ઉંદર કરડી જાય ત્યારે શું કરશો?

11 September, 2025 12:20 PM IST  |  Mumbai | Jigisha Jain

મુંબઈમાં ઉંદરો ખૂબ છે અને દરેક મુંબઈગરાને જીવનમાં એકાદ વાર ઉંદર કરડી ગયાનો અનુભવ થતો હોવાની સંભાવના ઘણી વધુ છે

ઉંદર કરડી જાય

મુંબઈમાં ઉંદરો ખૂબ છે અને દરેક મુંબઈગરાને જીવનમાં એકાદ વાર ઉંદર કરડી ગયાનો અનુભવ થતો હોવાની સંભાવના ઘણી વધુ છે. છતાં આપણને ભાગ્યે જ ખબર હોય છે કે ઉંદર કરડે તો કરવાનું શું? કૂતરું કરડે તો રેબીઝ થઈ શકે અને એ જીવલેણ સાબિત થઈ શકે. ઉંદરનું કરડવું હંમેશાં નહીં પરંતુ અમુક કેસમાં જીવલેણ સાબિત થઈ શકે. ખાસ કરીને એના કરડ્યા પછી આવતા તાવને અવગણો અને ઇલાજ ન કરો તો. એ વાત પણ યાદ રાખવાની છે કે ઉંદર કરડે તો ઘા નજીવો હોય કે ગંભીર, ટેટનસ એટલે કે ધનૂરનું ઇન્જેક્શન લઈ લેવાનું ફરજિયાત છે

હાલમાં મરોલમાં રહેતાં ૮૫ વર્ષનાં ડિમેન્શિયાનાં દરદી મહિલાને ચેસ્ટ ઇન્ફેક્શન થઈ જવાને લીધે કૂપર હૉસ્પિટલમાં દાખલ કર્યાં હતાં. હૉસ્પિટલમાં તેમને ઉંદરે ખૂબ બટકાં ભર્યાં અને એના ફોટો સોશ્યલ મીડિયા પર ફરી વળ્યા હતા. ૮૫ વર્ષનાં એ બાની એ કફોડી હાલત જોઈને કોઈ પણ વ્યક્તિને અરેરાટી છૂટી જાય.

 હાલમાં જ ઇન્દોરની મહારાજા યશવંતરાવ હૉસ્પિટલમાં નીઓનેટલ કૅરમાં રાખેલાં બે નવજાત શિશુનું ત્યાં ઉંદર કરડી જવાથી મૃત્યુ થયું હતું. હૉસ્પિટલની બેદરકારી સામે આજે એ માતા-પિતા અને સમાજસેવી સંસ્થાઓ ધરણા પર બેઠાં છે. 

આ બન્ને કેસ હૉસ્પિટલની બેદરકારી અને હાઇજીનની અભાવજનક પરિસ્થિતિનું તાદૃશ ચિત્રણ છે. ઇન્ટરનેટ પર એક સર્ચ કરશો તો આવા અઢળક કિસ્સાઓ મળી આવશે. હમણાં જ ગણપતિની વિદાય આપણે કરી પણ ગણરાજાની આ મુંબઈ ધરા પર તેમના વાહન ઉંદરની સંખ્યા ઘણી વધારે છે. ઉન્દીલ મામા કી જય બોલતી વખતે આપણે જે ક્યુટ મામાની છબી મનમાં સ્થાપિત કરીએ છીએ ત્યારે સ્વપ્ને પણ વિચાર નથી કર્યો હોતો કે ઉંદરમામા જો ગુસ્સે ભરાયા અને કરડી ગયા તો આફત થઈ પડશે. મુંબઈમાં ઉંદરોની સંખ્યા ઘણી વધારે છે અને અહીં દસ-દસ માળ સુધી ઉંદરો ચડીને ઘરમાં ઘૂસતા જોવા મળે છે ત્યારે ઉંદર કરડી જવાના કિસ્સા ઘણા વધુ પ્રમાણમાં જોવા મળે છે. જોકે મનમાં પ્રશ્ન જરૂર થાય કે ઉંદર કરડે ક્યારે? ઉંદર એક એવું પ્રાણી છે જે કોઈ પણ જાતના ખતરાનો અનુભવ કરે ત્યારે અટૅક કરે. ડરેલો હોય, પોતાનું રક્ષણ કરવા માગતો હોય, એકદમ કોઈ હલચલ થાય કે જોરથી અવાજ આવે તો એના રિસ્પૉન્સમાં એ બટકું ભરી શકે. રસપ્રદ વાત એ છે કે ઉંદરની દૃષ્ટિ કુદરતી રીતે સારી નથી હોતી. એની ગંધ પારખવાની શક્તિ સારી હોય છે પણ રાત્રે જ્યારે તે બહાર નીકળે, જોવામાં તકલીફ થાય, ગંધ પારખવામાં ગરબડ થઈ ગઈ હોય તો પગ કે હાથની આંગળીને ખોરાક સમજીને એ બચકું ભરી શકે છે. સામાન્ય રીતે એ બચકું ભરે તો એટલું પેઇન થાય કે માણસ ઊંઘમાં હોય તો પણ તરત ખબર પડે અને એ પોતાની જાતને બચાવે, પણ આપણે જે કેસની વાત કરી એ દરદીઓમાં એક નવજાત બાળક અને બીજાં વૃદ્ધ બા બન્ને બીમાર અવસ્થામાં હતાં એટલે તેઓ ઉંદરથી ખુદને બચાવી શકે એમ નહોતાં. એટલે એ તેમના માટે વધુ ગંભીર પરિસ્થિતિ થઈ ગઈ.

નિશ્ચિત ઇલાજ નથી

ઉંદર જ્યારે કરડે ત્યારે એના આંગળના દાંતનાં નિશાન એ જગ્યા પર જોવા મળે છે. એ બન્ને દાંત એકદમ બેસાડીને બટકું ભરે છે જેમાંથી લોહી નીકળતું હોય છે. બટકું ધીમેથી ભર્યું હોય તો લોહીના ટશિયા ફૂટ્યા હોય અને જોરથી ભર્યું હોય તો લોહીની ધાર પણ નીકળી શકે. ઘણી વખત એવું પણ બને કે ઉંદર ખૂબ ડરેલો હોય અને બચાવ માટે ઘાંઘો થઈ ગયો હોય તો એ ઘણીબધી જગ્યાએ એકસાથે બચકાં ભરે, ચામડી પર સ્ક્રૅચ દેખાય. કૂતરું બચકું ભરી જાય તો રેબીઝ થાય અને વ્યક્તિનું મૃત્યુ થઈ શકે છે એ વાત ઘણા લોકોને ખબર છે અને એટલે એ કરડે ત્યારે તરત ડૉક્ટર પાસે જતા રહે છે, પરંતુ ઉંદર કરડે ત્યારે શું-શું થઈ શકે અને એ માટે શું કરી શકાય એ આજે સમજીએ. ઉંદરના કરડવા વિશે વાત કરતાં જનરલ ફિઝિશ્યન ડૉ. બિનિતા મહેતા કહે છે, ‘આજકાલ ઉંદર કરડવાના કેસ ઘણા સામે આવી રહ્યા છે, પણ એવું નથી કે આ કોઈ નવો પ્રૉબ્લેમ છે. મુંબઈમાં ઉંદરોની સંખ્યા ઘણી વધુ છે. મહત્ત્વનું એ છે કે આમાં દરેક કેસ જુદો થઈ જાય છે. કૂતરું કરડે તો એક નિશ્ચિત ઇલાજ કરવામાં આવે છે, પણ ઉંદર કરડે તો કોઈ સ્ટાન્ડર્ડ ઇલાજ હોતો નથી. આપણા શહેરમાં નાનકડી ઉંદરડીથી લઈને મોટા જમ્બો સાઇઝના ઉંદરો છે. વળી એણે કઈ રીતે બચકું ભર્યું છે, જે વ્યક્તિને ભર્યું છે તેની ઉંમર, તેનું સ્વાસ્થ્ય એ બધું જ સમજવું જરૂરી બને છે. એ પછી જ નક્કી થઈ શકે કે આ ઉંદરનું કરડવું કેટલું ગંભીર હતું અને કેટલું નહીં. ઉંદરના કરડવાનો બનાવ મોટા ભાગના મુંબઈગરાઓને તેમના જીવનમાં એકાદ વાર તો થાય જ છે. બધાને ગંભીર ઈજા નથી થતી પણ ઘણાની હાલત ખરાબ થઈ જાય છે. આમ દરેક કેસ જુદો છે.’

તાત્કાલિક શું કરવું?

ઉંદર કરડે ત્યારે સૌથી પહેલાં શું કરવું એ સમજાવતાં ડૉ. બિનિતા મહેતા કહે છે, ‘જ્યારે ઉંદર કરડે ત્યારે પહેલાં તરત સાબુ અને ગરમ પાણીએ આ જખમને ધોઈ નાખો. ઍન્ટિબાયોટિક ઑઇન્ટમેન્ટ લગાડો અને જરૂર લાગે તો એના પર એક સાફ પાટો બાંધી શકો છો. જ્યારે ઉંદર કરડે ત્યારે ટેટનસનું ઇન્જેક્શન લેવું ફરજિયાત છે. એટલે જો રાત્રે ઉંદર કરડી ગયો હોય તો સવારે તરત ડૉક્ટર પાસે જવું અને તમારો ઘાવ ચેક કરાવો. ટેટનસનું ઇન્જેક્શન ડૉક્ટર તમને આપશે. ઘણા ડૉક્ટર્સ આ પરિસ્થિતિમાં એમને જરૂર લાગે તો રેબીઝનું ઇન્જેક્શન એટલે કે ઍન્ટિ-રેબીઝ વૅક્સિન પણ આપતા હોય છે. એની જરૂર છે કે નહીં એ ડૉક્ટર જ નક્કી કરી શકે. અને સમજો કે જરૂર નહોતી છતાં તમે એની રસી લઈ લીધી તો કોઈ પ્રૉબ્લેમ નથી. સેફ્ટી માટે એ લઈ શકાય.’

ગંભીર ક્યારે?

જે વ્યક્તિને ઉંદર કરડ્યો છે તેણે ખાસ ધ્યાન રાખવું કે તેને તાવ આવે છે કે નહીં. એ વિશે સમજાવતાં ડૉ. બિનિતા મહેતા કહે છે, ‘ઉંદર કરડે એના ૨-૪ દિવસમાં વ્યક્તિને તાવ આવી શકે છે. જેમાં માથું દુખે, સ્નાયુમાં દુખાવો થાય, સાંધામાં દુખાવો થઈ શકે, જ્યાં ઉંદર કરડ્યો છે ત્યાં સોજો આવી જાય, લાલ ચાઠાં પડી જાય. આવું કશું થાય તો તરત જ ડૉક્ટરને મળવું જરૂરી છે. આવ સમયે દરદીને ઍન્ટિબાયોટિક લેવી જરૂરી છે. એ પણ એનો પૂરો કોર્સ કરવો જોઈએ. ઉંદર કરડે પછી બૅક્ટેરિયલ ઇન્ફેક્શન થવાની સંભાવના વધુ છે.’  

કૉમ્પ્લીકેશનથી બચો

કેટલીક વખતે જ્યારે દરદી આ ઇન્ફેક્શનનો યોગ્ય ઇલાજ કરાવતો નથી કે સમયસર ચાલુ નથી કરતો ત્યારે એ ઘાતક પુરવાર થઈ શકે છે. આ ઇન્ફેક્શન મગજ અને કરોડરજ્જુ પર અટૅક કરે છે, જેને કારણે મેનિન્જાઇટિસ થઈ શકે છે. હાર્ટનાં અમુક કૉમ્પ્લીકેશન પણ ઊભાં થઈ શકે છે જેમ કે એન્ડોકાર્ડાયટિસ, માયોકાર્ડાયટિસ, પેરિકાર્ડાયટિસનો સમાવેશ થાય છે. આ ઇન્ફેક્શન જ્યારે કિડની પર અસર કરે તો વ્યક્તિને નેફ્રાઇટિસ થઈ શકે છે. એ લિવર પર અસર કરે તો હેપેટાઇટિસની તકલીફ ઊભી થઈ શકે છે. જો ફેફસાં પર અસર કરે તો ન્યુમોનિયાના રૂપે એ સામે આવે છે. આમ ઉંદરના કરડવા પછી જો તાવ આવે તો એ તાવને અવગણવો ન જોઈએ, એ ગંભીર રૂપ ધારણ કરી શકે છે.’

health tips mumbai columnists gujarati mid day life and style Jigisha Jain social media