18 April, 2025 11:11 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
કોરોના પેન્ડેમિક આવ્યો એ પછી ભારતના લગભગ દરેક ઘરમાં ડોલો-૬૫૦એ સ્થાન જમાવી લીધું છે. ભારતમાં તાવ આવવો, માથું દુખવું, કળતર થવી કે પછી શરીરમાં ક્યાંય અનઈઝીનેસ લાગે કે તરત જ ડૉક્ટર ડોલો-૬૫૦ લખી આપે છે. એ જેનરિક દવા પૅરાસિટામોલનું બ્રૅન્ડેડ નામ છે. જોકે દરેક દવાની જેમ અસર છે એમ એની અતિ થાય તો આડઅસર પણ ઊભી જ છે. તાજેતરમાં નિષ્ણાતોએ પૅરાસિટામોલની અતિથી લિવરને ખૂબ ડૅમેજ થઈ રહ્યું હોવા બાબતે લાલ બત્તી કરી છે. મૂળ ભારતીય એવા કૅલિફૉર્નિયાના બોર્ડ-સર્ટિફાઇડ ગૅસ્ટ્રોએન્ટરોલૉજિસ્ટ ડૉ. પલનીઅપ્પન મણિકમે લાલ બત્તી સામે ધરતાં કહ્યું છે કે જરાક અમથા તાવમાં પૅરાસિટામોલ લઈ લેવાની આદતથી લિવરની બીમારીનો રાફડો ફાટ્યો છે. હેલ્થ-એજ્યુકેટર ડૉ. પલનીઅપ્પનનું કહેવું છે કે ભારતમાં લોકો કૅડબરી જેમ્સ ખાતા હોય એટલી સહજતાથી આ દવાનો ફાકડો મારી લે છે. પૅરાસિટામોલ એ પ્રિસ્ક્રિપ્શન વિના મળતી દવા હોવાથી બધે જ મળે છે. એને કારણે એનો વપરાશ અધધધ વધ્યો છે. ફૉર્બ્સના આંકડા મુજબ માઇક્રો લૅબ્સે ૨૦૨૦ના કોરોના આઉટબ્રેક બાદ લગભગ ૩૫૦ કરોડ ટૅબ્લેટ્સ વેચીને એક વર્ષમાં જ ૪૦૦ કરોડની રેવન્યુ જનરેટ કરી હતી.