25 February, 2025 01:19 PM IST | Mumbai | Dr. Suruchi Desai
પ્રતીકાત્મક તસવીર
કોઈ પણ બાળક માના ગર્ભમાં ઓછાંમાં ઓછાં ૩૭ અઠવાડિયાં રહ્યું હોય તો તેને પૂરા સમયનું બાળક કહે છે. જો એ બાળક ૩૨ અઠવાડિયાં પહેલાં જન્મે તો તે ઘણું વધારે પ્રી-મૅચ્યોર ગણાય છે જ્યારે ૩૨-૩૭ અઠવાડિયાંની વચ્ચે જન્મે તો પ્રી-મૅચ્યોર ગણાય છે. દરેક મા એવું ઇચ્છતી હોય છે કે તેનું બાળક પૂરા સમયે બહાર આવે. પરંતુ અમુક એવાં કારણો હોય છે જેને લીધે માને લેબર પેઇન વહેલું શરૂ થઈ જાય છે તો એને કારણે બાળક વહેલું જન્મે છે. વહેલું લેબર ચાલુ ન થાય એ માટે પણ અમુક સતર્કતા જરૂરી હોય છે.
જ્યારે સ્ત્રીને ગર્ભાશયમાં, વજાઇનામાં કે યુરિનરી ટ્રૅક્ટમાં ઇન્ફેક્શન થયું હોય તો પ્રી-ટર્મ લેબર થવાની શક્યતા રહે છે. આ પ્રકારના ઇન્ફેક્શનથી પ્રેગ્નન્સીમાં બચવું ખૂબ જરૂરી છે માટે હાઇજીનની કાળજી સ્ત્રીએ રાખવી. જ્યારે એકસાથે વધુ બાળકો હોય એટલે કે જુડવા કે ટ્રિપ્લેટ્સ હોય ત્યારે પ્રી-ટર્મ લેબર આવી શકવાની શક્યતા ઘણી ઊંચી રહે છે. જેનું પહેલું બાળક પ્રી-મૅચ્યોર થયું હોય તો તેનું બીજું બાળક પણ પ્રી-મૅચ્યોર થવાનું રિસ્ક વધુ રહે છે. જો સ્ત્રીની મમ્મી, નાની કે દાદી એ બધાંને પ્રી-ટર્મ લેબર આવ્યું હોય તો એ શક્ય છે કે સ્ત્રીને પણ પ્રી-ટર્મ લેબર આવી શકે. જો બાળકમાં કોઈ ખોડ હોય તો પ્રી-ટર્મ લેબર આવે. આ પરિસ્થિતિમાં જરૂરી છે કે ગર્ભમાં રહેલા શિશુની અલ્ટ્રાસાઉન્ડ ટેસ્ટ સમય-સમય પર થાય. જો સ્ત્રીને પ્રેગ્નન્સી દરમિયાન પ્રેગ્નન્સી ઇન્ડ્યુસ્ડ હાઇપરટેન્શન આવે જેને લીધે તેનું બ્લડ-પ્રેશર વધુ રહેતું હોય તો તેને પ્રી-ટર્મ લેબર આવી શકે છે. આવું જ જેસ્ટેશનલ ડાયાબિટીઝનું સમજવું જે પ્રેગ્નન્સી દરમિયાન સ્ત્રીને આવી શકે છે. પ્રી-ટર્મ લેબર માટે એ જવાબદાર બની શકે છે. જે સ્ત્રીઓ ઓબીસ છે એટલે કે વધુ વજન ધરાવે છે કે અતિ દૂબળી છે એ બન્ને પરિસ્થિતિમાં તેમનું ગર્ભાશય બાળકને વધુ સમય સુધી અંદર રાખી શકતું નથી. એટલે પ્રી-ટર્મ લેબરની શક્યતા વધી જાય છે. જો સ્ત્રીના ગર્ભાશયનું મુખ એકદમ નાનું હોય તો પણ પ્રી-ટર્મ લેબર આવી શકે છે. જો ગર્ભાશય કે એના મુખની કોઈ પણ સર્જરી પહેલાં થઈ હોય તો પણ શક્ય છે કે પ્રી-ટર્મ લેબર આવે. જો ૯ મહિના કે ૧ વર્ષની અંદર જ ડિલિવરી ફરી આવી હોય તો પણ પ્રી-ટર્મ લેબર શક્ય છે, કારણ કે એટલા ઓછા સમયમાં એને ફરી સશક્ત બનવાનો મોકો ન મળ્યો હોય. જે સ્ત્રીને પહેલાં મિસકૅરેજ થયું છે એ સ્ત્રીને પણ પ્રી-ટર્મ લેબર આવવાનું રિસ્ક વધુ રહે છે. આ બધા જ કેસમાં સાવધાની રાખવી અનિવાર્ય છે.