અંગ છે. એક વખત એ કામ કરવાનું મૂકે તો શરીરની હાલત ખરાબ થઈ જાય છે. દવાઓ અને ઇલાજ એક હદ સુધી કામ લાગે છે, પરંતુ એક વખત શરીરમાં અંગ ફેલ થાય એટલે ટ્રાન્સપ્લાન્ટ સિવાય બીજો કોઈ ઑપ્શન બચતો નથી. લિવર જ એક અંગ એવું છે જે થોડું હોય તો જાતે ગ્રો થઈ શકે છે. એટલે કે સમજો કે લિવરનો ૩૦ ટકા ભાગ શરીરમાં હોય તો એની મેળે એ વિકાસ પામે છે અને મોટું થઈ જાય છે. આવો ચમત્કાર ફક્ત લિવરમાં થાય છે, બીજા કોઈ અંગમાં નહીં. એટલે જ કોઈ જીવિત વ્યક્તિના શરીરમાંથી લિવરનો થોડો ભાગ કાઢીને જે દરદીને જરૂર છે તેના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે તો જે દાતા છે તે અને દરદી બન્ને સમય જતાં પોતપોતાના શરીરમાં આ લિવર ગ્રો કરી શકે છે. આમ દરદીને નવજીવન મળે છે અને જે દાનમાં આપે છે તેનું જીવન થોડા જ મહિનામાં પહેલાં જેવું બની જતું હોય છે. જો ઘરની જ કોઈ વ્યક્તિનું લિવર મૅચ થઈ જાય તો બેસ્ટ, નહીંતર કોઈ બ્રેઇન-ડેડ વ્યક્તિનું લિવર ટ્રાન્સપ્લાન્ટ માટે વપરાતું હોય છે. આજે જાણીએ છેલ્લા એકાદ વર્ષમાં લિવર ટ્રાન્સપ્લાન્ટ કરાવનારા દરદીઓની ટ્રાન્સપ્લાન્ટ સ્ટોરીઝ અને સમજીએ અંગદાનના મહત્ત્વને.
દારૂની લતને કારણે ૩૪ વર્ષના યુવાન પતિનું લિવર ફેલ થયું ત્યારે પત્નીએ આપ્યું જીવનદાન
લિવર ડિસીઝ એકદમ યુવાન વયે આવી શકે? હા, પણ શું એટલી હદે વધી શકે કે લિવર ફેઇલ થઈ જાય? ૩૪ વર્ષના હિતેશકુમાર ગાડી અને ટ્રકની બૅટરીનો બિઝનેસ કરે છે. તેમનું લિવર ફેલ થઈ ગયું. કારણ? દારૂની આદત. હિતેશભાઈને ફૅટી લિવર હતું જ. એમાં તેમને દારૂની આદત પડી ગઈ અને એ આદતે બળતામાં ઘી હોમ્યું. જ્યારે પ્રૉબ્લેમ ખૂબ જ વધી ગયો ત્યારે તેમનું વજન હતું ૧૨૦ કિલો. તાત્કાલિક લિવર ટ્રાન્સપ્લાન્ટ કરવું જ પડે એવી પરિસ્થિતિ સર્જાઈ હતી. હિતેશભાઈના બે મોટા ભાઈઓ છે. એમાંથી એકને ફૅટી લિવર છે અને બીજાને કોરોના થઈ ચૂક્યો હતો. મમ્મીને હાર્ટ-પ્રૉબ્લેમ અને પપ્પાને ડાયાબિટીઝ છે. આ પરિસ્થિતિમાં હિતેશભાઈને જો કોઈ લિવર આપી શકે એમ હોય તો તે હતી તેમની ૩૧ વર્ષની પત્ની રુચિ.
મૂળ કચ્છના અને હાલમાં ડોમ્બિવલીમાં રહેતા આ દંપતીએ હાલમાં એક મહિના પહેલાં જ લિવર ટ્રાન્સપ્લાન્ટની સર્જરી કરાવી છે. એ વિશે વાત કરતાં રુચિ કહે છે, ‘અમારા બન્નેનું બ્લડ-ગ્રુપ A જ છે, બસ નેગેટિવ-પૉઝિટિવનો ફરક હતો. જોકે ડૉક્ટરે કહ્યું કે એમાં કોઈ તકલીફ નથી, એની સાથે પણ ટ્રાન્સપ્લાન્ટ થઈ શકશે. સર્જરી પહેલાં તેમનું વજન ઘટાડવામાં આવ્યું. પહેલા મહિનાની અંદર જે ઇલાજ ચાલ્યો એમાં તેમનું વજન ખાસ્સું ઘટી ગયું. ૧૨૦માંથી ૮૮ કિલો સુધી વજન ગયું અને પછી સર્જરી કરવામાં આવી. અત્યારે અમારા બન્નેની તબિયત એકદમ સારી છે.’
પોતાની પરિસ્થિતિ પર ખૂબ જ દુખી થનારા હિતેશભાઈ કહે છે, ‘મારી એક ભૂલે આખા પરિવારે અને ખાસ તો મારી પત્નીએ કેટલું સહન કરવું પડ્યું. મને એ વાત ખૂબ જ કનડે છે. મને દારૂ પીતાં મારી પત્નીએ અને ઘરના લોકોએ ખૂબ રોકેલો, સમજાવેલો પણ ખોટી સંગતમાં હું ફસાઈ ગયેલો. મને લાગતું કે દારૂ પીવાથી જ મને ઊંઘ આવે છે. દરરોજનું કામનું સ્ટ્રેસ છે એ મને સૂવા નહોતું દેતું. મારું નિદાન થયું અને ટ્રાન્સપ્લાન્ટની વાત આવી ત્યારે મને સમજાયું કે આ શું થઈ ગયું મારાથી. એ પછી હું ખૂબ રડ્યો. મને ખૂબ અફસોસ છે. ખાસ કરીને રુચિને સર્જરી પછી ટાંકા આવ્યા ત્યારે પીડા થતી ત્યારે તેનું અનેકગણું દર્દ મને થતું. તેણે મારા માટે જે કર્યું છે એનું ઋણ હું આ જન્મે તો નહીં ચૂકવી શકું. હું ખરેખર ઇચ્છું છું કે લોકો એ સમજે કે દારૂની લત માણસની કેવી દશા બગાડી શકે છે. આ વ્યસનોમાં પડીને જીવતર ખરાબ ન કરે, નહીંતર પાછળથી અફસોસ જ હાથમાં રહે છે.’
સામા પક્ષે ફાર્મસિસ્ટ તરીકે જૉબ કરતી તેમની પત્ની રુચિ કહે છે, ‘જ્યારે મેં નક્કી કર્યું કે હું તેમને લિવર આપીશ ત્યારે મારાં સાસુ-સસરા મને રોકતાં હતાં. કહેતાં હતાં કે હજી તું નાની છે, તમારે બન્નેને બાળક નથી, કોઈ બીજો ઉપાય શોધીએ; પણ ટ્રાન્સપ્લાન્ટ સિવાય કોઈ ઉપાય હતો નહીં. જોકે ડૉક્ટરે અમને કહ્યું કે લિવર-ડોનેશન પછી પણ બાળક પ્લાન કરી શકાય, એમાં કોઈ તકલીફ નથી. મેં ફક્ત એટલું વિચાર્યું હતું કે બાળક તો આવશે ત્યારે આવશે, પણ પતિનું જીવન તો પહેલાં બચાવી લઉં. વળી કૅડેવર ડોનર માટે રાહ જોઈએ કે કોઈ મૃત વ્યક્તિનું લિવર દાનમાં મળે એમાં ઘણી વાર લાગે. મારી બધી ટેસ્ટ સારી હતી, મૅચ પણ થતી હતી એટલે અમે નક્કી કર્યું કે સર્જરી કરી લઈએ. ઘરના લોકો અમારું ખૂબ ધ્યાન રાખે છે. તેમના સપોર્ટથી અમારા બન્નેની તબિયત ઠીક છે. આ ઑપરેશન મોંઘું છે. લગભગ ૩૦ લાખ રૂપિયા જેવો ખર્ચ અત્યાર સુધીમાં થઈ ગયો છે. એમાં કચ્છી પટેલ સમાજે પણ અમને દસેક લાખ રૂપિયા જેવી મદદ કરી, જે બદલ અમે તેમના આભારી છીએ.’
જો તમારી પાસે ઑપ્શન હોય કે તમારા જીવનસાથીને તમે બચાવી શકો એમ છો તો પાછા હટવાની તો વાત જ ક્યાંથી આવે?
વિરારમાં રહેતાં શ્રદ્ધા દેઢિયાને ૨૦૨૧માં કોવિડ થયો હતો. એ માટે તેમને હૉસ્પિટલમાં ભરતી કરવાં પડ્યાં હતાં. એ સમયે થયેલા જનરલ ચેકઅપમાં તેમને ખબર પડી કે તેમનું લિવર ખરાબ થઈ રહ્યું છે. કોવિડના ઇલાજ પછી તેમણે જુદા-જુદા ડૉક્ટરો પાસેથી કન્સલ્ટ કરીને જાણ્યું ત્યારે ખબર પડી કે શ્રદ્ધાને પ્રાઇમરી બાયલરી કોલનજાઇટિસ છે. આ એક પ્રકારની લિવરની બીમારી છે જેમાં બાઇલ ડક્ટ પર અસર થાય છે જેને કારણે પાચન માટે જરૂરી પિત્ત સરળતાથી આગળ જઈ શકતું નથી, વહી શકતું નથી. એ લિવરમાં જ પાછું આવે છે જે લિવરના ટિશ્યુને ડૅમેજ કરે છે. આમ ધીમે-ધીમે લિવરની કામગીરી ખોરવાય છે. ધીમે-ધીમે સિરૉસિસનું સ્ટેજ આવે છે અને લિવર ફેલ થઈ જાય છે.
૨૦૨૧થી ખ્યાલ હતો પરંતુ કોઈ ચિહ્નો હતાં નહીં, છતાં ડૉક્ટરે તેમને બાતમી આપી રાખેલી કે ગમે ત્યારે કટોકટી આવી શકે છે અને ત્યારે તમારે તાત્કાલિક ટ્રાન્સપ્લાન્ટ કરાવવું પડશે. એ વાત યાદ કરતાં શ્રદ્ધા કહે છે, ‘અમે માનસિક રીતે અને આર્થિક રીતે ટ્રાન્સપ્લાન્ટ આવશે એ બાબતે સજ્જ હતાં. મારો દીકરો પણ છે. તે મને લિવર આપવા તૈયાર હતો. જોકે મારા પતિ નીતિન હંમેશાં કહેતા કે તને તો લિવર હું જ આપીશ. એ સમયે તો અમે ટેસ્ટ પણ નહોતી કરાવી. અમને ખબર જ નહોતી કે લિવર મૅચ થશે કે નહીં, પરંતુ જ્યારે તબિયત બગડી અને ટેસ્ટ કરાવી ત્યારે ખરેખર એવું જ નીકળ્યું. મારા પતિની બધી ટેસ્ટ સારી આવી અને તે પર્ફેક્ટ મૅચ સાબિત થયા.’
શ્રદ્ધા અને નીતિન ૧૪-૧૫ વર્ષની ઉંમરથી મિત્રો હતાં. પ્રેમ થયો અને પછી લગ્ન. લગ્નનાં આટલાં વર્ષો એકબીજા માટે પર્ફેક્ટ મૅચ સાબિત થયેલી જોડીનું લિવર મૅચ ન થાય એવું કેવી રીતે બને? એમ જણાવીને નીતિનભાઈ કહે છે, ‘શ્રદ્ધા સાથે આખી જિંદગી સાથ નિભાવવાનો વાયદો હતો. તે અત્યારે ફક્ત ૫૧ વર્ષની છે. હજી તો અમારે સાથે ઘણું જીવવાનું છે. સાચું કહું તો મને નથી લાગતું કે મેં તેને લિવર આપીને કોઈ મોટું કામ કર્યું હોય. જીવનસાથીને બચાવવાનો ઑપ્શન તમારી પાસે હોય તો તમે એટલું તો કરો જને તેના માટે? એમાં પીછેહઠ કઈ રીતે કરી શકાય? વળી હું અતિ સકારાત્મક માણસ છું. મને એક ક્ષણ માટે પણ ડર જેવું કંઈ લાગ્યું નહોતું, કારણ કે આ તકલીફને મેં મારા મનમાં મોટી બનાવી જ નથી. બધું સારું જ થવાનું છે. એક સમાન્ય ઍપેન્ડિક્સના ઑપરેશનની જેમ જ અમે એને માન્યું એટલે એમાંથી પસાર થવું સાવ સરળ બની ગયું.’
એપ્રિલ ૨૦૨૪માં શ્રદ્ધાની સર્જરી થઈ એના બે જ મહિનાની અંદરના સ્કૅનમાં જોવા મળ્યું કે તેનું લિવર આખું ગ્રો થઈ ગયેલું. નીતિનભાઈની તબિયત પણ એકદમ સારી છે. બન્ને એકદમ નૉર્મલ લાઇફ જીવે છે અને કોઈ જ જાતની તકલીફ નથી. પોતાની ભાવનાઓને વર્ણવતાં શ્રદ્ધા કહે છે, ‘અમારા સંબંધમાં પ્રેમ અને મન બન્ને હતાં, પણ નીતિને મારા માટે જે કર્યું છે એ બદલ હું ખરેખર ખૂબ કૃતજ્ઞતા અનુભવું છું. ‘હી ઇઝ માય મૅન’ એવું હું ખૂબ પ્રાઉડ સાથે કહી શકું છું. હૉસ્પિટલમાં અમારી સાથે એવા લોકો પણ હતા જેમાં પત્નીને લિવર ડોનેટ કરવા માટે પતિના ઘરના લોકો તેને ના પાડતા હતા. કહેતા હતા કે મરતી હોય તો મરવા દે, તને કોઈ બીજી મળી જશે પણ તારું અંગ તેને આપવાની તારે શું જરૂર છે? દુનિયામાં બધા જ પ્રકારના લોકો છે એ હું સમજુ છું, પણ જ્યારે તમારા નસીબમાં ભગવાને શ્રેષ્ઠ લોકો મૂક્યા હોય ત્યારે ભગવાનનો પાડ માનવો પડે.’
કોઈ બ્રેઇન-ડેડ વ્યક્તિએ કરેલા અંગદાનને કારણે ત્રણ લાઇફ બચી એમાંની એક જિંદગી મળી આમને
વિલે પાર્લેમાં રહેતા દક્ષેશ ઝવેરીએ જીવનમાં ક્યારેય દારૂને હાથ પણ નથી લગાડ્યો. છતાં લાઇફસ્ટાઇલ પ્રૉબ્લેમ અને વજન વધુ હોવાને કારણે તેમનું લિવર ખરાબ થતું ગયું અને ૫૭-૫૮ વર્ષની નાની ઉંમરે પહેલી વાર તેમને ખબર પડી કે તેમને લિવર સિરૉસિસ છે. ઊલટી અને ઝાડામાં લોહી પડતું દેખાતું એટલે તેમણે ડૉક્ટરનો સંપર્ક કર્યો અને પછી ટેસ્ટ દ્વારા આ નિદાન સામે આવ્યું. લિવર સિરૉસિસ હોવાને કારણે ટ્રાન્સપ્લાન્ટ તો જરૂરી હતું જ, પરંતુ એ સમયે દક્ષેશભાઈ એ સર્જરી વિશે સાંભળીને અપૂરતી માહિતી હોવાને લીધે ડરી ગયા.
એ વિશે વાત કરતાં દક્ષેશભાઈ કહે છે, ‘એ સમયે મને કોઈ જાતની જાણકારી હતી નહીં. ડૉક્ટરોએ સમજાવ્યું પણ મને લાગ્યું કે દવાથી જો સારું થઈ જતું હોય તો શું કામ સર્જરી કરાવવી? તકલીફ જ એ છે કે અવેરનેસ નથી. સમજ હોય, જાણકારી હોય તો વ્યક્તિ હેરાન ન થાય. આ રીતે મેં ઘણાં વર્ષ હેરાનગતિ સહી. મને થયું કે લાઇફસ્ટાઇલ ઠીક કરીશ તો થઈ જશે, પણ એક વખત સિરૉસિસ આવી ગયા પછી લાઇફસ્ટાઇલ પણ તમારું કંઈ ખાસ સારું કરી શકતી નથી; કારણ કે લિવર ખરાબ જ થઈ ગયું છે, હવે એ રિપેર નહીં થઈ શકે. આ વાતનો સ્વીકાર આવતાં મને સમય લાગી ગયો.’
જૂન ૨૦૨૩માં દક્ષેશભાઈને સમજાયું કે ટ્રાન્સપ્લાન્ટ કરવું જ પડશે, એના સિવાય કોઈ ઉપાય છે જ નહીં. એટલે તેમણે અંગદાનની જરૂર માટેનું ફૉર્મ ભર્યું. જો તમને કૅડેવર એટલે કે કોઈ મૃત વ્યક્તિનું અંગ જોઈતું હોય તો એનું એક લિસ્ટ છે એમાં તમારો વારો આવે ત્યારે તમને એ મળે. જો એટલી રાહ ન જોવી હોય તો ઘરના લોકોની ટેસ્ટ કરાવવી પડે. જેની સાથે મૅચ મળે તે વ્યક્તિ ડોનેટ કરી શકે. એ વિશે વાત કરતાં દક્ષેશભાઈ કહે છે, ‘મારે બે બહેનો છે જે બન્ને મારાથી મોટી છે. ઉંમરને લીધે તેમનામાં કોઈ ને કોઈ રોગ આવી જ ગયો હતો. એ સિવાય મારી પત્ની અને બાળકો પણ છે, પણ તેમની સાથે મારું બ્લડગ્રુપ મૅચ ન થયું. મારા એક કઝિન સાથે મૅચ થયું, પણ તેને ફૅટી લિવરની સમસ્યા હતી. આમ ઘરમાંથી મને સરળતાથી લિવર મળી શક્યું નહીં. આ બધી શોધખોળમાં એકાદ વર્ષ આમ જ જતું રહ્યું. એ વચ્ચે મને કૅડેવર ડોનેશન માટે ૩ વાર ફોન આવી ગયા, પરંતુ આમાં એવું હોય છે કે જ્યારે કોઈ કૅડેવર ડોનર મળે ત્યારે તેઓ એકસાથે લિસ્ટમાં જે પહેલા હોય એવા ૩-૪ લોકોને ફોન કરે. એ સમયે તમારે આર્થિક, માનસિક અને શારીરિક રીતે સજ્જ રહેવાનું હોય છે, કારણ કે ફોન આવે એના ગણતરીના કલાકોમાં જ તરત સર્જરી થાય છે. હું તો એ ત્રણેય વખતે તૈયાર જ હતો, પરંતુ એ સમયે જેની હાલત વધુ ખરાબ હોય તે વ્યક્તિને દાન આપવામાં આવે. ચોથી વખતે મે ૨૦૨૪માં મને ફોન આવ્યો. જે બ્રેઇન-ડેડ વ્યક્તિએ ઑર્ગન ડોનેટ કર્યાં હતાં તેના દ્વારા ત્રણ લોકોને નવજીવન મળ્યું હતું.’
લિવર ટ્રાન્સપ્લાન્ટ કર્યા પછીનો અનુભવ જણાવતાં દક્ષેશભાઈ કહે છે, ‘અત્યારે હું એકદમ નૉર્મલ જીવન જીવું છું. હું એ સમજું છું કે આ જીવન મને એ ભલા માણસની અને તેના પરિવારની દેન છે. હું ખરેખર કૃતજ્ઞતા અનુભવું છું કે મને તેના થકી ફરી જીવવાની તક મળી. હું ઇચ્છું છું કે મારા દ્વારા લોકો ઑર્ગન ડોનેશનનું મહત્ત્વ સમજે. આ સર્વોચ્ચ દાન છે જેને કારણે બીમાર વ્યક્તિને નવજીવન મળી શકે છે.’