હાર્ટ-હેલ્થને સારી રાખવી હોય તો બે વાર બ્રશ કરજો

09 May, 2025 02:42 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બ્રશ ન કરવાને લીધે મોંમાં જમા થયેલા બૅક્ટેરિયા રક્તવાહિનીઓમાં ફેલાય છે અને એને લીધે કાર્ડિયોવૅસ્ક્યુલર સિસ્ટમના કામકાજ પર અસર કરે છે

પ્રતીકાત્મક તસવીર

સવારે ઊઠીને સૌથી પહેલી પ્રવૃત્તિ બ્રશ કરવાની હોય છે. સ્નાન પહેલાં મોંની સફાઈ કરવી એ રૂટીનનો હિસ્સો છે. પાચનતંત્રનો શરૂઆતનો ભાગ ગણાતા મોંની સફાઈ એકંદર સ્વાસ્થ્ય માટે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. શું તમે જાણો છો કે ઓરલ હેલ્થને જાળવવાથી સંભવિત કાર્ડિયોવૅસ્ક્યુલર એટલે કે રક્તવાહિનીઓ સંબંધિત સમસ્યાઓને આવતી રોકી શકાય છે? એક અભ્યાસ અનુસાર એવું જાણવા મળ્યું છે કે બ્રશ ન કરવાથી અથવા ફક્ત એક વાર બ્રશ કરવાથી મોંમાં જમા થતા બૅક્ટેરિયા લોહીના પ્રવાહમાં પ્રવેશ કરવાની તાકાત ધરાવે છે, પરિણામે હાર્ટના સરળ ફંક્શનિંગમાં ખલેલ પહોંચે છે. આ સાથે પેઢાનો રોગ પિરિઓડૉન્ટાઇટિસ થવાનું જોખમ પણ વધે છે.

બ્રશ કરવાથી શું થાય?

બ્રશ ન કરવાથી અથવા ફક્ત એક વાર બ્રશ કરવાથી દાંત પર પ્લાક જામે છે. પ્લાક દાંત પર બનતી સફેદ કલરની પરત છે જે બૅક્ટેરિયાને લીધે બને છે. જો એ જમા થયા રાખશે તો દાંતમાં સડો, મોંમાં દુર્ગંધ અને પેઢાના ટિશ્યુમાં ઇન્ફ્લમેશન અટલે કે સોજા થવાની સમસ્યા થશે. એમાં પણ જો કોઈ વ્યક્તિને ધૂમ્રપાન અને દારૂનું સેવન કરવાની આદત હોય, હેલ્ધી ડાયટ ફૉલો ન કરતા હોય અથવા ડાયાબિટીઝ હોય એવા લોકોમાં બૅક્ટેરિયા બહુ ઝડપથી ફેલાય છે, જેના લીધે આખા શરીરમાં ઇન્ફ્લમેશન થાય છે જે હૃદય સંબંધિત સમસ્યાઓ શરૂ થવાનું કારણ બની શકે છે. પેઢામાં લાંબા સમય સુધી સમસ્યાઓ રહેતી હોય તો એ રોગપ્રતિકારક શક્તિને નબળી કરશે, રક્તવાહિનીઓને નુકસાન પહોંચાડશે. મોંમાં જમા થતા નુકસાનકારક ઍથરોસ્ક્લેરોસિસના વિકાસમાં ફાળો આપી શકે છે. આ એક એવી સ્થિતિ છે જે બ્લડ-વેસલ્સ એટલે કે ધમનીઓને સાંકડી કરીને બ્લડપ્રેશર વધારે છે. એને લીધે હૃદયરોગ, હાર્ટ-અટૅક અને સ્ટ્રોકનું જોખમ પણ વધે છે.

શું કરવું?

ફક્ત એક વાર બ્રશ કરવું ઓરલ હેલ્થને જાળવવા પૂરતું નથી આ વાતને સમજવી બહુ જરૂરી છે, કારણ કે ઘણા લોકો ફક્ત સવારે બ્રશ કરે છે અને એવું સમજી લે છે કે અમારા દાંત સૌથી સારા છે, મોંમાં કોઈ બૅક્ટેરિયા નથી. દિવસમાં બે વાર એટલે કે એક વાર સવારે અને બીજી વાર રાત્રે સૂતાં પહેલાં બ્રશ કરવાથી મોંમાં બૅક્ટેરિયા જમા થતા નથી. બ્રશ કરવાની સાથે મીઠાના પાણીવાળા કોગળા કરવા. આ ઉપરાંત દાંતમાં ફ્લોસિંગ એટલે કે જ્યાં બ્રશ ન પહોંચી શકે એ દાંતની વચ્ચેની જગ્યાને સાફ કરવી જરૂરી છે જેથી બધી જ ગંદકી નીકળી જાય. ફ્લોસિંગ દિવસમાં એક વાર થાય તો પણ ચાલે, પણ બ્રશ બે વાર કરવાનો નિયમ બનાવવો. દાંત જો પીળાશ પડતા દેખાવા લાગે અથવા દુખાવો થાય તો તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવો અને દર છ મહિને નિયમિત ચેકઅપ કરાવવું.

health tips life and style columnists gujarati mid-day mumbai diabetes heart attack