17 May, 2025 06:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
આરોગ્ય ક્ષેત્રે ટેક્નૉલૉજિકલ ક્રાન્તિ બીમારીના નિદાન અને સારવાર માટે બહુ જ મહત્ત્વપૂર્ણ સાબિત થઈ રહી છે. તાજેતરમાં એક વૈજ્ઞાનિક રિસર્ચમાં નવી ટેક્નૉલૉજી ડેવલપ કરવામાં આવી છે જે ફક્ત મોઢાની લાળની મદદથી જણાવી શકશે કે તમને કઈ બીમારી છે. આ ટેક્નૉલૉજીનું નામ રમન સ્પેક્ટ્રોસ્કોપી છે. લાળમાં DNA, RNA, પ્રોટીન અને ફૅટ્સના કણો હોય છે જે રોગની હાજરીમાં બદલાય છે. તેથી લાળની મદદથી એ જાણી શકાશે કે આપણે હેલ્ધી છીએ કે કોઈ બીમારીએ પ્રવેશ કર્યો છે. લાળની ટેસ્ટથી ઑલ્ઝાઇમર્સ, ડાયાબિટીઝ, પાર્કિન્સન્સ, હૃદયરોગ અને કૅન્સર જેવી બીમારી છે કે નહીં એની ખબર પડી શકશે
કેવી રીતે કામ કરે આ ટેક્નિક?
લાળને એક કાચમાં રાખીને રમન સ્પેક્ટ્રોસ્કોપીનો ટેસ્ટ કરતા મશીનમાં રાખવામાં આવશે અને એક ખાસ પ્રકારનો પ્રકાશ એના પર પાડવામાં આવશે જેથી લાળમાં છુપાયેલાં કેમિકલ્સને જોઈ શકાય. આ ટેક્નિક એટલી ઍક્યુરેટ છે કે ઓરલ કૅન્સર અને દાંત કે પેઢાના રોગને પળવારમાં પકડી શકશે અને એ ટાઇમે પકડશે જ્યારે શરીરમાં બીમારીના કોઈ લક્ષણ ન દેખાતાં હોય. જો આ શક્ય બને તો બીમારી શરીરમાં પ્રવેશતાં પહેલાં એની સારવાર થઈ શકશે. આ ટેક્નૉલૉજી ડેવલપિંગ સ્ટેજમાં હોવાથી અત્યારે હૉસ્પિટલો કે લૅબોરેટરીમાં એનો વ્યાપક રીતે ઉપયોગ થઈ રહ્યો નથી. હાલમાં એને વધુ સારી રીતે વિકસિત કરવા માટે IIT, IIM જેવી સંસ્થાઓ એના પર રિસર્ચ કરી રહી છે. ૧૯૮૦ના દાયકામાં સંશોધકોએ હૉર્મોન્સ અને ડ્રગ્સના ઉપયોગને શોધવા માટે લાળની ટેસ્ટ કરી હતી ત્યારે ૧૯૯૦ના દાયકા સુધીમાં HIV શોધવાના માર્ગ તરીકે પણ આ ટેક્નિકનો ઉપયોગ થયો હતો. અત્યારે નવી વાત છે ઝડપ અને ચોકસાઈ. આજની ટેક્નિક્સ સૂક્ષ્મ પરમાણુ પરિવર્તન શોધી શકશે જે અગાઉ માપવાં અશક્ય હતાં.
ક્વિક ટેસ્ટિંગના ફાયદા
રમન સ્પેક્ટ્રોસ્કોપીથી લાળની થતી ટેસ્ટ બહુ ક્વિક અને સરળ છે. આ ટેસ્ટ માટે તમારે ઇન્જેક્શન ખાવાની જરૂર નથી. કોઈ પણ પ્રકારના દુખાવા વગર શરીરની બીમારી વિશે જાણવું સંભવ બનશે. આ પ્રકારનું ટેસ્ટિંગ બ્લડ-ટેસ્ટિંગ કે બાયોપ્સી જેવી પ્રક્રિયાથી ઘણું સરળ છે. આ તો દાંતના રૂટીન ચેકઅપ દરમિયાન પણ થઈ શકે છે. જો આ દિશામાં રિસર્ચ આગળ વધે તો લાળની મદદથી બીમારીઓની સારવાર હજી પણ સરળ થઈ શકશે, લોહી નહીં આપવું પડે. જે લોકો ડરને લીધે, ખર્ચ અથવા સમયને લીધે ડૉક્ટર્સને મળવાનું ટાળે છે એ લોકો માટે આ ટેક્નૉલૉજી ગેમચેન્જર સાબિત થશે. ભવિષ્યમાં હૉસ્પિટલો અને પૅથોલૉજી લૅબ્સ આ ટેસ્ટ અનિવાર્ય કરે તો નવાઈ નહીં લાગે. ઘેરબેઠાં આ આ ટેસ્ટ કરાવવી શક્ય બનશે.
ટેક્નૉલૉજીના નામ પાછળનું રહસ્ય
૧૯૨૮માં ભારતીય વૈજ્ઞાનિક ડૉ. સી. વી. રમને લાઇટની પૅટર્નમાં થતા ફેરફાર વિશે અભ્યાસ કર્યો હતો. તેમણે શોધ્યું કે જ્યારે પ્રકાશ કોઈ પદાર્થ સાથે અથડાય છે ત્યારે એ પદાર્થના અણુઓ સાથે ક્રિયા-પ્રતિક્રિયા થઈને થોડો ફેરફાર થાય છે. આ શોધને રમન ઇફેક્ટ નામ અપાયું. આ શોધ બદલ ૧૯૩૦માં ફિઝિક્સમાં નોબલ પુરસ્કાર મેળવનારા તે પ્રથમ એશિયન નાગરિક બન્યા હતા. ત્યાર બાદ જે સ્પેક્ટ્રોસ્કોપી ટેક્નિક આ અસરનો ઉપયોગ કરે છે એને રમન સ્પેક્ટ્રોસ્કોપી તરીકે ઓળખવામાં આવી. અગાઉ આ ટેક્નૉલૉજી કેમિકલ ઍનૅલિસિસ, ફાર્માસ્યુટિકલ્સ, મટીરિયલ સાયન્સ, પાણીમાં હાજર ઝેરી કેમિકલ તત્ત્વોની ઓળખ માટે અને હીરા-રત્નોના વિશ્લેષણ માટે વપરાતી હતી. હવે મેડિકલ ક્ષેત્રે એનો ઉપયોગ વ્યાપક કરવાની કોશિશો થઈ રહી છે. થૂંક, લોહી અને કોષોની નાની માત્રામાંથી પણ ઍનૅલિસિસ કરીને રોગનું નિદાન થઈ શકે છે. અત્યારે મોટી ક્લિનિકલ ટ્રાયલની જરૂર છે જે હજી પણ ડેટા ઍનૅલિસિસ કરવાની રીત શોધી રહ્યા છે.